Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

સાવધાન... માનવ જાતને મિટાવવા

સજ્જ થઈ રહેલી 'સુપર બગ'ની સેના!

૨૦૫૦ સુધીમાં ડ્રગ રેઝિસ્ટન્ટ ચેપી રોગને કારણે દર વર્ષે એક કરોડ લોકો મોત પામશે

પ્રકૃતિનો નિયમ છે જે બળવાન છે તે કમજોરનો નાશ કરી, પોતાનું અસ્તિત્ત્વ ટકાવે.  ડાર્વિનનો સિધ્ધાંત કહે છે કે અસ્તિત્ત્વ જાળવી રાખવાના આ સંઘર્ષથી  પ્રત્યેક સજીવ પૃથ્વીના પર્યાવરણમાં થતા પ્રતિકૂળ ફેરફારો સામે સતત લડે છે. વિશાળકાય ડાઈનોસોર પણ અસ્તિત્ત્વના આ વિકટ  સંઘર્ષમાં  પરાસ્ત થઈને નામશેષ થઈ ગયા. જ્યારે સાવ  તુચ્છ અને ક્ષુદ્ર જણાતા સૂક્ષ્મ  જીવાણુઓ તેનાથી વધુ ચાલાક સાબિત થયા. કેટલાક સૂક્ષ્મ જીવાણુઓનું પૃથ્વી પરનુ આયુષ્ય અબજો વર્ષ જૂનું છે. એટલું જ નહીં, અસ્તિત્ત્વ  ટકાવી રાખવાના સંઘર્ષમાં તે અન્ય સજીવો કરતાં અનેકગણા સક્ષમ અને માનવી કરતા પણ વિશેષ ચડિયાતા રસાયણશાસ્ત્રી પૂરવાર થયા છે.

તાજેતરમાં  એક જીવલેણ રોગચાળાએ વૈશ્વિક સમસ્યા પેદા કરી દીધી છે. આ ભયાનક રોગચાળો ધીમે ધીમે ભારતમાં પ્રવેશી રહ્યો છે અને ભારતનાં નવજાત શિશુઓનો ભોગ લઈ રહ્યો છે. આ રોગચાળાને ડામવા માટે કોઈ દવા કે રસી ખાસ અસરકારક ન નીવડી રહી હોવાથી ભારતનાં હજારો નવજાત શિશુઓના જીવ જોખમમાં મુકાઈ ગયા છે. હાલમાં જ થયેલાં એક સંશોધન અનુસાર, ભારતમાં કેટલાંક બાળકો સુપરબગ તરીકે ઓળખાતા બેક્ટેરિયાનું ઈન્ફેક્શન લઈને પેદા થતાં હોય છે. આ સુપરબગને ડામવા માટે કોઈ એન્ટિબાયોટિક કારગત સિદ્ધ થતી નથી. આ સંશોધનમાં જણાવ્યું છે કે,  ગત વર્ષે સુપરબગે આશરે ૫૮,૦૦૦ નવજાત શિશુઓનો ભોગ લીધો હતો. જોકે તેનાથી પણ મોટી વાત છે કે,  આ અનિયંત્રિત બેક્ટેરિયાને કારણે ભારતમાં દર વર્ષે ૮ લાખ નવજાત શિશુઓનાં મૃત્યુ થઈ રહ્યાં છે. પિડિયાટ્રિશયનોનું કહેવું છે કે, આ ઈન્ફેક્શને ભારતમાં બાળમૃત્યુનો દર ઘણો વધારી દીધો છે અને તેને ડામવા માટે ખૂબ જલદી નક્કર પગલાં લેવાં પડશે. ઉલ્લેખનીય છે કે, વિશ્વના ત્રીજા ભાગનાં નવજાત શિશુઓનાં મૃત્યુ ભારતમાં થાય છે.

