Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અંતરનેટની કવિતા-અનિલ ચાવડા

બે-ચાર ટીંપાથી છીપે એવી નથી મારી તરસ

અંતરાત્માને ક્યારે સ્પર્શી શકાય ? જયારે કોઈ આપણામાં વસતું હોય. દરેક વ્યકિતની અંદર કોઈ ગમતો ચહેરો વસતો હોય છે

લોગઈન
બે-ચાર ટીંપાથી છીપે એવી નથી મારી તરસ,
તારે વરસવું હોય તો આકાશ મન મૂકી વરસ.
મધમધું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવા તે રીતે સ્પરશ.
કોઈ મારામાં વસે છે ને શ્વસે છે રાતદિન,
એ મને જોતું સતત પણ ના થતાં એના દરશ.
સાંકડે મારગ મદોન્મત હાથિણી સામે ખડો,
કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.
- પુરુરાજ જોષી

વરસાદ આવું આવું થાય છે અને આવતો નથી, પણ હવે થોડા દિવસમાં કદાચ સારો વરસાદ પડી જશે. પણ પુરુરાજ જોષીએ જે શેરથી ગઝલની શરૃઆત કરી છે, તે અત્યારે લંબાતા વરસાદના સંદર્ભમાં નોંધવા જેવી છે. કવિ કહે છે બે ચાર ટીંપાથી મારી તરસ છીપે એવી નથી, હે ગગન.. તારે જો વરસવું જ હોય તો મન મૂકીને વરસ. આ વાત થઈ આભની, અમુક વ્યકિતઓ પણ બેચાર ટીંપાથી વધારે વરસતી હોતી નથી. જેની પ્રત્યે મૂશળધારની આશા રાખીને બેઠા હોઈએ એ માવઠું થઈ જતાં હોય છે. આવા માણસને ખલીલ ધનતેજવીનો શેર સંભળાવી દેવા જેવો છે. 'તમે મન મૂકી વરસો ઝાપટું આપણને નહી ફાવે, અમે હેલીના માણસ માવઠું આપણને નહીં ફાવે.' અને જો કોઈ ગમતી વ્યકિત મુશળધાર વરસી પડે તો આપોઆપ આપણી અંદર લીલોતરી ઊભરાવા લાગે. વરસોથી સૂકાઈને તરડાઈ ગયેલાં સંવેદનાનાં સરોવરો આપોઆપ છલકાવાં લાગે. પ્રત્યેક શ્વાસ મધમધવા લાગે.

કવિ તો વળી હેમ જેવું મધમધવાની અને સૌરભ જેમ ઝગમગવાની વાત કરે છે. આમ તો હેમ જેમ ઝગમગવાનું હોય અને સૌરભ જેમ મધમધવાનું હોય, પણ કવિ કોને કહ્યા ! એ સામાન્ય વ્યકિતથી હંમેશાં અલગ વિચારે છે. કવિ પ્રિયપાત્રને કહે છે કે જો તું મને સ્પર્શ તો એ રીતે સ્પર્શ કે હું હેમ જેમ મઘમઘું અને સૌરભ જેમ ઝગમગું. અન્ય સ્પર્શની જરૃર નથી.આપણે ત્યાં સ્પર્શનો અર્થ સીધો બિભત્સતા સાથે જ જોડી દેવાય છે. એક પિતા પણ પુત્રને સ્પર્શતો હોય છે. મા પોતાની દીકરીને સ્પર્શતી હોય છે. આમાં ક્યાંય ઉછાંછળાપણું નથી હોતું. આ સ્પર્શમાં પણ ઝળહળવું અને મધમધવું હોય છે. કોઇ એવા અંતરથી સ્પર્શે કે આપોઆપ ભીતર ઝગમગી ઉઠે. ઇન્ટરનેટના આ યુગમાં અંતરનેટની બારી ખૂલી જાય એવો સ્પર્શ દુર્લભ છે. આપણે ચેટિંગ વિશ્વમાં જીવીએ છીએ. ચેટિંગની ખૂબ નજીકનો શબ્દ છે ચીટિંગ. ચેટિંગથી ચીટિંગમાં જતા વાર નથી લાગતી. ઇનબોક્ષમાં થતા મેસેજિસથી આપણે સ્પર્શને અનુભવીએ છીએ. જો કે આ સ્પર્શમાં પણ શુદ્ધતા હોય તો આપોઆપ હેમ જેમ મધમધી શકાય અને સૌરભ જેમ ઝગમગી શકાય. છેવટે તો વાત અંતરાત્માના સ્પર્શની છે !

