Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પારિજાતનો પરિસંવાદ - ડૉ. કુમારપાળ દેસાઈ

'બ્લેક'નો 'વ્હાઈટ'પર વિજય!

કેટલીક ભરતી અને ઓટનો સામનો કરનાર ભારતના ક્રિકેટની સૌથી પહેલી કરુણ દાસ્તાન કઈ હશે ? ભારતમાં પારસીઓએ ક્રિકેટની રમતને સૌપ્રથમ અપનાવી અને આ રમત પ્રત્યે અપૂર્વ ઉત્સાહ દાખવીને અને પૈસા ખર્ચીને પોતાની સાચી લગનીનો પુરાવો આપ્યો. એ સમયે પાટિયા જેવું લાંબું બેટ, ગમે તેવો લંબગોળ દડો અને વિકેટ તરીકે જાડું લાકડું વાપરતા પારસીઓનો આ રમત પ્રત્યેનો ભાવ અને પ્રેમ અદ્ભુત હતા.

અંદાજે ૧૮૯૮માં પારસીઓના નેતૃત્વ હેઠળ મુંબઈના મેદાનમાં પહેલવહેલી કલબ મેચોનો પ્રારંભ થયો. તેઓ માત્ર બેટ વીંઝવાનો કે દડો નાખવાનો જ આનંદ પામવાની ઇચ્છા રાખતા નહોતા, કિંતુ આ રમતમાં ઊંડા ઊતરીને બુદ્ધિગમ્ય ક્રિકેટવ્યૂહો અને આ રમતને વિકસાવવાની તકો પણ શોધતા હતા. પારસીઓના પ્રદાન વિશે તો મોટો ગ્રંથ લખી શકાય, પરંતુ આજે વાત કરવી છે ભારતની ધરતી પર મુંબઈમાં જીમખાના ગ્રાઉન્ડમાં ૧૮૯૦ની ૩૦મી અને ૩૧ મી જાન્યુઆરીએ ખેલાયેલી પારસી અને જી.એફ.વેરનનની અંગ્રેજી ખેલાડીની ઇલેવન.

એ સમયે જી.એફ.વેરનનની ટીમ પોતાના વિજયને માટે નિશ્ચિત હતી. એમાં પણ વેરનન ઇલેવન ટોસ જીતી ગઈ અને પહેલો દાવ લેવાની સુવર્ણ તક મળી, પરંતુ આ મેચમાં એમ.ઇ.પાવરી અને આર.ઇ.મોદી બે ઝડપી ગોલંદાજોએ અત્યંત પ્રભાવશાળી દેખાવ કર્યો. પાવરીએ મેચના બંને દાવમાં મળીને કુલ નવ વિકેટ મેળવી અને મોદીએ મેચના બંને દાવમાં મળીને કુલ પાંચ વિકેટ મેળવી. પરંતુ ઝડપી ગોલંદાજ પાવરી કરતાં પણ મોદીનો વિરોધીઓમાં વધુ ભય પ્રસરેલો હતો. ૧૮૯૦ની ૩૦મી જાન્યુઆરીએ ૭૭ ડિગ્રી ફેરનહીટ સાથે સવારે ૧૦ વાગ્યે મુંબઈ શહેરના એક માત્ર ક્રિકેટ ગ્રાઉન્ડ બોમ્બે જીમખાના પર આ મેચનો પ્રારંભ થયો, પરંતુ ઝડપી રાઉન્ડર ગોલંદાજ આર. ઇ. મોદીએ આતંક ફેલાવ્યો.

