Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સ્પેક્ટ્રોમીટર - જય વસાવડા

વેકેશનમાં આ ફિલ્મોનું દર્શન એ જ આનંદનું શાસન!

અવનવી ભાષાઓમાં બનતી અનુપમ ફિલ્મોમાંથી પસંદ કરેલી ૧૬ ફિલ્મોનો શણગાર!

''આપણા વારસામાં વાર્તાઓનો ખજાનો છે. અને એ કદી પૂરો ઉલેચાવાનો નથી. અલગ અલગ રીતે આ વાર્તાઓ કહી શકાય છે. ફિલ્મ એનો એક તરિકો છે.'' - રાજમૌલી

આ છૂટીઓમાં મળેલા સમયનો સદુપયોગ કરીને જોઇ નાખવા જેવી ફિલ્મોની યાદી આ રહી :

(૧) ગૉડ્સ ઓફ ઈજીપ્ત : મોસમ ચોમેર 'બાહુબલી : ધ કન્ક્લુઝન'ની પૂરબહારમાં છે, અને એની અસર જોતાં હોવી જ જોઇએ. પણ એ જોયા પછી એ જ મૂડ કન્ટીન્યૂ કરવો હોય તો ગયા વર્ષે આવેલી, પણ નબળા પ્રમોશનને લીધે ન જોવાયેલી આ હોલીવૂડ ફિલ્મ જોઇ લો. બાહુબલીની જેમ એ ય ઈજીપ્શ્યન માયથોલોજીમાં મસાલા ભેળ કરી બનાવાયેલી છે, અને 'ધ ક્રો' તથા 'આઈ, રૉબોટ' જેવી ધમાકેદાર ફિલ્મ બનાવી ચૂકેલા ખમતીધર દિગ્દર્શકે એમાં ય ઝગમગાટ સ્પેશ્યલ ઈફેક્ટ્સ દિલ લઇને ફિલ્માવી છે. ફિલ્મમાં લાઇફ આફટર ડેથ, અહંકાર, નૈતિકતા, સત્તા માટે પરિવારમાં જામતી સાઠમારી - બધું જ છે. ફરીવાર બાહુબલી જોયાનો જલસો પડશે. અને બે મસ્તમજાની કમનીય કાયા ધરાવતી રૃપસુંદરીઓ જોવા મળશે એ બોનસમાં!

(૨) ઈગોલેર ચોખ : આ બંગાળી શીર્ષકનો અર્થ થાય આયઝ ઓફ ઈગલ. ફ્રાન્સની માફક બંગાળને ય ડિટેક્ટિવ સ્ટોરીઝનું ઘેલું હોય, એ તો વ્યોમકેશ બક્ષી કે ફેલુદાની કહાનીઓ પરથી ય ખબર પડે ને 'કહાની'કાર સુજોય ઘોસ પરથી ય! બંગાળના જાણીતા વયોવૃદ્ધ સાહિત્યકાર શીર્ખેન્દુ મુખોપાધ્યાયે સર્જેલી કૃતિઓ પરથી તો આપણો સેન, તપન સિંહા અને ઋષુપર્ણો ઘોષ જેવા ય ફિલ્મો બનાવી ચૂક્યા છે. આ ફિલ્મ શાબોર દાસગુપ્તા નામના આધેડ વયના વિચક્ષણ પોલીસ ઈન્સ્પેકટરના પરાક્રમો પરની કથાસીરિઝ પર આધારિત છે. કુશલ દિગ્દર્શક અરિંદમે સીલની ઓલમોસ્ટ હિન્દીમાં બનારસમાં ફિલ્માવાયેલી 'હર હર બ્યોમકેશ' જોનારાને તો ખાતરી જ હોય,સસ્પેન્સ સ્ટોરી કહેવાની એમની આવડતની. એક પ્રાદેશિક ફિલ્મ પણ કેવી ટેકનિકલી ચકાચક હોય એનો સબૂત આ સંવાદો પર જ આગળ વધતી ફિલ્મ હોવા છતાં બૉરડમ ના આપતી આ ફિલ્મ છે. ઑપનિંગ સીનમાં જ એક બંગલામાં બે ફુટડી યુવતીઓ એકલી છે અને બે બુકાનીધારી પ્રવેશે છે. એકની હત્યા કરી ઉપર જાય છે, ત્યાં બેડરૃમમાં સૂતેલી બીજી જાણે એમની રાહ જોતી હોય એમ ઓશીકાં નીચેથી રિવોલ્વર કાઢીને એમના પર ફાયરિંગ કરે છે. જેનો હસબન્ડ બીજે દિવસે બહારથી આવે છે. આખિર ક્યા હૈ ઈસકા રાઝ? એ સૂલઝાવે છે ઈન્સ્પેકટર શાબોર. જેની કહાની કહેતી આ અગાઉની આવી જ રહસ્યકથામય ફિલ્મ 'એબર શાબોર' પણ ખાસ સમય કાઢીને જોવા જેવી!

