Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ટોળાઓનો પોકાર, આરોપીને જીવતો જ સળગાવી નાખો

- રાજકોટમાં વૃદ્ધાની હત્યાના આરોપીએ જ બાળકી પર દૂષ્કર્મ ગુજારી હત્યા કર્યાનો ઘટસ્ફોટ

- આરોપીને સોંપી દેવાની માંગણી સાથે હજારો લોકોના ટોળા પોલીસ મથકની બહાર ઉમટ્યા

રાજકોટ, તા. 14. ફેબ્રુઆરી 2018 બુધવાર

રાજકોટમાં ત્રણ વર્ષની માસુમ બાળકી દિવ્યાનું અપહરણ કરી તેની ઉપર દૂષ્કર્મ ગુજારી તેની ઘાતકી હત્યાના બનાવનો ભેદ ક્રાઈમ બ્રાંચે ઉકેલી લીધો છે.

આ જઘન્ય અને શહેરીજનોમાં ભારે રોષ જગાવનાર કૃત્ય બીજા કોઈએ નહીં પણ અસ્માબેન નામના વ્હોરા વૃદ્ધાની દાગીનાની લૂંટના ઈરાદે ક્રૂર હત્યાના ગુનાના આરોપી કોળી રમેશ બચુભાઈ વેધુકીયા (ઉ.વ. ૨૫)એ જ આચર્યું હતું.

પોલીસ દિવ્યાના ગુનેગારને સીસી ટીવી ફૂટેજના આધારે શોધતી હતી ત્યાં તેનો ચહેરો હાલ પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ પર રહેલા રમેશને મળતો આવતો હોવાનું ખુલતા તેની પોલીસે ધનિષ્ઠ પુછપરછ કરતા તેણે ગુનો કબુલી લેતા પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.

તમામ અધિકારીઓ પોતે જેને શહેરભરમાં અને બીજા રાજ્યોમાં શોધતા હતા તે આરોપી પોલીસ કસ્ટડીમાં જ હોવાની વાત પર વિશ્વાસ જ કરી શકતા ન હતા. પરંતુ આખરે સજ્જડ પુરાવા મળતા પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા.

નરાધમ આરોપી રમેશે ગઈ તા. ૭મીએ અસ્માબેનની દાગીનાની લૂંટના ઈરાદે હત્યા કર્યા બાદ તેના બે દિવસ બાદ એટલે કે તા. ૯ના રોજ દિવ્યાનું પોતાની હવસ સંતોષવા અપહરણ કરી દોઢ-બે કલાકના ગાળામાં જ તેની ઉપર દૂષ્કર્મ ગુજારી તેની ઘાતકી હત્યા કરી નાંખી હતી. આ રીતે ત્રણ દિવસમાં તેણે બે-બે મર્ડર કરી નાખ્યા હતા. છતાં કાંઈ બન્યું ન હોય તે રીતે રીઢા ગુનેગારોને પણ શરમ આવે તે રીતે શહેરમાં રખડતો ભટકતો રહ્યો હતો. અંતે ગઈ તા. ૧૦મીએ તેને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો હતો.

ત્યારબાદ તેને અસ્માબેનની હત્યાના ગુનામાં કુવાડવા પોલીસે ચાર દિવસનાં રિમાન્ડ પર લીધો હતો. જો કે પોલીસે ઘોર બેદરકારી દાખવી હતી અને તેની પાસે રિમાન્ડ હોવા છતાં દિવ્યાની હત્યા અને દૂષ્કર્મની ઘટનાની કબુલાત કરાવી શકી ન હતી જેને કારણે આટલા દિવસ બાદ ભાંડો ફૂટયો હતો.

પરાબજાર નજીકનાં કૃષ્ણપરા શેરી નંબર ૧માં રહેતા અસ્માબેન હાતીમભાઈ સદીકોટ નામના ૭૨ વર્ષના વ્હોરા વૃદ્ધા ગઈ તા. ૭મીએ બપોરે પુત્રીને મળવા જૂની દરજી બજાર ગયા હતા. ત્યાંથી ભગવતીપરામાં એક પાર્ટીને પોતાનું મકાન બતાવવાનું હોવાથી ત્યાં જવા માટે રિક્ષામાં નિકળ્યા બાદ લાપતા બની ગયા હતા. ત્યારબાદ તા. ૯મીએ તેમની સોખડા નજીકથી પત્થરના ઘાથી માથું છુંદી હત્યા કરાયેલી લાશ મળી હતી. શરીર પરથી દાગીના ગાયબ હોવાથી લૂંટના ઈરાદે હત્યા થયાની શંકા પરથી પોલીસે તપાસ શરૃ કરી હતી.

