Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમયાંતર - લલિત ખંભાયતા

મીઠાંની દાણચોરી રોકતી જગતની સૌથી લાંબી દીવાલ

ડોનાલ્ડ ટ્રમ્પ મેક્સિકો સરહદે દીવાલ બનાવવા માંગે છે. એ આઈડિયા પહેલી નજરે તો તરંગી જ લાગે છે. પરંતુ અંગ્રેજોએ ભારતમાં મીઠાંની દાણચોરી ન થાય એટલા માટે ૪ હજાર કિલોમીટર લાંબી વાડ ઉભી કરી દીધી હતી. મીઠાંમાંથી પૈસા મેળવવા બનાવાયેલી એ દીવાલનો નિર્ણય પાછળથી તો મીઠાંની તાણ જેવો સાબિત થયો હતો..

કોંગ્રેસના સ્થાપક તરીકે વધુ જાણીતા અંગ્રેજ અધિકારી અને પ્રકૃતિશાસ્ત્રી એલન ઓક્ટેવિયન હ્યુમે દીવાલની મજબૂતી ઠસોઠસ કરી આપી હતી.

એ વખતે ભારતમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની વેપાર કરતી હતી. દેશ બંગાળ, અવધ, રાજપુતાના.. એવા વિવિધ પ્રાંતોમાં વહેંચાયેલો હતો. ભારતમાં અંગ્રેજોએ મૂળિયા નાખવાની શરૃઆત પૂર્વમાં આવેલા બંગાળથી કરી હતી. કલકતા તેમની પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર હતું. મોગલ સામ્રાજ્ય ભાંગી પડયા પછી રાજધાની પણ દિલ્હીને બદલે અંગ્રેજોએ કલકતામાં જ રાખવાનું પસંદ કર્યું હતુ.

મૂળભૂત રીતે સમૃદ્ધ ભારતને દરેક રીતે લૂંટીને ધન ભેગું કરવા માંગતા 'ઈસ્ટ ઈન્ડિયા કંપની'ના અંગ્રેજ અધિકારીઓ નવાં નવાં તીડકમ શોધી કાઢતા હતા. દરેક વ્યક્તિ માટે અનિવાર્ય મીઠાં પર મોગલકાળથી ટેક્સ લેવાતો હતો, પરંતુ તેનો દર બહુ મામુલી હતો. અંગ્રેજો વિચાર્યું કે મીઠાં પર ટેક્સ વધારી દીધો હોય તો આવકની રેલમછેલ થાય કેમ કે મીઠાં વગર તો કોને ચાલે? જેને આઈડિયા આવ્યો એ અંગ્રેજમાં ખરેખર મીઠાંની છત હતી!

બંગાળમાં પગદંડો જમાવી ચૂકેલી ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાના પ્રાંત પૂરતો મીઠા પર ટેક્સ વધારી દીધો. ૧૮૦૩માં પ્રથમવાર એવું બન્યું, જ્યારે મીઠાંની દાણચોરીનો પ્રશ્ન ઉભો થયો. એટલે અંગ્રેજોએ વિવિધ રસ્તાઓ પર ચેક-પોસ્ટ ઉભી કરી દીધી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા વાહનો ચોક્કસ ચેક પોસ્ટ પર તપાસાય એ રીતે બંગાળમાં આવતા તમામ રસ્તાઓ પર તપાસ થાય અને કોઈ પાસે મીઠું હોય તો તેનો કર ભર્યા પછી જ બંગાળમાં પ્રવેશ મળે. મીઠાં ઉપરાંત તમાકુ, અફીણ, ગાંજો જેવી બીજી ચીજો પર પણ કર લેવાતો હતો. કારણ એ હતું, કે બંગાળ સિવાના બીજા પ્રાંતોમાં મીઠું ઘણુ સસ્તું હતુ. મોટે પાયે ઉત્પાદન ગુજરાતના ખારાઘોડા ખાતે અંગ્રેજોએ સ્થાપેલી ફેક્ટરીમાં પણ થતું હતું. બંગાળમાં તો ગંગાના વેગીલા પ્રવાહને કારણે મીઠાંનું ઉત્પાદન શક્ય જ ન હતુ. માટે બંગાળી પ્રજાએ મીઠાંની આયાત પર નિર્ભર રહેવા સિવાય કોઈ વિકલ્પ ન હતો.

