Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેમ છે, દોસ્ત-ડૉ.ચન્દ્રકાન્ત મહેતા

જવાબદારી ખંખેરી પલાયન થઈ જવું એ તો સહેલું છે, અઘરું તો છે જવાબદારી પ્રસન્ન ચિત્તે નિભાવવાનું

ઘરડાં મા-બાપ પણ બાળક સમાન છે એમની દરકાર રાખવી એ મંદિરમાં ભગવાનની સેવા કરવાથી ઓછું પુણ્યદાયક કાર્ય નથી. માતા- પિતાની સેવામાંથી પલાયન કરવાની સલાહ એ પોતે જ પાપ છે

સેવંતીલાલની ખોટની દીકરી અનિકા. એની મમ્મી શારદાના અવસાન બાદ અનિકા જ તેમની માતા, ભગિની અને સેવિકા. શારદાના અવસાન પૂર્વે પુત્ર પરામર્શક પણ એક ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામ્યો. પરામર્શક એક મોટી કંપનીમાં મેનેજર હતો. નોકરીને પણ હજી માંડ એક વર્ષ થયું હતું. વેપારમાં સેવંતીલાલને ભારે નુકસાન થયું એટલે તેઓ ભાંગી પડયા.

વ્યાજે પૈસા લઈ તેઓ વેપાર કરતા. એમને આશા હતી કે પરામર્શક કમાતો થશે એટલે દેવું ભરપાઈ થઇ શકશે. પણ કુદરતને એ મંજૂર નહોતું. સેવંતીલાલ લકવાગ્રસ્ત હતા, એટલે અનિકા નોકરી પણ નહોતી કરી શકતી.

સગાં- વહાલાં સેવંતીલાલની ખબર જોવા આવે ત્યારે વણમાગી સલાહ આપતાં : 'અનિકા, ક્યાં સુધી આ જીવતી લાશ પાછળ સમય બગાડીશ. તું કોમર્સ- ગ્રેજ્યુએટ છે.' એટલે નોકરી પણ મળી રહેશે. અને તારું રૃપ જોઈને તો લગ્ન માટે મૂરતીઆ પડાપડી કરશે. લાગણીના પ્રવાહમાં તણાઈ જિંદગી વેડફાય નહીં. અને માન કે તારા પપ્પા લાંબુ જીવ્યા તો તારી લગ્નની વય પૂરી થતાં તારા સામે કોઈ નજર પણ નહીં કરે. તારા પપ્પાની સેવા માટે એક માણસ રાખી લે. તે દેખરેખ રાખશે. દવાના ખર્ચ માટે પણ તારે કમાવું તો પડશે ને !''
આવી સ્વાર્થી સલાહ આપનાર પર અનિકા સખત નારાજ થઈ જતી. કયારેક તો એ એવાં સગાં- વહાલાંને મોંઢે ચોપડાવતી. 'તમારાં માતા- પિતા બીમાર હોત તો તમે મને આપો છો એવી સલાહ મુજબ વર્ત્યા હોત ?'

જવાબદારી ખંખેરી પલાયન થઈ જવું એ તો સહેલું છે, અઘરું તો છે જવાબદારી પ્રસન્ન ચિત્તે નિભાવવાનું. માનો કે તમારો પુત્ર કે પુત્રી બાળ લકવાથી પીડાતાં હોત તો તેમને એકલાં મૂકવાનો ખ્યાલ તમારા મનમાં આવત ? ઘરડાં મા-બાપ એ પણ બાળક સમાન છે. એમની દરકાર રાખવી એ મંદિરમાં ભગવાનની સેવા કરવાથી ઓછું પુણ્યદાયક કામ નથી. પુત્રીને માતા-પિતાની સેવામાંથી પલાયન કરવાની સલાહ એ પોતે જ પાપ છે. મહેરબાની કરી મને સ્વાર્થનો પાઠ ન ભણાવશો.

અનિકાનાં આવાં તીખાં વાક્બાણોથી વીંધાએલાં સગાં- વહાલાંએ 'માથાની ફરેલી છોકરી' તરીકે સમાજમાં તેને બદનામ કરવાનું શરૃ કરી દીધું હતું. એની સાથે વિવાહની વાત આવતાં જ જ્ઞાાતિ- બંધુઓ મોં મચકોડતાં. ધીરે- ધીરે લગ્નના બજારમાં અનિકાના નામ પર ચોકડી વાગવાનું શરૃ થઇ ગયું હતું.
અનિકાના લકવાગ્રસ્ત પિતા બોલી શક્તા નહોતા. હાથમાં કલમ પકડવાની શક્તિ પણ નહોતી. એટલે પોતાના ભૂતકાળ વિશે અનિકાને વિશેષ કશું જણાવી શક્યા નહોતા.

