Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

એક જ દે ચિનગારી- શશિન્

- જીવનમાં તકનો લાભ ઉઠાવવા કઈ પાંચ બાબતો યાદ રાખવી જોઈએ?

જિંદગી એ 'વિષાદ યોગ' કે 'રોગ' નથી, પરંતુ ઈશ્વરે આપેલો 'આનંદયોગ' છે. તકને શંકાથી નહીં પણ શ્રદ્ધાથી મૂલવો.  તકની લિપિ ઉકેલતાં માણસે શીખી લેવું જોઈએ

એક માણસે નિસાસા સાથે કહ્યું કે હું કેવો અભાગીયો માણસ છું કે જિંદગીમાં કશી સાનુકૂળ તક જ ન મળી. વિચારતાં-વિચારતાં પગ તળે કશું ખૂંચ્યું અને શું છે તેની તપાસ કર્યા સિવાય પાસેના તળાવમાં તે વસ્તુ ફેંકી દીધી.

ત્યાં વૃક્ષ નીચે બેઠેલા સંતે કહ્યું :''ભાઈ! કશી મુંઝવણમાં છે ને?''
''નહીં તો બીજાું શું વળી? જિંદગીમાં સારી તક શોધી ગરીબી દૂર કરવા મથતો જ રહ્યો, પણ ભાગ્ય દસ ફૂટ દૂર રહ્યું.'' પેલા માણસે કહ્યું.

'ભાઈ! તને તક ઝડપી લેતાં કે તક ઓળખતાં આવડતું જ નથી. તારી મનોવ્યથા જોઈ મેં સોનાનું મોટું ઢેફૂં ફેક્યું હતું. પરંતુ એ ઢેફા તરફ નજર કર્યા સિવાય તેં તળાવમાં ફેંકી દીધું. માત્ર તું જ નહીં મોટા ભાગના લોકો 'તક' અને 'લક'નો સંબંધ શોધવામાં અટવાય છે. તક એ કુદરતે આપણને આપેલો સાંકેતિક લખાણવાળો હક છે, પરંતુ અફસોસ કે આપણને એ સંદેશો ઉકેલવાની ફૂરસદ નથી. આંગણે આવીને ઊભેલા મોકાને પણ આફત માની એના તરફ દુર્લક્ષ આપવાનું વિચારીએ છીએ.

આખી જિંદગી માણસ તકને શોધ્યા કરે છે અને તક માણસને શોધે છે. તક હારે તો એણે કશું જ ગુમાવવાનું હોતું નથી પણ માણસ હાથમાં આવેલી તકને જવા દે તો એણે ઘણું બધું ગુમાવી દેવું પડે છે. જીવન એ વિષાદ યોગ કે રોગ નથી પરંતુ ઈશ્વરે આપેલો આનંદયોગ છે. તમે આનંદમાં રહો એ માટે ભગવાન પારાવાર તકો મોકલે છે.

પરંતુ આપણી ઝોળી જ કાણી હોય તો મળેલી તકને તે ક્યાંથી બચાવી શકવાની? તકને શંકાથી મૂલવશોતો એ નિરાશા પ્રદાન કરશે. તકને શ્રદ્ધાથી મૂલવ શો તો એ મન મૂકીને વરસશે, નહીં તો જતાં-જતાં આંસુ લૂછવા એક નેપકીન કે હાથરૃમાલ પણ નહીં આપે. તક ગુમાવી બેસવી એ જીવનમાં ભરપાઈ ન થઈ શકે એવું નુકસાન છે. ઘણા લોકો વાયદાબાજ હોય છે. આજનું કામ કાલે કરીશું-માં માનનારા હોય છે. સરદાર વલ્લભભાઈ પટેલે ઉચિત જ કહ્યું છે કે વીતી ગએલી ઘડીઓ તો જ્યોતિષીઓ પણ ધ્યાનમાં લેતા નથી.

તકને પારખવાની તક એક દ્રષ્ટિ જોઈએ. ટોળામાં જોડાઈ જવાની ઉતાવળ એ મૂર્ખતા છે. યોગ્ય સ્થાને દસ માણસો સાથે જોડાઈ જવું એ દસહજાર લોકો સાથે ગેરહાજર રહેવા કરતાં વધુ શ્રેયસ્કર છે. હરિવંશરાય બચ્ચનની એક કવિતા છે કે 'ગર્મ લોહા પીટ, ઠંડા પીટને કો તેરા વક્ત બહુ પડા હૈ.' ઘાટ આપ્યા પછી પોલિશ કરવા માટે ખાસ્સો સમય તને મળવાનો છે.

જિંદગીએ સમય સાથેની સંતાકૂકડીની રમત છે. ક્યારેક સમય માણસને પકડવાની કોશિશ કરે છે, તો ક્યારેક માણસ સમયને પકડવાની કોશિશ કરે છે. સમયને તો સરી જવાની આદત છે. સરકી જવા મથતા સમયની ચોટલી પકડનારની જ જીત થાય છે.

માણસની જિજ્ઞાાસા અને સતત જાગૃતિ જ એને માટે સફળતાનાં દ્વાર ખોલી આપે છે. તકની શક્યતાઓનું તૈયાર પેકેટ બજારમાં મળતું નથી. અહીં સૂર્ય સિંહા લિખિત 'તક ગુમાવી, નસીબ હાથમાંથી સરી ગયું' નામની પ્રેરક વાર્તા પ્રસ્તુત કરવામાં આવી છે.