અસ્માબેન છેલ્લે જે રિક્ષામાં ગયા હતા તેનો માલીક પોલીસને મળી ગયો હતો. તેના આધારે તપાસ આગળ ધપાવતા રિક્ષાચાલક રમેશ કોળીએ જ તેમની દાગીના લૂંટવાના ઈરાદે હત્યા કર્યાનું ખુલતા તેને ગઈ તા. ૧૦મીએ ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો હતો. આ પછી તેને કુવાડવા પોલીસના હવાલે કરી દેવાતા તેને આવતીકાલ તા. ૧૪મી સુધીના રિમાન્ડ પર પોલીસે લીધો હતો.

જો કે રિમાન્ડ પર રહેલા આરોપી રમેશે અસ્માબેનની હત્યાના બે દિવસ બાદ માસુમ દિવ્યાનું અપહરણ કરી તેની ઉપર દૂષ્કર્મ ગુજારી તેની પણ પત્થરના ઘા ઝીંકી હત્યા કરી દીધાનો ગુનો કુવાડવા પોલીસ કબુલ કરાવી શકી ન હતી. આવતીકાલે તેના આ ગુનામાં રિમાન્ડ પુરા થતા હોવાથી પોલીસ તેને જેલ હવાલે કરવાની તૈયારીમાં હતી ત્યાં તેનો ભાંડો આજે ફૂટી ગયો હતો.

મૂળ મધ્યપ્રદેશનાં જાંબુવા જીલ્લાના અને છેલ્લા ઘણાં સમયથી રાજકોટમાં મજૂરી કરતા દિનેશ બાદુભાઈ ભાભોર નામના આદિવાસી શ્રમિક હાલ ગીતાંજલી સોસાયટી-૧માં ભાડાના મકાનમાં રહે છે તે અને તેની પત્ની ચુનારાવાડ ચોક પાસે વોંકળા નજીક આરએમસીની નવી વોર્ડ ઓફિસના કન્સ્ટ્રકશનની સાઈટ પર કામ કરતા હતા. બંને ગઈ તા. ૯મીએ શુક્રવારે સવારે ખાડામાં કામ કરતા હતા ત્યારે રોડ ઉપર રેતીના ઢગલા પર રમતી તેમની ત્રણ વર્ષની ફૂલ સરીખી માસુમ પુત્રી દિવ્યાનું અપહરણ થઈ ગયું હતું. જે અંગે તે જ દિવસે થોરાળા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

પરિવારજનો અને પોલીસ શોધખોળ કરતી હતી ત્યાં તા. ૧૧મીએ બપોરે ભાવનગર રોડ પરના પીટીસી ગ્રાઉન્ડમાં સ્થિત આઈટીઆઈની જૂની ખંઢેર જેવી બનલી હોસ્ટેલના રૃમમાંથી દિવ્યાની દૂષ્કર્મ ગુજારી, હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ શરમજનક, ખૌફનાક અને કાળજુ  કંપાવી દે તેવી ઘટનાને કારણે શહેરભરમાં આક્રોશ ફેલાયો હતો. પોલીસની દસથી વધુ ટીમોને ભેદ ઉકેલવા કામે લગાડાઈ હતી.

પોલીસને દિવ્યાને ઉઠાવી જનાર શખ્સના સીસી ટીવી ફૂટેજ પણ મળ્યા હતા પરંતુ તે ક્લિયર ન હોવાથી લાંબી તપાસ અને અનેક શકમંદો, લોકોની પુછપરછ બાદ પોલીસે ત્રણ શકમંદોને અલગ તારવ્યા હતા. જેમની પોલીસ તલાશ કરતી હતી. સીસી ટીવી ફૂટેજમાં દિવ્યાનું અપહરણ કરનાર શખ્સનો ચહેરો ક્લિયર દેખાતો ન હોવાથી તેના ફોટા પોલીસે તૈયાર કરાવ્યા હતા.

ગઈકાલે રાત્રે આ ફોટા પર ધ્યાન પડતા ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ કે.કે. જાડેજા કે જેમણે અગાઉ અસ્માબેનની હત્યાના આરોપી રમેશને પકડયો હતો તેમણે સીસી ટીવી ફૂટેજમાંથી મેળવેલો ફોટો અને રમેશનો ચહેરો એકબીજાને મળતા હોવાથી તેની ગઈકાલે કુવાડવા પોલીસ મથકે ધનિષ્ઠ પુછપરછ કરી હતી. પરંતુ ત્યારે ગુનો કબુલ્યો ન હતો. આજે ફરીથી તેની આકરી પુછપરછ કરતા તેણે દિવ્યાનું અપહરણ કરી તેની ઉપર દૂષ્કર્મ ગુજારી તેની હત્યા કરી નાખ્યાનો ગુનો કબુલી લીધો હતો.

