Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિક અને ન્યુક્લિયર હથિયાર શું છે?

સેના પ્રમુખ બિપિન રાવતે કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિકલ અને ન્યુકિલયર શસ્ત્રો અંગે ચિંતા વ્યક્ત કરી છે

રાઈફલ, તોપગોળા, મિસાઈલ, ફાઈટર વિમાન.. આ બધા હથિયારો પર આખી દુનિયાનું ધ્યાન છે, પણ વધુ ખતરનાક તો 'સીબીઆરએન' પ્રકારના હથિયાર સાબિત થવાના છે..

થલસેના પ્રમુખ બિપિન રાવતે એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિવેદન કર્યું છે, જેના પર કેન્દ્ર સરકારે ધ્યાન આપવું પડે એમ છે, જ્યારે નાગરિકો માટે એ ચિંતાનો વિષય બને એમ છે. ફોર સ્ટાર જનરલ રાવતે કહ્યું કે હવે આપણે કેમિકલ, બાયોલોજિકલ, રેડિયોલોજિક અને ન્યુક્લિયર (સીબીઆરએન) હથિયારો અંગે ચિંતા કરવી જોઈએ, એ દિશામાં વિચાર કરવો જોઈએ.

રાઈફલ, તોપ, મિસાઈલ, ફાઈટર વિમાન, ટેન્ક.. એ બધા હથિયારને સૌ કોઈ ઓળખે છે. એટલે એ હથિયારોથી સર્જાનારા ખતરા અંગે પણ લોકો વાકેફ છે. પરંતુ સેના પ્રમુખે જેનો ઉલ્લેખ કર્યો એ સીબીઆરએન એવા હથિયાર છે, જેને જોઈને ઓળખવા મુશ્કેલ છે. એ હથિયાર બહુ જૂના હોવા છતાં તેનો ઉપયોગ મર્યાદિત રહ્યો છે. વળી ઘાતકતાનું પ્રમાણ તેમાં ઘણુ ઊંચુ છે. એટલે તેનાથી સાવધાન રહેવામાં જ સલામતી છે.

દુનિયાના દેશો આ પ્રકારના હથિયારોથી બચવા માટે જાતભાતના ઉપાયો પર કામ કરી રહ્યાં છે. કેમ કે સૌ જાણે છે કે આગામી યુગના હથિયારો સીબીઆરએન જ હોવાના છે. સુખોઈ જેવા ફાઈટર કે અગ્નિ જેવા મિસાઈલ્સ કે હોવિત્ઝર જેવી તોપ તો યુદ્ધમાં સામાન્ય છે. એ વપરાયા વગર જંગ ખેલાઈ ન શકે. પરંતુ આ હથિયારોને દૂરથી ઓળખવા, તેના વિશે જાણકારી હોવાથી અગાઉથી સલામત રહેવું, એ હથિયારો અંગેની મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવી વગેરે પોસિબલ છે. દરેક દેશ પોતાના દુશ્મન દેશ પાસે આ પ્રકારના પરંપરાગત હથિયાર કેવા છે, કેટલા છે તેની જાણકારી રાખતો હોય છે. પરંતુ સીબીઆરએન એ અલગ અલગ પ્રકારના ચાર હથિયારો છે અને ચારેય પોતાની રીતે ઘાતક છે.

સૌથી પહેલી વાત કરીયે કેમિકલ્સ અને બાયોલોજિકલ વેપનની. અમેરિકાએ ઈરાકના સદ્દામ હુસૈન સામે ૨૦૦૩માં જંગ છેડી દીધો હતો. શા માટે? કેમ કે સદ્દામ પાસે કેમિકલ્સ અને બાયોલોજિકલ હથિયારો છે, એવી શંકા અમેરિકાએ વ્યક્ત કરી હતી. પછી અમેરિકાના નિર્ણયમાં જોયા વિચાર્યા વગર સાથ આપીને બ્રિટન સહિતના દેશો જંગે ચડયા હતા. સદ્દામ પકડાઈ ગયો, ઈરાકમાં સત્તા પરિવર્તન થઈ ગયું, સદ્દામને મોતની સજા પણ આપી દેવાઈ પરંતુ જેના માટે હુમલો કરાયો હતો એ કેમિકલ-બાયોલોજિક હથિયારો ઝડપાયા નહીં.