૩ મહિનાની આવક જેટલો ટેક્સ

૧૭૮૮માં મીઠાં પરના ટેક્સમાં તોતિંગ વધારો થયો. પહેલા એક મણ (ત્યારે એ પ્રાંતમાં ૧ મણ બરાબર ૩૭ કિલોગ્રામ એવી ગણતરી થતી હતી) ૦.૩ રૃપિયા કર લેવાતો હતો. એમાં અચાનક વધારો કરીને આંકડો ૩.૨૫ રૃપિયા પહોંચાડી દેવાયો. હકીકત એ હતી કે એ વખતે ભારતના સામાન્ય મજૂરોની મહિનાની આવક ૧ રૃપિયો હતી. એટલે કે ૩ મહિનાથી વધુ સમયની તમામ કમાણી માત્ર મીઠાંના કર તરીકે ચૂકવી દેવાની હતી.

મીઠું આરોગ્ય માટે અત્યંત અનિવાર્ય પદાર્થ હોવાનું સૌ જાણે છે. અંગ્રેજો પણ જાણતા હતા અને એટલે જ એ જાણકારીનો ઉપયોગ પ્રજાહિતને બદલે પ્રજાલૂંટમાં કરી રહ્યા હતા. દીવાલ બન્યા પછી ગરીબ પરિવારો દર વખતે કર ચૂકવીને મીઠું     ખરીદી શકતા ન હતા. એટલે સ્થિતિ એવી આવી કે ભારતમાં વર્ષે સરેરાશ વ્યક્તિદીઠ ૭.૩ કિલોગ્રામ મીઠું વપરાતું હતુ, જ્યારે બંગાળમાં એ પ્રમાણ ઘટીને ચાર કિલોગ્રામ કરતાં ઓછું થઈ ગયુ હતુ. લોકોએ મીઠું વાપરવાનું ઓછું કરી દીધું  હતુ. મીઠાંની અછતને કારણે લાખો લોકોના મોત થયા હતા, જેના આંકડા સરકારે જાહેર થવા દીધા ન હતા. આવી અન્યાયી વ્યવસ્થા જોયા પછી દાણચોરી ન થાય એવી અપેક્ષા અંગ્રેજો રાખી શકે એમ ન હતી.

દાણચોરી રોકવા કસ્ટમની દીવાલ

ચેક-પોસ્ટ હોય એટલે કર ચોરી બંધ ન થઈ જાય, પરંતુ દાણચોરી કરવાના નવાં ખુલે. લોકો અન્ય રસ્તેથી મીઠુું લઈને બંગાળમાં દાખલ થવા લાગ્યા. દાણચોરી અટકાવવી હોય તો કંઈક મજબૂત વ્યવસ્થા કરવી પડે એમ હતી. કસ્ટમના કારભાર માટે વિવિધ પ્રાંતમાં કમિશનરો નિમેલા હતા. આગ્રાના કસ્ટમ કમિશનર જ્યોર્જ સન્ડર્સે ૧૮૨૩માં નવતર આઈડિયા કામે લગાડયો. એક જગ્યાએ ચેક-પોસ્ટ બનાવવાને બદલે દર થોડા અંતરે તેમણે કસ્ટમ હાઉસ ઉભા કરાવ્યા. આગ્રા પ્રાંતમાં વહેતી બે નદી ગંગા અને યમુના પાર કરીને મીઠાંની ચોરી કરવી સરળ હતી. માટે સન્ડર્સે મિરઝાપુરથી લઈને લખનૌ સુધી ગંગા-યમુનાના કાંઠે ૯૦ કિલોમીટર જેટલા વિસ્તારમાં કસ્ટમ પોસ્ટનો ખડકલો કરી દીધો. સન્ડર્સનો આ આઈડિયા બીજા કમિશનરોએ પણ આપનાવ્યો અને પોત પોતાના વિસ્તારમાં ઢગલાબંધ ચેક પોસ્ટ ઉભી કરી દીધી.

