Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

૨૦૧૯ માટે યુનેસ્કોએ નક્કી કરેલી ૧૯ વર્લ્ડ હેરિટેજ સાઈટ

બહેરિનમાં ૪થી જુલાઈએ સમાપ્ત થયેલી 'વર્લ્ડ હેરિટેજ સમિતિ'ની બેઠકમાં ૧૯ નવી સાઈટ પસંદ કરવામાં આવી છે. 'યુનેસ્કો'એ બરાબર ૪૦ વર્ષ પહેલા ૧૯૭૮માં હેરિટેજ સાઈટ જાહેર કરવાની શરૃઆત કરી હતી. આ વખતની બેઠકમાં મુંબઈનાં વિક્ટોરિયન યુગના બાંધકામો સહિત જગતભરમાં ફેલાયેલી ધરોહરને 'યુનેસ્કો'એ હેરિટેજ સ્ટેટસ આપવાનું નક્કી કર્યું છે. અત્યારે આ બધી સાઈટ્સને પ્રાથમિક ધોરણે હેરિટેજ તરીકે ઓળખ મળી છે. ૬ મહિના સુધી ચકાસણી કર્યા પછી ૨૦૧૯માં વિશ્વ વિરાસત તરીકેની કાયમી ઓળખ અપાવી દેશે. સંસ્કૃતિ, ઈતિહાસ, પ્રકૃત્તિ, કળા.. વગેરે સમજવા માટે હેરિટેજ સાઈટ્સ અત્યંત ઉપયોગી સાધન છે. એના વગર ગઈ કાલની દુનિયામાં ડોકિયું કરવાનું કામ અઘરું થઈ પડે. ભૂતકાળમાં લઈ જતી અને ભવિષ્ય માટે સંવર્ધિત થયેલી આ સાઈટ્સ કઈ કઈ છે?

અલ-હસા શહેર, રણમાં જળ

સાઉદી અરેબિયાનો ૯૦ ટકા વિસ્તાર રણ છે. એ રણમાં જો પાણી મળે તો એ અજાયબી બની રહે છે. આવી જ અજાયબી અલ-હસા શહેર છે. પૂર્વી અરેબિયામાં આવેલા આ સ્થળમાં મનોહર બગીચા છે, તળાવ છે, કેનાલ છે, ઝરણા છે અને પ્રાકૃતિક રેતીની દીવાલ પણ છે. ઐતિહાસિક બાંધકામો ય છે.
અરબની ખાડીથી ૬૦ કિલોમીટરના અંતરે આવેલા આ વિસ્તારમાં પાષાણયુગથી લઈને મધ્યયુગ સુધીના માણસની હયાતિના પુરાવા મળે છે. શહેરમાં નવીનીકરણ કરીને પાણી બચાવવાની આધુનિક સિસ્ટમ પણ સર્જવામાં આવી છે. રણમાં પાણી ધરાવતો હોય એવો આ વિશ્વનો સૌથી મોટો વિસ્તાર છે. આ વિસ્તારમાં ૨૫ લાખ જેટલા તાડના વૃક્ષો છે, જે આખા વિસ્તારને કુદરતી સુંદરતા આપે છે.
અલ-હસા ભૌગોલિક લેન્ડસ્કેપની દૃષ્ટિએ પણ અજોડ પ્રદેશ છે. છેલ્લાં ૧૫ વર્ષથી દર વર્ષે આ સાઈટનો સમાવેશ કરવાની ચર્ચા સમિતિ દ્વારા થતી હતી, આખરે તેના ઐતિહાસિક, ભૌગોલિક મહત્વને ધ્યાનમાં રાખીને તેનો સમાવેશ વર્લ્ડ હેરિટેજ સાઈટ્સમાં કરાયો છે.

