Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ખુલ્લા બારણે ટકોરા-ખલીલ ધનતેજવી

જૂઠાણું પણ ઝાપટુ નહી, મૂશળધાર હોવું જોઈએ !

જે લોકો વરસાદથી ભીંજાતા નથી એ લોકો નેતાઓની વાતોથી પલળીને મતદાન પેટીમાં ઠલવાઈ પડતા હોય છે! વાતોમાં પલળવા અને પલાળવાનું કામ પ્રેમીઓ વચ્ચે ધમધોકાર ચાલે છે

જે ની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી એ મોંઘેરા મેઘરાજા ઢોલ નગારા વગાડતા ગુજરાતમાં પ્રવેશી ચુક્યા છે. ક્યાંક વધારે તો ક્યાંક ઓછો વરસાદ થયો, સમગ્ર ગુજરાતમાં એણે પોતાની હાજરી તો પૂરાવી જ છે. કોઈને તરબોળ કર્યા તો કોઈને ભીંજવ્યા ! ક્યાંક લોકો આનંદિત થયા ને ક્યાંક ભયભીત પણ થયા ! શહેરીજનોમાં ગરમીમાંથી છુટકારો મળ્યાનો આનંદ જોવા મળ્યો. આમેય શહેરીજનો માટે ગરમીમાંથી મુક્ત થયાના આનંદથી વિશેષ શું હોઈ શકે? બાકી તો વરસાદ શહેરીજનોને કંટાળાજનક કે ત્રાસદાયી જ લાગે ! સોસાયટીઓ છલો છલોછલ થઈ જાય. કેટલાક ઘરોમાં પાણી ભરાઈ જાય ! સતત અવરજવર રહે છે. એવા માર્ગો પર નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ ઘૂંટણ પાણી ભરાઈ જવાથી ત્યાંથી પસાર થતા વાહનો અધવચ્ચે જ બંધ પડી જાય ! એ વાહનોને દોરીને કે ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢવા એ કંઈ એમના માટે આનંદનો વિષય તો ન જ કહેવાય ! શહેરી જીવન વેપાર અને નોકરી પર નિર્ભર હોય છે. નોકરી પર જનારને આ વરસાદ અધવચ્ચે આંતરે, એ તો એમને ન જ ગમેને ! વરસાદને કારણે લોકો ઘરની બહાર નિકળવાનું પસંદ ન કરતા હોવાથી દુકાનો પર ઘરાકી ન હોય ને અને સમગ્ર બજારમાં ગંભીર સન્નાટો વ્યાપી જાય, એ વેપારી આલમને શી રીતે ગમે? પણ વરસાદ કોઈના ગમા અણગમાની પરવા ક્યાં કરે છે ? એને તો ચોમાસાની મોસમ શણગારવાની હોય છે. એ ન વરસે તો ચોમાસાને ચોમાસુ કોણ કહેશે?

રસ્તામાં વિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય અને લોકોના વાહનો બંધ થઈ જાય કે સોસાયટી વિસ્તારમાં લોકોના ઘરમા પણ પાણી ભરાઈ જાય એ માટે વરસાદ ક્યાં પોતાને જવાબદાર ગણે છે? એ માટે પણ તમને જ જવાબદાર ઠેરવતો એ કહે છે કે ચોમાસુ કંઈ પહેલીવાર નથી આવ્યું ? વરસાદ પણ પહેલીવાર નથી વરસતો. દર વર્ષે ચોમાસુ આવે છે, અને ચોમાસુ આવે એટલે વરસાદને તો આવવું પડે ! ને એમાં ક્યાંક પાણી ભરાઈ જાય એમાં મારો શો વાંક ? ચોમાસુ દર વર્ષે આવે છે. અને એની ખાસિયત મુજબ ધોધમાર વરસે જ છે, એવું જાણતા હોવા છતાં તમે એની વ્યવસ્થા ના કરો, નિચાણવાળા વિસ્તારને ઉપર ન લાવો, ગરનાળા દુરસ્ત ન કરો, ગટરો સાફ ના કરો, સોસાયટીમાં મકાન લેતા પહેલાં જમીનનું લેવલ જોવાની તમા ન રાખો તો ઘરમાં ય પાણી ઘૂસી જાય, એમાં મારો શો વાંક ?

