Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

હોરાઈઝન - ભવેન કચ્છી

- ૧૦૦માંથી ૧૦૦ ગુણ :ફિનલેન્ડનું શિક્ષણ મોડેલ

- વિશ્વના ટોચના દેશો જેનો અભ્યાસ કરવા જાય છે તે ફિનલેન્ડના શિક્ષણના મોડેલમાં એવું તો શું છે ?

- ફિનલેન્ડમાં વિદ્યાર્થી દોડીને શાળાએ જાય અને બીજા દિવસનો ઈંતજાર કરતા  ઘેર પરત ફરે છે

- ૪૫ મિનિટના પ્રત્યેક પીરિયડ પછી ૧૫ મિનિટની રિસેસ ! સાત વર્ષની વય બાદ જ શાળામાં પ્રવેશ :ધોરણ ૧થી ૧૨ વચ્ચે માત્ર ત્રણ જ પરીક્ષા

અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ જ નહીં ચીનના શિક્ષણવિદ્દો પણ ફિનલેન્ડ જેવા ૩.૩ કરોડની વસ્તી ધરાવતા દેશની મુલાકાત લેતા હોય છે. આદર્શ શિક્ષણ પધ્ધતિ માટેના જે વિશ્વ માન્ય રેન્કિંગ છે તેમાં સાઉથ કોરિયા, ફિનલેન્ડ અને જાપાનની શિક્ષણ પધ્ધતિ ટોચનો ક્રમાંક મેળવતી હોય છે.

તમે શિક્ષણ અંગેના વૈશ્વિક સેમિનાર અને વર્કશોપમાં ભાગ લો તો પણ ફિનલેન્ડનું ઉદાહરણ તો હોવાનું જ. ફિનલેન્ડની શિક્ષણ પધ્ધતિ સ્ટડી પેપર્સ પણ રજૂ થતા હોય છે. નોકિયા જેવી બ્રાન્ડ ફિનલેન્ડની દેન છે. ફિનલેન્ડ ઇલેક્ટ્રોનિક્સ, આઈટી-સર્વિસ સેકટર, ખેતી, પલ્પ-પેપર, જંગલની સંપદા-કાષ્ટ, શુધ્ધ જળ, વૈકલ્પિક ઉર્જા, શિપિંગ વિવિધ એન્જીનિયરિંગ ઇન્ડસ્ટ્રી, તેલ રિફાઈનરીમાં અગ્રણી મનાય છે.

બ્રિટન, ફ્રાંસ જેવા દેશના નાગરિક જેટલી ફિનલેન્ડની માથાદીઠ આવક ૪૮૦૦૦ ડોલર જેટલી છે. વિશ્વના સૌથી સુખી દેશોમાં ફિનલેન્ડ છેલ્લા વીસ વર્ષોથી એકથી પાંચમાં ક્રમાકમાં રહે છે. વિશ્વના સૌથી સ્વાસ્થ્યપ્રદ નાગરિકો પણ ફિનલેન્ડના છે. આવી તમામ સિધ્ધિઓનું શ્રેય ફિનલેન્ડની ઉદાહરણીય શિક્ષણ પધ્ધતિ છે. ફિનલેન્ડના શિક્ષણ પધ્ધતિના કેટલાક પાસાઓની ઝલક મેળવીએ.

ફિનલેન્ડમાં બાળકને સાત વર્ષે શાળામાં પ્રવેશ મળે છે તેણે ૧૬ વર્ષ સુધીની વય સુધી અભ્યાસ કરવાનો રહે છે. નવમા ધોરણના અંતે તેનું માધ્યમિક શિક્ષણ પૂર્ણ થાય છે. નવ વર્ષમાં મુખ્ય બે વખત જ પરીક્ષા લેવાય છે. એક પાંચ ધોરણના અંતે પ્રાથમિક શિક્ષણની ઓવર ઓલ અને બીજી નવ ધોરણના અંતે માધ્યમિક શિક્ષણની ઓવરઓલ. તે પછી એક પરીક્ષા ઉચ્ચ માધ્યમિક શિક્ષણના અંતે લેવાય છે. આમ વિદ્યાર્થી શાળાના સંપૂર્ણ શિક્ષણ દરમ્યાન વધુમાં વધુ ત્રણ પરીક્ષા આપે છે.