(૩) ગ્લોબલ બાબા : ક્યારે આવી ને ક્યારે ઉતરી ગઇ એ ય યાદ ન આવે એવી મનોજ સિદ્ધેશ્વરી તિવારી દિગ્દર્શિત આ ફિલ્મ ચેનલો - અખબારો પર જેનો રાફડો ફાટયો છે એવા 'બાબાલેન્ડ'ની સચ્ચાઇભરી ચીરફાડ કરે છે. બાબાલોગ પોલિટિકલી પાવરફૂલ છે. જનમત એમની માળાના પારાઓની જેમ એમના ટેરવે છે. સ્વીસ બેન્કોને લોન આપે એવા વૈભવી આશ્રમોનું એમ્પાયર ઊભું કરે છે. જાયજેન્ટિક જલસાઓ અને તોતિંગ તમાશાઓનું આયોજન કરે છે, અને પછી લીગલ ટ્રિબ્યુનલને ય ઘોળીને પી જાય છે. નેચરલી, બાબાઓ બિઝનેસથી રાજનીતિ સુધી સુપરહિટ હોય ત્યાં ફિલ્મ તો સુપર ફ્લોપ જવાની. પણ ટાઇટલ પરથી લાઉડ લાગતી આ રવિ કિશન, અભિમન્યુ સિંહ, પંકજ ત્રિપાઠી જેવા કુશળ અભિનેતાઓની ફિલ્મ ખાસ્સી અસરદાર છે. આંખ મીંચીને ગમે તેવા ગોરખધંધા કરનારની ય ભક્તિમાં લીન અંધશ્રદ્ધાળુ પ્રજાની આંખો ખોલનારી છે.

(૪) ધ મોસ્ટ બ્યુટીફુલ ડે : 'ડેર ગાઇલ્સ્ટ ટાગ' નામનું આ જર્મન મૂવી હજુ રિમેક માટે કેમ હોલીવૂડ - બોલીવૂડમાંથી કોઇને નજરે નથી ચડયું, એની નવાઇ લાગે! એક હોસ્પિટલમાં બે યુવાનો દર્દી છે. એકને ઘાતક બ્રેઇન ટયુમર ડિટેક્ટ થયું છે, બીજાના ફેફસાં પલ્મોનરી ફાઇમ્બ્રોસીસને લીધે નાજુક હોઇ ઓક્સિજન પર છે, જેને ગમે ત્યારે ચેપ લાગી શકે. યુવાન વયે મોતના ઈન્તેજાર સિવાય કોઇ ઉપચાર થઇ શકે એમ નથી. બંને એકબીજાને મળે છે, અને નક્કી કરે છે કે આમ બોરિંગ હોસ્પિટલમાં પડયા રહેવાને બદલે ભાગવું. હવે સજાનો ડર તો નથી, એટલે બંદૂકની અણીએ લૂંટ કરીને બેઉ જાય છે આફ્રિકા. એકને મરતા પહેલા છૂટી થઇ ગયેલી પત્નીને ત્યાં જઇ દીકરીને મળવું છે. બીજાને જીંદગીનો સૌથી સુંદર દિવસ ભોગવી લેવો છે. જાતભાતના એડવેન્ચર્સ અને અવનવી ઘટનાઓમાંથી બેઉ પસાર થાય છે. લડેઝગડે છે, અને એકબીજાની કાળજી રાખી હસેકૂદે છે. એકની યુટયુબ ચેનલ જેમાં માત્ર બાર લાઇક્સ છે, એમાંના ચાર ડૉકટર છે, ને ત્રણ પેશન્ટ્સ ગુજરી ગયેલા છે, એમાં વિડિયો અપલોડ થાય છે. હસીમજાક, ડ્રામા અને પીડા બધું જ રાજકુમાર હિરાણીની માફક ગૂંથી લેતી આ ફિલ્મમાં અંતે ખ્યાલ આવે છે કે જીવનનો સૌથી સુંદર દિવસ કયો હતો! એ માટે એક હીરો રાઇટર - ડાયરેકટર ફિટ્ઝ ખુદ છે, અને બીજો પ્રોડયુસર માથીયીચ પોતે છે, એવી આ ફિલ્મ જોવી જ રહી!

