Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

રાજકારણમાં સીડીકાંડની નવાઇ નથી રહી

હાર્દિક પટેલની કથિત સેક્સ સીડી જાહેર થતા મચેલો હોબાળો

આવા સીડીકાંડના કારણે કેટલાંક નેતાઓની રાજકીય કારકીર્દી સમાપ્ત થઇ ગઇ છે તો કેટલાકનો વાળ પણ વાંકો થયો નથી, ઉલટું ઘણી વખત તો આવી સીડીના કારણે નુકસાન થવાના બદલે લાઇમ લાઇટ મળી જાય છે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો પારો ધીમે ધીમે ઉપર જઇ રહ્યો છે એવામાં પાટીદાર નેતા હાર્દિક પટેલની કથિત સેક્સ સીડી સોશિયલ મીડિયા પર ફરતી થતા ભારે હોબાળો મચી ગયો છે. સીડી જાહેર થતાં જ હાર્દિક પટેલે વીડિયોને બનાવટી કહીને ભારતીય જનતા પાર્ટી સામે ગંદી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસ પણ હાર્દિક પટેલ સાથે ભાજપ ઉપર હુમલા કરવામાં જોડાઇ ગઇ છે. તો સામે પક્ષે ભાજપે સીડીકાંડમાં પોતાનો કોઇ હાથ હોવાનો ઇન્કાર કરીને હાર્દિકને વાંધો હોય તો કાયદેસરના પગલા લેવાની સલાહ આપી છે.

જોકે ગુજરાતમાં ચર્ચાઇ રહેલો સીડી કાંડ દેશની જનતા માટે નવો નથી. રાજકારણમાં આવા કથિત સેક્સ વીડિયો બહાર આવવા નવાઇની વાત નથી. એમાંય ચૂંટણી ટાણે જ્યારે રાજકીય ગરમાગરમી ચરમસીમાએ હોય ત્યારે તો આ પ્રકારના ઘણાં ગતકડાં થતા હોય છે. દેશમાં અવારનવાર કોઇ ને કોઇ નેતાની સીડી જાહેર થતી રહે છે. થોડો સમય હોબાળો મચે છે કે ચર્ચા થાય છે અને પછી બધું ઠંડું પડી જાય છે. આવા સીડી કાંડના કારણે કોઇ મોટા પરિવર્તન થતા નથી. ઉલટાનું ઘણી ખરી વખત તો એવું થાય છે કે આવી સીડી સાથે જોડાયેલા વ્યક્તિને નુકસાન થવાના બદલે લાઇમલાઇટ મળી જાય છે.

હજુ થોડા વખત પહેલા જ છત્તીસગઢના મંત્રી રાજેશ મુણતની કથિત સેક્સ સીડી બનાવવાના મામલે વરિષ્ઠ પત્રકાર વિનોદ વર્માની ધરપકડ થઇ હતી. પત્રકાર પર આરોપ છે કે તે મંત્રીને બ્લેકમેલ કરી રહ્યાં હતાં અને સીડીની પાંચસો નકલ પણ બનાવી હતી. હાલ પણ વિનોદ વર્મા પોલીસની હિરાસતમાં છે. આ મામલામાં મંત્રીની તપાસ કરવાના બદલે છત્તીસગઢની ભાજપ સરકારે પત્રકારને જ દોષિત બનાવીને જેલભેગો કરી દીધો હતો.

વર્ષ ૨૦૧૩માં હરિયાણા કોંગ્રેસના વરિષ્ઠ નેતા શમશેરસિંહ સૂરજેવાલાનો કથિત એમએમએસ બહાર આવ્યો ત્યારે હરિયાણાના રાજકારણમાં પણ હોબાળો મચી ગયો હતો. એ વખતે તેમના પુત્ર રણદીપસિંહ સૂરજેવાલા હરિયાણા સરકારમાં મંત્રી હતાં. વિપક્ષ તેમના રાજીનામાની માંગ કરતો રહ્યો પરંતુ સમય જતાં રણદીપસિંહ સૂરજેવાલાનું કદ એટલું વધી ગયું કે આજે તેઓ રાષ્ટ્રીય કક્ષાએ કોંગ્રેસના મહત્ત્વના નેતા છે. આવું જ કંઇક કોંગ્રેસ પ્રવક્તા અભિષેક મનુ સંઘવી સાથે થયું. તેમની જે કથિત સીડી બહાર આવી તેમાં તેઓ એક મહિલા વકીલને હાઇકોર્ટના જજ બનાવવાની લાલચ આપીને અંતરંગ ક્ષણોમાં દેખાયા હતાં. આ સીડી પણ ખાસી ચગી પરંતુ સિંઘવીને કોઇ નુકસાન ન થયું. થોડા દિવસ ગાયબ રહ્યાં બાદ હવે ફરી તેઓ કોંગ્રેસના આગળ પડતા નેતા છે.