૪૫ મિનિટનો એક પીરિયડ હોય છે અને પ્રત્યેક આવા પીરિયડ પછી ૧૫ મિનિટની રીસેસ રાખવામાં આવે છે. રોજ પાંચ કે છ પીરિયડનો અભ્યાસ કરવાનો રહે છે અને કુલ ૭૫ મિનિટની રીસેસ હોય છે. ઘણી શાળા બે પીરિયડ પછી અડધો કલાકની રીસેસ પણ રાખે છે. વિદ્યાર્થીને વહેલા ઉઠી શાળાએ આવવુ કંટાળાજનક લાગે છે. શાળાની શરૃઆત ફરજીયાત સવારે ૮થી ૧૧ દરમ્યાન જ કરવાની રહે છે.

વિદ્યાર્થીઓને સાત્વિક છતા સ્વાદિષ્ટ ભોજન રોજ શાળા તરફથી મળે છે. તેણે વોટર બેગ, લંચ બોક્સ  કે વજનદાર દફતર નથી લાવવાનું હોતું. વિદ્યાર્થીઓને અને વાલીઓને કઇ વાનગી પીરસવી તેનું ફોર્મ પણ ભરવા માટે આપવામાં આવે છે.ફિનલેન્ડની શાળાઓમાં બાળકોને યુનિફોર્મ હોતો જ નથી. હા કેપ, ગોગલ્સ માન્ય નથી. અન્ય આચારસંહિતા રાખવામાં આવે છે.

અભ્યાસક્રમ જીવન ઉપયોગી હોય તે પૂરતો જ્ઞાાન અને માહિતી મનોરંજનસભર રાખવામાં આવે છે અને વર્ગખંડમાં પણ પરંપરાગત રીતે બેન્ચ પર હરોળમાં વિદ્યાર્થીઓને બેસાડવાની જગ્યાએ મુક્ત સ્થાન આપવામાં આવે છે અને અભ્યાસ પણ મોડેલ, રમકડા તેમજ ટીવી અને ગેઝેટ્સથી નિદર્શન થાય છે.

વિદ્યાર્થીને આગળ જતા જે વિષયમાં ઉચ્ચ અભ્યાસ કરવાની દિલચસ્પી જાગશે તો ત્યારે તે પાયાથી ઉચ્ચ સ્તરનો અભ્યાસ કરશે. બાકી પ્રાથમિક કે માધ્યમિક શિક્ષણમાં વિદ્યાર્થીને જટિલ પ્રકારના અભ્યાસક્રમમાં સામેલ નથી કરવામાં આવતા. પ્રત્યેક વિદ્યાર્થીને જે તે વિષય પ્રયોગાત્મક, મોડેલ કે ચિત્રો-ફિલ્મથી ભણાવાય છે. વર્ગખંડની બહાર પણ શિક્ષક વિદ્યાર્થીઓને લઇ જઇ શકે છે.

વિદ્યાર્થીઓને હવામાન કચેરીએ જઇ હવામાન અને આગાહી અંગે અને વોર મેમોરિયલમાં યુદ્ધના ઇતિહાસ વિશે, બગીચા, પ્રાણી સંગ્રહાલય અને પોલીસ સ્ટેશનની મુલાકાત લઇને તે પ્રકરણનો અભ્યાસ કરાવાય છે. નદી, ચેક ડેમ, સમુદ્ર, ટાપુ, ખગોળ, રસાયણ અને ભૌતિક વિજ્ઞાાન બધુ જ મોડેલ અને પ્રયોગાત્મક શિક્ષણ આપવામાં આવે છે. જે વિદ્યાર્થી વર્ગોના અન્ય વિદ્યાર્થીઓ જોડે રહીને શીખવામાં પાછળ રહી જાય તો તેને માટે એક-બે વિશેષ પીરિયડ આ માટેના નિયુક્ત કરાયેલા શિક્ષકો લે છે. તે દરમ્યાન અન્ય વર્ગોને થોડું  થોભી જવાનું જણાવવામાં આવ છે.

કોર્સ પુરો કરવાનું પ્રાધાન્ય જ નથી હોતું. વિદ્યાર્થી પોતે તમામ પ્રકરણ જાત અનુભવ નિરીક્ષણ અને પોતે જ ઉંડાણ સાથે સમજાવી શકે તેના પર ભાર મુકાય છે. 'લર્નિંગ બાય ડુઇંગ' તે શિક્ષણનો મંત્ર છે. વિદ્યાર્થીઓને ઘરકામ નહવિત આપવામાંઆવે છે. વિદ્યાર્થીઓને અઠવાડિયામાં હોમવર્ક કુલ ૧૭૦ મિનિટથી વધુ સમયનું   કાયદા પ્રમાણે નથી આપી શકાતું. એટલે રોજના સરેરાશ લગભગ ૨૫ મિનિટનું લેશન હોય છે.

