Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

સમયાંતર - લલિત ખંભાયતા

નોર્ધન વ્હાઈટ રાઈનો : નવખંડ ધરતી પર એકલવીર

૧૯૭૩માં જન્મેલા એ ગેંડાનું નામ 'સુદાન' છે અને તેની પ્રજાતી નોર્ધન વ્હાઈટ રાઈનો તરીકે ઓળખાય છે. આખા જગતમાં એ અનોખો છે, કેમ કે આખા જગતમાં એ એકલો છે!

સુદાનનું કદાવર શરીર અહીં તસવીરમાં છતું થાય છે. તેની સુરક્ષા માટે ઝેડ પ્લસ કેટેગરીના સેલિબ્રિટીઓ ફરતે હોય એવા હથિયારધારી રેન્જરો ખડપગે તૈનાત રખાયા છે. ટિન્ડર પર મુરતિયા સુદાનના પ્રોફાઈલમાં લખવામાં આવ્યુ છે, 'મારી સમગ્ર પ્રજાતીનું ભાવી મારા પર નિર્ભર છે. હું ઘાસ ખાવાનું પસંદ કરું છું અને કાદવમાં પડયો રહી શરીરને ઠંડું રાખું છું...' બાજુની તસવીરમાં સુદાનનો એ પ્રોફાઈલ દેખાય છે.

'ટિન્ડર' નામની એપ જુવાનિયાઓમાં ભારે લોકપ્રિય છે, કેમ કે એ ડેટિંગ પાર્ટનર શોધી આપવાનું કામ કરે છે. દુનિયાભરમાં તેનાં પાંચેક કરોડ સક્રિય વપરાશકારો છે. એમાં ગયા અઠવાડિયે એક અનોખાં યુઝર્સનો ઉમેરો થયો. એ યુઝરનું નામ 'સુદાન'. નારીની શોધ કરતો કોઈ નર ટિન્ડર પર સક્રિય થાય તેમાં કંઈ નવાઈ નથી.

પણ સુદાનના કેસમાં નવાઈ છે, કેમ કે એ નોર્ધન વ્હાઈટ પ્રજાતીનો ગેંડો છે. તેને ખબર છે કે તેને કોઈ માંગલીક કન્યા મળવાની નથી. નવખંડ ધરતી પર એ એકલો છે અને છેલ્લો છે. જોકે નોર્ધન વ્હાઈટ રાઈનોની કુલ વસતી ૩ છે. બીજી બે માદા પણ હજુ ધરતીના પટ પર વિચરે છે. એ ત્રણેયનું અવસાન થાય એ સાથે જ પૃથ્વી પર રહેતા પ્રાણીઓમાંથી કાયમી ધોરણે નોર્ધન વ્હાઈટ રાઈનોનું નામ નીકળી જશે.

ટિન્ડરની પહોંચ જગતના ૧૯૦ દેશોમાં છે અને ૪૦ ભાષામાં એ કામ કરે છે. ટિન્ડર સાથે ઘણુ કરીને યુવા પેઢી જોડાયેલી છે. એ પેઢી સુધી સુદાનની એકલતા, સુદાનની વ્યથા પહોંચે એટલા માટે ટિન્ડર પર તેનું એકાઉન્ટ ખોલવામાં આવ્યું છે. વળી ટિન્ડર પર સક્રીય રહેલા લોકોને એ પણ ખબર પડે કે કોઈ એક પ્રાણીની આખી પ્રજાતિ નષ્ટ થાય એનો મતલબ શું?

આપણી આસપાસ વન્યજીવોનો પાર નથી. પરંતુ ઘણા-ખરા કિસ્સામાં સજીવો લુપ્ત થઈ જાય એવુ બનતું નથી. એટલે પરા-પૂર્વથી ચાલ્યા આવતા સજીવો અચાનક પૃથ્વી પર ન રહે ત્યારે શું થાય તેની આપણને કલ્પના પણ ન હોય. પરંતુ કુદરતી ક્રમમાં એ બહુ મોટી ખોટ છે. ધરતી પર રહેતા સૌ કોઈ પ્રાણીનું મહત્ત્વ છે અને એટલા માટે જ તેનું અસ્તિત્વ છે. જોકે છેલ્લા બસ્સો વર્ષમાં ઘણા સજીવોના ચોપડા પૃથ્વી પર કાયમ માટે બંધ થઈ ગયા છે. તેમાં આગામી નંબર નોર્ધન વ્હાઈટ રાઈનોનો છે.

