Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

ગુલામીનો ધબ્બો અને લઘુતાગ્રંથિનો પડછાયો

કોમનવેલ્થ : બ્રિટનના શાહી તૂતથી ભારતે છેડો ફાડવો જોઈએ

બ્રિટનના રાજકીય વિશ્લેષકો અને નેતાઓ પણ કોમનવેલ્થ રાષ્ટ્રમંડળની સાર્થકતા પર પ્રશ્ન છેડતા હોય છે

ભારતમાં અંગ્રેજી ભાષાથી માંડી સંસદ, ન્યાયતંત્ર તેમજ સેનામાં બ્રિટિશ સિસ્ટમનો પ્રભાવ

કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ ચંદ્રકોથી ભારતની ઝોળી ભરાય તેથી આપણે ભલે હરખ અનુભવતા પણ ખરેખર તો 'કોમનવેલ્થ' શું છે તે સમજવા છતા આપણે તેમાં એક દેશ તરીકે કેમ સામેલ છીએ તેની નાગરિકો, રાજકીય વિશ્લેષકો કે નેતાઓને શરમ કેમ નથી આવતી તે ચિંતાજનક બાબત છે.

બ્રિટિશરોએ જે દેશો કે ટાપુઓને ગુલામ બનાવીને શાસન કર્યું હતું તેઓ કાળક્રમે સ્વતંત્ર બન્યા કે બનાવાયા. આ દેશોનું બ્રિટનની રાણી એલિઝાબેથે મંડળ બનાવ્યું જેને કોમનવેલ્થ નામ અપાયું. ૧૯૪૯માં તેની સ્થાપના કરવામાં આવી હતી. કોમનવેલ્થ દેશો એટલે તમારે સતત એવા થપ્પા સાથે ૨૧મી સદીના આ ટેકનોલોજી અને પ્રગતિના કાળક્રમમાં પણ જીવવાનું કે 'હા અમે એક જમાનામાં બ્રિટિનના ગુલામ હતા. તેના એડીએ ઝૂકીને પગરખા ચાટતા હતા.

' કોમનવેલ્થ દેશો પર નજર ફેરવશો તો જણાશે કે ૫૩ દેશો પૈકી ભારત, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, મલેશિયા અને સિંગાપોરને બાદ કરતા અન્ય દેશો કે ટાપુઓ તો સાવ બદતર અને પછાત આર્થિક સામાજિક સ્થિતિએ છે જેમના નામ અજાણ્યા છે કે પછી દારૃણતાના દ્રશ્યો નજર સામે ખડા કરે છે.

ખરેખર તો ભારતે વિશ્વમાં અમેરિકા, ચીન અને યુરોપીય દેશો જેવી તેની સુપર ઇમેજ ખડી કરવી હોય તો વટ કે સાથ નાગરિકોએ જ એવુ જનમત આંદોલન કરવું જોઇએ કે અમે વિશ્વની સૌથી મોટી લોકશાહીને ઉજાગર કરતા સ્વતંત્ર નાગરિકો છીએ. વર્તમાન સરકારે કે આરએસએસ જેવી સંસ્થાએ કોમનવેલ્થમાંથી ભારતને બહાર કરી દો તેની હાકલ કરવાની જરૃર છે.

કોમનવેલ્થ દેશોની ૬૦ ટકા વસ્તી એકલા ભારતની જ છે. ભલે ભારતમાં બંધારણની રૃએ રાષ્ટ્રપતિ સર્વોચ્ચ હસ્તી છે પણ કોમનવેલ્થના સભ્ય દેશોના આજે પણ બ્રિટિશ રાજવી પરિવાર અને રાણી એલિઝાબેથ-ટુ વડા છે. તેઓ ભારત કે અન્ય કોમનવેલ્થ દેશોના વહીવટ, શાસન પ્રણાલીમાં દરમ્યાનગીરી નથી કરતા આમ છતાં આજે પણ કોમનવેલ્થ દેશોની મુલાકાત રાજવી પરિવાર લે તો તેઓની પ્રજા તેના રાજાને આપે તેટલી આગતા-સ્વાગતા કરવી પડે છે.