શિક્ષણ વિભાગનો સ્પષ્ટ આદેશ છે કે વિદ્યાર્થી ઘેર જઈને અભ્યાસ કરવા કરતા તેના રસના હોય તેવા પુસ્તકો વાંચે, ઇતર પ્રવૃત્તિ અને રમતજગતમાં સમય ફાળવે. અભ્યાસ બોજ છે અને જન્મ લીધો એટલે કરવો પડે તેવી નકારાત્મકતા વિદ્યાર્થીના માનસમાં ના હોવી જોઇએ.

ફિનલેન્ડમાં શિક્ષકોને કોલેજના પ્રોફેસર કરતા પણ આદરથી જોવામાં આવે છે. શિક્ષકોનો પ્રારંભિક પગાર જ અમેરિકાના ઉચ્ચ મધ્યમ વર્ગ  જેટલો એટલે કે ૫૦,૦૦૦ થી ૬૦,૦૦૦ ડોલર છે જે વર્ષોત્તર વધતો રહે છે. જો કે શિક્ષક બનવું તે ડોક્ટર, એન્જિનિયરિંગની ઉચ્ચ મનાતી કોલેજમાં પ્રવેશ મેળવવા જેટલું જ અઘરૃ અને પડકારજનક છે. શિક્ષકોને જે તે વિષયના જ્ઞાાન ઉપરાંત તેની વાતચીત, રીતભાત, આદતો, કૌટુંબિક બ્રેકગ્રાઉન્ડની રીતે પણ -ચકાસવામાં આવે છે.  મનોવિજ્ઞાાન પરીક્ષા તેમજ પ્રાયોગિક પીરિયડનું નિદર્શન પણ કરવાનું રહે છે. શિક્ષકની પસંદગી, મૂલ્યાંકનમાં સ્હેજ પણ સમાધાન નથી ચલાવાતુ.


વિદ્યાર્થીઓ શિક્ષક અંગેના ગુપ્ત રીપોર્ટ આપે તેવું માળખું છે. શિક્ષકોના ફિડબેક વાલીઓ પણ આપી શકે છે. એક અલાયદી મોનિટેરિંગ ટીમ આ માટે હોય છે.

ફિનલેન્ડમાં તમામ શાળા સરકારી છે. મહત્તમ નાગરિકો શિક્ષણ સહિતના વેરા ભરે છે. જે સીધા શિક્ષણ મંત્રાલયના ફંડમાં જાય છે.

ઘણા એવી દલીલ કરતા હોય છે કે ફિનલેન્ડની વસ્તી સવા ત્રણ કરોડ છે તેથી આવું સ્તર શક્ય છે. ભારત જેવા દેશમાં આ મોડેલ કઇ રીતે સફળ થાય.

આપણે આવી દલીલ કરનારાઓને એટલું જ કહેવાનું કે અમેરિકા, બ્રિટન, ફ્રાંસ અને હવે તો ચીનના શિક્ષણવિદો પણ ફિનલેન્ડ, સાઉથ કોરિયા અને જાપાન જેવા દેશો શિક્ષણ પધ્ધતિનો અભ્યાસ કરવા વૈશ્વિક ટોચનો રેન્ક ધરાવતા દેશોની મુલાકાતે જાય છે અને તેમના દેશ માટે ફિનલેન્ડના મોડેલની ભલામણ કરે છે. આખો દેશ નહીં પણ કોઈ એક શહેર કે રાજ્યમાં આ રીતે અમલ કરવાની શરૃઆત થઇ જ શકે ને.

શિક્ષકો કે શાળાઓ વચ્ચે કોઈ સ્પર્ધા જ નથી. વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન પ્રત્યેક વર્ષે નથી થતુ પણ તેની પ્રગતિ પર નજર હોય છે. તમામ શાળાઓ વચ્ચે સંકલન છે. કોઈ એક શાળા કે શિક્ષકનો પ્રયોગ આવકાર પામે તો બીજી શાળાઓ તરત જ તેને અમલમાં મુકી દે છે. તમામ શાળાઓની શિક્ષણ પધ્ધતિ સમાન રાખવામાં આવે છે.