એક સમયની વાત છે. જંગલમાં એક સુંદર તળાવને કિનારે આવેલા વૃક્ષ પર વાંદરાઓનું રાજ હતું. તોફાની વાંદરાઓના ડરથી બીજા કોઈ પક્ષી સુદ્ધાં એ વૃક્ષ પર બેસતાં નહોતાં.

એક દિવસ એક મહર્ષિ અને એક રાજકુમાર વૃક્ષની નીચે આવીને બેઠા કે વાંદરાઓએ તોફાન મચાવવાનું શરૃ કરી દીધું.

એ જોઈ મહર્ષિએ વાંદરાઓને પૂછ્યું :''તમે વટેમાર્ગુને કેમ આરામ કરવા દેતા નથી?''
વાંદરાઓના સરદારે કહ્યું :'અમને માણસ જાતની ઈર્ષ્યા છે. ઈશ્વર તમને માણસોને સુંદર બનાવ્યા છે અને અમને કદરૃપા, ઢંગધડા વગરના.'

મહર્ષિએ કહ્યું :'એમાં ભગવાનને દોષ દેવો ન તો ઉચિત છે કે ન તો કોઈ લાભ છે. જે જેવું કર્મ કરે છે, જેવી આસ્થા રાખે છે, એને એવું જ ફળ મળે છે. ભગવાને બધાને સુધરવાની સરખી તક આપેલ છે. પણ કોઈ ઓળખે છે અને કોઈ નહીં. તક ઝડપી લેનાર ફાયદામાં રહે છે અને તક ગુમાવી દેનાર જીવનના છેલ્લા શ્વાસ સુધી ખોટ અને પસ્તાવામાં.'

વાંદરાના સરદારે કહ્યું :''અમે નથી માનતા કે ભગવાન બધાને તક આપે છે. આ બધું બકવાસ છે.''
''માનો કે ન માનો. તમારી મરજી.'' મહર્ષિ પાસેના વૃક્ષ નીચે જઈને બેઠા અને રાજકુમારને પણ પોતાની પાસે બોલાવી લીધા.

એટલામાં ક્યાંકથી આકાશવાણી થઈ :આકાશમાં વીજળી ચમકશે. જે વાનર કે વાંદરી તળાવમાં કૂદી પડશે એ વાનર કાન્તિવાન પુરુષ અને સ્ત્રી અપ્સરા બની જશે. એટલે જેણે મનુષ્ય બનવું હોય તે તકનો લાભ લઈ લે.''

વાનરોના મનમાં જાતજાતના પ્રશ્નો ઉદ્ભવવા માંડયા. શું વીજળી જ તળાવના પાણીમાં પ્રવેશશે અને તે સમયે પાણીમાં કૂદી પડનાર સુંદર સ્ત્રી કે પુરુષ બની જશે?

એટલામાં આકાશમાંથી પવિત્ર વીજળી ચમકી એ જ ક્ષણે એક વાંદરી તળાવમાં કૂદી પડી. બાકીના વાનરો એ ક્ષણની રાહ જોતા હતાં કે પેલી વાંદરી અપ્સરા જેવી સુંદર બનીને બહાર નીકળે છે કે નહીં. અંતે પેલી વાંદરી સુંદર સ્ત્રી બનીને તળાવમાંથી બહાર નીકળી. બધાને લાગ્યું કે આકાશવાણી સાચી હતી અને સહુ વાનરો તળાવમાં કૂદી પડયા અને બહાર નીકળ્યા ત્યારે વાંદરા જ હતાં. તેમને એ વાતનો પશ્ચાતાપ થયો કે તેમણે શા માટે પવિત્ર ક્ષણનો લાભ ન લીધો.

પેલી વાંદરીમાંથી યુવતી બનેલી યુવતીના શરીર પર રાજસી પોષાક અને રત્ન જડિત આભૂષણો ચમકતાં હતાં. મહર્ષિએ એને પૂછ્યું :''શું તને વિશ્વાસ હતો કે આકાશવાણી સાચી ઠરશે?''

''મહર્ષિ વાત વિશ્વાસ-અવિશ્વાસની નહોતી. આકાશવાણીમાં કહેવાયું હતું કે જે વાંદરો કે વાંદરી એ ક્ષણે તળાવમાં કૂદી પડશે તે મનુષ્ય યોનિ પ્રાપ્ત કરશે. એમ નહોતું કહેવાયું કે કૂતરો-બિલાડી કે બાજું કોઈ જાનવર બની જશે. એટલે મેં માણસ બનવાની તક ઝડપી લીધી.

અને હું તળાવમાં કૂદી. મેં હાથમાં આવેલી તક જવા ન દીધી.'' રાજકુમારે તેની સમક્ષ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને બન્ને રાજમહેલ તરફ જવા વિદાય થયાં. જીવનમાં તકનો લાભ ઉઠાવવા માટે કઈ પાંચ બાબતો યાદ રાખવી જોઈએ?

૧. તક એ કામધેનુ છે એ ગુમાવવાની વસ્તુ નથી. મળેલી તકને દોહી લેવી જોઈએ.

૨. દુર્લભ તકો જીવનમાં વારંવાર મળતી નથી.

૩. તકની લિપિ ઉકેલતાં માણસે શીખી લેવું જોઈએ.

૪. મોટા ભાગની તકો માણસ શ્રધ્ધાને બદલે શંકાને હવાલે કરી પોતાની જાતે જ પ્રગતિનાં દ્વાર બંધ કરે છે.

૫. તક પ્રત્યે સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવો. તકને ઓળખો, સ્વીકારો અને તેનો લાભ ઉઠાવો.

Post Comments