વીઆઈપી સ્ટેટ્સ ભોગવતા ૩ ગેંડા
નોર્ધન વ્હાઈટ રાઈનો ધરતી પર હાથી પછી બીજા ક્રમના સૌથી મોટા સજીવો છે. સરેરાશ જીવની ઊંચાઈ ૬ ફીટ અને વજન મહત્તમ સાડા ત્રણ હજાર કિલોગ્રામ સુધી. માદા હોય તો કદ-માપમાં થોડુું ડિસ્કાઉન્ટ મળે. તેની ચામડીનો કલર થોડો સફેદ છે, માટે એ વ્હાઈટ રાઈનો તરીકે ઓળખાય છે. વ્હાઈટમાં વળી બે પ્રકાર છે. નોર્ધન અને સધર્ન. આફ્રિકા ખંડના દક્ષિણ ભાગે જોવા મળતા ગેંડા સધર્ન વ્હાઈટ તરીકે ઓળખાય છે. તેની સંખ્યા હજુ તો વીસેક હજાર જેટલી માતબર છે એટલે દેખીતી રીતે ચિંતાનું કોઈ કારણ નથી. તેનાથી ઉત્તરમાં જોવા મળતા બીજા ગેંડા નોર્ધન તરીકે ઓળખાયા.

નોર્ધન વ્હાઈટ રાઈનો તેના ચોરસ હોઠને કારણે 'સ્કવેર્ડ લીપ્ડ રાઈનોસોરસ' તરીકે પણ ઓળખાય છે. ૧૯૬૦ના દાયકામાં આ ગેંડાની વસતી ૨૩૦૦ જેટલી હતી. પરંતુ આખી દુનિયાના ગેંડા પર છે એવો શિકારીઓનો ખતરો નોર્ધન વ્હાઈટ પર પણ હતો. ઝિમ્બાબ્વે, નામિબિયા, કેન્યા જેવા દેશોમાં તેની વસતી હતી. ગેંડા હોય કે સિંહ.. આ દેશો પાસે એ વખતે ગરીબી અને ભૂખમરા જેવી જ સમસ્યાઓ એટલી બધી હતી કે કોઈ પ્રાણી મરે કે જીવે તેમને ફરક પડતો ન હતો.

એ સ્થિતિમાં નોર્ધન વ્હાઈટ ગેંડાનું ધ્યાન કોણ રાખે? વળી ગેંડાનો શિકાર તેના શિંગડા માટે થાય છે. શિંગડા માટે જ અત્યારે પણ આફ્રિકાના અન્ય દેશોમાં, અન્ય પ્રકારના ગેંડાનો શિકાર થતો જ રહે છે. કોઈ સરકાર સંપૂર્ણપણે શિકારને અટકાવી શકી નથી. ઘટતાં ઘટતાં નોર્ધન વ્હાઈટ ૬-૭ રહ્યાં ત્યારે તેના પર પ્રાણી સંરક્ષકોએ ફૂલ ફોકસ કરી બચાવ કામગીરી હાથમાં લીધી એટલે હવે બાકી રહેલા ૩ ગેંડાનું વીઆઈપી ધોરણે ધ્યાન રાખવામાં આવે છે.

૬૦ લાખ ડોલરના ખર્ચે સુરક્ષા
આ ત્રણેય ગેંડાઓને અત્યારે 'કેન્યાના ઓલ પેજેતા કન્ઝર્વેન્સીય સેન્ટર'માં રખાયા છે. ૨૦૦૯થી આ ગેંડાઓને અહીં સંરક્ષણ કેન્દ્રમાં લાવી મુકાયા છે. અહીં ખુલ્લુ જંગલ છે, જ્યાં ગેંડાઓ મુક્ત રીતે વિચરી શકે છે. એ પહેલા આ ગેંડાઓ ચેક રિપબ્લિકના પ્રાણી-સંગ્રહાલયમાં હતા. જંગલના ગેેંડા ખલાસ થયા એટલે પછી પ્રાણી સંગ્રહાલયના ગેંડાને જંગલમાં છૂટ્ટા મુકી દેવાયા છે.

૩૬૦ ચોરસ કિલોમીટરમાં ફેલાયેલા આ જંગલમાં જોકે ગેંડા સલામત રહે તેની કોઈ ખાતરી નથી. માટે સંરક્ષકો સૌથી પહેલા તો સલામત રીતે એ ગેંડાના શિંગડા કાપી નાખ્યા છે. શિકાર શિંગડા માટે જ થતો હોય છે. માટે શિંગડા હટાવી દેવાથી ગેંડાને આપોઆપ જીવતદાન મળી રહ્યું છે.