બ્રિટનના નાગરિકો ક્યારેય કોઇએ કલ્પના ના કરી હોય તેમ યુરોપિયન યુનિયનથી છૂટા પડવા માટે 'બે્રકઝિટ' જનમત યોજે તેમ ભારત માની લો કે કોમનવેલ્થને વિખેરી ના શકે પણ તેની સાથે છેડો તો ફાડી જ શકે ને.

ખુદ ગ્રેટ બ્રિટનના નાગરિકો અને રાજકીય સમીક્ષકો પણ આવારનવાર કોમનવેલ્થ એક નર્યો દંભ અને ૨૧મી સદીમાં પણ બ્રિટનનો અહમ્ સંતોષતા મંડળ તરીકે તેની અવારનવાર ટીકા કરતા રહ્યા છે. કોમનવેલ્થનો હેતુ શું ? શું કોમનવેલ્થ તેના એજન્ડાને પરીપૂર્ણ કરવામાં સફળ રહ્યું છે ખરૃ તેવી વ્યાપક ચર્ચા ૨૦૦૯માં તેની સ્થાપનાની ષષ્ઠીજયંતિના અવસરે અને તે પછી થતી જ રહી છે.

ભારત આઝાદ થયે પણ ૭૧ વર્ષના વહાણા વીતી ગયા તો પણ સતત એવી યાદ સાથે આજીવન આગળ વધવાનું કે 'અમે ગુલામ હતા' આજે આપણું અર્થતંત્ર બ્રિટન કરતા પણ આગળ નીકળીને પાંચમા ક્રમે છે છતાં પણ જાણે બ્રિટનના નેજા હેઠળ હોય તેવું દ્રષ્ય ખડું થાય છે.

ખરેખર તો બ્રિટિશરોને જ વૈશ્વિક મંચ પર પુછવું જોઇએ કે કોમનવેલ્થ મંડળ રચવા પાછળની તમારી વૃત્તિ કઇ છે ? છેલ્લા ૬૯ વર્ષના તેના પ્રદાનની સમીક્ષા કરવી જોઇએ.

કોમનવેલ્થના ઉદ્દેશ્યો છે જેવા કે પ્રત્યેક સભ્ય દેશો વચ્ચે પરસ્પર સદભાવના, માનવ અધિકારની જાળવણી, લોકશાહીનું જતન, રંગભેદ મુક્ત વિશ્વ તેમજ પર્યાવરણની સુરક્ષા. આ એજેન્ડા તો યુનાઇટેડ નેશન્સના છે જ. આ ઉપરાંત ગુ્રપ-૭, ગુ્રપ-૨૦, ક્લાયમેન્ટ પરિષદના પણ આવા જ એજન્ડા છે તો કોમનવેલ્થની શી જરૃર ? રહી વાત કોમનવેલ્થની તો તે  તેના હેતુને સાર્થક કરવામાં સફળ નીવડયું છે કે કેમ તેનું મૂલ્યાંકન કરવામાં આવે તો ખરેખર નિરાશા સાંપડે.

કોમનવેલ્થ રાષ્ટ્રોની વાત જવા દો આજે પણ તેના મુખ્ય વડા કહી શકાય તેવા બ્રિટનમાં જ રંગભેદ સાથેની દ્વૈષવૃત્તિ નામશેષ નથી થઇ. બ્રિટન એક જમાનાના ગુલામ દેશોને આજે પણ તુચ્છ, પછાત કે મદારીના દેશ તરીકે જ જુએ છે.

ભારત સહિત એશિયાઈ દેશોની ચઢીયાતી પ્રતિભાને ભાગ્યે જ એવું પોસ્ટિંગ મળશે કે તેઓના હાથ નીચે ગોરા હોય. કોમનવેલ્થ રાષ્ટ્રોના આફ્રિકી દેશો કે વેસ્ટ ઇન્ડિઝના અને અન્ય ટાપુઓની તો તેમના દેશમાં પણ હજુ પશુ જેવી જિંદગી છે. ગોરા દેશોમાં બ્રિટનના એક જમાનાના ગુલામ રાષ્ટ્રો પ્રત્યેની દ્રષ્ટિ અંદરખાનેથી આભડછેટ પ્રકારની છે. અમુક મેયરો કે સાંસદો બ્રિટનમાં નિયુકત થયા છે તે અપવાદ કહી શકાય પણ અહીં સર્વગ્રાહી મૂલવણી થઇ રહી છે. કોમનવેલ્થ મંડળનો સૌથી મહત્ત્વનો એજેન્ડા જ રંગભેદ મુક્તિનો છે.