(૫) શૅલોઝ : શાર્ક માછલીનો ટેરર પડદા પર ફીલ કરાવતી સ્પીલબર્ગની 'જૉઝ' તો કલ્ટ ક્લાસિક છે. પણ એમાંથી પ્રેરિત ઢગલો ફિલ્મ બાદ ખરેખર એના લેવલની કોઇ ફિલ્મ આવી હોય, તો શેલૉઝ. આખી ફિલ્મમાં ઓલમોસ્ટ બસ એક જ એક્ટ્રેસ અને દરિયો પડદા પર છે, પણ છતાં રાજકુમાર રાવની ઓવરરેટેડ 'ટ્રેપ્ડ'ની જેમ પ્રેક્ષકને કંટાળો ન આવે, એવી દિલચસ્પ ટ્રીટેન્ટ છે. ફિટ બ્યુટી બ્લેક લાઇવલીએ ભજવેલી નાવિકા અટૂલા ટાપુ પર સ્વીમિંગ કરવા જાય છે, અને ઓલરેડી બીજાને ભરખી ગયેલી લોહીતરસી વ્હાઇટ શાર્ક ત્રાટકે છે. બિકિનીમાં રહેલી હીરોઇન પાસે કોઇ મોટો સામાન નથી. ફોન નથી. પણ ડૉકટર હોઇને બાયોલોજીની સમજ, તીવ્ર બુદ્ધિ અને ખાસ તો મોતનો મુકાબલો કરવાનો જાંબાઝ સ્પિરિટ છે. સંગાથ છે, એક વાબગલી પંખીનો, જે ખુદ ઘાયલ છે. કેવી રીતે ઝઝૂમે છે એ વીરાંગના જોખમો સામે? આ સમર બીચની સફર સાથે દિલધડક થ્રીલ્સ આપતી ફિલ્મ જોવી રહી!

