Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન - ભાલચંદ્ર જાની

યુનિફોર્મ સિવિલ કોડ : વિવાદનો મધપૂડો

આખા દેશમાં  રાજકીય  માહોલ ગરમાયો છે. તેમાં પાછું કેન્દ્ર સરકારે સમાન નાગરિક ધારો (કોમન સિવિલકોડ)  લાવવાની વાત છેડીને   વિવાદનો  મધપૂડો છંછેડયો છે. મુસ્લિમોનો એક બહુ મોટો  વર્ગ વિરોધનો સૂર આલાપી રહ્યો છે.

દેશમાં   સમાન નાગરિક ધારાની દિશામાં  આગળ વધવા માટે નિમાયેલા કાયદા પંચ  
(લો કમિશન)  એ તમામ સમુદાયનાં સંગઠનો સાથે વિચાર-વિમર્શ કરવાનું નક્કી કર્યું છે,  પરંતુ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ બોર્ડ અને અન્ય મુસ્લિમ સંગઠનોએ લો કમિશનના બહિષ્કારની જાહેરાત કરવા સાથે જ કમિશન એક સ્વતંત્ર સંસ્થા તરીકે કાર્ય નથી કરી રહ્યું અને સરકારે આ બહાને  મુસ્લિમ  સમુદાય સામે યુદ્ધ છેડયું  હોવાનો  આક્ષેપ કર્યો હતો.

બોર્ડે કહ્યું હતું કે લો કમિશને બહારપાડેલી ૧૬ પ્રશ્નોની યાદી ફરેબી છે અને સવાલો એકતરફી છે.
મુસ્લિમ  પર્સનલ લો બોર્ડ તરફથી હઝરત મૌલાના વલી રહેમાનીએ જણાવ્યું હતું કે  સમાન નાગરિક ધારો (સિવિલ કોડ) દેશનાં હિતમાં ન હોવાથી બોર્ડ તેના વિરોધમાં છે,  ભારત તેની વિવિધતાઓ માટે જાણીતો  છે તેથી તેનું સન્માન થવું જોઈએ.  દેશમાં કોઈપણ વ્યક્તિ કે સમુદાય તેના ધર્મ પ્રમાણે  રહેવાની સ્વતંર્ત્રા દેશના  બંધારણે આપેલી છે.  જ્યારે  કોમન સિવિલ કોડ દેશના તમામ નાગરિકોને એક રંગે રંગી નાખશે તેથી દેશની વિવિધતામાં  એકતાની મૂળ ભાવના સામે જોખમ ઊભું થશે.

મુસ્લિમ  સમાજનો  એક વર્ગ આજે પણ દેશમાં  યુનિફોર્મ  સિવિલ કોડ  લાગુ પાડવાની વાતનો સખત વિરોધ કરે છે.  તેઓ  બેખોફ એ વાત દોહરાવે છે કે   ત્રણ તલાક, નિકાહ હલાલા અને બહુ પત્નીત્વ અંગે સુપ્રીમ કોર્ટ અવલોકન કરે તે ન્યાયસંગત નહીં ગણાય. ધાર્મિક કાયદાઓને મૂળભૂત અધિકારોના ભંગ સમાન ગણી પડકારી શકાય નહીં.  

ઓલઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડે સુપ્રીમ કોર્ટમાં  નવું સોગંદનામું કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વલણની ઝાટકણી કાઢી હતી. વડાપ્રધાને ત્રણ તલાકને મૂળભૂત  હક્કનો ભંગ ગણાવી  સુપ્રીમકોર્ટને તે અંગે ફરી અવલોકન કરવા જણાવ્યું હતું.

ઈસ્લામની પરંપરાઓનો જોશભેર બચાવ કરતાં પર્સનલ લૉ બોર્ડના મંત્રી મોહમ્મદ ફઝલુ રહીમે જણાવ્યું હતું કે જો આ કોર્ટ મુસ્લિમોના ધાર્મિક કાયદાને તપાસીને મુસ્લિમ મહિલાઓ માટે નવા કાયદા ઘડશે તો તે અધિકારોની વ્હેચણીના કુદરતી નિયમોનો ભંગ સમાન ગણાશે. કાયદો ઘડવાની સત્તા સંસદ જેવી સંસ્થાઓને છે.