 ૬૦ દેશો કરતાં  મોટું વન

કેનેડામાં આવેલું પિમાસિઓવિન આકી નામનું જંગલ ઉત્તર ગોળાર્ધની વનસ્પતી અને જંગલમાં રહેતા આદિવાસીઓ માટે જાણીતું છે. અહીં કેટલીક એવી પ્રજાતિઓ રહે છે, જે કેનેડાના મૂળ વતની છે. સાથે સાથે અહીંની વન-સંપદા પણ બહુ સમુદ્ધ છે. આ જંગલ વિસ્તાર ૩૦ હજાર ચોરસ કિલોમીટરમાં ફેલાયેલુ છે, એટલે કે દુનિયાના લગભગ ૬૦ દેશોનો વિસ્તાર તેનાથી ઓછો છે. આ જંગલને હેરિટેજમાં સ્થાન મળે એટલા માટે તેના સંચાલકો ૧૭ વર્ષથી મહેનત કરતા હતા. કેનેડાના માનિટોબા અને ઓન્ટારિયો રાજ્યમાં આ જંગલ ફેલાયેલું છે, જ્યારે તેની દક્ષિણે અમેરિકાની સરહદ આવે છે. અહીં જોવા મળતી માછલી, પક્ષી, પશુ, જીવ-જંતુ, વૃક્ષોનું વૈવિધ્ય વગેરેની સાચવણી માટે કેનેડા સરકારે ૧.૩ અબજ ડૉલરનું બજેટ પણ ફાળવ્યું છે.

મદિના અઝહારા:૧૦મી સદીમાં 'ઝળહળતું' શહેર

મદિના અઝહારા અથવા તો મદિના અઝ-ઝહારા નામના આ શહેરના નામનો અર્થ થાય છે ઝળહળતું શહેર. હવે તો શહેરનો ઝગમગાટ શમી ગયો છે, પરંતુ ૧૦મી સદીમાં તેના નામ પ્રમાણે ગુણ હતા. સ્પેનના અન્દાલુસિયા નજીક આવેલા આ શહેરની એક સમયે ખિલાફતના શહેર તરીકેની નામના હતી. ખલિફના નેતૃત્વમાં અહીં મોટો ધાર્મિક સમુદાય રહેતો હતો. શહેર ૧૦મી સદીના મધ્યકાળે બંધાયું હતું.
ઈતિહાસકારોના મતે ૧૦મી સદી પૂરી થાય તે પહેલાં જ ૯૬૧માં શહેરમાં ગૃહયુદ્ધ ફાટી નીકળ્યું હતું. ગૃહયુદ્ધમાં શહેરને ભારે નુકસાન પહોંચ્યું હતું. ૧૦૦૯-૧૦ પછી શહેર સદંતર ભૂલાઈ ચૂક્યું હતું. ઈતિહાસમાંથી જાણે ગુમ થયેલું આ શહેર ૨૦મી સદીમાં ફરીથી મળી આવ્યું હતું. ખોદકામ દરમિયાન તેનો ૧૦ ટકા જેટલો હિસ્સો ફરીથી રીસ્ટોર કરવામાં સફળતા મળી હતી.

કાલ્હટ શહેર:૧૧મી સદીમાં ધમધમતું બંદર

ઓમાનના કાલ્હટ શહેરનો ૧૧મીથી ૧૫મી સદીમાં જમાનો હતો. અરબના પૂર્વકાંઠે આ બંદર ધમધમતું હતું ત્યારે શહેર ઘણું વિકસ્યું હતું. ૧૧મી સદીમાં સોળે કળાએ ખીલેલા આ શહેરની રોનક ૧૫મી સદી પછી ઝાંખી થતી થતી અસ્તાચળે પહોંચી હતી.

ઈબ્ન બત્તુતા નામના મોરોક્કોના ૧૪મી સદીના જાણીતા ટ્રાવેલરે આ શહેર વિશે નોંધ કરી હતી:'સુંદર બજાર અને ઉત્તમ મસ્જિદો ધરાવતું આ શહેર અસ્મરણીય છે'. જે મસ્જિદની વાત છે એ મસ્જિદો કાલ્હટમાં મરિયમ બીબીએ બનાવી હોવાનું કહેવાય છે. મરિયમ બીબી કાલ્હટના રાજા અયાઝની પત્ની હતી અને પતિના મૃત્યુ પછી શહેરનું સુકાન તેણે સંભાળ્યું હતું. ૧૯૮૮માં આ શહેરને વર્લ્ડ હેરિટેજે કામચલાઉની યાદીમાં મૂક્યું હતું. આખરે આ વર્ષે આખા આ પ્રાચીન શહેરને વર્લ્ડ હેરિટેજ સાઈટનો કાયમી દરજ્જો અપાયો હતો.