જી.એચ.સ્મીથ નામના કસ્ટમ કમિશનરે તો કસ્ટમ લાઈન બનાવવા માટે એ જમાનામાં ૭,૯૦,૦૦૦ રૃપિયાનું વાર્ષિક બજેટ ફાળવી દીધું, ૬,૬૦૦ માણસોને કામે લગાડી દીધા. ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ જકાતનું જંગી તંત્ર જોતા ચેક-પોસ્ટની હારમાળાને ૧૮૪૩માં સત્તાવાર રીતે 'ઈનલેન્ડ કસ્ટમ લાઈન (આંતરીક આયાત જકાત સરહદ)'  એવું નામ આપી દીધું.

મીઠાંમાંથી મધલાળ જેવી આવક

૧૮૫૭ની લડત પછી ઈસ્ટ ઈન્ડિયા કંપનીને બદલે બ્રિટિશ સરકારે ભારતનું શાસન હાથમાં લીધું. તેમનો ઉદ્દેશ પણ ભારતમાંથી જેટલું નાણું, જે પ્રકારે મળે એ પ્રકારે મેળવી લેવાનો જ હતો. એટલે કસ્ટમ લાઈન વિભાગ બંધ કરવાને બદલે વધુ મજબૂત થયો. ઈતિહાસમાં નોંધાયા પ્રમાણે ૧૮૫૮માં બ્રિટિશરોની ભારતમાં કુલ આવક પૈકી ૧૦ ટકા આવક એકલા મીઠાંના કરમાંથી થઈ હતી. માટે એ આવક બંધ કરવાનો વિચાર તો સરકારને કેમ આવી શકે? બ્રિટિશ સંસદમાં પણ દાદાભાઈ નવરોજીએ વારંવાર બ્રિટિશરો દ્વારા ભારતમાંથી ખેંચી લેવાતી આવકના આંકડા રજૂ કર્યા હતા. જેમ કે એક સમયે તો મીઠાંના કરની આવક ૮૬ લાખ રૃપિયા સુધી પહોંચી હતી. કોઈ પણ સભ્ય દેશમાં આ રીતે મીઠાંના નામે લૂંટ ચલાવાતી ન હતી. આ પ્રથાને અંગ્રેજ અધિકારી જોન સ્ટાર્ચીએ વર્ણવતા કહ્યુ હતુ : 'લૂંટની આ ભયંકર પ્રથા છે, જેનો જગતમાં ક્યાંય જોટો મળી શકે એમ નથી.'

૧૮૬૯-૭૦ના વર્ષે અંગ્રેજોને મીઠાં સહિતની ચીજોના કરની આવક તરીકે સવા કરોડ રૃપિયા મળ્યા, તેની સામે કસ્ટમ વિભાગને ખર્ચ ૧૭ લાખ રૃપિયા કરતા પણ ઓછો થયો હતો. અંગ્રેજ સંસદમાં નિયમિત રીતે મીઠાં પરનો કર ચર્ચાનું કેન્દ્ર બનતો હતો. અંગ્રેજોનો તો દેશ જ ઘણો નાનો છે. એટલે આ દીવાલ કેવડી લાંબી છે, તેનું વર્ણન કરવાનું થાય ત્યારે તેમણે ઉદાહરણ આપવું પડતું હતુ કે લંડનથી શરૃ કરીને છેક (એશિયા-યુરોપ વચ્ચે આવેલા શહેર) કોન્સ્ટેન્ટિનોપલ સુધી પહોંચી શકે એવડી દીવાલ! ચીનની દીવાલ પછી એ જગતની બીજી સૌથી લાંબી આડશ હતી, માટે તેની સરખામણી સીધી જ ગ્રેટ વોલ ઓફ ચાઈના સાથે પણ થતી રહેતી હતી.