પેજેતામાં સુદાન, નાજીન અને ફાતુ નામના ૩ ગેંડા પૈકી ફાતુ અને નાજીન માદા છે. એ ત્રણેયની સુરક્ષા જરૃરી છે, એટલે પાર્કમાં ડઝનબંધ વાઈલ્ડ લાઈફ રેન્જર્સ ભરી બંદૂકે પહેરો આપતા રહે છે. બે-ચાર રેન્જર્સ ચોવીસે કલાક ગેંડાની આસપાસ જ રહે છે. તાલીમબદ્ધ ૧૪ કુતરાંઓની ટૂકડી પાર્કમાં ખુલ્લી મુકી દેવામાં આવી છે. શિકારીઓ ભૂલે-ચૂકે પગ મુકે તો તેનો શિકાર કરવા કુતરાં તૈયાર છે. પાર્ક સંચાલકો પાસે એક પાઈપર સુપર ક્લબ પ્રકારનું નાનકડું ટુ-સિટર વિમાન પણ છે. તેના દ્વારા ઊંચે ઉડીને નજર રાખવામાં આવે છે. જોકે દર વખતે વિમાન ઉડાવવું શક્ય નથી. એટલે ૨૦૧૩થી પાર્કના સંરક્ષણ માટે ડ્રોન વિમાનો પણ કામે લગાડી દેવાયા છે.

પાર્ક ફરતે ફેન્સિંગ વાડ કરેલી છે, જેમાં રાત-દિવસ વીજ પ્રવાહ વહેતો રહે છે. એટલું પણ ઓછુ હોય એમ આસપાસના ગામોમાં રહેતા લોકો સાથે સંધાન સાધીને પાર્ક અધિકારીઓ સંરક્ષણની કામગીરી કરે છે. એટલે પાર્ક કે તેની આસપાસ કંઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તેની બાતમી મળી શકે. એટલે પાર્કની જાળવણી પાછળ વર્ષે ૬૦ લાખ ડોલર (અંદાજે ૩૮ કરોડ રૃપિયાથી વધારે રકમ)થી વધુનું બિલ ફાટે છે.

આ પાર્કમાં બીજા કાળા ગેંડાઓની વસતી ૧૦૦થી વધુ છે. આફ્રિકાના કદાવર હાથી છે, સિંહ છે, દીપડા છે અને કેપ બફેલો તરીકે ઓળખાતી સૂંડલા જેવડું માથું ધરાવતી જંગલી ભેંસો છે.. એટલે પ્રવાસીઓ આ બધું જોવા પાર્કમાં આવતા રહે છે. કેન્યામાં ચિમ્પાન્ઝી માત્ર અહીં જ જોવા મળે છે. માણસો સાથે ૯૯ ટકા કરતા વધુ સામ્ય ધરાવતા એ સજીવોને જોવાનું પણ પ્રવાસીઓમાં આકર્ષણ છે. તેના દ્વારા થોડો-ઘણો ખર્ચ નીકળે. બાકી તો વર્લ્ડ વાઈલ્ડ લાઈફ ફંડ અને અન્ય આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ખિસ્સા ખર્ચી પુરી પાડતી રહે છે.

સાત ગળણે પાણી ગાળ્યા પછીય શિકાર નહીં થાય એવુ કહી શકાય એમ નથી. કેમ કે પેજેતામાં જ છેલ્લા વર્ષોમાં અન્ય પ્રકારના ગેંડાનો શિકાર થયો છે. આફ્રિકામાં ગેંડાનો શિકાર કરતા શિકારીઓ બહુ હાઈ-ટેક છે. એ હેલિકોપ્ટર સુદ્ધાં લઈને આવી શકે છે. માટે કોઈ લાકડી લઈને જંગલનું રક્ષણ કરવા નીકળ્યો હોય એવો પગી અહીંના જંગલોને બચાવી શકતો નથી. શિકારીઓને એ ખર્ચ કરવો પોસાય છે કેમ કે એક વખત શિંગડું હાથમાં આવે તો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં કિલોગ્રામના ૪૫-૫૦ લાખ રૃપિયા મેળવવામાં તેમને કશો વાંધો પડતો નથી. કોઈ કોઈ શિંગડા વળી પાંચ ફીટ સુધી લાંબા થતાં હોય છે. એવા શિંગડા આખા મળી જાય તો, તેના કરોડો રૃપિયા બહુ સરળતાથી મળી શકે.