(૬) નાન્નકુ પ્રેમાથો : બાહુબલીના પ્રચંડ બોક્સ ઓફિસ બ્લાસ્ટને લીધે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી તરફ ઘણા ય રસિયાઓનું ધ્યાન ખેંચાયું હશે. ઓવર ધ ટોપ એકશન સાથે લાઉડ ડ્રામા એ સાઉથની ફિલ્મોની ખાસિયત છે. મોટે ભાગે એ હથોડામાં પરિણામે, પણ જો યોગ્ય માત્રામાં રજુઆત થાય તો ધમધોકાર જલસો પડી જાય. જુનિયર એનટીઆર અને જગપતિ બાબુની ટક્કર બતાવતી આ ફિલ્મ ગયા વર્ષે જ આવી, પણ ડલ હિન્દી થ્રીલર્સ કરતાં સાત નહિ, સિત્તેર દરજ્જે ચડિયાતી છે. શરૃ કર્યા બાદ ધારો તો ય બંધ ન કરી શકો એવી સ્પીડમાં અવનવી એકશનપેક્ડ વળાંકો એમાં આવે છે. 'કાઉન્ટ ઓફ મોન્ટેક્રિસ્ટો'ની તર્જ પર રિવેન્જ ડ્રામા તરીકે શરૃ થતી ફિલ્મમાં મરણપથારીએ રહેલ બાપ ત્રણ દીકરાઓને બોલાવી, પરિવારની જાહોજલાલી કેવી રીતે - એક વિશ્વાસઘાતી ઠગે છીનવી સુખ રગદોળી નાખ્યું એ વર્ણવેછે. પોતાના પૈસા, પ્રતિષ્ઠાને લૂંટનારો એ ચાલાક ખલનાયક લંડન બેઠો છે. સૌથી નાનો દીકરો પ્રતિજ્ઞાા લે છે કે માત્ર ૩૦ દિવસમાં એને ધૂળ ચટાવી દઇશ. એ માટે વિલનની દીકરીને પ્રેમમાં પાડવી જરૃરી છે. પછી તો શરૃ થાય છે શતરંજના બે બાહોશ યોદ્ધાઓની બાજી જેવી સામસામી ચાલ! સ્પોર્ટસ ગીઅરમાં દોડતી ફિલ્મમાં બેઉ બળિયા એવા ટકરાય છે કે રૃટિન લાગતા પ્લોટની આ ફિલ્મ પણ એક્સલન્ટ લાગે! મસ્ટ સી.

(૭) સ્ટોર્કસ : આપણી દુનિયામાં નવા નવા ક્યુટ ક્યુટ બચ્ચાંઓ ક્યાંથી આવે છે? વેલ, ફિલ્મી યુનિવર્સનું ઑલ્ટરનેટિવ ઈમેજીનેશન માનો તો સ્ટોર્કસ નામના પંખીઓ 'બેબી ફેકટરી'માંથી અવનવા રમકડાં જેવા શિશુઓ જગતમાં ઘેર ઘેર ડિલિવર કરતા. પણ હવે જૂની સીસ્ટમને બદલે નવું હાઇટેક પ્રોફેશનલિઝમ આવ્યું છે. ભૂલમાં રહી ગયેલી એક વાતવાતમાં ગફલત કરતી છોકરી અને બૉસ બનવા માટે તલપાપડ એવો એક ભોળો જુનિયર કર્મચારી અને એક 'બેબી' યાને બચ્ચુ. જેને 'ઓર્ડર' કર્યો છે, આજના જમાનામાં મોબાઇલ - કોમ્પ્યુટર - કરિઅરમાં બિઝી મા-બાપથી ત્રાસેલા એક ઉત્પાતીયા બાળકે! અને પછી તો ગજબની કોમેડી કમાલ ધમાલ શરૃ થાય છે! એમાં ય વરૃઓની ગેંગનું એનિમેશન તો ક્યા કહેના! મસ્ત એવી 'ઝૂટોવિયા'ની ભલામણ બાજુએ રાખીને ય સ્ટોર્કસની  કરી એમાં જ સમજી જાવ ને!

(૮) હેપી ભાગ જાયેગી : પાકિસ્તાનનું નામ લો તો અત્યારે 'હાલાત ભંગ' થઇ જાય એવો માહોલ છે. અલબત્ત, મેન્યુફેકચર્ડ મેસેજીઝથી રિમોટ કન્ટ્રોલ્ડ દેશપ્રેમ ઠાલવનારા કેટલાક ઉછળકૂદિયાઓ મીડિયા પર ક્રોધે ભરાય છે, એટલા ખરેખર સૈનિકો માટે દુઃખી થાય છે કે કેમ એવો સવાલ એમના આગબબૂલા રિએકશનનું ટાર્ગેટ નાપાક હરકતો અને સંયમી સરકારી તંત્રને બદલે આર્ટિસ્ટ્સ - રાઇટર્સ બનતા જોઇને લાગે. એ વખતે ખ્યાલ પણ આવે કે કરણ જૌહર - શાહરૃખ સામે તૂટી પડેલા ટ્રોલરટપ્પુઓ 'હેપી ભાગ જાયેગી' જેવી ફિલમને ભૂલી ગયેલા, જેમાં પાકિસ્તાની કલાકારો જ નહિ, પાકિસ્તાની લોકેશન પર આકાર લેતો પ્લોટ હતો! અલબત્ત, 'તનુ વૅડ્સ મનનુ'ના સર્જકો પાસેથી આવેલી 'હેપી ભાગ જાયેગી' એકદમ હલકીફૂલકી રોમકોમ યાને રોમેન્ટિક કોમેડી હતી. કેરેક્ટર્સ માટે ફીલ થાય એવી માવજત અને મસ્ત સંવાદો. સરહદ પરની તંગદિલી, જડતા પરના કટાક્ષ, પાકિસ્તાનમાં ય લિબરલ ધનિક ફેમિલીઝ હોય છે જેને કટ્ટરવાદ સાથે લાગેવળગે નહિ એ બેકગ્રાઉન્ડ અને પિયુષ મિશ્રાની પાકિસ્તાનમાં બેઠાં બેઠાં ગાંધીજીને યાદ કરતી કૉમિક એકટિંગ. કોઇ પોલિટિકલ - રિલિજીયસ કોમેન્ટ વિના ઘણું કરીને હેપી હેપી  કરી નાખે એવી સરસ ફિલ્મ.