સીડી કાંડમાં સૌથી ચર્ચિત કિસ્સો રંગીન મિજાજના કોંગ્રેસના કદાવર નેતા નારાયણદત્ત તિવારીનો છે. સક્રિય રાજકારણમાંથી નિવૃત્ત થયા બાદ આંધ્રપ્રદેશના ગવર્નર બનેલા તિવારીનો બે મહિલાઓ સાથેનો કથિત એમએમએસ પણ ખૂબ ચગ્યો હતો. હજુ તો આ મામલો ઠંડો પડયો ત્યાં ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી શેર સિંહના પુત્રી ઉજ્જવલાએ દાવો કર્યો કે તેમના પુત્ર રોહિત શેખરના પિતા એન.ડી. તિવારી છે. તિવારીના ઇન્કાર બાદ ડીએનએ ટેસ્ટમાં આ વાત હકીકત પુરવાર થઇ. આ કાંડો પછી તિવારી અને તેમના પુત્ર રોહિત શેખરને પોતાની તરફ કરવા ઘણાં રાજકીય પક્ષો આગળ આવ્યાં. ઉત્તરપ્રદેશના સમાજવાદી પાર્ટીના સુપ્રીમો મુલાયમસિંહ યાદવે પિતાપુત્રને પોતાના પક્ષમાં લેવા હિલચાલ કરી. છેવટે રોહિત શેખર ભાજપમાં ભળી ગયાં.

દિલ્હીની આમ આદમી પાર્ટીના નેતા સંદિપ કુમારની કથિત સેક્સ સીડી પણ બહાર આવી હતી. સંદિપ કુમાર સાથે કથિત વીડિયોમાં દેખાતી મહિલાએ તેમના પર રેપનો આરોપ મૂકીને દાવો કર્યો હતો કે તેને રેશનકાર્ડ બનાવી આપવાની લાલચ આપીને સંદિપ કુમારે તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. એ પછી સંદિપ કુમારને જેલભેગા થવાનો વારો આવ્યો હતો. આ મામલો સામે આવ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે સંદિપ કુમારને મંત્રીપદેથી અને પક્ષમાંથી રુખસદ આપી દીધી હતી. બાદમાં જામીન પર છૂટયા બાદ સંદીપ કુમાર દિલ્હી કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ ઉમેદવારનો પ્રચાર કરતા દેખાયા હતાં. જે મુદ્દે હોબાળો મચતા ભાજપે પણ સંદીપ કુમારથી છેટું કરી લીધું હતું.

સીડી કાંડની વાત આવે અને ગુજરાતના જ ભાજપ નેતા સંજય સિંહનો ઉલ્લેખ ન થાય એ તો કેમ બને? એક સમયે ભાજપમાં સંઘનો ચહેરો ગણાતા સંજય જોશી સત્તાની સીડીઓ પર ઝડપભેર ઉપર ચડી રહ્યાં હતાં. લોકસભાની ચૂંટણીમાં હાર બાદ ૨૦૦૫માં ભાજપના મુંબઇ ખાતેના અધિવેશન પહેલાં જ એક કથિત સીડી બહાર આવી જેમાં સંજય જોશી જેવો દેખાતો શખ્સ કોઇ મહિલા સાથે અંતરંગ પળોમાં કેદ થયો હતો. સીડી આવતા જ ભારે હોબાળો થયો અને સંજય જોશીએ પક્ષના પ્રભારીપદેથી રાજીનામુ આપવું પડયું. સમય જતાં સંજય જોશી કથિત સીડી કાંડમાં નિર્દોષ પુરવાર થયા પરંતુ તેમની રાજકીય કારકીર્દી પર પૂર્ણવિરામ લાગી ગયો.

એક સમય હતો જ્યારે આ પ્રકારની સીડી કે સેક્સ વીડિયોનું રાજકારણમાં નવું નવું ચલણ શરૃ થયું હતું. એ વખતે ઘણાં નેતાઓની રાજકીય કારકીર્દીને નુકસાન પણ થયું હતું. પરંતુ આજે પરિસ્થિતિ અલગ છે. ઘણાં રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ પ્રકારની સેક્સ સીડી મોટે ભાગે લાભ કરતા નુકસાન વધારે કરતી હોય છે. ખાસ તો આવા કોઇ વીડિયો જાહેર થાય ત્યારે મહિલા સુરક્ષા સંસ્થાઓ મહિલાઓની બદનામી ન થાય એ માટે આગળ આવતી હોય છે. એમાંયે આવા તથાકથિત વીડિયો બહાર આવતા રાજકારણમાં આવતી મહિલાઓ અસુરક્ષા અનુભવે છે.

