Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઍનકાઉન્ટર - અશોક દવે

તમે ટીવી શો કેમ નથી કરતા ?
-ટીવી કોઇ સેકન્ડ-હૅન્ડ લેતું નથી માટે.
(મહર્ષિ પટેલ, વડોદરા)

એકને ગોળ ને બીજાને ખોળ...એટલે શું ?
- યોગી આદિત્યનાથ અને માયાવતીની વાત થાય છે.
(નૂતનકુમાર ભટ્ટ, સુરત)

ગામડાના લોકો હવે શહેરની તરફ કેમ જવા માંડયા છે ?
- માણસ પરણે તો ખરો કે નહિ ?
(સુફિયાન પટેલ, ચાવજ-ભરૃચ)

અમદાવાદના ટ્રાફિક બાબતે આપનો અભિપ્રાય શું છે ?
- હું તો...અમદાવાદમાં એકાદો દરિયો નંખાવવાનું વિચારું છું.
(રાકેશ બી. ભાવસાર, ભરૃચ)

જ્યાં ડાહ્યાઓ જવાની હિંમત કરતા નથી, ત્યાં મૂર્ખાઓ ધસી જાય છે...એટલે ?
- મેં ક્યારેય આ કૉલમમાં પ્રશ્ન પૂછ્યો ?
(પી.એમ. જોશી, નેત્રામલી-ઈડર)

આપણા દેશના લોકો કાયદાને અનુસરવાને બદલે છટકબારીઓ શોધવામાં કેમ મેહેનત કરે છે ?
- એ જરી સસ્તું પડે છે.
(પુલિન સી. શાહ, સુરેન્દ્રનગર)

આપની સદાબહાર જવાનીનું રહસ્ય સમજાવશો ?
- સદા ય બહાર જ જમવાનું !
(જીતેન્દ્ર કેલ્લા, મોરબી)

તમારા ઉપર 'ઇચ્છાપ્યારી નાગણ' પ્રસન્ન  થાય તો શું માંગો ?
- એને કહું, 'તારી ઈચ્છા પૂરી કરવા હું નવરો નથી !'
(વર્ષાબેન જે. સુથાર, પાલનપુર)

સવાલ ગુજરાતીમાં જ કેમ ? હિંદીનો વિકલ્પ પણ આપી શકાય.
- તમે તો 'બ્રેઇલ-લિપિ' પણ માંગી શકો છો.
(ભૌમિક શાહ, વડોદરા)

આજકાલ સગાંસંબંધી કરતા મિત્રો સાથે વધુ આત્મીયતા જોવા મળે છે...શું કારણ હશે ?
- કોકનો ટેસ્ટ વળી એવો...!
(દીપક પંડયા, બિલિમોરા)

મોબાઇલમાં 'વૉટ્સઍપ' પછી શું ?
- ''વ્હાયઅપ...?''
(અપર્ણા ભદ્રેશ દેસાઇ, નાલાસોપારા-મુંબઇ)

બીજાની સફળતાની ઇર્ષા કરવાનું કારણ શું ?
- મનની શાંતિ માટે.
(રોનક મસાણી, રાજકોટ)

મારી બહેન ઈર્ષાળુ છે. શું કરવું ?
- હવે પપ્પા-મમ્મીને કાંઇ ન કહેવાય !
(રોનક ડી. જોશી, પોરબંદર)

તમારા સિવાયના તમામ હાસ્યલેખકો સુકલકડી....અને તમે ! આ તો એક વાત થાય છે.
- એ બધા તો પોતાના જ ઘેર જમતા'તા !
(જયેશ અંતાણી, ભાવનગર)

વારેઘડીએ જેને મૃત્યુનો ડર સતાવે, એને શું કહેશો ?
- તમે 'કોના' મૃત્યુનો....એ ચોખવટ કરી નથી !
(ખાપરીવાલા મિશામ  મેંહદી ચાંદમુહમ્મદ, ડભોઇ)

દીકરાના જન્મે પેંડા અને દીકરીના જન્મ વખતે કાંઇ નહિ. આવો ભેદ કેમ ?
- દીકરો કે દીકરી, પેંડા કે જલેબી જ વહેંચાય...કોઇ સોપારીના કટકા તો ન વહેંચે ને?
(મુગ્ધા ઉલ્લાસ વોરા, જૂનાગઢ)

મુહમ્મદ રફી સાહેબ માટે ત્રણ શબ્દો બોલવા હોય તો ક્યા બોલાય ?
-રફી ભારતીય હતા.
(શકીલ આઇ.કાઝી, લાઠી-અમરેલી)

હાલના સમયે તમારા મતે ધો.૧૨ પછી કઇ લાઇન લેવી જોઇએ ?
- સારી.
(જય જાની, રાજકોટ)

મારે મારું બાળપણ પાછું જોઇએ છે. શું કરવું ?
- પાટલૂનના બદલામાં બાળોતિયાં અને શર્ટને બદલે લાળિયા લઇ આવો.
(ભાવેશ ફળદુ, સુરત)

તમારું મગજ રીસર્ચ માટે મરણોત્તર દાન કરશો ?
-કામમાં આવે એવું લાગતું હોય તો અત્યારે જ લઇ જાઓ ને ! નક્કામી ચીજોને હું ય રાખતો નથી.
(તાહેરી વાસણવાલા, માંડવી-સુરત)

પતિ-પત્ની ઝઘડયા વિના રહ્યાં હોય, એવાં કેટલાં કપલ્સ હશે ?
- આવું હોય તો મકાન આપણે બદલી નાંખવું, પણ એ લોકોની બાજુમાં ન રહેવું.
(પ્રજ્ઞોશ પંડયા, મહિસાગર)

'ઍનકાઉન્ટર' કૉલમનો સાચો વારસદાર કોણ છે ?
- 'આ માલ વેચવાનો છે,' એવી ક્યાંય જાહેર ખબર તમે વાંચી ?
(વિનાયક શુક્લ, ગોધરા)

ડાયરામાં નોટો ઉછાળવી, એ લક્ષ્મીજીનું અપમાન નથી ?
- એ નોટો શુભ કાર્ય માટે વપરાય છે, માટે કાંઈ ખોટું નથી..નોટોને બદલે કલાકારોને ઉછાળે ત્યારે ચિંતા કરજો.
(ઉપેન્દ્ર વાઘેલા, રાજકોટ)

આપના છાપામાં ટૂંકી વાર્તાનો વિભાગ શરૃ કર્યો તેનો આનંદ થયો....
- ટૂંકી વાર્તાનો આનંદ પણ તમે ટૂંકો જ કર્યો.
(દીપ્તિ ચેતનકુમાર દવે, અમદાવાદ)

'હું કોણ છું ?' પ્લીઝ, જવાબ આપશો.
-ઘરમેળે વાત પતી જતી હોય તો બહાર બધાને પૂછ પૂછ ન કરવું.
(નીલેશ સી. શાહ, મુંબઇ)

હું ડિમ્પલ કાપડિયા અને અશોક દવેનો ફૅન છું. બન્નેને સાથે મળવું છે. કોઇ ઉપાય?
- પહેલાં મારું તો પતવા દો....
(મિલિંદ ગંગર, મુંબઈ)

'મોદી' વિશે એક જ શબ્દમાં કહો. તમારો જવાબ, 'નરેન્દ્ર' એકદમ સાચો.
- વાહ.
(બાલેન્દુ વૈદ્ય, વડોદરા)

Post Comments