મુસ્લિમોના ધાર્મિક કાયદાને સામાજિક સુધારણાના નામે નવેસરથી લખી શકાય નહીં. આ  પ્રથાઓ  બંધારણની કલમ ૨૫, ૨૬ હેઠળ રક્ષિત છે. જેમાં નાગરિકને ધાર્મિક પરંપરા જાળવવાનો અધિકાર છે.

લો બોર્ડ સુપ્રીમ કોર્ટે ૨૦૦૨માં આપેલા ચૂકાદાને ટાંકીને તેમણે ૬૯ પાનાની એફિડેવિટને ફરી ઉલ્લેખ કર્યો હતો. મુસ્લિમોના ધાર્મિક કાયદા પવિત્ર કુરાનમાં ઘડાયા છે અને તેને હાલના કાયદા સાથે જોડી શકાય નહીં તેથી આ કાયદાની અધિકૃતતા કોઈ કોર્ટ ચકાસી શકે નહીં.

આમ જુઓ તો આ  વિવાદ આઝાદી પૂર્વેથી  ચાલ્યો આવે છે.  કાયદે  આઝમ  મોહમ્મદ અલી ઝિણા  છેક  ફેબુ્રઆરી  ૧૯૨૫ માં   બ્રિટિશ ભારતની સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બ્લીમાં  એવું  બોલ્યા હતા  કે ભારતમાંની અદાલતો માટે કુરાનનું પોતાની રીતે અર્થઘટન કરવું એ ભૂલભરેલું ગણાશે. આ પ્રકારે શરિયાના કુરાન મુજબના અર્થઘટનનાં દ્વાર બંધ કરી દેવાયાં હતાં.

પાકિસ્તાનની અદાલતોએ આ દ્રષ્ટિકોણ-અભિપ્રાયને નકાર્યો અને કુરાનેપાક તથા હદીશ-શરીફનો અભ્યાસ કર્યો. અમુક અપવાદોને બાદ કરાતાં ભારતની અદાલતોએ તેમ કર્યું ન હતું. પોતાના પુસ્તક 'ધી રિકન્સ્ટ્રક્શન ઓફ રિલિજિયસ થોટ ઈન ઈસ્લામ'માં અલ્લામા ઈકબાલે લખ્યું હતું કે 'ભારતમાં મુસ્લિમોના છડેચોક કરાઈ રહેલા ધર્માંતરણને ધ્યાનમાં લઈને ભારતીય જજો કહેવાતા 'સ્ટાન્ડર્ડ વર્કસ'ને ચોંટી રહ્યા  સિવાય બીજું કંઈ કરી શકે તેમ નથી, જેનું પરિણામ એ આવ્યું છે કે લોકો આગળ વધી રહ્યા છે, પરંતુ કાયદા ઠેરના ઠેર જ છે.'

અત્રે એ  ઊલ્લેખનીય  છે કે  ઓક્ટોબર, ૧૯૩૧માં મહાત્મા ગાંધીએ લંડનની ગોળમેજી પરિષદની લઘુમતી સમિતિ દ્વારા વિચારણા કરવા માટે એક આવેદનપત્ર રજૂ કર્યું. તેમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે 'પર્સનલ લોઝ (અંગત કાયદા)ને બંધારણમાં ઘડેલી ચોક્કસ જોગવાઈઓ દ્વારા રક્ષણ આપવામાં આવશે.'

એપ્રિલ, ૧૯૩૮માં કોંગ્રેસપ્રમુખ જવાહરલાલ નેહરુએ ઝીણાને લખેલા પત્રમાં લખ્યું હતું કે 'તેમનો પક્ષ કોઈપણ કોમના પર્સનલ લોમાં કોઈ પ્રકારે ચંચુપાત કે દખલ કરવાની ઈચ્છા ધરાવતો નથી.' તેમ છતાં દેશના ભાગલા પડયા બાદ આ વિવિધપૂર્વકની બાંયધરીને ફગાવી દેવામાં આવી હતી. 'ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઑફ સ્ટેટ પોલિસી' અંતર્ગત ડિસેમ્બર, ૧૯૪૮માં બંધારણીય એસેમ્બલી દ્વારા ભારતીય બંધારણની ૪૪મી કલમ ઘડવામાં આવી.