ટેકનોલોજી ગેંડાનું આયુષ્ય વધારી શકશે?
શિકારીઓથી બચે તો પણ આ ત્રણેય ગેંડાઓ કુદરતી રીતે મૃત્યુ પામે એ સાથે પૃથ્વી પરથી તેમનું લાખો વર્ષથી ચાલ્યું આવતુ અસ્તિત્વ ખતમ થવાનું છે. માટે વિજ્ઞાાનીઓએ ટેકનોલોજી દ્વારા ગેંડાઓને બચાવવાનો પ્રયાસ આદર્યો છે. આ ગેંડાઓને સ્ટેમ સેલ અને 'આઈવીએફ (ઈન વિટ્રો ફર્ટિલાઈઝેશન)' પદ્ધતિ દ્વારા બચાવવાનો પ્રયાસ હાથ ધરાયો છે.  

બચેલા ત્રણેય સભ્યો એક જ પરિવારના છે. સુદાન ૪૩ વર્ષનો છે, ૨૬ વર્ષની નાજીન તેની દીકરી છે અને ૧૫ વર્ષની ફાતુ નાજીનની દીકરી છે. સુદાનની ઉંમર થઈ હોવાથી હવે એ પિતા બની શકે એમ નથી. નાજીનના પગે ઈજા થયેલી છે એટલે એ ગર્ભનું વજન ખમી શકે એમ નથી. જ્યારે ફાતુના તો ગર્ભાશયમાં જ ખામી છે. ટૂંકમાં બે માદા અને એક નર હોવા છતાં કુદરતી રીતે ગર્ભધાન કરી શકે એવી સ્થિતિ રહી નથી. પછી આઈવીએફ સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. અગાઉ થોડા સફેદ ગેંડા જીવતા હતા ત્યારથી તેમના બીજ બચાવીને રાખી મુકાયા છે. બેએક વર્ષ પહેલા નોલા નામનો નોર્ધન વ્હાઈટ મરાયો એ પછી ટેકનોલોજીની મદદથી તેની જીવાદોરી લંબાવવાનો પ્રયાસ શરૃ થયો છે.

આ ગેંડાઓને બચાવવા અમેરિકાના 'સાન ડિયાગો ઝૂ' અને જર્મનીની 'લિબ્નિઝ ઈન્સ્ટીટયૂટ ફોર ઝૂ એન્ડ વાઈલ્ડલાઈફ'ના નેજા હેઠળ અમેરિકા, ઈટાલિ, જર્મની અને જાપાન એ ચાર દેશના વિજ્ઞાાનીઓ એકઠા થયા છે. વિજ્ઞાાનીઓ બન્ને માદા ગેંડાના ગર્ભમાંથી તેના ગર્ભ તૈયાર કરતાં બીજ કાઢી લઈ અગાઉ સાચવી રાખેલા બીજ સાથે મેળવણી કરશે. એ પછી સરોગેટ મધર્સની માફક સધર્ન વ્હાઈટ રાઈનોની માદાના ગર્ભમાં આ બિજ રોપીને પ્રજોત્પતી માટે પ્રયાસ કરવામાં આવશે. આ પ્રયોગમાં સફળતા મળે કે નિષ્ફળતા પરંતુ પહેલી વખત કોઈ સજીવનો વંશ-વેલો જાળવી રાખવા માટે આઈવીએફ-સ્ટેમ સેલ પદ્ધતિનો ઉપયોગ થઈ રહ્યો છે.

ગેંડાનું પૂંછડું મુકો!
કેટલાક સંશોધકોએ આ પદ્ધતિ સામે વાંધો ઉઠાવ્યો છે. તેમનું એવુ કહેવું છે, કે જે ગેંડા રહેવાના નથી, તેમના માટે હવાંતિયા મારવાને બદલે બાકી બચેલા ગેંડાઓના સંરક્ષણ પર ધ્યાન આપો. બીજો વર્ગ ગેંડાઓની સરોગસી કરવાના પક્ષમાં છે. એ વિજ્ઞાાનીઓ એવુ માને છે કે જો ગેંડા પરના પ્રયોગમાં સફળતા મળે તો પછી ઘણા એવા સજીવો છે, જે નષ્ટ થઈ રહ્યાં છે.