(૯) બ્રધર્સ ગ્રીમ : આપણા મેઘાણીભાઇની માફક જર્મનીમાં ગ્રીમ બંધુઓ જેકોબ અને વિલ્હેમ ગ્રીમે યુરોપનો પંથક ખૂંદીને અવનવી પરીકથાઓ ભેગી કરેલી (જેનો રસાળ અનુવાદ ગુજરાતીમાં રમણલાલ સોનીએ ઉપલબ્ધ કરાવેલો). એ બે સ્વયં દંતકથા બની ગયેલા પરીકથા સંશોધક - લેખક ભાઇઓના પાત્રોને ટ્વિસ્ટ કરી, એક ઈમેજીનરી ફેરી ટેલ થ્રીલર ફિલ્મ ટેરી ગિલ્લામે બનાવી હતી ૨૦૦૫માં. જેમાં 'જોકર'થી અમર હીથ લેજર અને મેટર ડૅમોન હતાં. સાહિત્યકારોને ફિલ્મના મુખ્ય પાત્રો બનાવવા ને એ ય વળી ઈમેજનરી ફેન્ટેસી ફિલ્મમાં, એવું આપણે ત્યાં હજુ વિચારી શકાય એમ નથી. આ ફિલ્મમાં તો બેઉ વળી ટ્રિકબાજ ઉસ્તાદો બતાવ્યા છે, જેમને એક ભેદી જંગલમાં ધકેલી દેવાય છે, ગામમાંથી દૂર થતી છોકરીઓને ભેદ ઉકેલવા... અને ગામમાં એક બહાદૂર છોકરી છે, જે અદ્રશ્ય ભૂતવાળના ભયનો સામનો કરવાનું કલેજું છે રાખે છે. ઘૂંટાતી ઘટનાઓ દોરી જાય છે મારકણી એવી સદીઓ જૂની 'મિરર ક્વીન' તરફ! આખી ફિલ્મ મજેદાર મનોરંજન તો આપે જ છે, પણ ટ્રેઝર હન્ટની અદામાં એમાં ટેન્ગલ્ડ, સ્નો વ્હાઇટ, પ્રિન્સેસ એન્ડ ફ્રોગ, સ્લીપિંગ બ્યુટી, રેડ રાઇડિંગ હૂડ જેવી ગ્રીમ બ્રધર્સની અનેક યાદગાર પરીકથાઓના જે રેફરન્સીઝ ગૂંથી લેવાયા છે, એ લાજવાબ છે.