સુપરબગ અંગેનો અભ્યાસ હાથ ધરનારા પિડિયાટ્રિશિયન ડૉક્ટર જણાવે છે છે કે, જો આ પ્રકારનાં ઈન્ફેક્શનની સારવાર ટૂંક સમયમાં શોધવામાં નહીં આવે તો ભારત સહિત સમગ્ર વિશ્વ માટે મોટો ખતરો પેદા થઈ શકે છે. દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલના ડિપાર્ટમેન્ટ ઓફ નિઓનેટોલોજીના ચેરપર્સન ડૉક્ટર જણાવે છે કે, પાંચ વર્ષ અગાઉ આવાં કોઈ ઈન્ફેક્શનનાં લક્ષણો જોવા મળતાં નહોતાં જ્યારે આજે લગભગ ૯૦ ટકા નવજાત શિશુઓમાં જોવા મળે છે, જે ખૂબ જ ભયાનક છે.  એવું માનવામાં આવે છે કે જે વ્યક્તિ વારંવાર નાની- મોટી બીમારીના ઈલાજ માટે એન્ટિબાયોટિકસના 'હેવી ડોઝ' લે છે તેઓ વખત જતા શરીરની રોગ પ્રતિકારક શક્તિન ે ક્ષીણ કરી નાં ખે છે. આવી દવાઓના વધુ પડતાં વપરાશને લીધે શરીર પર અમુક દવાઓની કોઈ અસર જ થતી નથી. આથી વિષાણુઓ મરતા નથી. આ રીતે ગમે તેવી દવાને ન ગાંઠનારા 'સુપર બગ'નો જન્મ થાય છે. તબીબો અહીં આગાહી કરે છે કે, આખા વિશ્વ માટે 'મેડિકલ ઈમરજન્સી' સર્જનારા આ સુપરબગને સમયસર નાથવામાં નહીં આવે તો ૨૦૫૦ની સાલથી દર વર્ષે એક કરોડ લોકો ડ્રગ- રેઝિસ્ટન્ટ ઈન્ફેકશનને કારણે મૃત્યુ પામશે

સૌ જાણે છે કે હવામાનમાં થઈ રહેલાં ફેરફારની સીધી અસર આરોગ્ય પર થાય છે. છેલ્લાં થોડાં સમયથી નાના-મોટા ચેપી રોગોનું પ્રમાણ વધી રહ્યું છે.  

નાઈલાજ  મનાતા બેક્ટેરિયા-મેથેસિલિન રેસિસ્ટન્સ સ્ટેફાઈલોકોક્કસ ઓરિયસ (એમઆરએસઓ)  આ બેક્ટેરિયા પર ઘણીબધી એન્ટિબાયોટિક્સની અસર જ નથી થતી. એમઆરએસએને કારણે મૂત્રમાર્ગમાં ઘાતક સક્રમણ, ન્યૂમોનિયા અને જખ્મોમાં ઈન્ફેક્શન થઈ શકે છે. આ બેક્ટેરિયા ચામટી વાટે શરીરમાં ઘૂસે છે અને પછી લોહી વાટે શરીરનાં વિભિન્ન અંગોમાં પહોંચે છે. આ બેક્ટેરિયાને હળવું ગરમ અને સાધારણ વાતાવરણ અનુકૂળ થાય છે. આથી, શરીરના અમુક હિસ્સા તેના માટે સારું કામ કરે છે. એકલા અમેરિકામાં જ દર વર્ષે લગભગ ત્રણ લાખ  લોકો એમઆરએસએની લપેટમાં આવે છે અને તેમાં લગભગ ૨૦ હજારનાં મોત થાય છે. ભારતમાં પણ આ એક મોટી સમસ્યા છે. અમેરિકા, બ્રિટન અને જર્મનીમાં તેની હાજરી માટે ભારત જવાબદાર હોવાનું કહેવાય છે. ભારતમાં સારવાર માટે ગયેલા દરદીઓ દ્વારા આ રોગ બીજા દેશોમાં ફેલાયો છે. એવો પ્રચાર પશ્ચિમી મિડિયામાં થઈ રહ્યો છે.

આ નવા શક્તિશાળી બેક્ટેરિયાને    ખતમ કરવામાં આ એન્ટિબાયોટિક્સ ખાસ્સી કામિયાબ નિવડી છે. આથી, આ નવા એન્ટિબાયોટિક્સથી ન્યૂ ડેલ્હી મેટોલો બીટા લેક્ટામેજ (એનડીએમ-૧) પર સફળ  ઈલાજ થઈ શકાશે, એવી આશા બંધાઈ છે.