૪૨૦૦ વર્ષ જૂનું શિકાર મેદાન

ડેન્માર્કના પશ્વિમ ગ્રીનલેન્ડના આર્કટિક સર્કલમાં આવેલા આસિવિસુટ ગ્રાઉન્ડમાં સમૃદ્રના સજીવોનો શિકાર પણ થઈ શકતો હતો અને વળી ભૂમિ ઉપર વિચરતા સજીવોનો પણ શિકાર શક્ય હતો. બર્ફિલા પ્રદેશોમાં રહેતા માનવી પાસે શિકાર સિવાય ખોરાકના અન્ય વિકલ્પો ખૂબ મર્યાદિત હતા, તેથી ડેન્માર્કના આ બર્ફિલા પ્રદેશમાં શિકારની પરંપરા રહી હતી.

ગ્રાઉન્ડની રચના એવી છે કે તેમાં સમૃદ્રનું પાણી પણ આવતું રહે છે અને કોરી જમીન પણ છે. ગ્રાઉન્ડની ઉપરનો હિસ્સો શિકાર માટે એ વખતે સલામત હશે એટલે ધીમે ધીમે એને હન્ટિંગ ગ્રાઉન્ડનું નામ મળ્યું હતું.

ફેન્જીન્ગશનઃચકમકની પર્વતમાળા

ચીનની આ પર્વતમાળા ૨૦ લાખથી લઈને સાડા છ કરોડ વર્ષ જુની છે. એટલે કે પૃથ્વી પર ડાઈનાસોર નષ્ટ થયા જુરાસિક યુગ ખતમ થયો ત્યારના એ અડિખમ ઉભા છે. આઠ-નવ હજાર ફીટની ઊંચાઈએ આવેલી પહાડી પર આસાનીથી પહોંચી શકાય એમ નથી માટે તેની પ્રાકૃત્તિક સંપદા કુદરતી રીતે જ સચવાઈ રહી છે. દૂરથી અમેરિકાની વેલી ઓફ મોન્યુમેન્ટ જેવો દેખાવ ધરાવતી આ પર્વતમાળામાં ચીનના અનેક પ્રજાતીના આદિવાસી પણ રહે છે. આ પર્વતમાળાની બીજી વિશિષ્ટતા તેની રચના છે, કેમ કે એ આપણે જેને દેશી ભાષામાં ચકમક કહીએ એવા ચમકીલા અને કલર વૈવિધ્ય ધરાવતા પથ્થરોની બનેલી છે. અહીંના ગાઢ જંગલ, જળાશય, ધોધ વગેરે પ્રવાસીઓને આકર્ષે છે. ભાગ્યેજ જોવા મળતાં કસ્તુરી મૃગનો પણ અહીં વાસ છે.

હજાર વર્ષ જૂનું આસ્થાનું કેન્દ્ર

જર્મનીના નૌમ્બર્ગ ચર્ચનો ઈતિહાસ એક હજાર વર્ષ જૂનો છે. ૧૦૨૮માં ચર્ચનું બાંધકામ શરૃ થયું હતું અને ૧૬ વર્ષ પછી ૧૦૪૪માં બાંધકામ પૂરું થયું હતું. મધ્યયુગના બાંધકામનો બેનમૂન નમૂનો ગણાતું આ ચર્ચ અનેક પરિવર્તનો અને ધાર્મિક નવીનીકરણનું સાક્ષી બન્યું છે. રોમેનિસક્યુ પછી નૌમ્બર્ગ ચર્ચ સૌથી લોકપ્રિય થયેલું પ્રાચીન બાંધકામ છે. તેની વિશિષ્ટ બનાવટના કારણે વિદેશી ટૂરિસ્ટને આકર્ષતા આ ચર્ચનું ૧૭મી સદીમાં નવીનીકરણ થયું હતું. ચર્ચની બહાર ટાવર ઉમેરીને તેને વધુ સુંદરતા આપવામાં આવી હતી. બહારથી ચર્ચ જેટલું કળાત્મક દેખાય છે એટલું જ અંદર પણ છે. અંદર વિશેષ કૌશલ્યથી બનાવાયેલી મૂર્તિઓ મૂર્તિશાસ્ત્રના અભ્યાસુઓને વિશેષ આકર્ષે તેવી છે.