(૧૦) ઓ ત્તારી : વેલ વેલ, આ વર્ષે ગુજરાતી ફિલ્મ માટે નેશનલ એવોર્ડ લઇ આવનાર 'રૉંગ સાઈડ રાજુ', ગુજરાતી ફિલ્મોમાં અઢળક પ્રેક્ષકો કેમ લઇ આવવા એ શીખવાડનાર હિટ 'સુપરસ્ટાર', નવતર ફોરેન લોકેશન લઇ આવતી ધ્વનિ ગૌતમની 'તું તો ગયો', નીરવ બારોટની ઓનેસ્ટ 'થઈ જશે' જેવી ફિલ્મો (દુનિયાદારી કે કૅરી ઑન કેસર પર ઓલરેડી લખાઇ ગયું)ને બદલે આ ફિલ્મ કેમ લખી? અરે, આ જ વેકેશનમાં દોડીને જોવા જેવી બે ગુજરાતી ફિલ્મો આવે છે : 'છેલ્લો દિવસ'ના જ સર્જકોની ઓલરેડી ટનાટન ટ્રેલરવાળી 'કરસનદાસ' (જેમાં છેલ્લો દિવસનો નરિયો મયૂર ચૌહાણ મુખ્ય ભૂમિકામાં છે) અને મલ્હાર ઠાકરની ઈન્ટરેસ્ટિંગ થ્રીલર 'કેશ ઓન ડિલિવરી' - પછી આમાં ઓ ત્તારીનો શું સ્કોપ ? સિમ્પલ, બાકીની તો ફિલ્મો સારી છે જ. પણ ફિલ્મનો પ્લોટ ઈન્ટરેસ્ટિંગ છે. આગાથા ક્રિસ્ટી ટાઇપ થ્રિલરનો. અને રેકેમેન્ડ કરવાનું મેઇન રીઝન છે : ફિલ્મમાં કેમેરામેન - દિગ્દર્શક તપન વ્યાસે શૂટ કરેલી અમદાવાદની પોળોમાં ચેઝ સીક્વન્સ અને એવા જ બીજા કોતરોના લોકેશન્સ. બાકી બધું બોનસમાં!

(૧૧) પીટ્સ ડ્રેગન: જંગલના રસ્તે એક કાર જાય છે. પ્રેમાળ મમ્મી-પપ્પા સાથે હજુ પ્લેહાઉસમાં જતું હોય એવું વ્હાલું ભૂલકું છે. જેને મમ્મી ચિત્રવાર્તાની ચોપડી વંચાવે છે, ને એ કાલુંઘેલું બોલતાં શીખીને સવાલો પૂછે છે. કારને અકસ્માત થાય છે. પેરેન્ટ્સ ગુજરી જાય છે. ટેણીયું ચોપડી લઇને ભયાનક જંગલમાં એકલું મુંઝાઇને ઊભું છે. અને એક વિરાટ ડ્રેગન એની સામે આવે છે. બચ્ચું ભોળી આંખો એના પર ટેકવી રડમસ સાદે પૂછે છે : 'તું મને ખાઈ જઈશ?' વેલ, એક જ સીનમાં કનેક્ટ કરી દેતી આ ફિલ્મ ડિઝનીની જ હોવાની. પણ ગંજાવર 'બ્યુટી એન્ડ ધ બીસ્ટ' કરતાં એમાં વધુ ઈમોશન્સ છે. ઈ.ટી. અને જંગલ બૂકના આ પિક્સ જેવી આખી ફિલ્મ બહુ રોમાંચક છે, અને હૃદયસ્પર્શી પણ. પર્યાવરણ માટેની લાગણી પેદા કરતી આ ફિલ્મમાં દેખાતા ન્યુઝીલેન્ડના રળિયામણા લોકેશન્સ (વ્હેર એલ્સ યુ કેન ફાઇન્ડ ફેન્ટાસ્ટિક ફોરેસ્ટસ?) છે, અને  મૂળ જૂની  મ્યુઝિક કરતાં ઘણો ઊંચો સંદેશ આપતી કહાની પણ.