એક દિવાલના અનેક સ્વરૃપ

કમિશનર સ્મિથે તૈયાર કરેલી રૃપરેખા પ્રમાણે મીઠાંની હેરાફેરીને રોકતી દીવાલ તૈયાર થવા માંડી. પથ્થરોની મજબૂત દીવાલ બધે બાંધી શકાય એમ ન હતી. માટે નક્કી કર્યું કે વૃક્ષો ઉગાડી દો. એ પણ ગાંડા બાવળ જેવા કાંટાળા, જેને પાર કરવાની હિંમત કોઈ ન કરે. અંગ્રેજો કિલોમીટરને બદલે માઈલમાં સમજતા હતા માટે દર એક માઈલ (૧.૬ કિલોમીટર)ના અંતરે પોસ્ટ-ચોકી ઉભી કરી દેવામાં આવી હતી. ચોકી પર રહેલા ભારતીય જમાદારનું કામ કોઈ મીઠું લઈને પેલે પાર ન જાય એ જોવાનું. વાડમાં કંઈ છીંડા જણાય કે કોઈ ભેલાણ કરતું હોવાનું માલુમ પડે તો જમાદારની મદદ માટે દર દસ પોસ્ટ વચ્ચે અંગ્રેજ સૈન્ય ટૂૂકડી પણ ખરી. એમ તો એ.ઓ.હ્યુમ (કોંગ્રેસના સ્થાપક) નામના કમિશનરે અંદાજ લગાડયો હતો કે જો માટીની સરહદ બનાવવી હોય તો માઈલ દીઠ સરેરાશ ૨૫૦ ટન ધૂળ જોઈએ. પરંતુ વૃક્ષોની હારમાળાથી કામ ચાલી જતું હોવાથી અંગ્રેજોએ એ વિકલ્પ પડતો મૂક્યો હતો. તેની સામે ક્યા પ્રકારના વૃક્ષો ક્યાં ઉપયોગી થશે તેનો અહેવાલ પણ હ્યુમે જ આપ્યો હતો કેમ કે હ્યુમ પ્રકૃત્તિશાસ્ત્રી પણ હતા.

ચાર હજાર કરતા વધુ કિલોમીટર લાંબી ભુપૃષ્ઠમાં ક્યાંક રણ હતું, ક્યાંક નદી, ક્યાંક ડૂંગરા, ક્યાંક ખીણ.. એટલે વૃક્ષોની લાઈવ દીવાલ બધે કામ લાગી શકે એમ ન હતી. એ સંજોગોમાં જે પાણીએ મગ ચડે એ પાણીએ ચડાવાયા હતા.. એટલે કે જ્યાં પથ્થર ખડકવા પડે ત્યાં પથ્થર, જમીનમાં કોતર ખોદી પાણી ભરવું પડે ત્યાં પાણી ભરી, જ્યાં માટીનો ઢગલો કરવો પડે ત્યાં ઢગલો અને જ્યાં પાકુ બાંધકામ કરવું પડે ત્યાં પાકુ બાંધકામ કરીને પણ દીવાલ સગંળ કરી દેવાઈ હતી. એટલે ચીનની દીવાલની માફક એ સળંગ પથ્થરની બનેલી ન હતી, કે સગંળ વૃક્ષોની પણ બનેલી ન હતી. દીવાલ સામાન્ય રીતે ૮ ફીટ ઊંચી, ૪ ફીટ પહોળી હતી. પણ જરૃર પડે ત્યાં ઊંચાઈ ૧૨ ફીટ સુધી અને જાડાઈ ૧૪ ફીટ સુધી લઈ જવાઈ હતી. વળી વૃક્ષોની બનેલી હોવાથી ચોક્કસ માપ જળવાતુ ન હતું.