પૂર્વ પર પશ્ચિમનો પ્રભાવ

ક્યુશુ ટાપુમાં આવેલી આ સાઈટ ખ્રિસ્તી મિશનરીઓના જાપાન પ્રવેશનો શરૃઆતી દસ્તાવેજ ગણાય છે. નાગાસાકી અને કુમામોટોમાં આવેલી લગભગ ૧૨ સાઈટ ૧૫મી-૧૬મી સદીની હોવાનું મનાય છે. એ વખતના ૧૦ નાના-મોટા ગામડાંમાં પશ્ચિમના ખ્રિસ્તી ધર્મપ્રચારકોએ આ ૧૨ સાઈટ સ્થાપી હતી. 'હિડન ક્રિસ્ટિયન સાઈટ' તરીકે ઓળખાતી આ તમામ સાઈટ્સની વિશેષતા એ હતી કે તે સ્થાનિક શાસનના મનાઈ હુકમ છતાં ગુપ્ત રીતે સેવાકીય અને ધાર્મિક પ્રવૃતિ કરતી હતી.  તેનું બાંધકામ પરંપરાગત બાંધકામો કરતા થોડું અલગ હોવાના કારણે ય તે જુદી ભાત પાડે છે.

 વિક્ટોરિયાના કાંઠે વૈભવ

કેન્યાના વિક્ટોરિયા સરોવર પાસે પથ્થરના બનેલા ૫૨૧ બાંધકામ મળી આવ્યા છે. સાડા પાંચ સદી જુના આ બાંધકામ કેન્યાના વનવાસીઓની જીવનશૈલીનો પરિચય આપે છે. પથ્થર ગોઠવીને બનેલી દીવાલ ૩ ફીટથી ૧૦ ફીટ સુધી જાડી છે, ૪ ફીટથી ૧૫ ફીટ સુધી ઊંચી છે. અહીંના રહેવાસીઓ અને તેમનું પશુધન આ દીવાલની અંદર આશરો લેતા હશે. ૨૦મી સદીની શરૃઆત સુધી અહીં લોકો રહેતા હતા, પરંતુ એ પછી વિસ્તાર ખાલી થઈ ચૂક્યો છે. જંગલમાં કઈ રીતે પ્રકૃત્તિને નુકસાન કર્યા વગર રહી શકાય તેનું આ બાંધકામ ઉદાહરણ છે. એકદમ સુક્કા પથ્થરનું બાંધકામ કેવુ હોઈ શકે તેનું પણ આ સ્થળ ઉત્તમ ઉદાહરણ છે.


વર્લ્ડ હેરિટેજ સાઈટ્સ એટલે શું?

લુપ્ત થઈ રહેલી સાંસ્કૃતિક, કુદરતી વિરાસતોની જાળવણી થાય તે હેતુથી યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (યુનેસ્કો) દ્વારા વૈશ્વિક ધરોહરોની યાદી જાહેર કરવાની પરંપરા ૧૯૭૮થી શરૃ થઈ હતી. પ્રથમ યાદી જાહેર થઈ તેને આ વર્ષે ૪૦ વર્ષ પૂરા થયા. બહેરાનના મનામામાં મળેલી ૪૨મી બેઠકમાં ૧૯ સાઈટ્સને વૈશ્વિક વિરાસતની યાદીમાં સમાવાઈ હતી. વિશ્વની લુપ્ત થતી ધરોહરોની જાળવણી થાય, તે અંગે લોકોમાં, સરકારોમાં જાગૃતિ આવે તે હેતુથી યુનેસ્કો દર વર્ષે વિરાસતોના નામ જાહેર કરે છે.

વિરાસતના નકશામાં ગુજરાત
ક્યાં છે?

ગુજરાતની ત્રણ સાઈટ્સનો વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થયો છે. સૌથી પહેલું સ્થાન ૨૦૦૪માં ચાંપાનેરને મળ્યું હતું. તે પછી ૨૦૧૪માં પાટણની રાણીની વાવને યાદીમાં સામેલ કરાઈ હતી. ૨૦૧૭માં અમદાવાદને ઐતિહાસિક શહેરનો દરજ્જો મળ્યો હતો. ભારતનું આખું શહેર વર્લ્ડ હેરિટેજ જાહેર થયું હોય એવું અમદાવાદ પ્રથમ અને એકમાત્ર શહેર છે. એ સિવાયની ગુજરાતની ત્રણ સાઈટ્સ કામચલાઉ હેરિટેજની યાદીમાં પણ સામેલ છે. જેમાં કચ્છનું જંગલી ગધેડાનું અભ્યારણ્ય, લોથલના પ્રાચીન અવશેષો અને ધોળાવીરાના હડપ્પન સંસ્કૃતિના અવશેષોનો સમાવેશ થાય છે.