શિક્ષકો નહીં વિદ્યાર્થીઓ કેન્દ્ર સ્થાને રહે છે. કુલ ક્ષમતાના ૭૦ ટકા જ અભ્યાસક્રમ રખાતો હોઈ વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ દબાણ તેમજ તનાવ હેઠળ નથી હોતા. તેઓને અવકાશ મળે છે 'સ્પેસ 'અને 'કુશન' બંને, પહેલા ધોરણથી જ વિદ્યાર્થીઓને એવી સમજ કેળવાય છે કે અભ્યાસ એક પછી એક વર્ગમાં ઉત્તીર્ણ થવા માટેનો પડકાર નથી પણ સૃષ્ટિના જુદા વૈવિધ્ય પાસા અને માનવજગતને જાણવા-સમજવા અને માણવાનો એક ઉત્સવ અને ઉપક્રમ છે.

યાદ રહે ફિનલેન્ડ એ હદે શ્રીમંત દેશ નથી. છેક ૧૯૪૦ના દાયકા સુધી ફિનલેન્ડ રશિયાનું દેવુ ચૂકવતુ હતું. ૧૯૫૦ના દાયકામાં ફિનલેન્ડની સરકારે ઠરાવ પસાર કર્યો કે જો દેશના ભાવિ નાગરિકોનું જીવનધોરણ સુધારવું હશે, તેઓમાં નીતિનિયમનું ઘડતર કરીને રાષ્ટ્રપ્રેમથી માંડી પ્રમાણિકતા, નાગરિક શિસ્ત અને વૈશ્વિક માનવ તેઓને બનાવવા હશે તો દેશની શિક્ષણ પ્રથા જ મૌલિક અને અલાયદી દ્રષ્ટિની બનાવીએ. વિશ્વના કોઈ દેશની પધ્ધતિને નહીં અનુસરવાનો નિર્ણય લેવાયો.

આજે ફિનલેન્ડ ઉત્તમ નાગરિકો ધરાવતો દેશ છે. મહત્તમ કરવેરાની આવક અને સરકારી ફાળવણીનો પારદર્શક ખર્ચ થાય છે.

ફિનલેન્ડના નાગરિકો એવું માને છે કે રાજકારણીઓ અમને આપે તેવું નહીં અમે ઇચ્છીએ તેવું ગુણવત્તાસભર જીવનધોરણ મેળવવાનો અમારો અધિકાર છે. અમે અમારી ફરજ બજાવીએ છીએ તેથી આ માટેની અમારી નૈતિક હિંમત છે.

તમને થશે કે પ્રાથમિકથી માંડી હાઈસ્કુલના આ પ્રકારના શિક્ષણ બાદ સ્નાતકોને રોજગારીની તકો કેવી રહે છે. તેઓ અન્ય દેશોમાં નોકરી મેળવી શકે છે ખરા ?

તો જાણી લો કે ફિનલેન્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ટોચના દેશોના ૨૦,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓ આવે છે. જેઓ માટે સ્વાભાવિકપણે ફી રાખવામાં આવે છે. પણ ફિનલેન્ડનો નાગરિક એવો વિદ્યાર્થી યુનિવર્સિટીની મેડિકલ, એન્જિનિયર સહિતની કોઈપણ વિદ્યાશાખા હોય તેમાં ઉચ્ચ અભ્યાસ સાવ મફતમાં કરે છે !

વિદ્યાર્થી પ્રાથમિક, જુનિયર હાઈસ્કુલ અને સિનિયર હાઈસ્કૂલ બાદ તેના પરીક્ષા અને મનગમતા વિષયની પ્રવેશ પરીક્ષા બાદ મેરિટ પર તેના ગમતા વિષય પર ઉચ્ચ યુનિવર્સિટીનો ડીગ્રી માસ્ટરનો અભ્યાસ કરે છે. તેને વિશ્વની ટોચની કંપનીઓ જોબ પર લે છે તેવું તેનું સ્તર અને ફિનલેન્ડની ઇમેજ છે. ફિન્લેન્ડમા પણ તેઓને જોબ મળી જાય છે.

માનવીય અને સુખાકારી - સંવેદનાયુક્ત, ગુનાખોરી મુક્ત વાતાવરણ હોઈ અમેરિકા, યુરોપ, રશિયાના પણ વિદ્યાર્થીઓ ફિનલેન્ડમાં અભ્યાસ માટે આવે છે. આપણા દેશે ફિનલેન્ડની શિક્ષણપ્રથા પરથી પ્રેરણા લેવા જેવી ખરી.

Post Comments