એવામાં એક ધીર-ધારનો ધંધો કરનારે પૈસાની ઉઘરાણી માટે એક ગૂંડાને મોકલ્યો. એણે ધમકીના સ્વરમાં કહ્યું: 'છોકરી, તારા બાપને કહેજે કે ચંપકલાલ શેઠનું દેવું એક મહિનામાં ચૂકવી દે. આ ઘર પણ તેમનું જ છે. અને તારા ભાઈ પરામર્શકના મૃત્યુ બાદ ભાડુ આવવાનું પણ બંધ થઈ ગયું છે. પૈસા ન ચૂકવાય તો..' ગૂંડો આગળ બોલતો અટકી ગયો..

'તો શું ? અમને ઘરની બહાર તગેડી મૂકશો ? એક વાર કોશિશ તો કરી જુઓ. પૈસા ભરપાઈ કરવા જોઈએ એ વાતનો હું ઇન્કાર નથી કરતી પણ કોઈની ધમકીને વશ થઈ લાચાર બની જવું એમાં પણ હું નથી માનતી.'
'તો પછી અમારી ગૂંડા ટોળકી માટે અપહરણ' શબ્દ અઘરો નથી હોતો. આ મારી છેલ્લી ચેતવણી છે - કહી ગૂંડો વિદાય થઈ ગયો. અનિકાના પપ્પા આ બધું સાંભળતા તો હતા પણ બોલી શક્તા નહોતા. એમની લાચારી અને પુત્રીનું અપમાન જોઈ તેઓ ધૂ્રસકે- ધૂ્રસકે રડી પડયા.

અનિકાએ એમનાં આંસુ લૂછી આશ્વાસન આપ્યું અને પોતે બધું જ ફરજ અદા કરી દેશે તેની ખાત્રી આપી.
અને અનિકાએ પોતાનાં નિક્ટનાં સગાં- વહાલાંને લોન માટે વિનંતી કરવાનું શરૃ કર્યું. સહુએ સુંવાળાં બહાનાં કાઢી નન્નો ભણવાનું શરૃ કર્યું. તેની સાહેલીઓ પણ નાની રકમની મદદ કરવા તૈયાર હતી પણ એના કારણે ચંપકલાલ શેઠનું દેવું અદા થઈ શકે એમ હતું નહીં.

અનિકાએ વિચાર્યું કે હું જાતે જ ચંપકલાલ શેઠને મળી કાંઈક રસ્તો બતાવવા વિનંતી કરું.
અને એ ચંપકલાલ શેઠની પેઢી પર પહોંચી ગઈ. અનિકાને જોઈ ચંપકલાલ વિસ્મિત થઈ ગયા. રૃપરૃપના અંબાર સમી અનિકાના ચહેરા પર કયાંય હતાશા કે નિરાશાનું નામોનિશાન ન હતું. એમણે અંદરના ખંડમાં બેઠેલા પ્રતિષ્ઠિતને બોલાવતાં પહેલાં અનિકાના આગમનનું કારણ તેને મોંઢે જાણવાની કોશિશ કરી. પપ્પા સેવંતીલાલ ચંપકલાલના દેવાદાર છે અને વ્યાજે લીધેલા પૈસા કે ઘરનું ભાડું અદા કરી શક્યા નથી, એ સિવાય બીજી કશી જ વિગતો અનિકા પાસે નહોતી.