કોમનવેલ્થ મંડળે આ માટે ઓન રેકોર્ડ શું કર્યું ? ગોરી સરકાર અને તેના નાગરિકોના કાન આમળ્યા ? જાહેરમાં કોઈ નિવેદન કર્યું છે ખરુ ? તેવી જ રીતે માનવ અધિકારની જાળવણીની રીતે જોઇએ તો રવાન્ડા, યુગાન્ડા, તાન્ઝેનિયા, પાકિસ્તાન, નાઇઝીરીયા, કેન્યા, બાંગ્લાદેશ જેવા દેશોમાં નરસંહાર, આતંકવાદ તેમજ લોકશાહીની જાળવણીની રીતે પણ દાયકાઓથી ભારે અરાજકતા જોવા મળે છે. કોમનવેલ્થ મંડળની મીટિંગોમાં યાદ નથી કે વૈશ્વિક હેડલાઈન બને તેમ કોઈ દેશ કે આતંકીઓને 'ખબરદાર' કહ્યું હોય.

તેના ૫૩ સભ્ય દેશો પૈકી પાંચેક ભારત જેવા અગ્રણી દેશોને બાદ કરો તો ૪૫ દેશોમાં તો હજુ ગરીબી, રોગચાળો, ખોખલી લોકશાહી અને પછાતતા પ્રવર્તે છે. જો ખરેખર કોમનવેલ્થ મંડળના ચાર્ટરમાં કંઇ નક્કર કરી કે કહી શકાય તેવી સત્તા કે કાર્યક્ષેત્રને જ સ્થાન નાઆપવામાં આવ્યું હોય તો આવા મંડળનો હેતુ શું ?

હવે જાણી લો કોમનવેલ્થ મંડળ રચીને બ્રિટન કેમ આજે પણ મુછમાં મલકાય છે.

ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને સાઉથ આફ્રિકાના ગોરાઓમાં તો અંગ્રેજી ભાષાનું જ જોર હોય તે સમજ્યા પણ કોમનવેલ્થ મંડળની સ્થાપના વખતનો એક મહત્ત્વનો એજન્ડા એ છે કે બ્રિટને જ્યાં શાસન કર્યું છે ત્યાં અંગ્રેજી ભાષા જળવાઈ રહે અને તેનો પ્રચાર થાય તે માટેનું લક્ષ્ય રાખવું.

તમે જુઓ ચીન, જર્મન, રશિયા, ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, અને કોરિયા જેવા દેશો તેમની જ ભાષાના માધ્યમ છતા વિશ્વના ટોચના દેશો છે જ્યારે ભારતમાં હિન્દી અને પ્રાંતિય ભાષાને બદલીને અંગ્રેજી છવાઈ ચૂકી છે. કોર્ટથી માંડી અમલદારોની ભાષા અંગ્રેજી છે. કોમનવેલ્થ મંડળનો આ પ્રભાવ અને સભાનપૂર્વકનો પ્રચાર છે જેનું હેડક્વાર્ટર બ્રિટનમાં છે.

આવું સ્પષ્ટપણે માનવામાં આવે છે કે કોમનવેલ્થ દેશોમાં બ્રિટિશ અંગ્રેજી (અમેરિકન નહીં) એક સુત્ર તરીકે જાળવી રાખે તેવી ભાષા તરીકે સ્થાન મળે. સત્તાવાર રીતે નથી ઠરાવાયુ પણ સાહિત્યનો પ્રતિષ્ઠીત 'મેન બુકર પ્રાઇઝ' એવોર્ડ કોમનવેલ્થ દેશના એવા સાહિત્યકારને જ આપવામાં આવે છે જેની મૂળ કૃતિ અંગ્રેજી ભાષામાં લખવામાં આવી હોય.

૧.૩૦ અબજની વસ્તી અને ઉપભોકતા ધરાવતા ભારતે ચીન પાસેથી શીખવા જેવું છે. અમેરિકા, યુરોપનું સંશોધન, બજાર, ઉત્પાદન ભારત ને નજરમાં રાખીને થાય છે. આપણે આપણી શરતો મુકીએ તો તેઓ આપણા ગુલામ હોય તેમ પડતો બોલ ઝીલે.