તમે જે મકાનમાં રહો છો એ સો વર્ષ જૂનું મકાન છે, મકાન આખુ ખખડજ થઈને પડું પડું કરતું હોય તે છતાં તમે એ મકાનમાં રહેવાનું છોડો નહિ અને એ મકાન ધરાશયી થાય, બે પાંચ માણસો ચગદાઈને મરી જાય તો એમાં તમે મને કસુરવાર શી રીતે ઠેરવી શકો? તમારે એ ખખડધજ મકાન ખાલી કરીને કોઈ સારા ઘરમાં રહેવા ના જવું જોઈએ? આ બધા પ્રશ્નો ચોમાસુ તમને પૂછે છે, છે તમારી પાસે આ પ્રશ્નોના ઉત્તર ? વરસાદ આવે એટલે તમારે તો ગરમીમાંથી મુક્ત થયાના આનંદ સિવાય બીજુ કશું અભિપ્રેત નથી હોતુ. એ સિવાય બીજુ કશું વિચારવાનું પણ હોતુ નથી. વિચારીને એની વ્યવસ્થા કરી હોત તો મારે શા માટે તમને આ બધા પ્રશ્નો પૂછવા પડે ? આપણી પાસે ચોમાસાના આ બધા પ્રશ્નોનો કોઈ ઉત્તર પણ નથી અને આપણી બેદરકારીનો કોઈ અફસોસ પણ આપણને થતો નથી. એટલે જ દર વર્ષે એકની એક સ્થિતિ સર્જાય છે.

લેખકો અને કવિઓ ગમે તે વ્યક્તિ કે ગમે તે વસ્તુને ફાવે તેવી ઉપમા આપી દે છે! હવે આ ચોમાસુ એટલે કે વરસાદ કવિઓની એ ઉપમાથી મુક્ત કઈ રીતે રહી શકે? પણ વરસાદ માટે પ્રયોજાતી બે ઉપમાઓમાં બહુ વિરોધાભાસ જોવા મળે છે. કેટલાક કવિઓએ એને રાજા કહ્યો છે અને કેટલાક કવિઓએ રાણી કહ્યું છે. કોઈ મેઘરાજા કહે છે અને કોઈ વર્ષારાણી કહે છે! હવે સાહિત્યની સંસદમાં આ પ્રશ્ન મૂકવા જેવો છે. ખરેખર શું છે? એ રાજા છે કે રાણી છે? સાચી ઉપમા કઈ? કોણ વિચારશે? કવિઓ તો અત્યારે વરસાદી કવિતાઓ લખવા અને એકબીજાને ટપી જવાની ગડમથલમાં ગૂંથાઈ ગયા છે! શહેરીજનો રવિવારે વરસાદ પડે તો એ વરસાદમાં નાહવા કે પલળવાનો લહાવો માણતા હોય છે. પણ વરસાદમાં પલળવાનો આનંદ માણતા હોય એવા શોખીન જીવ કેટલા?

વરસાદમાં ભીંજાવાનો કોઈ ખર્ચ આવતો નથી. છતાં કેટલાક લોકો શર્દી થઈ જવાની અને તાવ આવી જવવાની બીકે વરસાદમાં નાહવાનો આનંદ માણી શકતા નથી. વરસાદમાં પલળવું એ આનંદની બાબત છે. એવું પણ કેટલાક લોકો સમજતા નથી. કેટલાક તો એક છાંટોય અડી જાય તો ચીડાઈ જતા હોય છે! આમેય વરસાદમાં પલળીએ અને ભીતર સુધી ભીંજાઈએ નહી તો પલળવાનો કોઈ અર્થ નથી!
જે લોકો વરસાદથી ભીંજાતા નથી એ લોકો નેતાઓની વાતોથી પલળીને મતદાન પેટીમાં ઠલવાઈ પડતા હોય છે! વાતોમાં પલળવા અને પલાળવાનું કામ પ્રેમીઓ વચ્ચે ધમધોકાર ચાલે છે.

પ્રેમની રસ ભરી વાતોથી પરસ્પર બંને જણ ભીંજાતા ને ભીંજવતા રહે છે! કેટલાક ચાલાક અને ચબરાક લોકોની વાતો પણ રસતરબોળ હોય છે ને રોમરોમ ભીંજવી જતી હોય છે! જુઠી વાતો ખુબ લછછાદાર હોય છે. એ તમને પૂરેપૂરા લપેટી લે છે ! ડભોઈ જવાના હો તો કહે દુબઈ જવાનો છું! જવાનું ક્યાંય નથી. ડભોઈનું ય ભાડુ ખર્ચવાનું નથીને દુબઈની એર ટિકિટ પણ લેવાની નથી. તો પછી ડભોઇના બદલે દુબઇ કહેવામાં શું વાંધો છે! આપણને એ વાતનો અનુભવતો થઇ ચુક્યો છે કે જૂઠું બોલો તો ભલે બોલો પણ વિઝન મોટું હોવું જોઇએ! જૂઠાણાના ઝાપટાં ના ચાલે! એવા છાંટા તો લોકો ખંખેરી નાખતા હોય છે.