સિંધુ નદીથી શરૃ કરીને મહાનદી સુધી

૧૮૦૩માં નાના પાયે શરૃ થયા પછી દીવાલ ચાલીસ વર્ષે ૧૮૪૩માં છેક ઉત્તરમાં પંજાબ પ્રાંતના તોરબેલા (જે હવે પાકિસ્તાનમાં છે)થી શરૃ કરીને કસ્ટમની આ દીવાલ સોનાપુર સુધી પહોંચતી હતી, જે ઓરિસ્સામાં આવેલુ હતુ. સિંધુ નદીથી શરૃ કરી મહાનદી સુધી પહોંચતી દીવાલની કુલ લંબાઈ ૪૦૩૦ કિલોમીટર હતી. દેરખેર માટે અંગ્રેજોએ કુલ મળીને ૧૪,૧૮૮ માણસો રાખ્યા હતા. બ્રિટિશ સરકારમાં ભાગ્યે જ કોઈ આવડો મોટો વિભાગ હતો. દીવાલમાં મુલતાન, ફૈઝાલ્કા, દિલ્હી, આગ્રા, ઝાંસી, સગર, ખંડવા, ચંદરપુર.. જેવા મહત્ત્વના અંગ્રેજના મથકો આવી જતાં હતા. એ પછી મીઠાની દાણચોરી સાવ બંધ નહોતી થઈ, પરંતુ તેમાં મોટી માત્રામાં ઘટાડો આવ્યો હતો.
દીવાલનો દાયકો પુરો
દીવાલ તૈયાર કરી દીધા પછી તેની જાળવણી અંગ્રેજોને ભારે પડી રહી હતી. ગમે તેવી જડબેસલાક સિસ્ટમ છતાં દાણચોરી થતી રહેતી હતી. દર વર્ષે કેટલાક લોકો દાણચોરી કરતાં પકડાતા હતા. વળી દીવાલનું રક્ષણ કરનારા જમાદારો મોટા ભાગે ભારતીયો જ હતા. ભારતીય લોકોમાં દીવાલ પર નોકરી મેળવવાનું ભારે આકર્ષણ પણ હતું. કેમ કે એ જમાનામાં દીવાલના રક્ષકને મહિને પાંચ રૃપિયાનો પગાર મળતો હતો, જ્યારે ખેતીમાં મહિને ૩ રૃપિયા માંડ મળે તો મળે! અલબત્ત, નોકરી મળ્યાં પછી ટકાવી રાખવી અઘરી હતી. કેમ કે ચોકીદારે સતત ચાલતાં રહેવુ પડતુ હતુ. એક ગણતરી પ્રમાણે ૧૮૬૯માં બધા દીવાલ રક્ષકો મળીને કુલ ૨.૯ કરોડ કિલોમીટર ચાલ્યા હતા!

દીવાલને કારણે બ્રિટિશરોની તિજોરી સતત છલકાતી રહેતી હતી. તો પણ કેટલાક બ્રિટિશ ઉમરાવો દીવાલના વિરોધી હતા. દીવાલને કારણે આમ-તેમ મુસાફરી કરનારા સામાન્ય લોકોને અને ખુદ અંગ્રેજોને ભારે અગવડ પડતી હતી. જ્યાં જ્યાં ચેક-પોસ્ટ હતી ત્યાં ત્યાં ખુબ લાંબો ટ્રાફીક પણ જામ થઈ રહેતો અને તેમાં મીઠાં સાથે લેવા-દેવા ન હોય એવા લોકોએ પણ સલવાયેલા રહેવું પડતું હતુ. ભ્રષ્ટ્રાચારનો અડ્ડો પણ આજની ચેક-પોસ્ટની માફક આ દીવાલ બની ગઈ હતી.