અંતરાત્માને ક્યારે સ્પર્શી શકાય ? જયારે કોઈ આપણામાં વસતું હોય. દરેક વ્યકિતની અંદર કોઈ ગમતો ચહેરો વસતો હોય છે. પણ ક્યારેય એવું થાય છે કે જે નામ ભીતર વસતું હોય છે, તેનાથી આપણે અજાણ હોઈએ છીએ. કવિ એવી જ દ્વિધા અનુભવે છે. તે કહે છે કે કોઈ મારી અંદર રાત દિવસ વસે છે, મને શ્વસે છે. એ મને નિરખે પણ છે, છતાં હું તેના પ્રત્યક્ષ દર્શન કરી નથી શકતો. કવિ અહીં ઇશ્કે હકીકી અને ઇશ્કે મિજાજી બંને છેડાને સ્પર્શે છે. જે ભીતર છે એને તો ક્યાંથી ભળાય ? એને તો અનુભવાય. માધવ રામાનુજે એક ગીતામાં કહ્યું છે, 'મીંચેલી આંખેય ભાળું, પણ મીંચેલી આંખે ત્યારે જોઈ શકાય જ્યારે અંદર અજવાળું હોય.' એટલે જ માધવ રામાનુજે અંદરના અજવાળાની વાત કરી.

શાહબુદ્દીન રાઠોડ પોતાના કાર્યક્રમમાં એક જોક્સ કહેતા હોય છે કે 'મને કોઈકે પૂછ્યું કે તમે કોઈ સાંકડી ગલીમાંથી નીકળો અને સામે ગાંડો હાથી મળે તો તમે શું કરો ? તો મેં કહ્યું કે આમાં મારે ક્યાં કંઈ કરવાનું છે જે કરવાનું છે એ તો હાથીએ કરવાનું છે.' પુરુરાજ જોષી કહે છે કે ગલી સાંકડી છે અને પોતે મદોન્મત હાથી સામે ઉભા છે. આપણે ત્યાં હાથિણી કોઈ વ્યકિત પર કળશ ઢોળે તેવી પૌરાણિક કથા છે. હાથિણી માથે કળશ ઢોળે તો રાજપાટ મળી શકે, રાજકુમારી મળી શકે. સુખ- સાહ્યબી મળી શકે. કવિ પાસે જ રસ્તા છે, કાં પગ નીચે હાથિણી ચગદી નાખે કાં માથે કળશ ઢોળે. જિંદગીના ઘણા મુકામોમાં આપણી સામે બે જ રસ્તા હોય છે. અને તેમાંથી આપણે પસંદ કરવાના હોય છે. બે રસ્તાને બખૂબી સૂચિત કરતી લોગઆઉટ કરીએ.

લોગઆઉટ
તાર કાં તો માર રસ્તા બે જ છે,
જીત કાં તો હાર રસ્તા બે જ છે.
શ્હેર સપનાં છીનવે એ પૂર્વે તું,
ભાગ બારોબાર રસ્તા બે જ છે.
જીવવું જો હોય તો એ જોઈશે,
પેન કાં તલવાર, રસ્તા બે જ છે.
આમ ઉભો ના રહે રણક્ષેત્રમાં,
મર નહીંતર માર રસ્તા બે જ છે.
આગ પાણી બેઉ છે 'ઇશુ હાથમાં,'
બાળ કાં તો ઠાર રસ્તા બે જ છે.
- ઇશિતા દવે

Post Comments