નવા એન્ટિબાયોટિકને શોધવા માટે વિજ્ઞાાનીઓએ લગભગ ૧૨ લાખ કમ્પાઉન્ડ્સની ચકાસણી કરી છે અને તેમાંથી તેમને આ નવી સફળતા મળી છે. એમએસઆરએ બેક્ટેરિયાની બાબતમાં જ્યારે આ દવાનો ઉપયોગ ઉંદરો પર કરવામાં આવ્યો તો તેને સારી એવી સફળતા મળી. એમએસઆરએ ૧૯૬૦માં વિજ્ઞાાનીઓ માટે એક મોટો પડકાર હતો. તેના મુકાબલા માટે માર્કેટમાં આજે માત્ર એક જ દવા છે અને તે પણ વધુ કારગત નથી નિવડી રહી.

માનવીનું  પૃથ્વીપટ પરનું અસ્તિત્ત્વ માંડ ૪૦ લાખ વર્ષ જેટલું છે. જ્યારે સૂક્ષ્મ જીવાણુઓનો અસ્તિત્ત્વકાળ અબજો વર્ષનો છે. આથી જીવન ટકાવી રાખવાના સંઘર્ષમાં એ ઘણાં રીઢાં થઈ ગયા છે.  પ્રત્યેક સૂક્ષ્મ જીવાણુ બે મિનિટની અંદર નવા જીવો  ઉત્પન્ન કરી શકે છે. આ ગતિ એક જીવાણુમાંથી એક દિવસની અંદર બે કરોડ જેટલા સૂક્ષ્મ જીવો પેદા થાય!

માણસે જ્યારે આ જંતુઓને નામશેષ કરવા માટે એન્ટિબાયોટિક દવાઓનું શસ્ત્ર  શોધ્યું. તો વિષાણુઓ પ્રારંભમાં તો ચિત્ત થઈ ગયા. પરંતુ ધીરે ધીરે તેમણે પોતાનું અસ્તિત્ત્વ ટકાવવા માટે, ખૂબ ટૂંકા ગાળામાં એન્ટીબાયોટિક દવાઓ સામે લડવા જરૃરી એવી ઔષધ પ્રતિકાર શક્તિનું રાસાયણિક શસ્ત્ર પેદા કર્યું.

સન ૧૯૪૪માં પેનિસિલિન નામની પ્રથમ  એન્ટીબાયોટિક અર્થાત્ જીવાણુનાશક દવા શોધાઈ. આ દવા સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરતી હોવાથી ચમત્કારિક ઔષધ તરીકે પ્રસ્થાપિત થઈ.  સન ૧૯૪૬માં લંડન હોસ્પિટલમાં પેનિસિલિન દવાનો પ્રતિકાર ધરાવતા જીવાણુઓનો પહેલો પ્રસંગ નોેંધાયો. જેમ જેમ સમય વીતતો ગયો, તેમ તેમ સંખ્યાબંધ જીવાણુઓ, સહજ સામાન્ય રીતે વપરાશમાં લેવાતા જીવાણુ પ્રતિરોધક ઔષધો સામે લડવાની શક્તિ  કેળવી ચૂક્યા હોવાનું પ્રકાશમાં આવ્યું.

વૈજ્ઞાાનિકોએ શોધી કાઢ્યું કે જુદી જુદી જાતિ અને પેટાજાતિના જીવાણુઓ વચ્ચે  પરસ્પર સહકારની અદ્ભૂત કડી સ્થપાયેલી  હોય છે. એક જાતિના જીવાણુઓ પોતાની કોષ-સંરચનામાં ઔષધ - પ્રતિકારની કોઈ એક યુક્તિ  વિકસાવે ત્યારબાદ આ માહિતી તે અન્ય જાતિ અને પેટા જાતિના જીવાણુઓને પણ આપે છે.  આમ ઔષધ પ્રતિકારની યુક્તિ પ્રયુક્તિઓનો જીવાણુઓ  વચ્ચે પરસ્પર વિનિમય થતો રહે છે. આ આદાન-પ્રદાન માટે જીવાણુઓ પોતાની શરીર સંરચનામાં આવેલા જનિનદ્રવ્યોનો ઉપયોગ કરે છે. આ જનિન દ્રવ્ય પ્લાઝમીડ અને ટ્રાન્સપોઝોન્સના નામે ઓળખાય છે. એક જ પ્લાઝમિડ ઔષધ પ્રતિકારની તરકીબને જીવાણુની અનેક પેઢીઓ સુધી સિફતપૂર્વક વહન કરે છે.  કોઈ એક જીવાણુ એકાદ એન્ટીબાયોટિક દવાનો પ્રતિકાર કરવાની શક્તિ પેદા કરે, એટલે પોેતાના અનુભવમાં ક્યારેય ન આવી હોય એવી છથી સાત જેટલી જીવાણુ પ્રતિરોધક દવાઓનો પ્રતિકાર કરવાની શક્તિ કેળવે છે.