તેણે એવી કબુલાત આપી હતી કે ગઈ તા. ૭મીએ અસ્માબેનને રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી લઈ ગયો હતો. તેમણે પહેરેલા દાગીનાને કારણે તેની દાનત બગડતા તેમને લઈ સોખડા નજીક પહોંચ્યો હતો. જ્યાં તેમને આંખે ઓછું દેખાતુ હોવાથી ભગવતીપરા આવી ગયાનું કહી નીચે ઉતારી, જોરથી ધક્કો માર્યા બાદ ઢસડીને અવાવરૃ સ્થળે લઈ જઈ પત્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા બાદ દાગીના લૂંટી ત્યાંથી જતો રહ્યો હતો.
બીજા દિવસે દારૃ ઢીંચી, મિત્રોને મોજ કરાવી ખાણી-પીણીની મહેફીલ માણી રાત્રે કુબલીયાપરા નજીકનાં હનુમાન મંદિરે સૂઈ ગયો હતો.

બીજા દિવસે તા. ૯મીએ સવારે ચા-પાણી પી ત્યાંથી પગપાળા નિકળ્યો ત્યારે ચુનારાવાડ ચોક પાસે માસુમ દિવ્યાને એકલી રમતી જોઈ તેના વિકૃત મગજમાં વાસનાનો કિડો સળવળી ઉઠતા તેને ઉપાડીને નજીકથી રીક્ષામાં બેસી ગયો હતો. ત્યારબાદ તેને આઈટીઆઈની જૂની હોસ્ટેલના ખંઢેર જેવા રૃમમાં લઈ જઈ બે વખત તેને હવસનો શિકાર બનાવ્યા બાદ પત્થરના ઘા ઝીંકી તેની પણ હત્યા કરી ભાગી ગયો હતો.

આ પછી રખળતો ભટકતો હતો. તે દરમ્યાન તેને તા. ૧૦મીએ ક્રાઈમ બ્રાંચે અસ્માબેનની હત્યા અને લૂંટના ગુનામાં ઝડપી લીધો હતો. તેણે અગાઉ સ્ટોન કિલર પકડાયો હતો તેની જેમ જ બંને હત્યાઓ પત્થરના ઘા ઝીંકી એક જ મોડસ ઓપરેન્ડીથી કરી હાહાકાર મચાવી દીધો હતો.

માસુમ દિવ્યાની દૂષ્કર્મ ગુજારી કરાયેલી ઘાતકી હત્યાની ઘટનાથી શહેરભરમાં જનાક્રોશ ભભૂકી ઉઠયો હતો. વિવિધ સંગઠનો અને રાજકીય પક્ષોએ ગઈકાલે જ પોલીસ કમિશનર અને કલેકટરને આવેદનપત્ર આપી તત્કાળ દિવ્યાના ગુનેગારને ઝડપી લઈ કડક સજા કરવાની માંગણી કરી હતી.

મંગળવારે તે ઝડપાઈ ગયાની જાણ થતા જ થોરાળા પોલીસ મથક આસપાસનાં વિસ્તારો જેવા કે ભાવનગર રોડ, કુબલીયાપરા અને ચૂનારાવાડ સહિતના વિસ્તારોમાંથી હજ્જારો મહિલા અને પુરુષોના ટોળે ટોળા થોરાળા પોલીસ મથકે ધસી ગયા હતા અને આરોપીને પોતાને સોંપી દેવાની અને તેને જીવતો સળગાવી દેવા તૈયારી બતાવતા વાતાવરણ તંગ બની ગયું હતું.

અંતે પોલીસના ધાડેધાડા થોરાળા પોલીસ મથકે ઉતારી દેવાયા હતા. પોલીસને ટોળાને વિખેરવા ખૂબ જ મહેનત કરવી પડી હતી. આ ઘટનાક્રમને કારણે કલાકો સુધી સ્થળ આસપાસ ચક્કાજામ સર્જાઈ ગયો હતો. આ ઘટના પરથી સ્પષ્ટ દેવાયું કે દિવ્યાના ગુનેગારને લઈને લોકો કેટલા સમસમી ગયા છે અને આક્રોશિત છે.

Keywords rapist,held,by,police,in,rajkot,,

Post Comments