Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

SPORTS ફન્ડા - રામકૃષ્ણ પંડિત

મલેશિયાના વામન સાયકલીસ્ટ અવાંગની વિરાટ સિદ્ધિ


'તુ સાઈકલીંગમાં નહિં ચાલે' તેવું કહેનારા આજે ઓલિમ્પિક મેડાલીસ્ટ અવાંગને સલામ ભરે છે

૨૦૧૧માં ઈંગ્લેન્ડના ટ્રેક વર્લ્ડ કપમાં સર્જાયેલા  અકસ્માતમાં અવાંગના પગમાં લાકડાનો ટુકડો ઘુસી ગયો હતો, છતાં તેણે ઝનૂન સાથે રેસમાં ટકી રહેતાં બ્રોન્ઝ મેડલ જીત્યો

સુપર સેલિબ્રિટીથી માંડીને એક અદના આદમીની જિંદગીના ઓરડામાં જરા ડોકિયું કરીએ તો તરત સમજાઈ જાય છે, પરિસ્થિતિના વિરાધાભાસ છતાં બંનેમાં એક બાબતનું સામ્ય તો હોય છે અને એ છે, 'જિંદગી હર કદમ એક નઈ જંગ હૈ'. પૃથ્વી પરના કોઈ પણ મનુષ્ય માટે - પછી તે રોડ પર બેઠો હોય કે કરોડોની કારની સાયન્ટીફિકલી તૈયાર કરવામાં આવેલી કમ્ફર્ટેબલ ચેર પર આરામ ફરમાવતો હોય - છતાં બંનેના મનમાં આવનારા દિવસોની ચિંતા એક સરખી જ હોય છે. દરેકને ખબર જ હોય છે કે તેની સામેના પડકાર કયા છે અને શું કરવાથી તેને પાર કરી શકાય છે. આ બધુ જાણવા છતાં ખૂબ જ જૂજ લોકો એવા હોય છે કે, જેઓ પ્રામાણિકતાથી પડકારોને પાર કરવાનો પ્રયાસ કરે છે અને જ્યારે તેઓને સફળતા મળે છે, ત્યારે દુનિયા સાશ્ચર્ય - વિસ્ફરીત નેત્રે તેની સિદ્ધિઓને જોઈ રહે છે. આ સમયે તેમની નજર સફળતાના ઝગમગાટ પર નહિ પણ તેણે કરેલા પ્રામાણિક પ્રયાસ તરફ હોય છે અને આ જ બાબત રેસ્ટ અને બેસ્ટને અલગ તારવે છે.

વિરોધના વંટોળને પાર કરીને આગળ વધી જનારા જ પોતાની મંઝીલ સુધી પહોંચી શકે છે. આ વિરોધનો વંટોળ માત્ર આથક જ હોતો નથી, પણ તમારી આસ-પાસના લોકોની તમારા પરની શંકા પણ હોય છે. ઘણી વખત બીજાના મંતવ્યોની એટલી અસર થાય છે કે ચેમ્પિયન બનવાની ક્ષમતા ધરાવતા ખેલાડીઓ મેદાનમાં ઉતરવાનું સાહસ જ કરતાં નથી. જોકે મલેશિયાનો અઝીઝુલહસ્ની અવાંગ તેવા ખેલાડીઓમાં સામેલ નહતો, તે ઝંઝાવાતોનો સામનો કરવાથી ક્યારેય ડરતો નહતો.

આજે માત્ર મલેશિયા જ નહિ પણ દુનિયાના જાણીતા સાઈકલીસ્ટ્સમાં સ્થાન ધરાવતા અઝીઝુલહસ્ની અવાંગે માત્ર ૧૫ વર્ષની ઉંમરે સાઈકલિંગ તરફ ધ્યાન આપવાનું શરુ કર્યું, ત્યારે કોઈ તેની તરફેણમાં નહતું. નાણાંકીય સમસ્યા તો હતી જ, પણ અન્યો કરતાં પ્રમાણમાં ઓછી ઉંચાઈ ધરાવતા અવાંગ માટે તેનું કદ જ તેના માટે જાણે વિલનની ભૂમિકા ભજવી રહ્યું હતુ. પોતાના ભાઈને જોઈને સાઇકલિંગના પેડલ મારવાનું શરુ કરનારા અવાંગે સ્થાનિક લેવલે સફળતા મેળવી. જે તેના માટે નેશનલ સ્પોર્ટસ સ્કૂલ સુધીની સીડી બની ગઈ. જ્યાં પહેલા જ દિવસે સાઈકલિંગના કોચે અવાંગને જોઈને કહી દીધું કે, 'તું સાઈકલિંગ છોડી દે. તારી જેટલી ઉંચાઈ ધરાવતા ખેલાડીએ અન્ય કોઈ સ્પોર્ટસ પસંદ કરવું જોઈએ. સાઈકલિંગ કરવંિ હોય તો ઉંચાઈ જોઈએ. લાંબા પગ જોઈએ, જે તારી પાસે નથી.'

