Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોટલાઈન- ભાલચંદ્ર જાની

- પ્રધાનપદું ગુમાવ્યા પછી પણ સરકારી બંગલામાં ભરાઈ રહેતા નપાવટ નેતાગણ

મહિને રુપિયા ૫૦,૦૦૦નો પગાર ધરાવનાર વ્યક્તિ રૃપિયા ૧૦૦ કરોડ અથવા તેનાથી પણ વધુ કિંમત ધરાવતા બંગલામાં રહે એવું કદાપિ સાંભળ્યું છે અને જો સાંભળ્યું હોય તો આવું પ્રારબ્ધ ધરાવનાર લોકો કેટલા? તમે એમ જ કહેશો કે ભાગ્યે જ કોઈ હશે. 

પરંતુ જ્યાં સુધી આપણા દેશના પ્રધાનો કે રાજકિય નેતાઓને લાગેવળગે છે ત્યાં સુધી આ એક સનાતન સત્ય અને સિદ્ધ હકીકત છે. પરંતુ હવે  નફ્ફટ, નાલાયક નેતાઓની મનમાની ચાલવાની નથી. સત્તા ગુમાવ્યા પછી પણ સરકારી બંગલા ખાલી ન કરનારા નપાવટ નેતાઓને સુપ્રીમ કોર્ટે કડક ચાબુક ફટકારી છે.

ગઇ ૭ મેએ સુપ્રીમ કોર્ટની રાજેન ગોગોઇના વડપણ હેઠળની ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે 'મુખ્ય પ્રધાન કે કોઇપણ સરકારી કે રાજકીય વ્યક્તિને ફાળવવામાં આવતા સરકારી બંગલા, પ્રજાની મિલ્કત છે. જે તેઓ પદ પરથી હટે ત્યારે ખાલી કરી દેવા જરૃરી છે. તો જ તેઓ સામાન્ય વ્યક્તિ ગણાય. જો તેઓ પદ પર ન હોવા છતાં સરકારી સુવિધા ભોગવવાનું ચાલુ રાખે તો એક આખો એવો વર્ગ ઉભો થશે, જે પ્રજાના ખર્ચે તેઓ અગાઉ જે પદ પર હતા તેના લાભો ભોગવતા હોય.

ખંડપીઠે અખિલેશ યાદવ સરકારે ઉ. પ્રદેશ પ્રધાનો (પગારો, એલાઉન્સ, અન્ય સુવિધાઓ) એક્ટ ૧૯૮૧ કાનૂનમાં કરેલા સુધારાને પણ રદ્દ કરી દીધો હતો. અખિલેશે, કાયદામાં સુધારો કરીને, મુખ્ય પ્રધાન, આજીવન બંગલામાં રહી શકે તેવો સુધારો કર્યો હતો. કોર્ટે સ્પષ્ટતા કરી હતી કે 'આવી રાજકીય વ્યક્તિ એક વાર પદ પરથી હટે ત્યારબાદ તેમની અને સામાન્ય માનવી વચ્ચે કોઈ ફરક રહેતો નથી.

પિતા-પુત્રએ પોતાના વકીલ મારફત સુપ્રીમમાં અરજી કરી છે કે તેમના લખનઉના નિવાસે જવામાં તેમને થોડો સમય લાગે તેમ હોવાથી તેમને મુદત વધારી આપવામાં આવે પૂર્વે તેમણે રાજ્ય સરકારને આ મુદ્દે બે વર્ષની મુદત આપવા વિનંતી કરી હતી. પણ રાજ્ય સરકારે હાથ ઉંચા કરી દીધા હતા.

'લોક પ્રહરી' નામના એક એનજીઓએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી કે   પૂર્વ મુખ્યમંત્રીઓને સરકારી બંગલો મળવા પાત્ર નથી .  અરજીમાં કહેવાયું હતું કે બંધારણમાં એવી કોઈ જ જોગવાઈ નથી કે ન તો ઉત્તર પ્રદેશમાં એવો કોઈ કાયદો છે. માત્ર સરકારી જાહેરાતના આધારે આ રીતે પ્રજાના પૈસા વેડફી ન શકાય.