આ પ્રકારની સેક્સ સીડીઓ બનાવીને વહેતી કરવા અંગે નિષ્ણાંતોનું માનવું છે કે ચૂંટણી ટાણે જ્યારે એક એક વોટ કીંમતી હોય છે ત્યારે આવી સીડીઓથી ટાર્ગેટ બનનાર વ્યક્તિને થોડું ઘણું નુકસાન જરૃર થઇ શકે છે. જોકે આજકાલ તો છાશવારે આવી સીડીઓ બહાર આવતી હોવાથી લોકો થોડા સમય પછી ઘટના ભૂલી જતાં હોય છે. ચૂંટણી આવતા સુધીમાં ઘણાં ખરાં લોકોના મગજમાંથી આવી વાતો નીકળી ગઇ હોય છે. એટલા માટે જ આવી સીડીઓ બહાર પાડનારા લોકો માટે ખાસ સમય પસંદ કરવો અગત્યનો બની રહેતો હોય છે.

આ પ્રકારની સીડીઓ બહાર આવતા ચારે તરફ હોબાળો જરૃર મચે છે પરંતુ એ હોબાળામાં ઘણાં સવાલો અનુત્તર રહી જાય છે. જેમકે આ પ્રકારની સીડી કોણે તૈયાર કરી? સીડી બનાવવા પાછળનો મકસદ શું હતો? સીડીમાં દેખાતા લોકોના વ્યક્તિગત અધિકારોનું શું? વગેરે. જાણકારોના મત મુજબ આ પ્રકારની સીડી બહાર આવતા સૌપ્રથમ તો તે સાચી છે કે ટેકનોલોજીના ભાષામાં મોર્ફ અર્થાત ચેડાં કરેલી છે તેની ફોરેન્સિક તપાસ થવી જોઇએ. જો આવી સીડી મોર્ફ કરેલી હોય તો તે સાઇબર ક્રાઇમનો ગુનો બને છે. જો સીડીમાં દેખાતા પુરુષ અને મહિલા પુખ્ત ઉંમરના હોય અને તેમની જાણ બહાર આવો વીડિયો ફિલ્માવવામાં આવ્યો હોય તો તેઓ પ્રાઇવસીના અધિકારનો દાવો કરીને કોર્ટમાં જઇ શકે છે. જો વીડિયોમાં દેખાતા વ્યક્તિઓ કેસ ન કરે તો કોઇ ત્રીજી વ્યક્તિ પણ અશ્લીલતાનો મામલો આગળ ધરીને કેસ કરી શકે છે.

જોકે આવી સીડી તૈયાર કરનારા લોકો ટેકનોલોજીમાં એક્સપર્ટ હોય છે અને સીડી બનાવવાના કે અપલોડ કરવાના મામલાઓમાંથી છટકી જતાં હોય છે. આઇટી એક્ટ મુજબ આવી સેક્સ સીડી જોવી અપરાધ નથી પરંતુ આવી સીડી કે વીડિયો પ્રકાશિત કરવા કે એમાં સહાયકારી થવું અપરાધ છે. પોલીસ ધારે તો આવા વીડિયો અપલોડ કરનાર સોર્સ સુધી પહોંચીને કેસ દાખલ કરી શકે છે. આવા કેસમાં દોષિત ઠરનારને પાંચ વર્ષ સુધીને કેદની સજા થઇ શકે છે.

એકંદરે જોતા આવી સેક્સ સીડીઓ બેધારી તલવાર સમાન છે જે ઘણી વખત બૂમરેંગ પણ સાબિત થઇ શકે છે. એવાં નેતાઓ પણ છે જેમની રાજકીય કારકિર્દી આવા કથિત સેક્સકાંડ પછી સમાપ્ત થઇ ગઇ છે તો એવા પણ નેતાઓ છે જેમનો વાળ પણ વાંકો નથી થયો. હાર્દિક પટેલની પણ એક બાદ એક સીડીઓ બહાર આવી રહી છે અને લોકોમાં ચર્ચાનો વિષય બની રહી છે. હવે એ તો આવનારો સમય જ કહેશે કે આ પ્રકારની રાજનીતિનો કોને ફાયદો થશે અને કોને નુકસાન થશે.

Keywords newsfocus,

Post Comments