મલેશિયાના બુકીત જલીલમાં આવેલી નેશનલ સ્પોર્ટસ સ્કૂલમાં 'અનુભવી' કોચની આ પ્રકારના પ્રતિભાવથી અવાંગ અવાક બની ગયો. ઘણી વખત કેટલાક કોચીસનો અનુભવ તેમના શિષ્યની વિરાટ પ્રતિભાને માપવામાં ઉણો ઉતરતો હોય છે. આવું જ અવાંગના કિસ્સામાં પણ બન્યું. તે જાણતો હતો કે, સાઈકલિંગ એ જ મારુ જીવન છે અને કોઈ ગમે તે કહે મારે આમાં જ ટકી રહીને સખત મહેનત કરવાની છે. કોચના વિપરીત પ્રતિભાવની અસામાન્ય અસર અવાંગ પર પડી. તેણે સાઈકલિંગનું હેન્ડલ છોડી દેવાને બદલે બંને હાથથી મજબુત રીતે પકડી દીધું. તે માત્ર એટલું જ સમજ્યો હતો કે, કુદરતે તેને સાઈકલિંગ માટે જરુરી કદ-કાઠી નથી આપ્યા, પણ તેને સખત મહેનત કરવાનું ઝનૂન આપ્યું છે.

અવાંગને એ બાબત સમજાઈ કે અન્ય ખેલાડીઓ કરતાં તેને ડબલ મહેનત કરવાની છે. બસ આ જ બાબત તેના મનમાં ઘર કરી ગઈ અને તેણે જબરજસ્ત મહેનત શરુ કરી. અવાંગની સખત મહેનત ધીરે ધીરે રંગ લાવવા માંડી અને તેને સાઈકલિંગ છોડી દેવાની સલાહ આપનારા કોચ પણ અવાંગની સેલ્ફ બિલીફ અને સખત મહેનત પર ઓવારી ગયા. મલેશિયાના એક નાનકડા વિસ્તારમાંથી આવેલા એક નાનકડા છોકરાએ બધાની માન્યતાઓ અને પૂર્વધારણાઓને ધરાશાયી કરતાં રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી લીધું.

સૌથી મહત્વની બાબત એ હતી કે, સ્પોર્ટસ સ્કૂલમાં રહીને સાઈકલિંગમા સફળતા માટે સંઘર્ષ કરી રહેલો અવાંગ ભણવામાં પણ ખૂબ જ હોશિંયાર હતો. હાઈસ્કૂલમાં પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે બહાર આવેલા અવાંગને સરકારની જુનિયર સાયન્સ કોલેજમાં એડમીશન મળતું હતુ. સ્પોર્ટસની દુનિયામાં નામ કાઢનારા ખેલાડીઓ અભ્યાસમાં પણ આગળ હોય તેવું ખુબ જ ઓછું જોવા મળતું હોય છે. મલેશિયામાં જુનિયર સાયન્સ કોલેજના વિદ્યાર્થીઓ મોટાભાગે ડોક્ટર બનતા હોય છે અને પોતાના બાળકને ડોક્ટર બનાવવાનું સ્વપ્ન - ભારત હોય કે મલેશિયા - બધા દેશોમાં માતા-પિતાના મનમાં હોય તે સ્વાભાવિક છે. જોકે અવાંગનું લક્ષ્ય ડોક્ટર બનવાનું નહતુ. તેણે માતા-પિતાની નારાજગી વહોરીને પણ જુનિયર સાયન્સ કોલેજના એડમીશન માટેના આમંત્રણને ઠુકરાવી દીધું. ત્યારે ઘણાને લાગ્યું હતુ કે, અવાંગે જિંદગીની ઘણી મોટી ભુલ કરી છે, પણ તેના મનમાં તેની ભવિષ્યની રાહ સ્પષ્ટ હતી.

અવાંગે આંતરરાષ્ટ્રીય સાઈકલિંગમાં પ્રવેશ મેળવવાની સાથે જ પોતાની આગવી ઓળખ ઉભી કરી લીધી હતી. સૌપ્રથમ તેણે ૨૦૦૭માં થાઈલેન્ડ ખાતે યોજાયેલી સાઉથઈસ્ટ એશિયન ગેમ્સમાં ભાગ લીધો અને મલેશિયાને ગૌરવ અપાવતા ટીમ ઈવેન્ટમાં સુવર્ણ સફળતા મેળવી, જ્યારે અન્ય બે વ્યક્તિગત સ્પર્ધામાં તેને રજત ચંદ્રક પ્રાપ્ત થયો. આ પછી તો એશિયન ચેમ્પિયનશીપમાં સુવર્ણ સફળતાએ અવાંગને મલેશિયાનો ટોચનો સાઈકલીસ્ટ બનાવી દીધો. આ પછીના વર્ષે તેણે એશિયન ચેમ્પિયનશીપમાં બે સુવર્ણ ચંદ્રકો મલેશિયાને અપાવ્યા અને તેની સાથે મીડિયાએ તેને 'પોકેટ રોકેટ'નું હૂલામણું નામ પણ આપ્યું.