એની ગોલંદાજીની વિશેષતા એ હતી કે દડાની 'લેન્થ'જાળવવામાં અત્યંત કુશળ એવો મોદી વખત આવ્યે વિકેટ ઝડપનારા યોર્કર દડા નાખી શક્તો હતો. મેચના આરંભે જ મોદીએ ત્રણ વિકેટ લીધી અને ત્રણેયને બોલ્ડ કર્યા. પહેલી વિકેટ ઓપનિંગ બેટ્સમેન જેમ્સ ર્વાકરની લીધી. ઇંગ્લેન્ડની મિડલસેક્સ મેચ અને રગ્બીમાં સ્કોટલેન્ડનું પ્રતિનિધિત્વ કરનાર વોકર માટે એમ કહેવાતું કે એ એના મજબૂત બાવડાના બળે 'કવર- પોઈન્ટ'અને 'થર્ડ-મેન' તરફ દડો ફટકારીને ઘણા રન મેળવતો હતો. વોકરના ગયા પછી યોર્ક શાયરની જેન્ટલમેન ક્રિકેટ ટીમના કાઉન્ટીમ, ખેલાડી એડવર્ડ લોવસન- સ્મિથને મોદીએ બોલ્ડ કર્યા અને એ પછી લેન્કેશાયર તરફથી થોડી મેચો ખેલનારા એ.બી.ઇ. ગીબસનને પણ એણે ઝડપી ગોલંદાજીથી બોલ્ડ કર્યા. આમ પહેલી જ વાર અંગ્રેજ ખેલાડીઓ ' દેશી ખેલાડીઓ સાથે મુકાબલો કરવામાં સાવ ઊણા ઊતર્યા.'પારસીઓએ સારા દેખાવની આશા રાખી હતી, પરંતુ આવો પ્રભાવક દેખાવ કરી વિજય મેળવશે એવી તો કલ્પના પણ કરી નહોતી.

એ જ રીતે બીજા દાવમાં પણ મોદીએ ઇ.આર.ડી. લીટલને બોલ્ડ કર્યા અને એ. આર. લીથામને એલ.બી.ડબલ્યુ કર્યા. એ સમયે આ ધુંવાધાર ઝડપી ગોલંદાજની પહેલા દાવની ગોલંદાજીની એનાલિસીસ હતી, તેર ઓવર, ત્રણ મેઇડન, બત્રીસ રન અને ત્રણ વિકેટ અને બીજા દાવમાં દસ ઓવરમાં અડધોઅડધ એટલે પાંચ મેઇડન, સાથે અઢાર રન આપીને બે વિકેટ ઝડપી હતી. પારસી ટીમની ફિલ્ડીંગ પણ અત્યંત ચપળ અને છટાદાર હતી અને વિરોધીઓનો દરેક રીતે મુકાબલો કરે તેવી હતી. ફિલ્મ 'લગાન'ની યાદ આપે એવી આ મેચમાં વેરનનની ટીમ પર પારસી ટીમે ચાર વિકેટથી વિજય મેળવ્યો.

આ સમયે વેરનનની ટીમ ૯૭ અને બીજા દાવમાં ૬૧ રનમાં આઉટ થઈ ગઈ. ભારતના પ્રવાસમાં વેરનની ટીમ જ્યાં જ્યાં રમી, ત્યાં આ એનો સૌથી ઓછો જુમલો હતો. નોંધપાત્ર બાબત એ છે કે એ સમયે કેપ્ટન ટ્રેવર સ્તબ્ઘ થઈ ગયો હતો. મુંબઈની એક વિશાળ કંપનીનો એ માલિક હતો અને એણે કહ્યું કે હું ક્રિકેટની બાબતમાં કશું જાણતો નથી, પરંતુ જો પૈસાથી આવું બનતું અટકાવી શકાતું હોત તો મેં મેદાન પર લાખ રૃપિયા ભેગા કરીને આપી દીધા હોત.

કેપ્ટન ટ્રેવરે એ સમયે નોંધ્યું કે દર્શકોની વિશાળ સંખ્યામાં હાજર લોકોને પણ એ ખબર નહોતી કે તેઓ શું જોઈ રહ્યા છે ? અને પૂરા એકસો લોકોને ક્રિકેટની રમતનું પ્રાથમિક જ્ઞાાન નહોતું. એ લોકો તો એટલું જ જાણતા હતા કે એક યા બીજા 'બ્લેક'માણસે 'વ્હાઇટ'માણસ પર વિજય મેળવ્યો છે.

એ જમાનો ખેલદિલીનો હતો અને તેથી પારસી સુકાનીને પહેલાં અભિનંદન મુંબઈના ચીફ જસ્ટિસ સર એન.જી. લીટલટન અને સર ચાલ્સૅ સાર્જન્ટે આપ્યા, જે કદી ભૂલી શકાય તેવા નહોતા. બંગાળ અને ઉત્તર ભારતની ટીમને પરાજય આપનારી વેરનનની ટીમને પારસી ટીમ હરાવી શકે તે સમજી શકાતું નહોતું અને સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એ હતી કે આ ઘટનાને પરિણામે પારસીઓની ફાસ્ટ બોલિંગ સામેની ફિલ્ડીંગ વધુ ધારદાર બની અને બેટિંગમાં વધુ ને વધુ સુધારો થતો ગયો.