એ અરજીના સંદર્ભે સુપ્રીમ કોર્ટે મહત્ત્વપૂર્ણ આદેશ આપ્યો હતો કે અત્યારે ૬ પૂર્વ મુખ્યમંત્રીઓ પાસે સરકારી બંગલા છે અને તેમણે આગામી ૨ માસમાં એ બંગલા ખાલી કરી દેવાના રહેશે. એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે જેટલા સમયથી સરકારી બંગલા ઉપર પૂર્વ મુખ્યમંત્રીઓએ કબજો રાખ્યો છે એટલા સમયનું તેમની પાસેથી ભાડુ વસૂલવામાં આવે.

સુપ્રિમ કોર્ટે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોને બે મહિનામાં સરકારી બંગલા ખાલી કરવા કહ્યું છે. આથી ઉત્તર પ્રદેશના છ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોને ફટકો પડયો છે. સુપ્રીમ કોર્ટે એવી ટકોર કરી છે કે ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો જીવનભર સરકારી આવાસને પાત્ર નથી, સરકારી બંગલાઓમાં રહી શકે નહીં તેવો આદેશ ન્યાયમૂર્તિ અનિલ દવેની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આપ્યો છે.

મુખ્ય પ્રધાનપદેથી દૂર થયા પછી પોતાની માલિકી હોય તેમ સરકારી બંગલા જાણે પચાવી પાડયા છે! સુપ્રીમ કોર્ટના આદેશ પછી મુલાયમસિંહ, કલ્યાણસિંહ, રાજનાથસિંહ, માયાવતીની સાથે નારાયણ દત્ત તિવારી અને રામનરેશ યાદવને પણ બંગલા ખાલી કરવા પડયા.

સુપ્રીમ કોર્ટના આદેશની અસર અન્ય રાજ્યો પર પણ પડી. કારણકે જેવી સ્થિતિ ઉત્તર પ્રદેશમાં છે એવી જ અન્ય રાજ્યોમાં પણ છે. બિહારમાં નીતિશકુમાર પાસે એક બંગલો મુખ્ય પ્રધાનની હેસિયતથી છે તો બીજો ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની હેસિયતથી. આવી રીતે છત્તીસગઢમાં અજિત જોગી પણ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનની હેસિયતથી સરકારી બંગલામાં વર્ષોથી રહે છે.

સરકારી બંગલા અને અન્ય સુવિધા જેવા ખૈરાતવાળા નિયમ બીજાં કેટલાંક રાજ્યોમાં પણ છે. રાજ્યોની રાજધાની સાથે દેશની રાજધાની દિલ્હીમોં પણ તમામ બંગલા નેતાઓના કબજામાં છે. આ પહેલાં ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અજિત સિંહ પોતાના પિતાની સ્મૃતિના નામ પર સરકારી બંગલો છોડવા નહોતા માગતા. આ માટે તેઓ દેખાવો - ધરણા કરવા પણ તૈયાર હતા. માયાવતી બહુજન સમાજ પક્ષના નેતા કાંશીરામની સ્મૃતિ જાળવવાના નામે બે બંગલા હાંસલ કરી ચૂક્યા છે.

બીજી તરફ વેન્કૈયા નાયડુએ સત્તા બહાર થઈ ચૂકેલા નેતાઓ બંગલા છોડે તે માટે ઝુંબેશ આદરી છે. ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનો તથા અન્ય નેતા સરકારી બંગલા અને અન્ય સુવિધાઓ અને ખાસ કરીને પ્રોટેક્શન એ માટે હાંસલ કરવા માગતા હોય છે જેને લઈ તેમનો દબદબો કાયમ રહે. આ દબદબાની કિંમત સરકારી ખજાનાએ ચૂકવવી પડતી હોય છે. બહેતર તો એ રહેશે કે સુપ્રીમ કોર્ટના આદેશ પછી નેતાઓની એ બધી સુવિધાઓ લઈ લેવામાં આવે જેને તેઓ પાત્ર નથી. હવે તાજા આદેશમાંથી છટકબારી શોધવામાં ન આવે. તેની પણ કાળજી રાખવી પડશે.