૭મી સદીમાં બનેલા સાત મંદિરોનો સમૂહ

બૌદ્ધ સ્થાપત્યો ઘણી બધી રીતે લાક્ષણિક હોય છે. દક્ષિણ કોરિયામાં આવેલું આવું જ બાંધકામ સાન્સા બૌદ્ધ મઠ છે. સંયુક્ત કોરિયાના શાસકોએ તબક્કાવાર આ મંદિરો બંધાવ્યા હતા અને જરૃર પડયે તેમાં નવીનીકરણ પણ કર્યું હતું. સાન્સા બૌદ્ધ મઠ તરીકે ઓળખાતા આ સાત મંદિરોનું બાંધકામ ૭મીથી ૯મી સદી દરમિયાન થયું હતું. પછી ધ્યાન મંડપ, સભાગૃહ, છાત્રાલય વગેરેનું બાંધકામ ૧૩મીથી ૧૫મી સદી દરમિયાન થયું હતું.
તે વખતે પ્રાર્થના, ધ્યાન કરવા માટે બંધાયેલા આ મંદિરોની ખાસિયત એ પણ છે કે બંધાયા ત્યારથી લઈને સદીઓ સુધી તે ધ્યાન-પ્રાર્થનાનું કેન્દ્રબિંદુ રહ્યું હતું. કોરિયન રાજાઓની આસ્થા આ મંદિરો સાથે જોડાયેલી રહી હોવાથી તેની જાળવણી પણ સારી રીતે થઈ હતી. છેલ્લે ૧૮૨૩માં મંદિરોમાં જરૃરી સમારકામ થયું હતું.

ભૂસ્તરશાસ્ત્રનું પુરાતન પ્રકરણ

દક્ષિણ આફ્રિકાના ઉત્તર-પૂર્વ છેડે આવેલી આ પર્વતમાળા પૃથ્વી પરની સૌથી જૂની ભૂસ્તરિય રચના (જિઓલોજિકલ સ્ટ્રક્ચર)માં સ્થાન પામે છે. પૃથ્વી જ્યારે આજની માફક વિવિધ ખંડમાં વહેંચાયેલી ન હતી, એક જ ખંડ હતો એ વખતના અવશેષો આ પર્વતમાળામાં સચવાયેલા છે. એ અવશેષોની ઉંમર ૩.૬ અબજ વર્ષ જેટલી છે. આ ટેકરીનો સમુહ ૧૨૦ કિલોમીટર લાંબા અને ૬૦ કિલોમીટર પહોળા પટ્ટામાં ફેલાયેલો છે. તેની ઊંચાઈ ૨ હજારથી ૬ હજાર ફીટ સુધીની જ છે. સવા ૩ અબજ વર્ષ પહેલા પૃથ્વી પર અત્યાર સુધીમાં ત્રાટકેલો લઘુગ્રહ અહીં જ અથડાયો હતો, જે હવે પેટાળમાં છે. ઉપરાંત અહીંની ધરતીમાં સોનાનો ભંડાર પણ મળી આવ્યો છે.

૪૮ જ્વાળામુખીની હારમાળા

ફ્રાન્સમાં એક પછી એક ૪૮ ડુંગરની હારમાળા છે અને ૪૦ કિલોમીટર લાંબા પટ્ટામાં ફેલાયેલી છે. એ બધા ડુંગરની વિશિષ્ટતા તેની રચના છે. બધા ડુંગર હકીકતે જ્વાળામુખીના અવશેષ છે. જ્વાળામુખીના બંધ પડેલા મુખ છે અને લાવાનો કરોડો વર્ષથી થીજેલો ઢગલો છે. એકાદ લાખ વર્ષ પહેલા બધા જ્વાળામુખીની રચના થઈ હતી અને છેલ્લે છ હજાર વર્ષ પહેલા સુધી એ સક્રિય રહ્યા હતા. દીવાળી વખતે એક પછી એક ફટાકડાની લાઈન કરી હોય એમ અહીં જ્વાળામુખી લાઈનબંધ રીતે સક્રિય થતાં હતા. આલ્પસ પર્વતમાળાની રચના અને યુરોપ આખો ખંડ જેના પર ટકેલો છે એ પૃથ્વીનું પડ બન્નેનો ઈતિહાસ, ભુગોળ, ભુસ્તરશાસ્ત્ર સમજવા માટે આ હારમાળા બહુ ઉપયોગી છે.