મેચ પછી વેરનની ટીમ તરત જ લખનઉ જવા માટે રેલવે સ્ટેશન તરફ રવાના થઈ. અંગ્રેજ ખેલાડીઓએ ખેલદિલીભરી રીતે પોતાની શિકસ્તનો સ્વીકાર કર્યો હતો અને પારસીઓએ એમને સ્ટેશન પરથી એટલી જ ભાવભીની વિદાય આપી હતી. આ પછીના બે દિવસો તો પારસી ક્રિકેટરોમાં અને ક્રિકેટ શોખીનોમાં વિજયનો નશો છવાયેલો રહ્યો. મુંબઈની અગ્રણી કલબોએ આ વિજેતા ટીમને ભોજન માટે નિમંત્રણ આપ્યું અને બીજા બધા પારસી ખેલાડીઓને લાગ્યું કે તેઓ રાતોરાત મશહૂર બની ગયા છે, પરંતુ બે- ત્રણ દિવસ બાદ એક આંચકાજનક ઘટના એ બની કે 'ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા'એ અર્ધસત્તાવાર વર્તુળો પાસેથી મળતી માહિતી પ્રમાણે પારસી ઝડપી ગોલંદાજ મોદી પર જાહેરમાં થ્રો ગોલંદાજી બોલરનો આક્ષેપ મૂક્યો. એટલું જ નહીં પણ એમણે જણાવ્યું કે અમે સ્પષ્ટ પણે માનીએ છીએ કે મોદી કોઈ પણ રીતે ગોલંદાજ નથી. માત્ર થ્રોઅર છે અને આવી પરિસ્થિતિમાં એને મેચ રમવા દેવો જોઈએ નહીં.

આ સંદર્ભમાં વેરનનની ટીમના ખેલાડીઓ માનતા હતા કે મોદી આગળ ધસીને થ્રો નાખતો ગોલંદાજ છે અને જો એને વધુ તક આપવામાં આવશે તો એનાથી અંતે પારસી ક્રિકેટને નુકસાન થશે. જો એ ઇંગ્લેન્ડ જાય તો ચોક્કસ એના આ દડાઓને નો-બોલ આપવામાં આવે. જો આ અટકાવવામાં ન આવે તો મોદીની નકલ કરી નવી પેઢીના ગોલંદાજો પણ થ્રો કરવા લાગશે અને તેથી પારસી ટીમે પોતાના હિતનો વિચાર કરવો જોઈએ. રાત્રે રામનો રાજ્યભિષેક થવાનો હોય અને સવારે એમને વનવાસ મળે એવી સ્થિતિ પારસી ક્રિકેટરોની બની. એ પછી અત્યંત ઝડપી ગોલંદાજ ગણાયેલા મોદીને થોડી રમતોમાં તક આપવામાં આવી, પણ તેમાં તે માત્ર બેટ્સમેન તરીકે રમ્યા.

એક કલ્પના એવી કરવામાં આવે છે કે રાઉન્ડર, કદી ગોલંદાજીનું કોઈ કોચિંગ પામ્યા નહોતા. આવા મોદીને શ્રીલંકાના તાજેતરના ગોલંદાજ લેસીથ મલિંગા સાથે સરખાવી શકાય. મોદીની આવી વિદાયે ઘણાના દિલમાં આઘાત પહોંચાડયો. એ કુશળ તરવૈયો હતો અને એકવાર પારસી જીમખાનાના મેદાનથી એ દરિયા સુધી દોડી ગયો. પંદર મિનિટ સુધી જાનની બાજી લગાવીને એણે બે ડૂબતા હિંદુઓનું જીવન બચાવ્યું હતું. ગોલંદાજીના એકશન પર શંકા સેવવામાં આવતા મોદીની ગોલંદાજીને નો-બોલ જાહેર કરવી તે પારસી ક્રિકેટની અને ભારતની ધરતી પર રમાયેલા ક્રિકેટની સૌથી પહેલી ટ્રેજેડી કહેવાય.