થોડા સમય પૂર્વે સરકારી બંગલામાં રહેવાનો આગ્રહ સેવનારા કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીને સુપ્રીમ કોર્ટે કોઈ રાહત તો આપી નથી, સખત ટીકા કરીને ઠપકો આપ્યો છે. યુપીએ  સરકારમાં પ્રધાન હોવાના  કારણે તેમને દિલ્હીના  મોતીબાગ ખાતે મોટો બંગલો મળ્યો હતો અને લોકસભાની ચૂંટણી પછી બે  ચાર મહિનામાં  જ બંગલો ખાલી કરી સાંસદોને અપાતા નાના બંગલામાં ચાલ્યા જવું જોઈતું હતું, પરંતુ તેઓ મહિનાઓ સુધી ત્યાં ધામો નાખીને રહ્યા અને હજી પણ ત્યાં જ રહેવા માગતા હતા.

સંબંધિત ખાતાએ તેમને અનેક વેળા બંગલો ખાલી કરવા જણાવ્યું હતું, પરંતુ તેઓ કંઈ સાંભળવા તૈયાર નહોતા, જ્યારે તેમને જબરદસ્તીથી ત્યાંથી કાઢવાની કાર્યવાહી શરૃ થઈ તો તેમણે સુપ્રીમ કોર્ટનો આશરો લીધો, પરંતુ સુપ્રીમ કોર્ટે તેમને આડે હાથ લેતાં પૂછ્યું કે તમને બંગલો ખાલી કરવામાં શું વાંધો છે?

 સુપ્રીમ કોર્ટમાં ન્યાય મેળવવાના નામે આવી અરજીઓ થતી રહે, જેનો ઉદ્દેશ્ય યેન-કેનપ્રકારેણ પ્રકરણને લાંબુ ખેંચીને ખોટો લાભ ઉઠાવવાનો હોય છે. સરકારી બંગલો ખાલી કરવાને લઈ અધીર રંજન ચૌધરીના અડિયલ વલણનો આ કંઈ પ્રથમ કેસ નથી કે જ્યારે કોઈ નેતાએ મોટા બંગલામાં રહેવાની જીદ પકડી હોય અને તે માટે જાતજાતના કુતર્ક આપ્યા હોય.

નેતામંડળી સાંસદ કે પ્રધાન હોવાને  નાતે મળેલા  આવાસને છોડવા તૈયાર થતા નથી. એવો તર્ક આપે છે કે તેમને જે વૈકલ્પિક આવાસ ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે તેમાં સુવિધાઓનો અભાવ છે, તો ક્યારેક બીમારી અથવા કુટુંબીઓનાં વિવાહ-લગ્નનું  બહાનું કાઢતા  હોય છે.

લોકસભાની ચૂંટણીના ૪૮ મહિના પછી કેટલાક નેતાઓ જૂના બંગલામાં જામી ગયા છે. એટલું જ નહીં, શરમજનક એ છે કે બંગલો ખાલી કરવાના બદલે બહાનાં કાઢી કોર્ટનો આશરો લેવાય છે. પહેલા પણ બંગલા ખાલી નહીં કરનારા નેતાઓ પ્રતિ પોતાની નારાજગી ન્યાયતંત્ર વ્યક્ત કરી ચૂક્યું છે. હારેલા-જીતેલા સાંસદોએ સરકારી બંગલા પર કબજો જમાવી રાખે છે.

આવા નેતાઓની સંખ્યા ત્રણસોથી પણ વધુ હતી. તેના પગલે નવા સાંસદોને સરકારી ખર્ચે  અન્યત્ર રહેવાની વ્યવસ્થા કરવી પડી. આમાં કરોડો રૃપિયા સ્વાહા થઈ ગયા. અધીર રંજને બંગલો ખાલી કરવાથી બચવા નિતનવાં કારણો આગળ કર્યાં હતાં, એવું જ કામ એક સમયે  અજિતસિંહે કર્યું હતું. સુપ્રીમ કોર્ટે ભલે અધીર રંજનને બે બોલ સંભળાવ્યા, પરંતુ તેમને દંડ કર્યો હોત તો વધુ ઉચિત લેખાત.

બંગલાઓ પચાવી પાડવાની કપટ નીતિ રાજકારણીઓ પાંચ દાયકાથી અપનાવતા રહ્યાં છે, જેને કારણે  ન્યુ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (એનડીએમસી)ની હદમાં આવેલા દેશના સૌથી પ્રતિષ્ઠિત લોકોનાં સરનામાં પર અતિક્રમણ થઈ રહ્યું  છે.   ભૂતપૂર્વ વડાઓને ફાળવવામાં આવેલા નિવાસસ્થાનો પર તેમના વારસદારો કબજો જમાવીને બેઠા છે. દેશના આ તથા કથિત મોભીઓની સ્મૃતિ જીવંત રાખવા માટે તેમના વારસદારો આ કોઠીઓેને સ્મારકમાં ફેરવી નાખવા ઈચ્છે છે.