દરમિયાન ૧૯૪૮ની બંધારણીય એસેમ્બલીના મુસ્લિમ સભ્યોએ વ્યક્ત કરેલી આશંકા ૨૦૧૬માં સાચી ઠરી છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર પ્રદેશની પોતાની મુલાકાત વખતે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે 'મુસ્લિમ મહિલાઓને બંધારણ મુજબના તેમના અધિકારો અપાવવાનું કામ સરકાર અને સમાજનું છે.' તેમણે એવો શોક વ્યક્ત કર્યો હતો કે 'કોઈ ફોન પર જ ત્રણ વખત તલાક કહી મારી મુસ્લિમ બહેનોનું જીવન નષ્ટ કરી નાખે તેમાં તેમનો શું દોષ છે?'

મોદીએ  નિવેદન કર્યું તે જ દિવસે અલીગઢના પ્રતિષ્ઠિત ઈતિહાસકાર પ્રોફેસર ઈરફાન હબીબના નેતૃત્વ હેઠળના એક મુસ્લિમ બુદ્ધિજીવીઓનાં જૂથે એમ જણાવતું નિવેદન કર્યું હતું કે 'મુસ્લિમોને તેમના અચાનક ઉભરાયેલા 'મહિલાઓ પ્રત્યેના પ્રેમ'માં જરા પણ વિશ્વાસ નથી તેમ છતાં તેઓ ભારતમાં ચલણમાં છે એવા ટ્રીપલ તલાકના કાયદાનો વિરોધ કરે છે અને તેને નાબૂદ કરવાની મુસ્લિમ મહિલાઓની માગણીનું સમર્થન કરે છે.'

ભારતના મુસ્લિમો પાકિસ્તાનના ૧૯૬૧ના મુસ્લિમ ફેમિલી લૉઝ ઑર્ડનન્સ (વટહુકમ)માંના નિયમને સારી રીતે અપનાવી શકે છે. તેમાં મનમેળ-સુલેહ કરાવવાના પ્રયાણ માટે આબિટ્રેશન કાઉન્સિલની તેમ જ ૯૦ દિવસની રિટ્રેક્શનની મુદતની જોગવાઈ કરવામાં આવી છે.

તલાકની ઘોષણા લેખિત  નોટિસ દ્વારા જ થવી જોઈએ અને કાઉન્સિલના ચેરમેનને તેની જાણ કરાવી જોઈએ. પત્ની તેના નિકાહનામમાં છૂટાછેડા (તલાક)ના અધિકારની શરત મુકાવી શકે છે તેમ જ તેને લગ્ન વિસર્જિત (રદ) કરવાનો અધિકાર છે.

આ સંદર્ભમાં આપણા ઉપખંડમાં જ રસપ્રદ પરિસ્થિતિ   પ્રવર્તે છે. એક તરફ બાંગ્લાદેશ અને પાકિસ્તાન તથા બીજી તરફ ભારત, તેમને ત્યાંની બહુમતી અને લઘુમતીઓની બાબતમાં એકસરખો જ અભિગમ ધરાવે છે. દેશના ભાગલા થયા બાદ બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં મુસ્લિમ ફેમિલી લૉઝમાં કરાયેલા ફેરફારોથી મહિલાઓને પુષ્કળ ફાયદા થયા પરંતુ ભારતની મહિલાઓને તેના કારણે ખાસ ફાયદો થયો ન હતો. તેવી જ રીતે બાંગ્લાદેશ અને પાકિસ્તાનની લઘુમતી (કોમની) મહિલાઓને જે પ્રકારના લાભ થયા છે તેવા ભારતની લઘુમતી મહિલાઓને થયા નથી. જોકે, તુર્કી અને ટયુનિશિયા જેવા દેશો તેમના ઈસ્લામિક પર્સનલ લોમાં  આધુનિકતા લાવ્યા છે જ્યારે પાકિસ્તાન અને બાંગ્લાદેશે તેમાં નજીવો ફેરફાર જ કર્યો છે.