જૂઠાણું પણ મૂસળધાર હોવું જોઇએ! ભલભલી છત્રીઓ કાગડો બની જાય એવું ધોધમાર જૂઠાણું હાંકવું જોઇએ. અને એક વાત નક્કી છે. કોઇ ખાતરી કરવા જવાનું નથી ને તમારૃં જૂઠાણું પકડાવાનું નથી! હા, ઇતિહાસની બાબતમાં તમે ગપ્પાં મારો તો બારમા ધોરણનો વિદ્યાર્થી પણ તમારી બોચી ઝાલી પાડે? પણ કેટલાક લોકો એનીય ચિંતા નથી કરતાં, ઠોકયે જ રાખે છે! એટલા માટે એ ઠોકયે રાખે છે કે બોચી પકડાઇ જવાની ભોંઠપ એ અનુભવતાં નથી! હમણાં મોદીજીથી કબીરની બાબતમાં થોડું બફાઇ ગયું, એમાંતો એમની બોચી પકડવા કેટલાય હાથ લંબાઇ ગયા હતાં. પણ ખરેખર મોદીજીએ બાફ્યું નથી. સાંભળનારાઓએ બાફ્યું છે. એમણે મોદીજીની પૂરેપૂરી વાત ધ્યાનમાં લીધી જ નથી! મોદીજીએ તો સ્પષ્ટ શબ્દોમા આ મુદ્દાનો હવાલો આપતાં કહ્યું કે, 'કહા ગયા હૈ કિ કબીર ગુરૃનાનક વગૈરા સે આધ્યાત્મિક ગોષ્ઠિ કિયા કરતે થે!' એમણે આ પ્રકારના જ્ઞાાનની મૌલિકતા અંગે શરૃઆતમાં જ કહી દીધું કે- 'કહા ગયા હૈ કિ... અર્થાત ક્યાંક કોઇએ કહ્યું હોય ને ક્યાંક મોદીજીએ સાંભળ્યું કે વાંચ્યું હોય તો એ વાત સાચી છે કે નહિં, એની ખાતરી કરવા માટે આપણા બહુરાષ્ટ્રીય વડાપ્રધાન પાસે નવરાશ ન હોય એ સ્વાભાવિક છે. પણ મોદીજીએ કબીરના મજાર પર ચાદર ચડાવી એ વાત તો સાચી જ છે. ને? અને- 'કબીરજી કે મજાર પર ચાદર ચડાને કા સૌભાગ્ય મુઝે પ્રાપ્ત હુવા, યે મેરે લીયે ધન્ય હૈ!' મોદીજી એ આ ધન્યતા વ્યક્ત કરી એ પણ એટલું જ સાચું છે ને? તો બસ યાર! જલસા કરોને ? વરસાદની રાહ જુઓ. વરસાદ ખેંચાયો છે એની તમારે શી ચિંતા કરવાની? એ તો ખેડૂત માટે ચિંતાનો વિષય છે! તમારે શું લેવાદેવા?

તમે ગરમીથી કંટાળ્યા હશો નહિ? પણ વરસાદ પડવા માંડશે તો પાછા વરસાદથી કંટાળવા માંડશો! તમને ગરમી પણ ગમતી નથી ને વરસાદ પણ ગમતો નથી! પણ વરસાદ તો ખેડૂત માટે જીવાદોરી છે અને એની ખેતી આપણા સૌના માટે જીવાદોરી છે! પહેલા વરસાદે જ ચાસે પડેલી વાવણી કરમાઇ ન જાય એની ચિંતા ખેડૂત ને હોય - આપણને એ ચિંતા શા માટે ન હોય આપણે કયાં ખેતર ભણી નજર કરીએ છીએ? આપણી નજર તો સ્વીસ બેન્ક તરફ જ મંડાયેલી રહી છે.

બેન્કોની હાલત જરાક બગડી એમા તો આપણે ધડાધડ થાપણો ઉપાડવા માંડી! ખેડૂતે જમીનમાં વાવી દીધેલું અનાજ એને પાછું મળે ખરૃં? વરસાદ ખેંચાય અને વાવણી નિષ્ફળ જવાની પાકી ખાતરી હોય તો પણ એ વાવેલું બિયારણ ખેતર પાસેથી પાછું માગી શકે ખરૃં? તમને વરસાદમાં નાહવાની મઝા કદાચ પડતી હશે. પણ વરસાદ ના પડે તમારે ખેડૂતો ઠામુકું નાહી નાખતા હોય છે? જે બેન્ક દેવાળું કાઢે એ બેન્કમાં તમે થાપણ મૂકો ખરા? તમને તમારી મરજી મુજબની સગવડ પ્રાપ્ત થઇ છે. ખેડૂતને એવી સગવડ નથી. ખેતરમાં થયેલી વાવણી નિષ્ફળ જાય તો પણ એને ખેતર પર વિશ્વાસ રાખવો પડે ને ફરીથી એજ ખેતરમાં વાવણી કરવી પડે! થાપણ ડૂબાડતી બેન્કમાં તમે ફરી થાપણ મૂકવાની હિંમત કરો ખરા? એવી હિંમત ખેડૂતને જ કરવી પડે છે!