(૧૨) બાદલ દ્વાર: આપણે ત્યાં ઘણાને એવું છે કે દેવભાષા સંસ્કૃત એટલે બસ ભક્તિ અને વૈરાગના ઉપદેશની ભાષા. પણ એ તો શૃંગાર અને સૌંદર્યની ભાષા છે. આપણે જેને બાળવાર્તાનો ગ્રંથ માનીએ છીએ એ પંચતંત્રમાં તો ઈરોટિક વધુ છે! મણિ કૌલ જેવા અઘરી આર્ટ ફિલ્મોના માંધાતાને પણ ઈમ્પ્રેસ કરે એવો કામદેવતાનો વારસો પ્રાચીન ભારતના સાહિત્યમાં સઘળે છે. સંસ્કૃત નાટક 'અવિમારક', સૂફી કવિ મલિક મોહમ્મદ જાયસીની કવિતા 'પદ્માવત' અને પ્રાચીન શૃંગાગરકથા સંગ્રહ 'શુકસપ્તસતી'નો ત્રિવેણી સંગમ કરી મણિ કૌલે ૧૯૯૪માં ફિલ્મ 'બાદલ દ્વાર' બનાવેલી, અંગ્રેજીમાં ક્લાઉડ ડૉર. રાજકુમારીને કામુક કથા કહેતા પોપટનો જીવ રાજકુમારી બચાવે છે, અને બદલામાં પોપટ એને એના પ્રેમી સાથે મેળવે છે, એ મુખ્ય પ્લોટ. ફિલ્મ નાની છે. પણ આપણા મૂળિયાની રંગીન રસિકતાથી છલોછલ છે. ઉસ્તાદ ઝિયા ફરીદુદ્દીન ડાગરનું ક્લાસિકલ મ્યુઝિક પણ અદ્ભુત છે. હા, અનુ અગરવાલ પ્રિન્સેસ જેવી ન લાગે, પણ મણિ કૌલે એને અને એના અનાવૃત વળાંકોને ગજબ સેન્સ્યુઆલિટીથી ફિલ્માવ્યા છે. ફિલ્મ ભારતમાં રજૂ થઇ ત્યારે રાબેતા મુજબ સંસ્કૃતિરક્ષકોનો હોબાળો મચેલો, પણ વિશ્વના અનેક વિવેચકોની પ્રશંસા એને મળી!  પોર્ન કરતાં ઉત્તેજક છે, કામકેલીને પ્રસ્તુત કરવાનો કસબ.

(૧૩) ધ સ્પેસ બિટ્વિન અસ: આ વર્ષે જ આવીને જતી રહેલી આ ફિલમ તો પ્યોર વેકેશન બોનાન્ઝા છે. સાયન્સ ફિકશન, ટીન એજ રોમાન્સ, ચિલ્ડ્રન એડવેન્ચર બધું એકસાથે ! મંગળના ગ્રહ પર અવકાશયાત્રાએ ગયેલા કોસ્મોનોટમાં લીડર યુવતીને ખ્યાલ આવે છે કે એ પ્રેગનન્ટ છે. બાળકને જન્મ દેવામાં એ મરણ પામે છે. તેજસ્વી બાળક મંગળ પર ચંદ લોકો વચ્ચે જ ઉછરે છે. પૃથ્વી પર ચૅટ કરતા એક કમઉમ્ર છોકરીની સાથે સ્પેશ્યલ ફ્રેન્ડશિપ કરે છે. એની તબિયતને પૃથ્વી માફક આવે એમ નથી. તો ય એને પોતાના પરિવારના મૂળિયા શોધવાનું આકર્ષણ છે. જેની છૂટીછવાઇ કડીઓ એની પાસે છે. પણ મિશનના વડીલ સાયન્ટીસ્ટની મનાઇ છે. અને છોકરો પૃથ્વી પર આવી, એની દોસ્તને મળી જીવનું જોખમ છતાં નીકળી પડે છે. ધરતીની સફરે... મર્મવેધક સંવાદો અને મસ્ત ફીલ કરાવતું પિકચર.