અત્યારે  બંધારણની  કલમ ૪૪માં લખાયેલી ભાષાના મુદ્દે સર્વત્ર ભારે ગડમથલ ચાલી રહી છે. મોટાભાગના લોકો એમ માને છે કે આપણા દેશમાં  કોમન સિવિલ લો (સમાન નાગરિક કાયદા) નથી. જો કે, હકીકતમાં  એ છે કે એક સિવાયના તમામ નાગરિકો કાયદા સમાન છે અને તે છે 'પર્સનલ લો' જે ધાર્મિક  જૂથો  કે સંગઠનોની  સાથે બદલાય છે. પર્સનલ લો લગ્ન, છૂટાછેડા, વારસો, નિભાવ, બાળકની કસ્ટડી અને દત્તક જેવી બાબતોેને સાંકળી લે છે.

પરંપરાગત રીતે તો પર્સનલ લોને  ધાર્મિક ગણવામા ંઆવ્યો છે. જો કે, તેને ખરેખર તો ધર્મ સાથે કંઈ લેવાદેવા નથી.  અત્રે એ જાણવું રસપ્રદ થઈ પડશે કે સમાન નાગરિક કાયદા માટેની માગણી કરનારા હિન્દુઓ પોતે બાળ ગંગાધર તિળક જેવા આઈકોનિક નેતાથી દોરવાયા  હતા અને તેમણે હિન્દુ પર્સનલ લો, ધાર્મિક કાયદો હોવાનો દાવો કર્યો હતો તેમ જ તત્કાલીન બ્રિટિશ રાજવટને  તેમાં  ચંચુપાત નહીં કરવાની   ચીમકી આપી હતી.

ઉલ્લેખનીય   બાબત છે કે  બંધારણનું  ચેપ્ટર-૪, જેમાં કલમ ૪૪ આપેલી છે તે બંધારણના 'ડાયરેક્ટરિવ પ્રિન્સિપલ' પર આધારિત છે. તેમાં સમગ્ર રાષ્ટ્ર તરીકે તમામ વર્ગના લોકોનાં હિતનું ધ્યાન રાખવું જરૃરી બને છે.  

આ વિષય અત્યંત  સંવેદનશીલ હોવાથી તે અથડામણો  તરફ દોરી જઈ શકે છે.  કેટલાંક લોકોનો અભિપ્રાય એવો છે કે સમાન કાયદા માટે બૂમરાણ મચાવનારાઓને લઘુમતીઓ અથવા તેમાના કોઈ ખાસ વર્ગના કલ્યાણની કોઈ ચિંતા નથી. તેમની એકમાત્ર ચિંતા એ છે કે આપણા દેશમાં અગાઉથી ચાલ્યું આવ્યું છે તે મુજબ  તેમના પર્સનલ લોમાં મુસ્લિમ  પુરુષોને  શા માટે ચાર સ્ત્રીઓ સાથે પરણવાની  મંજૂરી આપવામાં આવી છે.

૧૯૯૨માં હિંદુ પતિઓને લગ્ન બહારના સંબંધ બંધાય પછી તેઓ મુસ્લિમ પર્સનલ લોનો આશરો લઈ ધર્મપરિવર્તન કરીને ઈસ્લામની આડશમાં બીજાં લગ્ન કરી લે છે તેના વિરોધમાં કોર્ટે ચુકાદો આપ્યો અને વધારામાં વડા પ્રધાનને આખા દેશમાં બધી જાતિને એક જ કાયદો લાગુ પડે તેવો કાયદો ઘડવાની ભલામણ કરી હતી.

મુસ્લિમ પર્સનલ લૉ હેઠળ પુરુષને ચાર પત્ની કરવાની છૂટ છે તેનો ગેરલાભ લઈને હિંદુ પુરુષો પોતાની પહેલી પત્નીને અન્યાય કરી રહ્યા છે. સુપ્રીમ કોર્ટે કલ્યાણી નામની સ્ત્રી સંસ્થાનાં પ્રમુખ સરલા મુદગલ વિરુદ્ધ કેન્દ્ર સરકાર અને અન્યના કેસમાં આપેલા ઐતિહાસિક ચુકાદામાં આ રીતે પહેલી પત્નીને છેતરવાના ઈરાદાથી ધર્મપરિવર્તન કરીને થયેલા બીજા લગ્નને ગેરકાયદે ઠેરવ્યા છે. આ ચુકાદાથી જન્મે જે મુસલમાન છે તેમને કોઈ ફરક પડતો નથી. ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ બનેલાને જ માત્ર આ ચુકાદો લાગુ પડે છે. મુસ્લિમો તો હજીય ચાર પત્ની કરી શકે છે.

