Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકોટમાં આજથી લોકમેળો, આનંદ-ઉલ્લાસની ઉડશે છોળો

-ફજેતફાળકા, ટોરા-ટોરાં, બ્રેક ડાન્સ, મોતના કૂવા, નાવડી-ઝૂલા સહિતની ૪૪ જેટલી રોમાંચક રાઈડસ

રાજકોટ,તા.12 ઓગસ્ટ 2017, શનિવાર

લોકજીવનનાં હૈયામાં આનંદ, ઉમંગ અને ઉલ્લાસનાં તરંગો છેડતો રંગીલા રાજકોટનો જગમશહુર લોકમેળો કાલે રવિવારથી શરૃ થઈ રહ્યો છે. રેસકોર્સનાં મેદાનમાં સવારે ૧૦ કલાકે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રીનાં હસ્તે લોકમેળો ખૂલ્લો મૂકાશે.

આ વર્ષે લોકમેળાને 'વાઈબ્રન્ટ' નામ આપવામાં આવ્યું છે. લાગલગાટ પાંચ દિવસ સુધી એટલે કે તા. ૧૭ સુધી આ લોકમેળો લાખો માનવીઓ માટે મોજ-મસ્તીનો મૂકામ બનશે. ઈશ્વરકૃપાથી રાજકોટમાં આ વર્ષે ૪૩ ઈંચ જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. આજી, ન્યારી ડેમોમાં જળરાશી હિલોળા લઈ રહી છે. શ્રાવણિયા સરવડામાં ચોમેર લીલોછમ્મ માહોલ છે ત્યારે લોકો તમામ આધિ-વ્યાધિ- ઉપાધિઓને વિસરી જઈ લોકમેળાનો આનંદ માણશે. આમ પણ પ્રજાજીવનમાં અનુભવાતા હરખની અનુભૂતિ સાંસ્કૃતિક લોકમેળાઓમાં જ વ્યક્ત થતી હોય છે. એમાયે સાતમ-આઠમના તહેવારો પણ સાથે હોય કૃષ્ણભક્તિસંગ સાંસ્કૃતિક મેળાની રંગત ઓર ખીલશે.

 લોકમેળાને લઈને લોકોમાં અને લોકમેળામાં વિવિધ પ્રાંતમાંથી આવતા ધંધાર્થીઓમાં ખાસ્સો ઉત્સાહ છે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા પણ આજે તૈયારીઓને આખરી ઓન આપવામાં આવ્યો હતો. વિવિધ સ્ટોલ્સ, રાઈડસનાં ફીટીંગ્ઝ થઈ ચૂક્યા છે. તેની યાંત્રિક ચકાસણીની કામગીરી પણ આજે પૂર્ણ કરી લેવામાં આવી હતી. તેમજ તમામ સ્ટોલ-પ્લોટ ધારકોને ઓળખકાર્ડ પણ આપી દેવામાં આવ્યા હતાં.

લોકમેળામાં આ વર્ષે કુલ ૩૨૧ જેટલા સ્ટોલ્સ છે, જેમાં ૨૧૦ જેટલા રમકડાં કેટેગરીનાં તથા ૧૯ જેટલા ખાણીપીણીનાં સ્ટોલ-પ્લોટ છે. યાંત્રિક રાઈડસનાં ૪૪ જેટલા પ્લોટ છે, જેમાં અવનવી રાઈડસ ફીટ કરવામાં આવી છે. તેમજ ૩૨ જેટલી નાની-મધ્યમ ચકરડીઓ છે. જે બાળકોને મનોરંજનનું માધ્યમ બનશે. આ વખતે પ્રથમ વખત માત્ર અને માત્ર રેસોકર્ષનાં જ ચકરડીનાં ધંધાર્થીઓને લોકમેળામાં જગ્યા આપવામાં આવી છે. આ ઉપરાંત આઈસ્ક્રીમના ૧૬ સ્ટોલ છે.

ગગનચૂંબી ફજેત ફાળકા, દિલધડક ટોરા-ટોરાં, બ્રેક ડાન્સ, નાવડી-ઝૂલા, જાદુના શો, મોતના કુવા સહિતનાં અનેકવિધ આકર્ષણો પ્રતિ વર્ષની માફક આ વર્ષે પણ લોકમેળામાં છે. તો ખાણીપીણી માટે નાના-મોટા ૧૯ જેટલા સ્ટોલ-પ્લોટ છે. લોકમેળામાં ઉમટતા લાખો લોકો ખાણી-પીણીનો પણ લૂત્ફ ઉઠાવતા હોય સ્વાઈન ફ્લૂ સહિતનાં રોગચાળાનાં આ દિવસોમાં આ સ્ટોલ્સમાં સ્વચ્છતા અને ખાદ્ય સામગ્રીની ગુણવત્તા તથા ભાવ બાબતે ઘનિષ્ઠ અને સતત ચેકિંગ જરૃરી બનશે.

લોકમેળામાં આ વખતે જુદી જુદી સંસ્થાઓના તેમજ જાગૃતિલક્ષી સ્ટોલ્સ પણ રાખવામાં આવ્યા છે. જેમાં ખાસ કરીને ઈન્ડેક્ષ-સી, સખી મંડળો, વિકાસલક્ષી વિશેષ પ્રદર્શન, ગ્રાહક સુરક્ષા, મતદાન જાગૃતિ, મહિલા આર્થિક વિકાસ નિગમ વિગેરે તેમજ ગાયત્રી પરિવાર, સીદી પ્રગતિ મંડળ, આઈ.પી. મિશન, ઈસ્લામ દર્શન તથા એન્ટી કરપ્શન બ્યૂરો, કાનૂની માપ વિજ્ઞાાન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સ્વાઈન ફ્લૂ સામે જાગૃતિ માટેના, કાનૂની સેવા સત્તા મંડળ વિ. સ્ટોલ્સ રાખવામાં આવ્યા છે.

લોકમેળામાં ઉમટનારા લાખો લોકોની સુરક્ષા માટે પોલીસ દ્વારા ખાસ સ્કીમ બનાવાઈ છે. ઉપરાંત દરેક ગેઈટ ઉપર મેટલ ડિટેક્ટર, ૧૬ જેટલા વોચ ટાવર, ૧ ધાબા પોઈન્ટ જેના પર વાયરલેસ હેન્ડસેટ તથા બાયનોક્યૂલર સાથે જવાનો ફરજ બજાવશે. દરેક વોચ ટાવ ઉપર ૧૮૦ ડિગ્રી ફરી શકે તેવા સીસી ટીવી કેમેરા, ગ્રાઉનડમાં નિયત અંતરે વિશાળ એલઈડી સ્ક્રીન વિગેરે રાખવામાં આવશે. મેડિકલ વાન, અગ્નિશામક સાધનો વિગેરે પણ ઉપલબ્ધ રખાશે. જેથી કોઈ દૂર્ઘટના બને તો ત્વરાએ કાર્યવાહી થઈ શકે.

Post Comments