સિરિબિકાતે નેશનલ પાર્ક  : કુદરતે બનાવેલા ટેબલ

દૂર સુધી અતી ગાઢ વર્ષા જંગલો ફેલાયેલા છે, પરંતુ એમની વચ્ચે યોદ્ધા ઉભા કરી દીધા હોય એમ ખડકો ઉભા છે. દક્ષિણ અમેરિકા ખંડના દેશ કોલંબિયામાં આવેલા સિરિબિકાતે નેશનલ પાર્કમાં આવેલી ટેલબ આકારની ટેકરીઓ દૂરથી જ અલગ પડી આવે છે. કુદરતે બનાવેલા ટેબલ પાસપાસે ગોઠવ્યા હોય એવો આ ખડકોનો દેખાવ આવે છે. આ પથ્થર રચનાની ગણતરી જગતના સૌથી જૂના ખડકોમાં થાય છેે. આ જંગલ એટલું બધુ ગાઢ છે કે કોલંબિયાની સરકાર હજુ સુધી તેના માત્ર થોડાક હિસ્સાનો જ સર્વે કરી શકી છે. કેમ કે જંગલની અંદર પહોંચવુ અત્યંત મુશ્કેલ છે. અહીં હજારો-લાખો વર્ષ પહેલા આદિમાનવ પણ રહેતા હતા, તેના પૂરાવા કેટલીક ગુફાઓમાંથી મળી આવ્યા છે. ગુફાઓમાં એ જમાનાના ભીંત ચીત્રો દોરાયેલા છે. આ આખો જંગલ વિસ્તાર ૪૩ હજાર ચોરસ કિલોમીટર (આખા કચ્છ જિલ્લા જેટલા) વિસ્તારમાં ફેલાયેલું છે.

'૨૦મી સદીના ઔદ્યોગિક શહેર'નો ૨૦૦૦ વર્ષ જૂનો ઈતિહાસ

ઈટાલીનું ઈવરિઆ શહેર આમ તો ૨૦૦૦ વર્ષ જૂનું હોવાના દસ્તાવેજો મળે છે. રોમન સામ્રાજ્ય વખતે આજે જ્યાં ઈવરીઆ શહેર છે તેની આસપાસના વિસ્તારનો વિકાસ થયો હતો. લગભગ પહેલી સદીમાં ઈવરીઆ નાનકડું શહેર બની ચૂક્યું હતું. ક્રમશ: વિકસતું વિકસતું ૧૨મીથી ૧૫મી સદી દરમિયાન શહેર ઈટાલીની રાજકીય સ્થિતિ વખતે પણ ફ્રી કોમ્યુન રહીને મહત્વનું સાબિત થવા લાગ્યું હતું. સ્વતંત્ર રહીને મહત્વનો ભાગ ભજવતા આવેલા આ શહેરને ૧૯૩૦થી ૧૯૬૦ દરમિયાન નવા શણગાર મળ્યા હતા. ૨૦મી સદીમાં શહેર ઔદ્યોગિક હબ બનવા માંડયું હતું. શહેરમાં અસંખ્ય નવા બાંધકામોની સાથે સાથે ૧૩મી સદીથી લઈને ૧૭મી સદી સુધીમાં થયેલા ઐતિહાસિક બાંધકામો પણ સાચવી રખાયા છે. પછી તો ઈવરીઆને '૨૦મી સદીનું ઔદ્યોગિક શહેર' એવું સત્તાવાર નામ પણ મળ્યું હતું.