કેમિકલ અને બાયોલોજિકલ બન્ને હથિયારો જોડિયા ભાઈ જેવા છે. કેમિકલ એટલે રસાયણ અને બાયોલોજિકલ એટલે જીવાણુ-જીવડાં આધારિત. ટૂંકમાં એવા હથિયાર જેમાં રસાયણનો ઉપયોગ થાય અથવા તો સજીવોનો ઉપયોગ થાય છે. ધારો કે કોઈ દેશ લેબોરેટરીમાં જીવલેણ જીવાણુ તૈયાર કરે તો? જેમ કે એઈડ્સના વિષાણુ કે પછી કોલેરા કે પછી શિતળા કે તેના જેવા.. એ વાઈરસને દુશ્મન દેશની હવામાં, તેના પાણીમાં, સરહદ પર છોડી દેવામાં આવે. તેને કોઈ જોઈ શકે નહીં, ઓળખી શકે નહીં, લોકો ટપોટપ મૃત્યુ પામવા લાગે. એ થયા બાયોલોજિકલ હથિયારો.

દુશ્મનનું ઢીમ ઢાળવા માટે જળ-પ્રવાહીમાં ઝેર ભેળવવાની પદ્ધતિ રાજાશાહી વખતથી ચાલી આવે છે. એ પદ્ધતિનું આધુનિક નામ કેેમિકલ હથિયાર છે. કોઈ એવુ કેમિકલ, કોઈ એવુ ઝેર જે દુશ્મન દેશના ખાન-પાનમાં ભેળવી દેવામાં આવે તો? દુનિયાની ઘણી નદી એકથી વધુ દેશમાં વહે છે. એ નદીના પાણીમાં કંઈ ભેળસેળ કરી દેવામાં આવે તો પડોશી દેશને ખેદાન-મેદાન કરવાનું કામ સરળ થઈ પડે. જેમ કે ભારતે થોડા સમય પહેલા જ આક્ષેપ કર્યો હતો કે ચીન બ્રહ્મપુત્ર નદીને પ્રદૂષિત કરે છે. એ તો નદીમાં માત્ર ગંદકી ફેલાવવાની વાત હતી. પણ પાણીમા ગંદકી સિવાય પણ ઘણુ ફેલાવી શકાય છે.

દુનિયાના ઘણા નેતાના મોતને શંકાસ્પદ રીતે જોવામાં આવે છે. તેમના ખોરાકમાં કઈ ભેળવાયુ હશે એવી શંકાની સોય સદા ઉભી જ રહે છે. જેમ કે લાલ બહાદુર શાસ્ત્રીનું મોત તાશ્કંદમાં કઈ રીતે થયું હતું? આજેય તેનો પાક્કો જવાબ નથી મળતો. ઈઝરાયેલ સામે પેલેસ્ટાઈનની આઝાદી માટે લડતા યાસર અરાફાતને ઝેર અપાયું છે, એવી શંકાએ તેની લાશને ફરીથી કબરમાંથી બહાર કાઢવામાં આવી હતી. નેપોલિયનને તો રોજ ખોરકમાં ઝેર આપવામાં આવતુ હતું. એવા કિસ્સાની ઈતિહાસમાં કંઈ ખોટ નથી.

કેમિકલ હથિયારનો આ મર્યાદિત ઉપયોગ થયો. તેનાથી એકાદ વ્યક્તિનું જ મોત નિપજાવાયું છે. પરંતુ એ જ હથિયારનો જનસમુહ માટે દુરુપયોગ કરી શકાય છે. રેડિયોલોજિકલ અને ન્યુક્લિયર બન્ને પણ સાથે જ આણ વર્તાવતા હથિયાર છે. દરેક પરમાણુ શસ્ત્ર રેડિયો એક્ટિવ પદાર્થથી જ બનેલું હોય છે. એટલે ન્યુક્લિયર વેપન આપોઆપ રેડિયોલોજિકલ વેપન હોય જ. જોકે એકલા રેડિયોલોજીકલ વેપન્સમાં પરમાણુ પ્રહાર સુધીની વાત આવતી નથી. દુનિયાભરમાં ઊર્જા મેળવવા માટે પરમાણુ પ્લાન્ટ ચાલે છે. તેમાં કેમિકલ્સ પ્રક્રિયા દરમિયાન રેડિયો એક્ટિવ કિરણો પેદા થાય. એ કિરણો કે કિરણોત્સર્ગવાળુ પાણી બહાર નીકળે તો?