ટૂંકમાં જીવાણુઓ સામેના સંગ્રામમાં વૈજ્ઞાાનિકોએ સતત નવા માર્ગો શોધવા પડે છે. પરંતુ વિજ્ઞાાન આ સંઘર્ષમાં  પાછળ પડયું અને સૂક્ષ્મ જીવાણુઓ અનેકગણા ચડિયાતા સાબિત થતા ગયા. ઘણાં વર્ષો સુધી વૈજ્ઞાાનિકો અને દવા બનાવતી કંપનીઓ એવા વિશ્વાસમાં  રહી  કે એકજીવાણુ પ્રતિરોધક દવા નકામી નીવડશે તો સંશોધન ભાથામાંથી તરત નવી દવા શોધી કઢાશે. પરિણામ સ્વરૃપ દર વર્ષે નવી નવી ઍન્ટીબાયોટિક દવાઓ શોધાતી રહે છે.

અમેરિકામાં દરેક વાહનનું નામ અને મોડેલ એકનું એક  જ રહે, માત્ર તેના દેખાવ, રંગ અને પાછળના ભાગમાં નોેંધપાત્ર બની રહે એવા ફેરફારો  કરી, નવા વાહનને બજારમાં મૂકવામાં આવે, રોગ પ્રતિકારક દવાઓના ઉત્પાદનમાં પણ કંઈક એવું જ બનવા માંડયું. દવા કંપનીઓના વાર્ષિક વેચાણમાંથી માત્ર દસ ટકા જેટલો અલ્પ હિસ્સો જ ઍન્ટીબાયોટિક દવાઓનો હતો. તેથી ઔષધ કંપનીઓએ રોગ પ્રતિકારાત્મક દવાઓના ઉત્પાદન અને સંશોધનમાં વિશેષ રસ ન દાખવ્યો.

મૂળ ઔષધ ૧૯૪૪માં શોધાયેલ પેનિસિલિન જ રહ્યું. માત્ર તેના રાસાયણિક માળખામાં જરૃરિયાત મુજબ થોેડા ઘણા ફેરફારો કરી, વૈજ્ઞાાનિકો નવી જીવાણુ પ્રતિરોધક દવાઓ શોધતા ગયા.
પેનિસિલિન દવા ઉપરથી રાસાયણિક ફેરફારો દ્વારા એમ્પિસિલિન, ક્લાકસિલિન, ઍ મોક્સિલિન જેવી અનેક વિવિધ દવાઓ અસ્તિત્ત્વમાં આવી. આવું જ અન્ય જીવાણુ પ્રતિરોધક દવાઓમાં પણ બન્યું. આજે  બજારમાં લગભગ દોઢસોથી ઉપર વિવિધ  જીવાણુ પ્રતિરોધક દવાઓ મળે છે.  આ ઍન્ટીબાયોટિક દવાઓ માત્ર પંદર જેટલા મુખ્યવર્ગના રસાયણોમાંથી બનાવવામાં આવી છે. અર્થાત્ નજીકના ભવિષ્યમાં  જ્યારે જીવાણુઓ આ દવા સામે પ્રતિકારાત્મક શક્તિ  કેળવી લેશે ત્યારે માનવી પાસે રોગોને મારી ભગાડવા કોઈ કારગત  દવા નહીં હોય!

