Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સાઈન-ઈન - હર્ષ મેસવાણિયા

જ્હોન સર્ટીઝ : કાર અને બાઈક રેસમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલા એક માત્ર રોડ રેસર

મોટરસાઈકલ અને કાર એમ બંનેની રેસમાં વર્લ્ડ ચેમ્પિયન બનનારા વિશ્વના પહેલા અને એક માત્ર રેસર જ્હોન સર્ટીઝનું ગયા સપ્તાહે ૮૩ વર્ષની વયે નિધન થયું. રોડ રેસમાં જેટલાં ચડાવ-ઉતાર હોય એટલા જ ચડાવ-ઉતાર સર્ટીઝના જીવનમાં પણ આવ્યા હતા

રેસ દરમિયાન એક વખત ઘાતક અકસ્માતનો ભોગ બનેલા જ્હોને એમાંથી ઉગર્યા પછી સફળ જીવન માણ્યું હતું, પણ એવા જ એક અકસ્માતમાં તેમણે જુવાનજોધ પુત્રને ગુમાવ્યો હતો

૧૯ ૪૯નું વર્ષ હતું. યુવાનોમાં મોટરસાઈકલ રેસિંગનો ક્રેઝ વધ્યો હતો. સાઈકલ રેસ કરતા યંગસ્ટર્સમાં મોટરસાઈકલ રેસિંગ વધુ લોકપ્રિય નીવડી રહી હતી. જુનિયર લેવલની એક મોટરસાઈકલ સ્પર્ધા બ્રિટનમાં યોજાઈ રહી હતી. લંડનના મોટરસાઈકલ ડિલરના ૧૫ વર્ષના પુત્રએ તેમાં ખોટી ઉંમર નોંધાવીને તેમ-તેમ કરીને ભાગ લીધો.

મોટરસાઈકલની એ રોડ રેસમાં અગાઉ નાની-મોટી સ્પર્ધાઓ જીતી ચૂકેલા કેટલાય સાહસિક બાઈકચાલકોએ ભાગ લીધો હતો. પણ બધાના આશ્વર્ય વચ્ચે પેલા ૧૫ વર્ષના છોકરાએ પહેલો નંબર મેળવ્યો. સ્પર્ધા વખતે તો આયોજકોનું તેના પર ખાસ ધ્યાન ન પડયું, પરંતુ વિજેતા બન્યા પછી તરત તેની ઉંમર વિશે સવાલ ઉભો થયો. વય કરતા બે-એક વર્ષ મોટા દેખાતા એ છોકરાની ખરી ઉંમર ખબર પડી પછી તેને ધમકાવીને આયોજકોએ એ સ્પર્ધામાંથી હાંકી કાઢ્યો. બીજા નંબરે આવેલા સ્પર્ધકને વિજેતા જાહેર કરાયો.

જુનિયર લેવલની એ સ્પર્ધામાંથી ૧૫ વર્ષના છોકરાને હાંકી કાઢતી વખતે આયોજકોને ક્યાં ખબર હતી કે એ છોકરો ભવિષ્યમાં રેસના ટ્રેકનો બાદશાહ બનીને પાછો ફરવાનો હતો. માત્ર મોટરસાઈકલમાં નહીં કાર રેસિંગમાં પણ તેના નામના સિક્કા પડવાના હતા!

પિતા મોટરસાઈકલ ડિલર હોવાથી પુત્ર જ્હોન સમજણો થયો ત્યારથી તેને મોટરસાઈકલ પ્રત્યે અનેરો લગાવ હતો. ખૂબ નાની વયે તેણે અલગ અલગ પ્રકારની મોટરસાઈકલ ચલાવતા શીખી લીધું હતું. માત્ર ૧૫ વર્ષની વયે પિતાના બાઈક ઉપર જીવનની પહેલી બાઈક રેસ લગાવી પણ સ્પર્ધાના નિયમ પ્રમાણે ઉંમર ઓછી હોવાથી વિજેતા બનવા છતાં વાહવાહી મળવાને બદલે સખત શબ્દોમાં ઝાટકણી કાઢીને આયોજકોએ હાંકી કાઢ્યો, એ વાતની જાણ થયા પછી પુત્રને આવી સ્પર્ધાઓમાં ભાગ લેતો અટકાવવા માટે પિતાએ બાઈકનું ઉત્પાદન કરતી  કંપનીમાં તેને તાલીમ લેવા મોકલી દીધો.