ભારતમાં હિંદુ-મુસ્લિમને લાગુ પડતા કાયદા અલગ અલગ હોવાથી ઊભી થયેલી સ્થિતિ દૂર કરવા કોર્ટે આ સૂચન કર્યું છે. બંધારણની કલમ ૪૪ હેઠળ રાજ્યને તેની નીતિ ઘડવા માટે જે આદેશાત્મક માર્ગરેખા દીધી છે તે પ્રમાણે કોર્ટે વડા પ્રધાનને 'તાજી નજર' નાખીને સમાન સિવિલ કોડ અમલમાં લાવવા  પગલાં લેવાં કહ્યું છે.

શાહબાનુના ચુકાદા વખતે મુસ્લિમોનાં હિતનો ઝંડો લઈ ફરનારા   ઈમામ બુખારી અને સુલતાન ઔવાસી આ વેળા ચૂપ છે.

જોકે વિરોધના સૂર ઊઠયા છે. મુસ્લિમ પર્સનલ લૉ બોર્ડના પ્રમુખ મૌલાના નદવી ઉર્ફે અલી મિયાંએ સરકારના સમાન સિવિલ કોડની દિશામાં આગળ વધવા સામે વિરોધ નોંધાવ્યો છે. તેઓ કહે છે, 'એનાથી દેશમાં નવું ટેન્શન ઊભું થશે.'

કેરળના કોંગ્રેસી નેતાઓએ સ્પષ્ટ શબ્દોમાં વિરોધ વ્યક્ત કર્યો છે. તેઓ કહે છે, 'લઘુમતીઓની લાગણીઓ ઘવાય તે રીતે તેનો અમલ યોગ્ય નથી.' દારુલ ઉલૂમના વડા કહે છે, 'આપણા બંધારણે સમાનતાની અને વિવિધતામાં એકતાની વાત કરી છે. એથી કોઈને પર્સનલ લૉ રદ કરવાનો હક નથી.'
રસપ્રદ વાત એ બની છે કે શાહબાનુનો કેસ લડનાર સુપ્રીમ કોર્ટના ઍડવોકેટે  નવા ચુકાદાને 'અયોગ્ય' ગણાવે છે. તેઓ કહે છે, 'આપણને એવા  ન્યાયાધીશોની જરૃર નથી જે દેશનો કારભાર ચલાવનારાને સલાહ દે.

વડા પ્રધાન સંસદથી બંધાયેલા જરૃર છે, સુપ્રીમ કોર્ટથી નહીં.' તેમની દલીલ છે કે બંધારણમાં સુધારા કરવાની ભલામણ કરતો ચુકાદો પાંચ કે તેથી વધુ ન્યાયાધીશોની બેન્ચ જ દઈ શકે. આ ઍડવોકેટ  કહે છે કે મુસ્લિમ પર્સનલ લૉની સારી બાજુ પણ છે. તેઓ કહે છે, 'હું નથી જાણતો, મુસ્લિમોની માફક હિન્દુઓ સ્ત્રીને સલામતી બક્ષવા તૈયાર છે કે નહીં. સમાન સિવિલ કોડના નામે હિન્દુઓ શું સાચું, શું ખોટું, જે નક્કી કરે તે અમારે શું કામ સ્વીકારવું?'

જે ન્યાયાધીશ  આ ચુકાદો આપીને નિવૃત્ત થયા છે તેઓ આ ચુકાદા પાછળની કોર્ટની ભૂમિકા  ચળવળકારની નહોતી એમ દ્રઢપણે કહે છે. તેઓ માને છે કે 'આ મુદ્દો સંવેદનશીલ છે અને તેમાં રાજકીય જટિલતા પણ સંકળાયેલી છે. આ મુદ્દા પરનો કોઈ પણ અભિપ્રાય વિવાદ જગાવવાનો જ હતો.'