સામેથી ચોખવટ કરતાં ચંપકલાલ શેઠે કહ્યું: 'જો બેટા, મારો અને સેવંતીલાલનો લેણ-દેણનો વ્યવહાર વર્ષોથી ચાલે છે. વેપાર માટે નાણાંની જરૃર પડે ત્યારે તેઓ મારું જ બારણું ખખડાવતા. એમના જેવો ઇમાનદાર માણસ મેં મારી જિંદગીમાં જોયો નથી. પણ અમારો શરાફોનો વ્યવહાર વચનપાલન પર ચાલે છે, ઇમાનદારીની કદર કરવા પર નહીં. મને હતું કે વેપારમાં નુકસાન જતાં તારો ભાઈ પરામર્શક દેવું ચૂકવી શક્શે. પણ કુદરતને એ મંજૂર નહોતું. મેં એમને એક ત્રીજી પાર્ટી પાસેથી ઘર ગીરો મૂકાવી પૈસા અપાવ્યા. પણ એ રકમ પણ તેઓ ન ચૂકવી શક્યા એટલે ત્રીજી પાર્ટીએ ઘર વેચાતું લઈ તારા પપ્પાને જ ભાડે આપ્યું. ઘરભાડું ચૂકવવાની જવાબદારી મેં લીધી એટલે પૈસાનું ભારણ મારે માથે આવ્યું. મેં પેલી થર્ડ પાર્ટીને ગીરોની રકમ તારા પપ્પા વતી ચૂકવી દઈ એમની મુશ્કેલીનો તાત્કાલિક રસ્તો કાઢી આપ્યો. બેટા, ધીરજની પણ એક હદ હોય છે. અમે શરાફો દયાળુ બનીએ તો પેઢીને દેવાળું ફૂંકવાનો વારો આવે. એટલે કળ અને જરૃર પડે બળનો ઉપયોગ કર્યા સિવાય અમારે માટે અન્ય કોઈ જ વિકલ્પ રહેતો નથી.

'આપનો એમાં કશો જ અપરાધ નથી. આપે જેટલી માનવતા દેખાડી એટલી પૂરતી છે. હું આપનો આભાર માનું છું. મારા પપ્પાજીના આપની સાથેના સંબંધ મૈત્રી અને વિશ્વાસના હતા. હું આપને વચન આપું છું કે હું હવે નોકરી કરીશ. અને થોડા સમય બાદ બેંકલોન, કંપનીની લોન દ્વારા ધીરે- ધીરે આપનું દેવું ચૂકવી આપીશ. આ સિવાય મારી પાસે બીજો વિકલ્પ પણ નથી.' અનિકાની આંખમાં આંસુ આવી ગયા.
ચંપકલાલ શેઠે તેને આશ્વાસન આપતાં કહ્યું ઃ મારી પાસે તારી સમસ્યાનો વિકલ્ય છે. કુદરતે તને છુટ્ટા હાથે સૌંદર્યની લહાણ કરી છે. એ સૌંદર્ય તારી મદદ માટે તારી સમ્મતિની રાહ જોયું છે. બસ, તારી સમ્મતિ મળે એટલે બધા જ રસ્તા ખુલ્લા.

અનિકા ચંપકલાલ શેઠની વાત સમજી શકી નહીં.
એણે કહ્યું: 'મગનું નામ મરી પાડો' તો મને કાંઈક સમજાય. મારા રૃપ અને દયાની વસૂલાતને શો સંબંધ છે ?
'સંબંધ છે બેટા, સંબંધ છે. રૃપ સ્ત્રીને બાળી પણ શકે અને ઠારી પણ શકે. તને ખબર છે કે પહેલાંની ફિલ્મોમાં દીકરીઓ માતા- પિતાને ફરજની આફતમાંથી ઉગારવા વૃધ્ધ સાથે પણ લગ્ન કરવા તૈયાર થતી હતી. પણ હું એમાં માનતો નથી. તું ઇચ્છે તો ..શેઠ તોળી- તોળીને બોલતા હતા.' 'શેઠ, વાત કરવા બેસીએ ત્યારે એમાં ચોખવટને અગ્ર સ્થાન હોવું જોઈએ, નહીં તો ગોટાળો અને ગેરસમજ થવાની પૂરી શક્યતા રહે. આપ જે હોય તે સ્પષ્ટપણે મને સમજાવો.'

'મારી પેઢીનો ભાગીદાર મારો પુત્ર પ્રતિષ્ઠિત છે. તારા જેવો રૃપાળો અને ઇમાનદાર જો તું પ્રતિષ્ઠિત સાથે લગ્ન કરવા તૈયાર થાય તો સેવંતી લાલ શેઠનું બધું જ દેવું માફ કરી મકાનને પણ ગીરોના બોજામાંથી મુક્ત કરી તારી બધી જ મુશ્કેલીઓનાં અંત આણી દઉં. આ સોદામાં તારે તો કશું ગુમાવવાનું જ નથી. તારી બધી સમસ્યાઓનો એક ઝાટકે અંત- ચંપકલાલે હસતાં- હસતાં કહ્યું.