(૧૪) વૉર ડૉગ્સ: 'રોડ ટ્રિપ' અને 'હેંગ ઓવર' જેવી ફિલ્મોના ડાયરેક્ટરના હાથમાં રિયલ ફેક્ટસ વાળી હ્યુમર સ્ટોરી આવે, તો અફલાતૂન જ બને ને! વાસ્તવમાં અમેરિકામાં શસ્ત્રોના સોદાગર દલાલ તરીકે કામ કરનારા બે ભાઇબંધોની વાર્તા એમાં છે, જે મહત્વાકાંક્ષાથી ધખધખે છે. અમીર બનવા માટે અમેરિકા જ્યાં યુદ્ધ કરે છે, ત્યાં શસ્ત્રો સપ્લાય કરવાના કોન્ટ્રાક્ટ મેળવે છે. સ્ટાર્ટ ટુ એન્ડ ફિલ્મ બ્લેક હ્યુમર ને ફ્રેન્ડશિપ ફીલિંગ તો આપે જ છે, પણ હથિયારોની બજારના મામલે અમેરિકા કેવી કેવી રીતે 'જંગ'ને એક ધંધો બનાવે છે, અને યુદ્ધ કેવળ રાષ્ટ્રની સુરક્ષાનો નહિ, બિઝનેસનો સબ્જેક્ટ છે - એ પોલિટિક્સ પણ સમજાવે છે! વિશ્વયુદ્ધના ડાકલાં વાગે છે, ત્યારે આ ફિલ્મ તો ખાસ જોવા જેવી ખરી!

(૧૫) વીરાના: હેં? એવું પોતાની જાતને ભદ્ર માનતા રીડરબિરાદરોને જરૃર થઇ શકે. જગતભરની ઉત્તમોત્તમ હૉરર છોડીને, અને છેલ્લે ઈન્ટરનેશનલ ક્લાસની 'ફોબિયા' જેવી બહેતરીન સાયકો થ્રીલર ફિલ્મ ઓવલી એ મૂકીને વીરાના? જ્યારે ભારતમાં પરદેશી હૉરર ફિલ્મોની એસોટેડ ખીચડી હિન્દી ભૂવાભૂતના એલીમેન્ટસ નાખી પીરસવામાં આવતી એ યુગની જાતો?  જી હા. બિલકુલ સહી. એક તો એની હીરોઇન જાસ્મીન. ટિપિકલ હિન્દી હૉરરમાં ઈરોટિક એલીમેન્ટ્સ હોય જ. અને જાસ્મીન તો પડદા પર વાયેગ્રા જેવી હસીન હતી. ચુડેલના પ્રેમમાં પડી જવાય એવી! બીજી ઉતારચઢાવ અને હોન્ટિંગ મ્યુઝિકથી ભરપૂર એની સ્ક્રિપ્ટ. થોડાક આવા ગિલ્ટી પેઝર્સ પણ  લેવા જોઇએ ને વેકેશનમાં!

(૧૬) સિંગ: 'મૉઆના' જેવી મસ્ત મ્યુઝિકલ એનિમેશનને (ન જોઇ હોય તો) વેઇટિંગ લિસ્ટમાં રાખીને આ 'ડિસ્પેકેબેલ મી' અને 'મિનિઓન્સ'ના સર્જકોની એકદમ સુપરડુપર ફિલ્મ 'સિંગ' ખાસ જોવા જેવી છે. અલગ અલગ વિખ્યાત પશ્ચિમી ગીતો સાથે ખડખડાટ હસાવતી કોમેડી અને રિજેક્શનના જોઇનનું હૂંફાળું બયાન. એક કૉઆલા બીઅરની ભૂલાતી જતી કળા (અહીં થિએટર)ની ડિજીટલયુગમાં ટકાવવાની મથામણ અને એક ગૃહિણી (અહીં પિગ)ની ઘરસંસાર સાથે અંદર જ ધરપાઇ ગયેલી ટેલન્ટ બહાર કાઢવાની મૂંઝવણ. મસ્ત એનિમિટેડ  વિઝ્યુઅલ્સ અને  હાર્ટફેલ્ટ ક્લાઇમેક્સ. મસ્ટ વૉચ.

 ફાસ્ટ ફોરવર્ડ
''આપણા વારસામાં વાર્તાઓનો ખજાનો છે. અને એ કદી પૂરો ઉલેચાવાનો નથી. અલગ અલગ રીતે આ વાર્તાઓ કહી શકાય છે. ફિલ્મ એનો એક તરિકો છે.'' (બાહુબલીના દિગ્દર્શક રાજમૌલી)

Post Comments