અલબત્ત, ગમે તેમ હોય તો પણ મીઠાંની આવક જતી કરી શકાય એમ ન હતી. એટલે દીવાલનો કાંકરો ખેરવવાનો વિચાર પણ ત્યારે કરવો અઘરો હતો. ૧૮૭૯માં ગવર્નર બનેલા મેયોએ નક્કી કર્યું કે દીવાલ તો નથી જ જોઈતી. માટે તેમણે વિકલ્પો વિચારવાના શરૃ કર્યા. છેવટે એવો રસ્તો નીકળ્યો કે મીઠાંનું જ્યાં ઉત્પાદન થાય ત્યાં જ તેના પર એક સરખો ટેક્સ લઈ લેવાનો. પછી એ મીઠું ક્યાં જાય, કોણ ખાય.. તેની પિંજણમાં પડવાની જરૃર નથી. એ આઈડિયા બ્રિટિશ સરકારને ગમી ગયો. જોકે તેનો અમલ કરવાનો વખત આવ્યો ત્યાં સુધીમાં ૧૮૭૯નું વર્ષ આવી ગયુ હતું. પોણા ચાર દાયકે દીવાલનો દાયકો પુરો થયો.

વૃક્ષ-છોડ-વેલા, માટીના ઢગલા, કાચા-પાકા બાંધકામની બનેલી હોવાથી એ દીવાલની દેખરેખ બંધ થઈ એટલે ધીમે ધીમે નષ્ટ થતી ગઈ.

ઈતિહાસમાંથી અદૃશ્ય રહેલી વોલ

આ કસ્ટમની દીવાલ ભારત કે બ્રિટન બન્ને દેશોમાં ખાસ જાણીતી નથી. જે થોડી-ઘણી જાણીતી થઈ એ ૨૦૦૧ પછી થઈ છે. કેમ કે એ વર્ષે અંગ્રેજ સંશોધક રોય મોક્સમે દીવાલની ઊલટ-તપાસ કરીને 'ધ ગ્રેટ ઈન્ડિયન હેજ' નામે પુસ્તક લખ્યું. તેમાંથી જ દીવાલ અંગેની વિગતો મળી શકે છે. દીવાલ અંગે સંશોધન કરવા રોય વારંવાર ભારત આવ્યા. દીવાલના આજે ક્યાંય અવશેષો છે કે કેમ એ શોધવાનો તેમણે પ્રયાસ કર્યો પરંતુ બહુદ્યા તેમાં નિષ્ફતા મળી. બહુ મહેનતના અંતે ઉત્તર પ્રદેશના ઈટાવાહ જિલ્લામાં તેમને એક પાળો મળી આવ્યો, જે કદાચ એક સમયે કસ્ટમની દીવાલ હતો. બાકી દીવાલ અંગે કોઈ પથ્થર કી લકીર જોવા મળતી નથી. અંગ્રેજોએ ખુદ પણ દીવાલ અંગેની મહત્તમ વિગતો ગુપ્ત રહે એવી ગોઠવણ કરી હતી. પરિણામ એ આવ્યું કે ભારતમાં ભલભલા ઈતિહાસકારો પણ ૧૯૯૫માં પહેલા એ દીવાલ અંગે સદંતર અજાણ હતા. એ અંગેના સરકારી દસ્તાવેજો જાહેર થયા પછી થોડી-ઘણી જાણકારી બહાર આવવી શરૃ થઈ.

દીવાલ એ અંગ્રેજોની લૂંટારુવૃત્તિનું પ્રતિક હોવા છતાં અજાણી રહી હતી. એટલે જ્યારે ૨૦૦૧માં પુસ્તક પ્રગટ થયું અને ફરીથી દીવાલ ચર્ચામાં આવી ત્યારે પણ બ્રિટિશ અખબાર 'ધ ગાર્ડિયને' લખ્યુ હતું : 'આ દીવાલ બ્રિટિશરોએ ભારતમાં હાંસલ કરેલી મુર્ખતાભરેલી સિદ્ધિઓ પૈકીની એક હતી!'

મીઠાંમાંથી પૈસા કમાઈ લેવાની અંગ્રેજોની અમાનવિય નિતિ ચાલુ જ રહી. એટલે વર્ષો પછી ફરી એક વાર મીઠાં મુદ્દે સંઘર્ષ કરવો પડયો. એ સંઘર્ષનું નામ દાંડી કૂચ!
 

Post Comments