એમના શબ્દો સાંભળી બીજા ખંડમાં હિસાબ- કિતાબ જોતો તેમનો પુત્ર પ્રતિષ્ઠિત શેઠ પાસે દોડી આવ્યો.
એણે કહ્યું: પપ્યા, મેં તમારી અને અનિકા વચ્ચેની વાતચીત સાંભળી છે. તમે લગ્નને સોદાનું રૃપ આપો છો એની સામે મને નફરત છે. સ્વાર્થ સાધવા કરાએલાં લગ્નો મારી નજરે કજોડું છે. કોઈના પર ઉપકાર કરી તેનું શોષણ ન થાય. ભગવાને આપણને લક્ષ્મી આપી છે એ કોઈના શોષણ માટે નહીં પણ માનવતાનું પોષણ કરવા આપી છે. હું અનિકાને મદદરૃપ થવા તૈયાર છું.

'પણ એની ક્યાં ના છે. અનિકા, પ્રતિષ્ઠિત તને ગમે છે ને ? જો ગમતો જ હોય તો મારી ઓફર સ્વીકારવામાં તને તો ફાયદો જ થવાનો છે.' ચંપકલાલે કહ્યું. 'પણ વાંધો છે. લાચાર અનિકા તમારી વાત સ્વીકારવા તૈયાર નથી. સ્ત્રી- પુરુષના સંબંધોને પતિ-પત્ની બનાવવા સિવાયના અન્ય કોઈ સંબંધની વ્યાખ્યામાં ન સમાવાય એવું કોણે કહ્યું છે તમે વડીલો ચોકઠાં ગોઠવવામાં નિષ્ણાત હોય છે. લગ્ન- સંબંધ ચોકઠાંનો વિષય નહીં. પણ પરસ્પર લાગણીનો સંબંધ છે. જે સંબંધ માટે મન ન માનતું હોય એ સંબંધમાં કદી મિઠાશ ન જન્મે' પ્રતિષ્ઠિતે કહ્યું. 'તો પછી તારી પાસે બીજો કયો વિકલ્પ છે. હું મારી પરસેવાની કમાણી સેવંતીલાલ અને તેમની દીકરી પાછળ બરબાદ કરવા ઇચ્છતો નથી. મારે તો મારા દેવાની વસૂલાત સાથે છે. જે આંગળીએ ઘી નકળી શકે તે આંગળીએ ઘી કાઢવામાં પાપ નથી. મારે ખેરાતી નથી બનવું, સેવંતીલાલના વેવાઈ બનવું છે. એમાં તારો સહકાર જોઈએ, દીકરા'- ચંપકલાલે કહ્યું.

'આપ ઇચ્છો છો તેવાં આપનાં અરમાન પૂરાં નહીં થાય. આપ વારંવાર કહેતા હો છો કે ભગવાને મને દીકરો તો આપ્યો, પણ દીકરી ન આપી. દીકરીની ખોટ મને સતત સાલ્યા કરે છે. આપ અનિકાને પુત્રવધૂ તરીકે સ્વીકારવાને બદલે દીકરી તરીકે સ્વીકારી લો. એટલે તમને દીકરીની ખોટ નહીં સાલે. અને મને બહેન મળશે. અનિકાબેન, તમે જ કહો, મારી વાત ખોટી છે ? જો તમે મારી વાતમાં સમ્મત હોતો તમારા પપ્પાજીના બીજી સમસ્યાઓનું પણ અત્યારે જ નિરાકરણ લાવી દઈએ !'

ચંપકલાલ ચમક્યા. એમને લાગ્યું કે પ્રતિષ્ઠિત માનસિક સંતુલન ખોઈ બેઠો છે અને ભાવાવેશમાં લવારો કરી રહ્યો છે. એમણે પ્રતિષ્ઠિતની વાત અધવચ્ચે જ કાપી નાખતાં કહ્યું ઃ 'પ્રતિષ્ઠિત, તારે બહેનની જરૃર હોય પણ મારે રૃપીઆની જરૃર છે. તારી જેમ લાગણી અને આવેશના પ્રવાહમાં તણાઇને પેઢીનું નખ્ખોદ કાઢવા નથી બેઠો. તમે ભાઈ-બહેન બનો એમાં મને શો લાભ ? મારે તો મારી લહેણી રકમ સાથે લેવા-દેવા !'