આ જ્વલનશીલ મુદ્દે વકીલો અને બુદ્ધિમંતોના અભિપ્રાયો સાવ અલગ  અલગ છે. અમદાવાદના ઉદારમતવાદી પ્રોફેસર ડૉ.વારિસ અલવી કહે છે, 'ખરેખર તો આઝાદી વખતે જ સમાન સિવિલ કોડ લાગુ કરાયો હોત તો અંત્યારે સ્વીકારાઈ ગયો હોત. હજીય અનેક જાતિના પર્સનલ લૉ હેઠળ અન્યાય થઈ રહ્યા છે તેથી ચુકાદો આવકારદાયક છે.'

વડોદરાની  એમ.એસ.યુનિવર્સિટીના   એક  પ્રોફેસર  કહે છે, 'હા, હું સમાન સિવિલ કોડ ઈચ્છું છું. પણ સારો સવાલ એ છે કે સમાન સિવિલ કોટ કયો આવશે? ધર્મઝનૂનીઓ કહે છે તેવો કે વિવેકી માણસો સૂચવે છે તેવો? હું માનું છું કે સમાન સિવિલ કોડ ઘડવા માટે નિષ્ણાતોની એક પેનલ હોવી જોઈએ અને શરૃઆતમાં લોકોને તેની સાથે તાલમેલ બેસે તે માટેનો સમય દેવો જોઈએ.'

એવી  છાપ ઊપસે છે કે મુસ્લિમ  પુરુષોને ચાર પત્ની કરવાની છૂટ છે એ મુદ્દે હિન્દુઓને આપત્તિજનક લાગે છે.  તેમને ડર એ વાતનો છે કે તેના કારણે દેશમાં મુસ્લિમોની વસતિ ભવિષ્યમાં  એટલી વધી જશે કે તેઓ બહુમતીથી પણ આગળ નીકળી જશે અને તેથી જ મુસ્લિમોને  આપવામાં આવેલું આ 'લાઈસન્સ' પાછું  ખેંચી નહીં લેવામાં આવે તો તેમને કોમન પર્સનલ  લોને મુદ્દે આંદોલન કરવામાં કોઈપણ પ્રકારનો રસ રહેશે નહીં.

હવે આપણે  ભારતના મુસ્લિમોમાં પ્રચલિત ટ્રિપલ તલાકની પ્રથા તરફ વળીએ. મુસ્લિમોમાં  પ્રવર્તતી આ પ્રથાને  મહિલાવિરોધી તેમ જ માનવઅધિકાર  વિરોધી ગણાવી તેના પર પ્રતિબંધ મુકવાની માંગણી  લાંબા સમયથી થતી આવી છે.  સાયરાબાનો નામની મુસ્લિમ મહિલાએ તો મુસ્લિમ મેરેજ એક્ટ ૧૯૩૯ની  યોેગ્યતા પર સવાલ કર્યો  હતો. સાયરાબાનોએ  આ  મુદ્દે  કરેલી રિટ અરજીથી પતિઓ તેમ જ ટ્રિપલ તલાકની વકાલત  કરનારાઓની   ઉંઘ ઉડી ગઈ છે.

અલ્લાહે તલાકને સૌથી વધુ નાપસંદ ગણાવ્યો છે, છતાં તલાક કરવા જ પડે એવું હોય તો જે પ્રકારે સાક્ષીઓની હાજરીમાં નિકાહ કરાય છે તેવી જ રીતે બંને પક્ષની સહમતિથી સાક્ષીઓની ઉપસ્થિતિમાં  ટ્રિપલ તલાકની પ્રક્રિયા  ત્રણ મહિનામાં પૂરી કરવી એવું જ જણાવાયું છે.

કુરાનની આયાતોમાં પણ આ જ પ્રક્રિયા દર્શાવાઈ છે. બાકી એક જ ધડાકે ત્રણ  તલાકનો ઉલ્લેખ કુરાનમાં કરાયો નથી.  વ્યવહારુ રીતે જોઈએ તો આ પ્રથા મુસ્લિમ  મહિલાઓનું શોષણ કરનારી પ્રથા જ  છે. જો કે, આમાં એક તથ્ય એ પણ છે કે મુસલમાનોમાં જે શિયાપંથીના છે તેઓ એક ધડાકે ત્રણ કલાકમાં માનતા નથી.