ચામડી પર ઘા અને લોહીમાં ચેપ (ઈન્ફેક્શન) લાગુ પાડતા સૂક્ષ્મ જીવાણુઓ સ્ટેફિલોકોકસ ઓરેસ અથવા સોનેરી સ્ટૅફ નામથી ઓળખાય છે. આ માટે જે દવાઓ વપરાય છે. તેને આ જીવાણુઓ  ચાળીસ ટકા જેટલા કિસ્સામાં ગાંઠતા નથી. અમેરિકા જેવા ધનાઢય રાષ્ટ્રમાંપણ વર્ષે લગભગ ૯૦ લાખ  લોકો આ જીવાણુઓના ચેપનો શિકાર બને છે. ભારત જેવા વિકાસશીલ દેશમાં લાખો લોકો દરરોજ ચેપનો શિકાર બને છે.
 ઔષધ પ્રતિકારની આવી  પરિસ્થિતિ માટે તબીબો ઘણા અંશે જવાબદાર છે.  શરદી, ખાંસી, ગળામાં થતો સામાન્ય સોજો વગેરે અનેક સંક્રામક રોગોેનીસારવારમાં જરૃર ન હોવા છતાં દર્દીઓને, આડેધડ ઍન્ટીબાયોટિક દવાઓ લખી આપવામાં આવે છે. આ બીમારીઓ જીવાણુઓથી નહિ, વિષાણુઓના ચેપથી થયેલી હોય છે અને બેક્ટેરિયાને બદલે વાઈરસના કારણે થતા રોગોની સારવારમાં ઍન્ટીબાયોટિક દવાઓ જરાય ઉપયોગી હોતી નથી.

બીજી બાજુ ખેડૂતો, પ્રાણીઓ અને મરઘાં બતકાંના ઘાસચારા અને આહારમાં  જીવાણુ પ્રતિરોધક દવાઓનો છંટકાવ કરે છે. જેનું  પ્રમાણ  માનવ માટે વપરાતી જીવાણુ પ્રતિરોધક દવાઓ જેટલું જ હોય છે. તબીબો અને ખેડૂતો, બંને પોેતાની આવી હરકતોથી પેદા થનારી ગંભીર પરિસ્થિતિથી અજાણ છે.

દવાખાનાઓ અને  હોસ્પિટલમાં પરિસ્થિતિ આથી પણ વધુ ચિંતાજનક છે. એઈડ્સ, કેન્સર અને આળસ મરડીને બેઠા થયેલા ક્ષયના વધતા જતા કિસ્સાઓ, માનવ વસતિમાં વધતા જતા વૃધ્ધ લોકોેના  પ્રમાણને લીધે રોગીઓની સંખ્યામાં નોેંધપાત્ર  વધારો થયો છે. એટલું જ નહીં  વિકસતા  જતા વિજ્ઞાાને વધારેલી વિવિધ અવયવોના પ્રત્યારોપણની તકો તથા એક સમયે માત્ર ઔષધોથી સારવાર પામતા અનેકવિધ રોગો માટે થતી શસ્ત્રક્રિયાઓ, આ સર્વેએ હોસ્પિટલમાં દાખલ  થનારા અને સારવાર લેનારા લોકોનું પ્રમાણ વધ્યું છે. પરિણામે ઈન્ફેક્શનનું પ્રમાણ પણ ઘણું ઊંચુ જ રહ્યું છે. તાજેતરમાં  થયેલ સંશોધન મુજબ દવાખાના અને હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીઓમાં લાગુ પડેલ ચેપમાં ઔષધ પ્રતિકારનું  પ્રમાણ ૬૦ ટકા જેટલું છે.
હમણાં  ભારતમાં  'સુબર બગ' નામની નવી  બેક્ટેરિયા જમાત શોધાઈ છે.

એનડીએમ-૧ જેવું તબીબી સંજ્ઞાા જેવું આ નામ વિદેશોમાં  વસતાં  ડોક્ટરોએ પાડયું છે. તેઓ આ બેક્ટેરિયા ભારતની ઉપજ હોવાનું જણાવી   વિશ્વમાં  આપણા દેશને બદનામ  કરવાની મેલી રમત રમી   રહ્યા છે એવું મનાય  છે કે આ સુપરબગ કોઈપણ  એન્ટિબાયોટીકને ગાંઠતો નથી. અને જો આ બેક્ટેરિયાનો પ્રસાર  આખા વિશ્વમાં વધી જાય  તો બહુ મોટી મેડિકલ ઈમરજન્સી  ઊભી થાય.
ઔષધ  પ્રતિકારની શક્તિ ધરાવતા જીવાણુઓનો ચેપ કોેઈને પણ લાગુ પડી શકે છે.  બાળકો, વૃધ્ધો, યુવાનો અને નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા તમામ લોકોને તે એકસરખી રીતે લાગુ પડે છે.