નેહરુ-ગાંધીના વંશજો થકી આ પ્રેરણા મળી છે. તેમના વંશજોએ પ્રધાનોનાં નિવાસસ્થાનોના આ વીઆઈપી  વિસ્તારમાં કેટલાક મકાનો પર કબજો કરી લીધો છે.

દિવંગત વડાપ્રધાન રાજીવ ગાંધીના વિધવા સોનિયા ગાંધીનું નિવાસસ્થાન ૧૦, જનપથની બાજુમાં આવેલા મકાન-૧, મોતીલાલ નહેરુ પેલેસમાં ૧૯૫૦ના સમયમાં કોંગ્રેસના મહામંત્રી બનેલા લાલબહાદુર શાસ્ત્રીએ સ્થળાંતર કર્યું હતું. તેમની વડાપ્રધાન તરીકેની કારકિર્દી દરમિયાન તેઓ આ મકાનમાં રહ્યા હતા. તેમના અવસાન બાદ આ મકાન તેમનાં વિધવા લલિતા શાસ્ત્રીને ફાળવવામાં આવ્યું હતું.  

મોતીલાલ નહેરુ પેલેસમાં શાસ્ત્રીના વારસદારોએ આ ભૂતપૂર્વ વડાપ્રધાન જીવન વિશેનું સંગ્રહાલય વિકસાવ્યું છે. શાસ્ત્રીનાં લખાણો પુસ્તકો અને તેમની ફાઈલો આ સંગ્રહાલયમાં જાળવવામાં આવ્યાં છે. આ મ્યુઝિયમનું  ઉદ્ઘાટન ઈન્દિરા ગાંધીએ ૧૧મી જાન્યુઆરી ૧૯૭૬માં કર્યું હતું.

આ તમામ સંગ્રહ જાહેર જનતા અને ભાવિ પેઢી માટે છે. અમે આ ઘરમાં ચાર દાયકાથી રહીએ છીએ અને આમ સામાન્ય રીતે આ ઘર અમને ફાળવવું જોઈએ, એમ  શાસ્ત્રીના  પરિવારજનો જણાવે છે. ભૂતપૂર્વ વડાપ્રધાનોને કંઈક તો આદર આપવો જોઈએ, એવી દલીલ તેઓ કરે છે.

આમાં રસપ્રદ બાબત એ છે કે શાસ્ત્રીને  ટેકો આપવા માટે સંસદના ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના કેટલાક સભ્યોએ આ મકાનને સ્મારકમાં  ફેરવી નાખવાની માગણી કરી હતી. વડાપ્રધાનને લખેલા એક પત્રમાં આ મકાન લાલ બહાદુર શાસ્ત્રીની સ્મૃતિમાં અર્પણ કરવાની અરજ કરવામાં આવી હતી.
ગાંધી - નહેરુની આ વિચિત્ર પરંપરાના દાવેદારોમાં અજિત સિંહનો પણ સમાવેશ થાય છે. ૧૨, તુઘલક રોડ, દેશના વડાપ્રધાન તરીકે સૌથી ટૂંકી મુદતની કારકિર્દી ધરાવતા દિવંગત વડાપ્રધાન ચરણ સિંહ અહીં રહેતા હતા.  

તેમના પુત્ર તેમજ  અગ્રણી નેતા અજિત સિંહ આ કોઠીને પિતાના સ્મારકમાં ફેરવવા માટે અનેકવિધ પ્રયાસ કરી રહ્યા છે. અજિત સિંહે પોતે અખબાર રોડ પર આવેલા પ્રધાનોના સત્તાવાર બંગલાઓમાંનો એક પડાવી લીધો છે. રાષ્ટ્રીય મોરચાની સરકાર વખતે તેઓ કેન્દ્રના ઉદ્યોગ પ્રધાન બન્યા ત્યારે તેમને અહીં બંગલો ફાળવવામાં આવ્યો હતો. આમ સરકારી બંગલાને પચાવી પાડવાની શૃંખલા લાંબે ગાળે હાનિકારક નીવડશે, એવો મત ધરાવવા છતાંય િઅજત સિંહ એવી દલીલ કરે છે:'એની શરૃઆત મારા થકી જ શા માટે થવી જોઈએ? ભૂતકાળમાં અવસાન પામેલા નેતાઓ જે સરકારી મકાર્નામાં રહેતા હતા તે સ્મારકોમાં ફેરવી નાખવામાં આવ્યા છે. આ બાબતે રાષ્ટ્રીય નીતિ ઘડવી જોઈએ.'