પણ એક વખત મોટરસાઈકલ રેસમાં ભાગ લઈ ચૂકેલા જ્હોનને તો ટ્રેક ઉપર ચાહકોની ચિચિયારી સાંભળવી હતી. ૧૯૫૧માં જ્હોન ૧૮ વર્ષનો થયો ન થયો કે તેણે એક બાઈકની રેસમાં ઝંપલાવ્યું. તેની સામે દસેક વર્ષ મોટા અને એ સમયે બ્રિટનમાં મોટરસાઈકલ રેસર તરીકે નામ કમાઈ ચૂકેલા જ્હોફ ડયૂકને ટક્કર આપવાનો પડકાર હતો. એ પડકાર તેણે બખૂબી ઉપાડી લીધો. એ રેસથી બાઈક રેસિંગ વર્તુળોમાં તેના નામની ચર્ચા થવા લાગી. બ્રિટનના સ્ટાર જ્હોફ ડયૂકને હંફાવી દેનારા જ્હોન સર્ટીઝની અખબારોએ પણ રાઈઝિંગ સ્ટાર તરીકે નોંધ લીધી.

રેસમાં ઝંપલાવનારી મોટરસાઈકલ કંપનીઓએ જ્હોન સાથે કરાર કરવા હોડ લગાવી અને એમ જ્હોન સર્ટીઝની બાઈક રેસર તરીકેની કારકિર્દી શરૃ થઈ.

૨૫૦ સીસીની બાઈક સ્પર્ધામાં પહેલી સફળતા જ્હોનને ૧૯૫૫માં મળી. એ અગાઉ તેણે ત્રણ સિઝનમાં ભાગ લીધો, પણ બીજા-ત્રીજા નંબરથી સંતોષ માનવો પડતો. ૩૦૦ સીસીની સ્પર્ધામાં પણ પહેલા પ્રાઈઝથી થોડું છેટું રહી જતું હતું. મોટરસાઈકલ રેસિંગમાં એ દિવસોમાં દબદબો ભોગવતી મોટરસાઈકલ ઉત્પાદક કંપની એમવી અગસ્તાની નજર જ્હોન ઉપર પડી. એમવી અગસ્તાએ જ્હોન સાથે કરાર કર્યો.
ત્રણેક વર્ષની મહેનત પછી આખરે બાઈક રેસિંગમાં જ્હોનની કારકિર્દીનો સુવર્ણયુગ આવ્યો. ૧૯૫૬થી ૧૯૬૦ દરમિયાન જ્હોને ૩૦૦ સીસીની કેટેગરીમાં સફળતા મેળવી. સાથે સાથે સિનિયર લેવલે ૫૦૦ સીસીમાં પણ ધારી સક્સેસ મેળવી. ૧૯૫૬માં જ્હોન સર્ટીઝ ૫૦૦ સીસી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિજેતા બન્યા.

૧૯૫૮માં ૫૦૦ સીસી અને ૩૦૦ સીસી એમ બંનેમાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા. ૧૯૫૯માં ફરીથી એ જ ઈતિહાસ દોહરાયો. બંને કેટેગરીની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં વિજેતા થવાનો જ્હોનનો સક્સેસ સિલસિલો ૧૯૬૦માં ય અકબંધ રહ્યો. મોટરસાઈકલ રેસિંગમાં આખા વિશ્વમાં જ્હોન સર્ટીઝની આગવી ઓળખ બની ચૂકી હતી.

બધી જ મોટી કંપનીઓ તેની સાથે કરાર કરવા આતુર હતી. મોં માગ્યા દામ મળી રહ્યા હતા. પણ સક્સેસના શિખર ઉપર ઉભેલા જ્હોને અચાનક મોટરસાઈકલ રેસિંગમાંથી નિવૃત્તિ લઈ લીધી. પાંચ વર્ષમાં ચાર-ચાર વખત વર્લ્ડ ચેમ્પિયન બનેલા જ્હોને એકાએક કાર રેસિંગના ટ્રેકમાં જવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા. એ સમયે મોટરસાઈકલ રેસર્સ બાઈકના ટ્રેક ઉપર સફળ થયા પછી ભાગ્યે જ કારના ટ્રેકમાં જવાનું જોખમ ખેડતા. એ જોખમ ખેડીને જ્હોને નવો ચિલો ચાતર્યો.