વરસાદ આવે અને જમીનમાં વાવેલું અનાજ ફણગાઇને ચાસે પડી જાય એ પછી પણ ફસલ પાકે ત્યાં સુધી ખેડૂતને તો વિશ્વાસ અને હિંમત રાખીને અનેક પ્રકારની મુસીબતોનો સામનો કરવો પડે છે! સરસ મજાનું વાવેતર હિલોળે ચડયું હોય ત્યારે કાતરા પડે! આ કાતરા શું છે એ તમને નહિ સમજાય. જમીનમાંથી ઊગીને ઉછરીને બે પાંદડે થયેલા છોડના પાંદડા અન કુણી ડાળખીઓ પણ કાતરા ખાઇ જાય છે અને લીલુંછમ ખેતર મગરના ચામડા જેવું ઉજ્જડ થઇ જાય છે. કાતરાની મુસીબત ટળે અને મસી પડે! આ મસી કોને કહેવાય એ પણ તમારી જાણમાં નહિં હોય! એવી તો કેટલીય જીવાતનો એ કૂમળા છોડને સામનો કરવો પડતો હોય છે. નીંદામણ ગોડામણની નસો તાણતી આકરી તનતોડ મહેનત તો ખરી જ ! ગરમીથી કંટાળીને તમે વરસાદ ઝંખો છો પરંતુ ખેડૂત વેઠે છે એવા ઓતરા ચિતરાનો તાપ તમે ક્યારેય વેઠયો છે ખરો? અરે તમને તો એમ ખબર નહિ હોય કે ઓતરા ચિતરાનો તાપ કઇ બલાનું નામ છ?

આવા બધા જીવલેણ કષ્ટોને વેઠીને ફસલ પકવે છે! ફસલ લણે છે ત્યારે બજારમાં બેઠેલા દાણા વેચી ખાનારાં વેપારીઓ મોઢું ફેરવી બેસે છે. ખેડૂતને પૂરતા પ્રમાણમાં ભાવ આપતા નથી! જગતના તમામ પ્રકારનાં ઉત્પાદકોને પોતાનાં ઉત્પાદન ખર્ચની ગણતરી કર્યા પછી નફો ચડાવીને મોંમાગ્યા દામે પોતાનું ઉત્પાદન વેચવાનો અધિકાર છે. ખેડૂતને એ અધિકાર કેમ નથી. ખેડૂતને પણ ઉત્પાદન ખર્ચ મજરે લેવાનો હક છે, એ હકથી એને વંચિત રાખવામાં આવ્યો છે. એ પોતાના ઉત્પાદનનો ભાવ પોતે નક્કી કરી શકતો નથી અને ખેડૂતને કાળા બજારિયાઓની રહેમ દયા પર છોડી દેવામાં આવે છે. અને એ કાળા બજારિયાઓ, અને સંઘરાખોરો જે ભાવે ખરીદવા માગે છે એમાં તો ખેડૂતને ઉત્પાદનખર્ચનું વળતર મળતું નથી. અને છતાં અનાજ, દૂધ અને શાકભાજી મોંઘા થયાની બૂમરાણ મચાવી મૂકે છે! કાર મોંઘી થઇ, કોઇએ બૂમ પાડી? ટ્રક મોંઘી થઇ, કોઇએ ફરિયાદ કરી?

નાહવાનો સાબુ મોંઘો થયો કોઇએ સાબુથી નાહવાનું છોડી દીધું? અને એ બધી વસ્તુઓ મોંઘી એટલા માટે થઇ કે એ બધી વસ્તુઓનો ઉત્પાદન ખર્ચ વધી ગયો છે. આવા બધા ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં લેવામાં આવે છે, પણ ખેત ઉત્પાદનખર્ચની તો પરવાજ નથી કરતું. અન્ય ઉત્પાદકો પોતાના મોં માગ્યા દામે વસ્તુ વેચે છે અને ખેડૂતને વેપારી આપે એ ભાવે ઉત્પાદન વેચવું પડે છે! ખેડૂત પણ આ દેશનો નાગરિક છે, એની સાથે આવું ઓરમાયું વર્તન શા માટે?

મારા દિલમાં આગ છે, આંધી છે ને તોફાન છે,
આ બધા તો મારે માટે કાયમી મહેમાન છે,
હું જીવું છું એ રીતે બે-ત્રણ દિવસ જીવી તો જો,
હોય સ્વપ્નામાં બગીચો, જિન્દગી વેરાન છે!

Post Comments