ન્યુયોર્કની રૉકફેલર યુનિવર્સિટીના એલેકઝાંડર ટૉમાઝના શબ્દોમાં કહીએ તો 'સૂક્ષ્મ જીવાણુઓને સામાજિક કે ભૌગોલિક સીમાઓ નડતી નથી. તેથી પૃથ્વી પર વસતી દરેક વ્યક્તિને એકસરખું જોખમ છે.' આપણી આસપાસના વાતાવરણમાં અદ્રશ્ય સૂક્ષ્મ જીવાણુઓનો અફાટ સાગર ઘૂઘવે છે. આપણી ચામડીના  પ્રત્યેક ચોરસ સેન્ટીમીટર વિસ્તારમાં લાખોેની  સંખ્યામાં જીવાણુઓ નિવાસ કરતા હોય છે. જો આપણા શરીરનું રોગ પ્રતિકારક તંત્ર સક્ષમ હોય તો તે આ જીવાણુઓનો નાશ કરી, રોગોેથી આપણને મુક્ત કરે છે. પરંતુ જ્યારે શરીરમાં આવો પ્રતિકાર કરવાની શક્તિ ક્ષીણ બને છે,  ત્યારે શરીર જીવાણુઓનો હુમલો ખાળવામાં નિષ્ફળ નીવડે છે. શરીરમાં દાખલ થયેલા જીવાણુઓનો ચેપ લોહીમાં પ્રસરે છે. લોહીમાં તેમનું  વિષ ભળતાં શરીરની પેશીઓનો નાશ થાય છે.

અમેરિકાના રૉકવિલે, મૅરીલેન્ડ ખાતે આવેલી યુનિવર્સિટી બાયોલોજિક્સ સંસ્થાના સંશોધન વિભાગના ઉપવડા રાબર્ડ બી. નાસો જણાવે છે: 'લગભગ તમામ રોગ ઉત્પાદક જીવાણુઓ જીવાણુ પ્રતિરોધક દવાઓ સામે સંપૂર્ણ પ્રતિકારકશક્તિ કેળવી રહ્યા છે.'
આ સંસ્થા  જીવાણુઓ દ્વારા કેળવાતા ઔષધ પ્રતિકાર સામે લડવાના નવા શસ્ત્રો શોધવાના કાર્યમાં લાગી છે. ઔષધ પ્રતિકાર ધરાવતા જીવાણુઓ દ્વારા લાગુ પડતા રક્ત ચેપની વ્યાધિમાં દર વર્ષે એક લાખ જેટલા અમેરિકનોે જાન ગુમાવે છે. નવી બાયોટેક્નોલોજીના વિકાસ દ્વારા સૂક્ષ્મ જીવાણુઓના ઔષધ પ્રતિકારના ભયને પહોેંચી વળવા જે અખતરો કરવામાં આવ્યો, તેમાં જીવાણુઓએ વૈજ્ઞાાનિકોને પરાસ્ત કર્યા છે. આ પરાજયનો પ્રતિઘોષ પાડતા 'બાયોવેન્ચર વ્યુ' નામના સામયિકના તંત્રી જણાવે છે: ''દિલ્હી હજુ તો ઘણું દૂર છે.''

ક્ષુદ્ર ગણાતા જીવાણુઓ જે ઝનૂનથી તેમનો નાશ કરનાર દવાઓ સામે સંગ્રામ ખેલવ ા તૈયાર થઈ રહ્યા છે, તે જોતાં અમેરિકનવૈજ્ઞાાનિક કહે છે:
''ભવિષ્યમાં ચેપથી અસંખ્ય લોકો મરવા માંડશે. ચામડીનું  એક સામાન્ય ગણાતું  ગૂમડું પણ માનવીના મોતનું કારણ બની શકશે. કારણ કે એક પણ દવા એની સારવારમાં કારગત નહીં નીવડે.''
પૃથ્વી  પર વસતા સઘળા જીવોમાં સૌથી બુધ્ધિમાન ગણાતા મનુષ્યો જો સૂક્ષ્મ ગણાતા જીવાણુઓના હુમલાને ખાળવા સજ્જ નહીં થઈ શકે , તો આ જીવો માનવજાતિનું નિકંદન કાઢી નાખશે એમાં જરાય અતિશયોક્તિ નથી.

Post Comments