આપણી લઘુતાગ્રંથિ કહો કે બ્રિટિશ પધ્ધતિ જ સ્વીકારી લીધી હોય તેમ કોમનવેલ્થ રાષ્ટ્રો પાસે એવી આશા રાખવામાં આવે છે કે તેઓ બ્રિટનની સંસદ જેવું જ માળખુ અને પ્રોટોકોલ રાખે... અને તમે જૂઓ હજી પણ આપણે તે રીતે બ્રિટિશ પ્રભાવમાં જ છીએ.

સંસદ, તેની ડિઝાઈન તેની કામગીરી અને પ્રોટોકોલથી આગળ વધીને તમે જોઈ શકો છો કે આપણી ભારતીય સેના, તેના યુનિફોર્મ, સ્ટાર, રેન્ક તેમજ તેની માર્ચ પાસ, પરેડ, સલામી અને ઉજવણી બધું જ બ્રિટિશ સેનાનું જ બેઠું અને હજુ રજેરજ જાળવી રખાયેલ છે. તેવી જ રીતે આપણી કોર્ટ અને તેના પ્રોટોકોલ પણ બ્રિટિશ છે.

થોડા વર્ષો પહેલા જજ માથા પર વિગ પહેરતા તે પ્રથા હવે નથી રહી. પદવીદાન સમારંભમાં વિદ્યાર્થીઓ અને મુખ્ય મહેમાનનો ડ્રેસકોડ, રોબ વગેરે આજે પણ ભારત જ નહીં કોમનવેલ્થ રાષ્ટ્રોમાં પણ બ્રિટિશ સલ્તનતના પ્રભાવ હેઠળનું છે. પશ્ચિમી દેશોના રંગે રંગાવું અને ગુલામીનો પડછાયો સતત ઓઢીને સવાયા બ્રિટિશરો બનવાનો પ્રયત્ન કરતા રહેવું તેમાં બહુ મોટો ફર્ક છે.

તમે બારીકાઈથી નિરીક્ષણ કરશો તો  કોમનવેલ્થના જે પણ સભ્ય દેશો છે ત્યાંની પ્રજામાં ખુમારી નથી, ધર્મ, જાતિ, ભાષાની રીતે એકતા નથી કેમકે આ જ બીજ બ્રિટીશરોએ વાવ્યા છે જે વટવૃક્ષ બનીને 'શેડો સ્લેવ મેન્ટાલિટી'માં આપણને રાખે છે. આજે પણ આપણે ગોરી ચામડીથી પ્રભાવિત છીએ અને આપણી જાતને 'અંગ્રેજી એટીકેટ'ના ફરજંદ માનીને ગૌરવ અનુભવીએ છીએ.

કોમનવેલ્થ ગેમ્સ જો દર ચાર વર્ષે મીની ઓલિમ્પિકની જેમ યોજી શકાતી હોય તો કોમનવેલ્થ મંડળનો  શુભ સંકલ્પ હોય તો ચોક્કસ તેમના સભ્ય દેશોના તમામ સ્તરના ઉત્થાન માટે નક્કર લક્ષ્યાંકો હાંસલ કરી જ શકે.

કોમનવેલ્થ મંડળનું નામ ગુલામોના મંડળ તેવું જ રખાયું હોત તો કોઈ દેશ તેમાં સભ્ય બન્યો હોત ખરો?

આઝાદીની શરૃઆતના દાયકામાં નોન એલાઈન મુવમેન્ટ, 'સાર્ક', કોમનવેલ્થ હજુ પણ સાર્થક હતા પણ હવે તેનો પ્રભાવ છે ખરો? યુનોને પણ અમેરિકા, રશિયા, ચીન, નોર્થ કોરિયા જેવા સુપર રાષ્ટ્રો અને પાકિસ્તાન, સિરીયા, ઈરાન, રવાન્ડા, હૈતી ઘોળીને પી જાય છે. ત્યારે આજે પણ અમારો સૂરજ કદી આથમતો નથી તેવા આભાસી ઘમંડમાં રાચવાની બ્રિટનને તક આપતા કોમનવેલ્થ મંડળની જરૃર જ શું છે? કેન્દ્ર સરકાર જવાબ આપી  શકે ખરી કે કોમનવેલ્થ મંડળના સભ્ય બનવાથી ખરેખર આપણે શું મેળવ્યું?
 


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 

Post Comments