'પપ્પા, તમને તમારી લહેણી રકમની ચિંતા છે, તેટલી જ મને પણ છે. પેઢીમાં હું પણ સરખો ભાગીદાર છું. હિસાબમાં મેં જોયું કે મારા ભાગે વીસ લાખ જમા છે. અનિકાના પપ્પાનું દેવું સાત લાખથી વધારે નથી. બીજા બે લાખ મકાનના ગીરો રકમ અદા કરવાના. આ રકમ મારે નામે માંડી વાળી દેવું ચૂકતે થયાની પહોંચ અત્યારે જ અનિકાબેનને આપી દો. રક્ષાબંધન કાંઈ શ્રાવણીપૂનમનું નામ નથી. બહેનને જરૃર હોય અને રક્ષા માટે સાદ કરે એ દિવસ રક્ષાબંધન. રક્ષાબંધન એ બહેનને ઠારવાની ભાઈની પ્રતીક્ષા છે. અનિકાબેન,મને ભાઈ તરીકે સ્વીકારશોને ?

પ્રતિષ્ઠિતની ભાવના જોઈ અનિકા ગદગદ્ થઈ ગઈ. એણે કહ્યું ઃ 'કળિયુગમાં તમારા જેવા ઇન્સાનોનો છે. માટે આ ધરતી. ટકી રહી છે. આજે લોકોને કોઈકનાં બળતાં ઘરને તાપણા તરીકે ઉપયોગ કરવામાં રસ હોય છે, ત્યારે આપના આ મહાન ત્યાગને હું વંદન કરું છું.' કહી અનિકા ભૈયા સંબોધન સાથે પ્રતિષ્ઠિતને ભેટી પડી. ચંપકલાલે કહ્યું ઃ 'પણ તારી ભાગીદારી મારે સમાપ્ત નથી કરવી. એનો કોઈ ઉકેલ ?'

'પપ્પા, મને ખાત્રી હતી કે આ પ્રશ્ન તમે ઉભો કરશો જ. એટલે મેં મનોમન નક્કી કર્યું છે કે અનિકા આવતી કાલથી જ આપણી પેઢીમાં નોકરી શરૃ કરશે અને એના વતીથી મારા પપ્પા તુલ્ય સેવંતીલાલની દિનભર ચાકરી કરીશ, તેઓ જીવશે ત્યાં સુધી.' ચાલ બહેન અનિકા, પપ્પા તારી રાહ જોતા હશે. હું એમને માંડીને વાત કરીશ એટલે એમના જીવને ટાઢક વળશે. ચાલો, આવજો પપ્પા. મને મારું કર્તવ્ય નિભાવવા માટે આશીર્વાદ આપો.

અને અનિકા અને પ્રતિષ્ઠિતને સાથે આવેલાં જોઈ સેવંતીલાલને આશ્ચર્ય થયું. તેઓ કાંઈક ઊંધુ જ સમજી બેઠા. એમણે માન્યું કે અનિકાએ લગ્ન કરી લીધાં છે. હવે મારું શું થશે ? તેઓ ગંભીર થઈ ગયા.
પણ પ્રતિષ્ઠિતે તેમના શરીર પર હાથ ફેરવતાં કહ્યું: 'પપ્પા, હું તમારો જમાઈ બનીને નહીં, પણ દીકરો બનીને આવ્યો છું. અનિકાને મેં બહેન તરીકે સ્વીકારી છે એટલે તમે હવે ચિંતામુક્ત છો.' આ બધું અકસ્માતે કેવી રીતે બન્યું તે સેવંતીલાલે હાથ હલાવી ચોખવટ કરવા અનિકાને સૂચવ્યું.

અનિકાએ ચંપકલાલ શેઠ સાથેની બધી જ વાત પપ્પાને કરી. આપને પિતા માનીને પ્રતિષ્ઠિત ભાઈએ આપનું સઘળું દેવું ચૂકવી દીધું છે અને આ ઘરને પણ ગીરોમુક્ત બનાવી ભાડાની રકમ બંધ કરાવી દીધી છે. પપ્પા, આપ વારંવાર કહેતા કે મારો દીકરો પરામર્શક જીવતો હોત તો હું નચિંત હોત. પણ ભગવાને પરામર્શક ભાઈના વિકલ્પ તરીકે પ્રતિષ્ઠિતભાઈની આપને ભેટ આપી છે. આજથી આપણા ઘરમાં સુખનો સૂરજ ઉગે છે.
અનિકા બોલતી હતી, પણ સેવંતી લાલના આત્માએ ટાઢક અનુભવી પરલોક પ્રયાણ આદરી દીધું હતું. અને અનિકાને આશ્વાસન આપી પ્રતિષ્ઠિતે મરણોત્તર સઘળી ક્રિયાઓ પતાવી હતી. અને માનવતાના ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરાયું હતું કે માનવતાનો વંશ કદી જવાનો નથી.

Post Comments