મલેશિયાએ તેના આ યુવા અને લેજન્ડરી સાઈકલીસ્ટને ૨૦૦૮ના બેઇજિંગ ઓલિમ્પિકમાં ફ્લેગ બેરર બનવાનું ગૌરવ પ્રદાન કર્યું પણ તે થોડા માટે મલેશિયાને સાઈકલિંગનો ઓલિમ્પિક ચંદ્રક અપાવવાથી વંચિત રહી ગયો હતો. જોકે આ પછીના વર્ષથી સળંગ બે વખત તેણે વર્લ્ડ સાઈકલિંગ ચેમ્પિયનશીપમાં રજત સફળતા મેળવીને વિશ્વ ઈતિહાસના મહાન સાઈકલીસ્ટ તરીકે રેકોર્ડ બુકમાં સ્થાન પ્રાપ્ત કરી લીધું હતુ. આંતરરાષ્ટ્રીય સ્તરે સુવર્ણ તરફ આગળ વધી રહેલા અવાંગને ૨૦૧૧માં એક દુર્ઘટનાનો સામનો કરવો પડયો હતો. તે માન્ચેસ્ટરમાં સાઈકલિંગ વર્લ્ડ કપમાં ભાગ લઈ રહ્યો હતો અને તેની આગળના સાઈકલિસ્ટે સંતુલન ગુમાવતા અવાગ સહિતના ચાર-પાંચ સાઈકલિસ્ટોને અકસ્માત સર્જાયો. આ બધામાં અવાંગને સૌથી વધુ વાગ્યું. લાકડાનો એક ટુકડો તેના પગની આર-પાર નીકળી ગયો, છતાં તેણે ઉભા થઈને સાઈકલિંગ શરુ કર્યું અને બધાના આશ્ચર્ય વચ્ચે તેણે કાંસ્ય સફળતા મેળવી. જોકે અકસ્માત ગંભીર હતો અને આ જ કારણે તેને સર્જરી કરાવવી પડી. ઈજામાંથી સાજા થતા સમય લાગ્યો અને તેને એક વર્લ્ડ ચેમ્પિયનશીપ ગુમાવવી પડી. આ દરમિયાનમાં જ અવાંગે વધુ સારી જિંદગીની તલાશમાં પોતાનું વતન છોડીને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થવાનું નક્કી કર્યું.

ઓસ્ટ્રેલિયામાં તેને નવેસરથી જિંદગી ગોઠવવાની હતી. અજાણ્યા મુલ્કમાં - અજાણ્યા લોકો વચ્ચે અવાંગને સેટ થવામાં મુશ્કેલી તો પડી પણ તેણે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમા મલેશિયાનું પ્રતિનિધિત્વ કરવાનું જારી રાખ્યું. આ દરમિયાન જ લંડનમાં ઓલિમ્પિક ગેમ્સ યોજાયા, જેમાં અવાંગે મેળવેલી કાંસ્ય સફળતા મલેશિયાના સાઈકલિંગ ઈતિહાસમાં અદ્વિતીય બની રહી. ઓલિમ્પિકની કાંસ્ય સફળતા બાદ તેણે વર્લ્ડ સાઈકલિંગ ચેમ્પિયનશીપમાં પણ મલેશિયાને સફળતા અપાવવાનું જારી રાખ્યું છે. તેણે આ દરમિયાન સાઈકલિંગની દુનિયામાં નંબર વનનું સ્થાન પણ હાંસલ કરી લીધું.

વિરાટ સફળતાઓના આકાશ પર છવાઈ ગયેલા અવાંગની સાઈકલના પૈડા હજુ પણ કાળના અથાક ચક્રની જેમ ચાલ્યા જ કરે છે. અવાંગ ઘણી વખત તેના સૌપ્રથમ સાઈકલિંગ કોચના શબ્દોને વાગોળે છે. તે કહે છે કે, સાઈકલિંગ પ્રત્યે મને શરુઆતમાં એટલો બધો લગાવ નહતો, પણ તે સમયે મારા કોચના શબ્દો મને હાડોહાડ લાગી આવ્યા અને પછી મેં જે મહેનત શરુ કરી તેનું પરિણામ બધાની સામે છે. તમારી ટીકા કરનારાને સામે જવાબ ન આપો પણ તમારી મહેનત વધારી દો, પછી જુઓ કમાલ...
 

Post Comments