તેમને બચાવવા માટે પણ આ પદ્ધતિ કામ લાગી શકે એમ છે. પરંતુ એ બધા વચ્ચે વિજ્ઞાાનીઓની ટીમ ગેંડાઓને આ ટેકનોલોજીની મદદથી સજીવન કરવા કટિબદ્ધ છે. નોર્ધન વ્હાઈટ રાઈનો પર પ્રયોગ કરતાં પહેલા વિજ્ઞાાનીઓએ સાઉથર્ન વ્હાઈટ રેઈનો પર આ પ્રયોગ કરી આ પદ્ધતિ વિકસાવી રહ્યાં છે. તેમાં સફળતા મળશે તો પછી નોર્ધન વ્હાઈટ રેઈનો પર અખતરો થશે.

રસપ્રદ વાત એ છે કે આજે જેમ ગેંડા ખાલી થવા આવ્યા છે, એવી જ સ્થિતિ સદી પહેલા હતી. ૧૯મી સદીના અંત ભાગે પહેલી વખત સંશોધકોના ધ્યાને આ ગેંડા ચડયાં ત્યારે તેમની વસતી ૧૦૦થી પણ ઓછી હતી. દક્ષિણ આફ્રિકાના ક્વાઝુલુ-નાતાલ વિસ્તારમાં તેની વસતી હતી. એ વખતે શિંગડા માટે આજના જેટલો શિકાર થતો ન હતો. પરિણામે સંરક્ષણ મળ્યું એ પછી વસતી વધતી વધતી ૨૦ હજારે પહોંચી. પણ જાણે વસતી વધારો શિકારી માટે જ કરવામાં આવ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ.

કેમ કે ૨૦ હજાર પૈકીના ઘણાખરા ગેંડા શિકારીઓની ગોળીએ મરાયા. હવે પાણી માથા પરથી જતું રહ્યું છે. ૧૯૮૦માં ૧૫ ગેંડા હતા, વસતી વધીને ૧૯૯૭માં ૨૫ થયા. એનાથી પણ વધીને ૨૦૦૩માં ૩૨ થયા. એ પછી ઘટતાં ઘટતાં ૨૦૦૯માં સીધા ૮ રહ્યા અને ૨૦૧૫થી તો ૩ જ છે. તેમની વસતી ફરીથી પહેલાની જેમ કોઈ રીતે વધી શકે એમ નથી.

એક સમયે દક્ષિણ આફ્રિકા, ચાડ, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, કોંગો, યુગાન્ડા સહિતના દેશોમાં જોવા મળતા કદાવર ગેંડા આજે કેન્યાના નાનકડા જંગલ પુરતાં સિમિત રહી ગયા છે. ત્યાં પણ શ્વાસની દોરી ચાલે છે ત્યાં સુધી રહેશે.

- અત્યારે કુલ મળીને ૩ નોર્ધન વ્હાઈટ રાઈનો આખી ધરતી પર બચ્યાં છે. વૃદ્ધ સુદાનની ઉંમર હાલ ૪૩ વર્ષ છે. તેને ૩ વર્ષનો હતો ત્યારે આફ્રિકા ખંડના દેશ સુદાનના જંગલોમાંથી જંગલમાંથી પકડીને ઝૂમાં મોકલી દેવાયો હતો. સુદાનમાંથી ઝડપાયો હતો એટલે નામ પણ સુદાન જ રાખી દેવાયું હતુ. હવે તેનું નસિબ ફરીથી તેને આફ્રિકાની ધરતી પર લઈ આવ્યું છે.

- નાજીનનો ૧૯૮૯માં થયો હતો, હાલ એ ૨૮મુ વર્ષ પસાર કરી રહી છે. પરિવારની સૌથી નાની મેમ્બર ફાતુ છે, જે ૨૦૦૦ની સાલમાં જન્મી હતી.

- આ ત્રણેય ગેંડા જંગલમાં હોવા છતાં કુદરતી અવસ્થામાં રહે છે એવુ ન કહી શકાય. કેમ કે તેના પર સતત દેખરેખ રાખવી પડે છે. એટલે કે કુદરતી અવસ્થામાં જંગલમાં રહેતા હોય એવા નોર્ધન વ્હાઈટ રાઈનો પૃથ્વી પર રહ્યા જ નથી.

- નોર્ધન વ્હાઈટ રાઈનો એવો ગેંડાનો પેટા પ્રકાર પણ છે, તેની વિજ્ઞાાનીઓને ૧૯૦૭માં ખબર પડી હતી.
- આફ્રિકામાં ગેંડાનો શિકાર અટક્યો નથી. ૨૦૧૪માં જ વિવિધ પ્રકારના હજારથી વધુ ગેંડાને શિકારીઓએ મારી નાખ્યા હતા.

Post Comments