 અજિત સિંહ બીજી કપટી ચાલ એ રીતે ચાલ્યા કે બંગલા પર તેમનો સિક્કો કાયમ માટે લાગી જાય.  તેમના ટેકેદારોએ એવી માગણી કરી છે કે તુઘલક રોડને ચૌધરી ચરણ સિંહ માર્ગ એવું નામ આપવું જોઈએ.  

સરકારી મિલકતોને સ્મારકોમાં ફેરવી નાખવાની હિલચાલમાં બાબુ જગજીવન રામનું નામ મોખરે છે. ૬, કૃષ્ણ મેનન રોડને બાબુ જગજીવન રામની સ્મૃતિમાં અર્પણ કરવા માટેની માગણીનો સૂર ખૂબ જ ઊંચો  હતો.  તે સમયના વડાપ્રધાન વી. પી. સિંહને બાબુજીના સ્મારક માટે એ મકાન ફાળવવાની માગણી કરવામાં આવી હતી. આ પત્રમાં ભુવનેશ ચતુર્વેદીનો સમાવેશ થયો હતો. ઈમામ બુખારી અને અન્યોએ જુદો પત્ર લખીને તેમની લાગણીઓ વ્યક્ત કરી હતી.

 દરેક જણને મકાનો ફાળવવામાં આવ્યાં છે તો પછી જ્યારે બાબુજીની સ્મૃતિમાં આ મકાનની માગણી કરાઈ છે ત્યારે જ કેમ અછત વ્યક્ત કરવામાં આવે છે? તેઓ વડાપ્રધાન ભલે નહોતા, પરંતુ એક હરિજનને આ હોદ્દો ફાળવી ન શકાય એવો સામાજિક આવેગ હોય તો તેમાં બાબુજીનો દોષ છે?
બાબુજીનાં દીકરી  મીરાકુમારે એવી દલીલ કરી હતી કે  એવી અનેક ફાઈલો, સંભારણો, સંબોધનો અને હસ્તલિખિત ટિપ્પણીઓ છે જે બાબુજીએ તેમના કાર્યકરોને આપ્યા હતા અને આ ઈતિહાસના વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનો અભ્યાસ પૂરો પાડી શકે છે.

કામરાજ પ્લાન પછી તરત જ જગજીવન રામ આ મકાનમાં રહેવા આવ્યા હતા. પ્રધાનોને ફાળવવામાં આવતાં નિવાસસ્થાનો પર કબજો જમાવી લેવાનો વિવાદ ભારતના સૌથી પહેલા વડાપ્રધાન સમયથી ચાલી રહ્યો છે. તીનમૂર્તિ તરીકે જાણીતા મકાનમાં દસ્તાવેજો, માઈક્રો ફિલ્મો અને તસવીરોના સ્વરુપમાં દેશના સ્વાતંત્ર્ય સંગ્રામના ઈતિહાસનો સૌથી શ્રેષ્ઠ સંગ્રહ જાળવવામાં આવ્યો પરંતુ તેની ૩૬ રૃમોમાંથી માત્ર ડઝનેક રૃમ વપરાશમાં છે.. નહેરુનો અભ્યાસ ખંડ, દીવાનખંડ અને અન્ય એકાદ બે રૃમને બાદ કરીને બધી જ રૃમોમાં તસવીરો ટીંગાડવામાં આવી છે પરંતુ આ ઈમારતને જાળવવા માટે ફાળવતાં નાણાં અપૂરતા જ રહે છે.