મોહમયી નગરી

મુંબઈ હાઈકોર્ટ, ૨૮૦ ફીટ ઊંચો રાજાબાઈ ટાવર, ઈરોસ સિનેમા, ઓવલ મેદાન, યુનિવર્સિટી ઓફ મુંબઈ.. વગેરે બાંધકામોનો સમુહ બ્રિટિશયુગની યાદ અપાવે છે. એટલે કે તેનું બાંધકામ ગોથિક અને આર્ટ ડેકો નામે ઓળખાતા આર્કિટેક્ચર સ્ટાઈલમાં થઈ છે. આ પ્રકારના બાંધકામ ભારતમાં ૧૯મી સદીમાં ઘણા સ્થળોએ બંધાયા હતા. મુંબઈમાં ફોર્ટ વિસ્તારમાં આ બધા બાંધકામનો સમુહ છે. ગયા વર્ષે અમદાવાદને હેરિટેજ સ્ટેટ મળ્યા પછી મોહમયી નગરી મુંબઈના આ બાંધકામ સમુહને આ વખતે ધરોહર તરીકે માન્યતા આપવામાં આવી છે. અત્યારે સતત આધુનિક બાંધકામની મદદથી વિકસતા જતા મુંબઈ શહેરની ઐતિહાસિક ઓળખ આવા મકાનોને કારણે જળવાી રહી છે. મુંબઈ પાસે પહેલેથી બે હેરિટેજ સાઈટ છે જ, એક છત્રપતિ શિવાજી ટર્મિનસ અને બીજી એલિફન્ટાની ગુફાઓ.

વાઈકિંગ યુગની દીવાલ

૮મીથી ૧૧મી સદી દરમિયાન યુરોપના ઈતિહાસમાં જાણીતા થયેલા 'વાઈકિંગ એજ'ના આ બંને પ્રાચીન અવશેષો ઐતિહાસિક રીતે અતિશય મહત્વના છે. જર્મનીના સ્લેસ્વિંગ હોલ્સ્ટેઈન નામના વિસ્તારમાં આવેલા આ સ્થળો ૧૨૦૦ વર્ષ પહેલાં વેપારના ઉપયોગમાં આવતા હતા. હેડેબી વેપારી મથક હતું. આજે જેમ માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા છે એવી વ્યવસ્થા હેડેબીમાં થઈ હતી.

હેડેબીની નજીકમાં બંને રાજ્યની સરહદ પડતી હતી. એ સરહદ અલગ પડે તે માટે લગભગ ૧૦ ફૂટ ઊંચી એક દીવાલ બનાવવામાં આવી હતી. પછી તે દિવાલ ડેનેવિર્ક નામથી જાણીતી થઈ હતી. છેલ્લે ૧૮૬૪માં લશ્કરી ઉપયોગ થયો તે પછી તેનો વપરાશ થતો નથી. ધીમે ધીમે તેનો ઘણો ભાગ ધૂળમાં મળી રહ્યો છે, પણ હજુ ય છૂટોછવાયો દીવાલનો ભાગ સચવાયેલો છે. તે સચવાયેલો રહે તેની કવાયત બે દશકાથી વધુ ગંભીરતાથી થઈ રહી છે. તેના જ ભાગરૃપે વર્લ્ડ હેરિટેજે તેનો સમાવેશ વૈશ્વિક વિરાસતમાં કર્યો છે.

ફારસના ઐતિહાસિક અવશેષો

ઈરાનના ફારસ વિસ્તારના ત્રણ સ્થળો ફિરુઝાબાદ, બિશાપુર અને સાર્વિસ્તાનમાં કુલ આઠ ઐતિહાસિક અવશેષો આવેલા છે. ત્રીજીથી સાતમી સદી દરમિયાન સાસાનિયન સામ્રાજ્યના પરાક્રમી રાજાઓએ આ સ્થળોએ ઈમારતો બંધાવી હતી. આ સ્થળો એક સમયે સામાજિક, સાંસ્કૃતિક, રાજકીય અને કળાના કેન્દ્રોબિંદુ હતા એવું છૂટાછવાયા દસ્તાવેજો પરથી સામે આવ્યું હતું. જોકે, આ સ્થળો વિશે નક્કર કહી શકાય એવી કોઈ માહિતી ઈતિહાસમાંથી બહુ મળતી નથી. તે સમયે શક્તિશાળી ગણાતા સાસાનિયન સામ્રાજ્યના એ અંતિમ અવશેષો છે. સાસાનિયન સામ્રાજ્યનો સૂર્ય જ્યારે મધ્યાહને તપતો હતો ત્યારે આ સ્થળે ભવ્ય ઈમારતો બંધાઈ હતી. એ કેટલી ભવ્ય હશે તે વાતની સાક્ષી આજે ૧૮૦૦ વર્ષ પછી ય હયાત અવશેષો આપે છે.