એ પાંચ વર્ષના સમયગાળામાં જ્હોન સર્ટીઝે ૩૯માંથી ૩૨ સ્પર્ધાઓ જીતી હતી. આટલી સ્પર્ધાઓમાં સપાટો બોલાવ્યા પછી ૨૬ વર્ષની વયે જ્હોન સર્ટીઝે કાર રેસિંગમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યું

૧૯૬૦માં ૩૦૦ સીસી ને ૫૦૦ સીસીની બાઈક સ્પર્ધામાં વર્લ્ડ ચેમ્પિયન બન્યા પછી એ જ વર્ષે તેમણે ઈન્ટરનેશનલ ટ્રોફીમાં ફોર્મ્યુલા-વન સાથે એન્ટ્રી કરી. બીજો નંબર મેળવીને તેમણે પહેલી જ રેસમાં પ્રતિષ્ઠા બનાવી. એ જ વર્ષે બ્રિટિશ ગ્રેન્ડ પ્રિક્સમાં ત્રીજો ક્રમ મેળવ્યો. પણ વિજેતા બનવાનું કામ અઘરું હતું એ તેમને એ વર્ષે સમજાયું. તેમને બાઈક રેસની જેમ વિજેતા બનીને છવાઈ જવું હતું, પરંતુ એ માટે યોગ્ય સમય આવ્યો ન હતો.

તેમણે સખત પરિશ્રમ આદર્યો. ફોર્મ્યુલા-વનનો બારીંંકાઈથી અભ્યાસ શરૃ કર્યો. એ પછી પહેલી નોંધપાત્ર સક્સેસ જર્મન ગ્રેન્ડ પ્રિક્સમાં ૧૯૬૩માં મળી. એ વિજયે તેમનું મનોબળ ઊંચકાયું. બીજા વર્ષે ૧૯૬૪માં તેમણે ફોર્મ્યુલા-વનની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં બળૂકા હરીફો- જીમ ક્લાર્ક અને ગ્રેહામ હિલને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો. એ સાથે જ ઈતિહાસ રચાયો. મોટરસાઈકલના ટ્રેકમાં વિશ્વવિજેતા બન્યા પછી કારના ટ્રેકમાં આવીને વર્લ્ડ ચેમ્પિયન બન્યો હોય એવો એક પણ મોટર સ્પોર્ટ્સમેન દુનિયાએ અગાઉ જોયો ન હતો. જ્હોન સર્ટીઝે એ પરાક્રમ કરી બતાવ્યું. મોટરસાઈકલ અને ફોર્મ્યુલા-વન કાર રેસિંગ-એમ બંનેમાં વિશ્વવિજેતાનો તાજ પહેરનારા જ્હોન સર્ટીઝ જગતના એકમાત્ર રોડ રેસર છે. તેમના પહેલાં ય કોઈએ આવું સાહસ ખેડયું ન હતું અને તેમના પછી ય કોઈને આવું સાહસ કરવામાં સફળતા મળી નથી. એ રીતે જ્હોન સર્ટીઝ જગતના એકમેવ રોડ રેસર તરીકે અનોખો વિક્રમ ધરાવે છે.

પછી તો તેમણે મોટર રેસિંગમાં બીજા ઘણાં સાહસો ખેડયા. વિશ્વવિજેતા બન્યાના બીજા જ વર્ષે રેસિંગ ટ્રેક ઉપર તેમને ગંભીર અકસ્માતનો સામનો કરવો પડયો હતો. માથામાં અને જડબામાં ગંભીર ઈજા પછી તેમનો ચમત્કારિક બચાવ થયો હતો. તેમની સારવાર કરતા ડૉક્ટરોએ તેમને ટ્રેક છોડી દેવાની સલાહ આપી, પણ ફાઈટર મિજાજના જ્હોને એ પછી તો સાત-સાત વર્ષ સક્રિય રહ્યા બાદ ૪૦ વર્ષે ૧૯૭૨માં નિવૃત્તિ લીધી.

તેમણે સર્ટીઝ રેસિંગ ઓર્ગેનાઈઝેશન નામે પોતાની ટીમ બનાવી હતી. જીવ્યા ત્યાં સુધી તેઓ એક-યા બીજી રીતે મોટર સ્પોર્ટ્સમાં એક્ટિવ રહ્યા હતા. ઈન્ટરનેશનલ મોટરસ્પોર્ટ્સ હોલ ઓફ ફેમમાં અદકેરું સ્થાન મેળવનારા જ્હોન સર્ટીઝને ફેડરેશન ઓફ ઈન્ટરનેશનલ મોટરસાઈક્લિંગે ૨૦૦૩માં 'લેજન્ડ'ની યાદીમાં સમાવ્યા હતા. બ્રિટન ઉપરાંત વિશ્વભરના અસંખ્ય એવોર્ડ્સ મેળવનારા જ્હોનનું ૧૦મી માર્ચે ૮૩ વર્ષની વયે નિધન થયું હતું.