આ તમામેતમામ કિસ્સાઓમાં સૌથી મોટો કબજો છે. ઈન્દિરા ગાંધીની સ્મૃતિમાં ફાળવવામાં આવેલા બે મકાનો. તેમના અવસાન બાદ આ બે મકાનોને તેમના સ્મારકમાં ફેરવી નાખવામાં આવ્યા હતા. તેઓ જીવિત હતાં ત્યારે આ બે મકાનો ૧, સફદરજંગ રોડ, અને ૧ અકબર રોડને તેમના સત્તાવાર નિવાસસ્થાન તરીકે માનવામાં આવતા હતા. તેમના અવસાનના એક વર્ષ પછી આ બન્ને મકાનોને ઈન્દિરા ગાધી મેમોરિયલ ટ્રસ્ટ તરીકે જાહેર કરવામાં આવ્યાં હ્તાં..

સફદરજંગમાં મ્યુઝિયમ છે. જયારે બીજા મકાનને ટ્રસ્ટની ઓફિસ બનાવવામાં આવ્યું છે.
અગ્રણી આર્કિટેક હબીબ રહેમાનના જણાવ્યા મુજબ વિશ્વના કોઈ પણ દેશમાં આવી રાજકીય ગુંડાગીરી ચલાવી લેવાતી નહિ હોય.

તાજેતરમાં પણ એવું જ બન્યું છે, સુપ્રીમ કોર્ટના આદેશ બાદ જ્યારે ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીને લખનૌમાં ફાળવવામાં આવેલો સરકારી બંગલો ખાલી કરવાનું ફરમાન થયું ત્યારે મેડમે બંગલો પર કાંશીરામ સાંસ્કૃતિક સ્મારકનું પાટિયું લટકાવી દીધું. સાથે એવી ઘોષણા પણ કરી કે આ બંગલો તો સ્મારક છે એટલે તેને સરકાર ખાલી કરાવી શકે નહીં.

અત્રે એ જાણી લેવું પણ રસપ્રદ  રહેશે કે  વડાપ્રધાન નરેન્દ્ર મોદીના  સત્તાવાર  નિવાસસ્થાન કરતાં સોનિયા ગાંધીનો  બંગલો મોટો છે. યુ.પી.એ.ના અધ્યક્ષા સોનિયા ગાંધીનું મકાન દેશના તમામ નેતાઓના ઘરથી મોટું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સત્તાવાર નિવાસ ૭, રેસક્રોસ પણ સોનિયા ગાંધીના ૧૦, જનપથ સ્થિત મકાનથી નાનું છે.

જો ક્ષેત્રફળ અને કદની વાત કરવામાં આવે તો રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના મકાન જ સોનિયાના મકાનથી મોટા છે.

ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિ ભવન, ઉપરાષ્ટ્રપતિ ભવન અને ૭ આરસીઆર સત્તાવાર નિવાસ છે. જ્યારે સોનિયાનું ૧૦ જનપથ સ્થિત નિવાસ તેમને સાંસદ તરીકે ફાળવવામાં આવ્યો છે. સોનિયાનું મકાન ૧૫,૧૮૧ ચો. મીટરમાં ફેલાયેલુ છે જ્યારે વડાપ્રધાન મોદીનું મકાન ૧૪,૧૦૧ ચો. મીટરમાં ફેલાયેલુ છે.  તમામ સત્તાવાર રહેઠાણોમાં રાષ્ટ્રપતિ ભવન ૩૨૦ એકરમાં બનેલુ છે. ઉપરાષ્ટ્રપતિનું રહેઠાણ ૬, મૌલાના આઝાદ રોડ ૨૬,૩૩૩.૪૯ ચો. મીટરમાં ફેલાયેલુ છે. આ ઉપરાંત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનું ૧૨ તઘલખ રોડ સ્થિત નિવાસ ૫૦૨૨.૮૮ ચો. મીટરનું છે. આ ઉપરાંત પ્રિયંકા વાઢેરાનું ૩૫, લોધી એસ્ટેટ સ્થિત નિવાસ ૨૭૬૫.૧૮ ચો. મીટરનું છે.

વડા પ્રધાનથી લઇને રાજ્યના મુખ્ય પ્રધાન કે સંસદ સભ્ય તરીકે જે કોઇ રાજકારણીને સરકારી બંગલો મળ્યો હોય તે નિવાસસ્થાન સત્તાપદેથી દૂર થયા બાદ ચોક્કસ ગાળામાં ખાલી કરી દેવો જોઇએ તેવો કડક કાનૂન આ  દેશમાં  લાવવાની ખૂબ જ આવશ્યકતા છે.

Post Comments