તો શું થાય, તેનો જવાબ ૨૦૧૧માં જાપાનમાં થયેલી ફૂકુશિમા દુર્ઘટનમાંથી મળે છે. ત્સુનામી વખતે જાપાનના પરમાણુ પ્લાન્ટ ખળભળ્યા અને તેનું રેડિયોલોજિકલ પાણી બહાર નીકળી ગયું. મોત તો મોટે પાયે ન થયા, પરંતુ જાપાને કાયમી ધોરણે એ પ્લાન્ટ બંધ કરી દેવા પડયા. આખી દુનિયાએ એ દુર્ઘટના પછી પરમાણુ ઊર્જા વાપરવી કે નહીં એ ચિંતા શરૃ કરી. ફ્રાન્સ, ફિનલેન્ડ જેવા દેશોએ તો પરમાણુ ઊર્જા વાપરવી જ નથી એવા નિર્ણય પણ લઈ લીધા. કારણ કે એ બેધારી તલવાર છે. જે પ્લાન્ટમાંથી ઊર્જા મળે એ પ્લાન્ટ જીવ પણ લઈ શકે.

ન્યુક્લિયર હથિયારોને તો સૌ કોઈ પરમાણુ શસ્ત્રોના ડરામણા નામે ઓળખે છે. હાલ દુનિયામાં તેની ગણતરી સૌથી ઘાતક હથિયાર તરીકે થાય છે. ૧૯૪૫માં જાપાન પર અમેરિકાએ બે બોમ્બ ફટકાર્યા હતા. પણ તેની આડઅસર હજુય ચાલુ છે. એટલે આખી દુનિયાને એ ખબર છે કે પરમાણુ હથિયાર રાખવા જોઈએ, પણ વાપરી ન શકાય. રશિયા અને અમેરિકા તો પરમાણુ શસ્ત્રોના અંબાર પર બેઠા છે. માટે એ બન્ને દેશો અબજો ડોલર ખર્ચીને એક પછી એક હથિયાર નષ્ટ કરી રહ્યાં છે. પરંતુ હથિયારને રફે-દફે કરવાની પ્રક્રિયા પણ વર્ષો સુધી ચાલે એટલા શસ્ત્રો છે.

દુનિયાના ઘણા દેશો પોતાના લશ્કરી બજેટમાં હવે સીબીઆરએન પ્રોટેક્શન શબ્દ ઉમેરતા થયા છે. એટલે કે આ ચારેય હથિયારો સામે રક્ષણ આપતા વિભાગ પાછળનો ખર્ચ. અમેરિકાએ ૨૦૧૧માં સીબીઆરએન પ્રોટેક્શન પાછળ સવા આઠ અબજ ડોલરથી વધારે ખર્ચ કરી નાખ્યો હતો. એ પછી તો રકમ વધતી ગઈ છે. પ્રોટેક્શનમાં મૂળ તો હુમલા વખતે સૈનિકોએ કઈ રીતે કામ લેવું તેનો સમાવેશ થાય છે. કેમ કે આવા હથિયારોને અટકાવી શકે એવી સુખદ સ્થિતિ તો હજુ સુધી આવી નથી.
આ હથિયાર સામે બીજો મોટો ખતરો તેની વ્યાપક ઘાતકતાનો છે. ધારો કે લેબોરેટરીમાં રાખેલા જીવલેણ વાઈરસ અજાણતા પણ ખુલ્લામાં આવી જાય તો બે-પાંચને બદલે હજારો લોકોને અસર કરે. હવા પર સવાર થયા પછી ફેલાતા કેટલી વાર? અને હવા પર સવાર થયા પછી તેને કોણ અટકાવી શકે?

સદ્ભાગ્યે ભારતે સીબીઆરએન પ્રોટેક્શન વ્યવસ્થા છે. અલબત્ત, એ વ્યવસ્થા પૂરતી નથી. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ)એ સીબીઆરએન સામે લડત આપી શકે એવા ૮ વાહન તૈયાર કરી દીધા છે અને બીજા આઠ બને છે. પરંતુ ભારત જેવા વિશાળ દેશ માટે માત્ર આઠ વાહન પુરતાં નથી. એટલે જ જનરલ રાવતે એ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સરકાર માટે પણ એ વિષય ચિંતાનું કારણ હોવો જોઈએ..

Keywords newsfocus,

Post Comments