ક્ષણનો સાક્ષાત્કાર

દરેક વ્યકિત પાસે કેટલીક કુદરતી શક્તિઓ હોય છે. વ્યકિતમાં જેમ અમુક મર્યાદાઓ હોય છે, તેમ અમુક વિશિષ્ટ શક્તિઓ પણ હોય છે. આ શક્તિઓ એના સબકોન્સિયસ માઈન્ડમાં રહેલી હોય છે. એ શક્તિઓ જીવનમાં પ્રગટ થવા માટે મોકળાશ શોધતી હોય છે. આવી જન્મજાત શક્તિને રૃંધવાનો સમાજ અને શિક્ષણ દ્વારા પ્રયત્ન થતો હોય છે.

અમુક જ ચીલાચાલુ માર્ગે જીવન ગાળવું જોઈએ એવો માતા-પિતા કે વડીલોનો આગ્રહ હોય છે. એ પરંપરાગત માર્ગથી તમે સહેજ પણ આડા ફંટાવ તો આવી બને. આ બધી પરિસ્થિતિને કારણે વ્યકિતમાં પડેલી કુદરતી શક્તિને ગળે એ વ્યકિત પોતે જ ટૂંપો લગાવે છે. એને ફોટોગ્રાફીમાં રસ હોય, પણ વડીલ કહે કે એમાં ક્યાં કોઈ કમાણી થતી હોય છે ? આજીવિકા માટે ફોટોગ્રાફીને તિલાંજલિ આપીને ચૂપચાપ કારકુનગીરી અપનાવી લે. આથી દરેક વ્યકિતને માટે સૌથી મોટો પડકાર એ જીવનમાં પોતાની નેચરલ ટેલન્ટને પારખીને પ્રગટ કરવાનો હોય છે.

જેમ વ્યકિત પાસે શક્તિ છે, એમ એની પાસે અમુક અશક્તિઓ હોય છે. એ સંસ્કૃતનો વિદ્વાન હોય, પણ ગણિતમાં સર્વથા સામાન્ય જ હોય. કોઇને ટેકનોલોજીનું જ્ઞાાન ઘણું હોય, પરંતુ એનાથી વધુ ઊંચા સ્થાને બેઠેલી વ્યકિતની ટેકનોલોજીમાં ચાંચ પણ ડૂબતી ન હોય.
આ રીતે વ્યકિતએ પોતાનું જે કૌશલ્ય છે તેને ઊંચા લેવલ પર વિકસાવવું જોઈએ, પરંતુ સાથોસાથ એણે પોતાની મર્યાદા પણ જાણવી જોઈએ. પસંદગીના ક્ષેત્રમાં આગળ વધવું મુશ્કેલ એ માટે હોય છે કે કેટલીક ઓછો રસ પડે તેવી બાબતોને પણ સ્વીકારવી અને સમજવી પણ પડે છે. આપણી કુદરતી શક્તિને પ્રગટ કરવા માટે કેટલાંક આકરાં ચઢાણો જરૃર ચઢવાં પડશે.

મનઝરૃખો....

ઇ.સ. ૧૯૦૧ થી ૧૯૦૯ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખપદે રહેનાર થિયોડોર રૃઝવેલ્ટ અત્યંત લોકપ્રિય રાજપુરુષ હતા. ન્યૂયોર્કના ગર્વનર તરીકે એમનામાં કાર્યદક્ષતા અને આગવી વહીવટી કુશળતા  જોવા મળી. થિયોડોર રૃઝવેલ્ટ ૧૯૦૧માં યુનાઇટેડ સ્ટેટ્ના પ્રમુખ બન્યા અને એક પ્રમુખ તરીકે એમણે અનન્ય ચાહના પ્રાપ્ત કરી. પોતાની આસપાસના લોકોના જીવનમાં મમતાભર્યો ઊંડો રસ લેવાની એમની વૃત્તિ હતી અને આથી જ પ્રમુખ તરીકે નિવૃત્ત થયા બાદ એક વાર થિયોડોર રૃઝવેલ્ટને વ્હાઈટ હાઉસમાં નિમંત્રિત કરવામાં આવ્યા.