ઘણા લોકોનું એમ માનવું છે કે આજથી ચાર દાયકા  પહેલાં શાહબાનોને ઈન્સાફ મળી ગયો હોત  તો સાયરાબાનોને અત્યારે તલાક વિરુધ્ધ દેશની સર્વોચ્ચ અદાલતમાં જવાની જરૃર પડત નહીં. શાહબાનોનો  કેસ ઠેઠ ૧૯૭૮નો છે. તે  પાંચ બાળકોની માતા હતી ત્યારે તેના પતિએ 'તલાક તલાક તલાક' બોલીને શાહબાનોને ઘરની બહાર કાઢી મૂકી હતી.

જેની વિરુધ્ધ ભરણપોષણ મેળવવા શાહબાનોએ ૧૯૮૫માં   સર્વોચ્ચ અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે શાહબાનોની તરફેણમાં ચુકાદો આપતાં મુસ્લિમોએ કોર્ટના આ ચુકાદાનો ઉગ્ર વિરોધ કર્યો.  તે વખતે વડા પ્રધાનપદે રાજીવ ગાંધી હતા. તેમણે કટ્ટરવાદી મુસ્લિમોની તરફેણ કરી અને કોેર્ટના ચુકાદાની ઉપરવટ જઈ  સંસદમાં  બહુમતીના જોરે વટહુકમ  પસાર કરાવ્યો. રાજીવ ગાધીના આ પગલાની ત્યારે સખત ટીકા થઈ હતી.

વિશ્વમાં  એવા અનેક   દેશો છે જે ત્રણ  તલાકની પ્રથાને માનતા નથી, જેમાં ઈરાક, કુવૈત, ઈજિપ્ત, સુદાન, જોર્ડન અને યુએઈ સમેત ૨૨ દેશોનો  સમાવેશ થાય છે.

એ સાચું છે કે  જો સમજદારીપૂર્વકનો કોમન પર્સનલ લો (કાયદો) ઘડવામા ંઆવે તો તે અનેક દૂષણો, અન્યાય તેમ જ  વિવિધ  કોમોમાં પ્રવર્તતી ગેરરીતીઓને અટકાવવા-નાબૂદ કરવામાં મદદરૃપ થશે અને તેની સાથોસાથ દેશની એકતા તથા અખંડિતતાને સુધ્ધાં તે મજબૂત બનાવશે તેમ છતાં  એમ ધારી લેવું ખોટુ ંગણાશે કે આવા કાયદાની અનુપસ્થિતિમાં અખંડિતતાની પ્રક્રિયા નિષ્ફળ જઈ શકે છે.

દેશને આઝાદી મળ્યા બાદ સૌથી વધુ શાસન કોંગ્રેસ પક્ષે જ કર્યું અર્થાત દેશમાં કોંગ્રેસનું એકચક્રી શાસન હતું છતાં તેના તમામ નેતાઓએ દેશમાં યુસીસી અર્થાત સમાન નાગરીધારા લાગુ કરવાની બાબતમાં હંમેશાં ઉદાસીનતા દર્શાવી કેમ કે કોંગ્રેસી નેતાઓને  મુસ્લિમોના તુષ્ટિકરણમાં અને તેમના મતો મેળવવામાં જ રસ હતો. કોંગ્રેસ દ્વારા યુસીસીના સંદર્ભમાં થતાં આંખમિચામણાથી ત્રસ્ત થઈ જનસંઘે પણ તે સમયે સમાન સિવિલ કોડનો ઝંડો ઉઠાવ્યો, પરંતુ તેમના નેતાઓની સંખ્યા ઓછી હોવાને કારણે તેની તરફ દુર્લક્ષ કરવામાં  આવ્યું.

હવે દેશમાં રાજકારણનું ક્લેવર બદલાયું છે અને ભાજપનો પ્રભાવ વધવાને કારણે જ યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો ફરી ગાજતો થયો છે અને આ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી સુનાવણી ચાલી રહી છે.

Post Comments