અભ્યાસમાં સાવ સાધારણ વિદ્યાર્થી રહેલા જ્હોન સર્ટીઝ કહેતા : 'અભ્યાસનું વર્તુળ માત્ર શાળા કે પાઠય પુસ્તક પુરતું સીમિત ન હોઈ શકે. કોઈ પણ ક્ષેત્રમાં થતો કલાકોનો પરિશ્રમ અભ્યાસનો જ એક ભાગ છે. અભ્યાસ એટલે શાળાકીય શિક્ષણ- એ પરંપરાગત વ્યાખ્યામાંથી જગતે બહાર નીકળવાની જરૃર છે'.

જ્હોને રેસિંગમાં ૧૮ વર્ષના પુત્ર હેનરીને ગુમાવ્યો હતો

હેનરીએ પણ પિતા જ્હોનની માફક મોટર સ્પોર્ટ્સમેન તરીકે કારકિર્દી આરંભી હતી. પ્રતિભાશાળી હેનરીએ ૧૮ વર્ષની વયે કાર રેસિંગ ટ્રેકમાં ધૂમ મચાવવાની શરૃઆત કરી હતી. ૨૦૦૭માં બે જુનિયર લેવલની રેસ પછી તેની પ્રતિભા પારખીને તેને બ્રિટિશ ફોર્મ્યુલા ચેમ્પિયનશિપમાં તક મળી. એ ચેમ્પિયનશિપની અલગ અલગ બે કેટેગરીમાં હેનરીએ નોંધપાત્ર દેખાવ કર્યો હતો. એકમાં તે ત્રીજા નંબરે રહ્યો હતો અને એકમાં ૧૨માં ક્રમાંકથી સંતોષ માનવો પડયો હતો. કારકિર્દીના આરંભે પ્રભાવશાળી પ્રદર્શન કરીને હરીફો સામે પડકાર ઉભો કરનારા હેનરીના નસીબમાં પિતા જ્હોન જેટલી સફળતા અને આયુષ્ય લખાયું ન હતું.

૨૦૦૯ની સિઝનમાં બ્રિટનનો બ્રાન્ડ્સ હેચ રેસિંગ ટ્રેક તેના માટે જીવલેણ સાબિત થયો. ફોર્મ્યુલા રેસ દરમિયાન હેનરીની કાર સાથે જેક ક્લાર્કની કાર ધડાકાભેર અથડાઈ. લગભગ ૧૬૨ કિલોમીટર પ્રતિકલાકની ઝડપે જઈ રહેલી કારની આ અથડામણમાં હેનરીના હેલમેટ ઉપર ૨૯ કિલોનો વજનદાર કારનો ટૂકડો અથડાયો. એ જ સ્થિતિમાં હેનરીની કાર દૂર સુધી ઘસડાઈ.

ગંભીર રીતે ઘવાયેલા હેનરીનું અકસ્માતના બીજા દિવસે સારવાર દરમિયાન મૃત્યુ થયું. આવો જ અકસ્માત હેનરીના પિતા જ્હોનને નડયો હતો. એમાંથી સાજા થઈને તેણે ફરીથી કાર ટ્રેક ઉપર વાપસી કરી હતી. કમનસીબે હેનરીના નસીબમાં એવું લખાયું ન હતું. એ પછી હેનરીના સન્માનમાં દર વર્ષે બ્રિટનમાં રાઈઝિંગ મોટર રેસરને હેનરી સર્ટીઝ પુરસ્કાર આપવામાં આવે છે. જ્હોન સર્ટીઝે અપ્રતિમ શોહરત, અઢળક દૌલતના બદલામાં રેસિંગ ટ્રેક ઉપર પુત્ર હેનરીના રૃપમાં આકરી કિંમત ચૂકવવી પડી હતી, જેની ભરપાઈ પછી ક્યારેય થવાની ન હતી. પુત્રનું આજીવન સ્મરણ રહે એ માટે જ્હોને હેનરીના અંગોનું દાન કર્યું હતું. મૃત્યુ પછી પાંચ લોકોને નવજીવન આપવામાં હેનરી કારણભૂત બન્યો હતો.
 

Post Comments