એ સમયે પ્રમુખ ટેફટ અને એમનાં પત્ની વ્હાઇટ હાઉસમાં નહોતાં. વ્હાઈટ હાઉસમાં આવ્યા બાદ રૃઝવેલ્ટનાં એકેએક ચાકરોને નામથી બોલાવવા લાગ્યા અને પોતાના સમયના તમામ ચાકરોને પ્રેમથી મળ્યા. એ પછી એમણે વ્હાઇટ હાઉસમાં વાસણ માંજનારી સ્ત્રીને પણ પ્રેમથી બોલાવી, પોતાનું નામ સાંભળતાં જ એ દોડી આવી અને થિયોડોર રૃઝવેલ્ટે ખૂબ આત્મીયતાથી સહુના ખબરઅંતર પૂછ્યાં.

પોતાની પરિચિત વ્યકિતઓ પ્રત્યેના એમના અખૂટ રસ અને સમભાવને કારણે થિયોડોર રૃઝવેલ્ટ પર એમની હાથ નીચેના તમામ કર્મચારીઓ પ્રસન્ન રહેતા હતાં. તેમણે જ્યારે વ્હાઇટ હાઉસમાં રસોઈ કરતી એલિસને બોલાવી, ત્યારે વ્હાઈટ હાઉસની એ રસોઇયણે થિયોડોર રૃઝવેલ્ટને મળવા દોડી ગઇ.
રૃઝવેલ્ટે એને પૂછયું,' હજી તું એ જ મકાઈની સ્વાદિષ્ટ બ્રેડ બનાવે છે ને ?'જવાબમાં રસોઈયણે કહ્યું, 'હા, હવે એ ક્યારેક જ બ્રેડ બનાવે છે અને તે પણ વ્હાઇટ હાઉસના ચાકરો માટે, કારણકે ઉપલા માળે રહેતા મહાનુભાવો ક્યારેય એની મકાઈની બ્રેડ ખાતા નથી.'

આ સાંભળતાં જ રૃઝવેલ્ટે સહેજ ઊંચા અવાજે કહ્યું, 'શું કહે છે ? તારી મકાઈની સ્વાદિષ્ટ બ્રેડ હજી હું ભૂલ્યો નથી. શું તેઓ તે મકાઈની બ્રેડ ખાવાનો આનંદ ગુમાવે છે ? આમ ન ચાલે ? મને લાગે છે કે એમની સ્વાદવૃત્તિમાં જરૃર કોઈ ખામી હોવી જઈએ.'

આટલું કહીને પૂર્વ પ્રમુખે ઉમેર્યું,'સાંભળ. હું જ્યારે પ્રેસિડેન્ટ ટેફટને મળીશ, ત્યારે જરૃર પ્રેસિડેન્ટને તારી મકાઈની સ્વાદિષ્ટ બ્રેડની વાત કરીશ.'
પોતાની મકાઈની બ્રેડની પ્રશસાં સાંભળતાં જ ઉત્સાહથી એલિસ રસોઈઘરમાં ગઈ અને એક પ્લેટમાં બ્રેડ લઈ આવી.

થિયોડોર રૃઝવેલ્ટ એ સમયે બગીચામાં લટાર મારતા હતા. એમણે બગીચામાં લટાર મારતી વખતે માળીઓ અને મજૂરો તરફ જોઈને હાથ ઊંચો કર્યો અને જોરથી બોલ્યા,'કેમ છો ?' મજામાં ને ! અને આ સાથે સહુનું અભિવાદન કરતાં તેમજ મકાઈની બ્રેડનો સ્વાદ ચાખતાં ચાખતાં રૃઝવેલ્ટ ઓફિસ તરફ નીકળી ગયા.

એવી જ રીતે ચાલીસ વર્ષથી વ્હાઈટ હાઉસના દ્વારપાળ તરીકે કામગીરી બજાવતા આઇક હૂવરને યાદ કરીને નામથી સંબોધીને બોલાવ્યો, એનાં ખબર- અંતર પૂછ્યાં, ત્યારે આઇકની આંખમાં ઝળહળિયાં આવી ગયાં. એણે કહ્યું,
'મારા જીવનનો આ સૌથી આનંદમય દિવસ છે. તમારી મુલાકાત અમારે માટે અમૂલ્ય બની રહી છે. અમે એને જિંદગીભર ભૂલી શકીશું નહીં.'

Post Comments