ટેહુકાન-સિકાટલાન વેલી, થોરનું જંગલ

મધ્ય અમેરિકા ખંડમાં આવેલા દેશ મેક્સિકોના થોર આખી દુનિયામાં પ્રખ્યાત છે અને કેકટસ નામે જાણીતા છે. ટેહુકાન-સિકાટલાન વેલી એટલે કે ડુગંરથી ઘેરાયેલા મેદાની પ્રદેશમાં આ થોરનું વન આવેલું છે, જ્યાં જાત-જાતના થોર જોવા મળે છે. એમાં પણ અહીં જોવા મળતા કોલમનર કેકટી નામના થોર તો ૪૦ ફીટ સુધીની ઊંચાઈએ પહોંચે છે. એટલે કોઈને થોર ઉગ્યો હોવાને બદલે કાંટાળું ઝાડ ઉગ્યું હોય એવુ લાગે. દુનિયામાં બીજે ક્યાંય જોવા ન મળતાં દુર્લભ થોર માત્ર અહીં જ થાય છે. અહીં જળાશયો આવેલા છે અને તેેમાં પણ પ્રાણીઓના વૈવિધ્યનો પાર નથી.

૪૦ વર્લ્ડ હેરિટેજ સાઈટ્સની પ્રથમ યાદી જાહેર થઈ તેને આ વર્ષે ૪૦ વર્ષ પૂરા થયા. ૧૯૭૮માં પ્રથમ વખત વૈશ્વિક વિરાસતોની યાદી જાહેર થઈ હતી.

૪૨ વર્લ્ડ હેરિટેજ કમિટીની અત્યાર સુધીમાં કુલ ૪૨ બેઠકો મળી છે. ૧૯૭૮માં કમિટીએ પ્રથમ વખત હેરિટેજ સાઈટ્સની જાહેરાત કરી તે અગાઉ ૧૯૭૨ અને ૧૯૭૫માં બે બેઠકો મળી ચૂકી હતી.

૧૦૯૨ વર્લ્ડ હેરિટેજ સમિતિએ કુલ ૧૦૯૨ સાંસ્કૃતિક, કુદરતી અને મિક્ષ સાઈટ્સને વૈશ્વિક વિરાસતોમાં સ્થાન આપ્યું છે.

૮૪૫ વિશ્વની ૮૪૫ સાઈટ્સ સાંસ્કૃતિક વિરાસત જાહેર થઈ છે.

૨૦૯ દુનિયાની ૨૦૯ સાઈટ્સ કુદરતી વિરાસત જાહેર કરવામાં આવી છે.

૩૮ વર્લ્ડ હેરિટેજ કમિટીએ ૩૮ સાઈટ્સને મિક્ષ એટલે કે સાંસ્કૃતિક-કુદરતી એમ બંને રીતે હેરિટેજ ગણાવી છે.

૧૬૭ અત્યાર સુધીમાં વિશ્વના ૧૬૭ દેશોની વિરાસતો વૈશ્વિક ધરોહર બની છે. જેમાં ૫૪ સાઈટ્સ સાથે ઈટાલી પ્રથમ, ૫૩ સાથે ચીન બીજા, ૪૬ સાથે સ્પેન ત્રીજા, ૪૩ સાથે ફ્રાન્સ ચોથા, ૪૨ સાથે જર્મની પાંચમા અને ૩૭ સાથે ભારત છઠ્ઠા ક્રમે છે.

૩૭ ભારતમાં કુલ ૩૭ સાઈટ્સને વર્લ્ડ હેરિટેજ જાહેર કરાઈ છે. ૧૯૮૩માં ભારતની ચાર સાઈટ્સ - અજન્ટા-ઈલોરાની ગુફાઓ, તાજમહેલ અને આગ્રાના કિલ્લાનો સમાવેશ થયો હતો.

 

Post Comments