Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કોંગ્રેસના ગઢમાં ભાજપનો ભગવો કેવી રીતે લહેરાયો?

- કર્ણાટકના પરિણામોએ સાબિત કર્યું કે વર્તમાન સમયમાં લોકો માટે ભ્રષ્ટાચાર કોઇ મુદ્દો જ નથી

આગામી દિવસોમાં રાજ્યમાં સરકાર રચવા માટે ખેૅંચતાણ સર્જાશે પરંતુ આવતા વર્ષની લોકસભાની ચૂંટણી પહેલાની સેમીફાઇનલ ગણાતી કર્ણાટકની ચૂંટણીમાં ભાજપે જે શાનદાર જીત હાંસલ કરી છે એનું મહત્ત્વ જ અનોખું છે

છેલ્લા ઘણાં મહિનાથી ચર્ચામાં રહેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી ગયા છે અને ભાજપ રાજ્યના સૌથી મોટા રાજકીય પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. હવે સરકાર બનાવવાના મામલે ખેંચતાણ શરૃ થઇ ગઇ છે. જોકે કર્ણાટકમાં સરકાર ભલે ગમે તે પક્ષની બને પરંતુ ભાજપનો આ ઝળહળતો વિજય ઘણો મહત્ત્વનો છે. ખાસ કરીને દક્ષિણ ભારતમાં ભાજપની પક્કડ મજબૂત બની રહી છે.

કર્ણાટકના પરિણામોએ ફરી એક વખત સિદ્ધ કર્યું છે કે ચૂંટણીલક્ષી રણનીતિ ઘડવામાં અમિત શાહનો કોઇ જવાબ નથી. ચૂંટણીના રણનીતિ ઘડવી એક વાત છે અને એને જમીન ઉપર ઉતારીને સફળ બનાવવી અલગ વાત છે. અમિત શાહ બંને બાબતોમાં ફરી વખત પાવરધા પુરવાર થયા છે.

ભાજપના ચાણક્યનું ઉપનામ સાબિત કરવામાં તેઓ વધુ એક વખત સફળ નીવડયા છે. અમિત શાહની ખાસિયત છે કે તેઓ કોઇ કામ બીજાના ભરોસે છોડતા નથી. કર્ણાટકમાં પણ તેમણે એવું જ કર્યું. લગભગ ૪૦થી ૪૫ દિવસ સુધી અમિત શાહે કર્ણાટકમાં ડેરો જમાવ્યો.

પોલિંગ બૂથ જીતો તો ચૂંટણીમાં જીત પાકી એવો તેમનો મંત્ર રહ્યો છે અને એ મંત્રને સાકાર કરવા માટે અમિત શાહ જાણીતા છે. કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અમિત શાહને અનુવાદકોની ભૂલના શિકાર પણ બનવું પડયું. તેમ છતાં તેઓ પોતાની વાત કર્ણાટકના લોકો સુધી પહોંચાડવામાં સફળ રહ્યાં. અમિત શાહને વોટને જીતમાં કેવી રીતે બદલવા એ કળામાં મહારથ હાંસલ છે.

કઇ બેઠક ઉપર કેટલું માર્જિન પર્યાપ્ત છે એ અમિત શાહ સારી રીતે જાણે છે. કેટલીયે સીટો એવી છે જ્યાં ભાજપને કોંગ્રેસ ઉપર નજીવી સરસાઇથી જીત મળી હોય. ખાસ વાત એ કે આ વખતની ચૂંટણીમાં મતોની ટકાવારીની દૃષ્ટિએ કોંગ્રેસને ભાજપ કરતા વધારે મત મળ્યાં છે. પરંતુ મતોની ઓછી ટકાવારી હોવા છતાં વધારે બેઠકો પડાવી જવાનો કરિશ્મા અમિત શાહના મેનેજમેન્ટના કારણે જ સર્જાયો છે.

કર્ણાટકમાં સૌથી મોટા પક્ષ બનવા પાછળ બ્રાન્ડ નરેન્દ્ર મોદી સૌથી વધારે જવાબદાર છે. વડાપ્રધાન મોદીની ખાસિયત રહી છે કે તેઓ કોઇ પણ ચૂંટણી પ્રચારમાં અંતિમ તબક્કામાં પૂરા જોશ સાથે ઉતરે છે અને તમામ પરિણામો ઉલટા પાડી દે છે. કર્ણાટકના ચૂંટણી પ્રચારમાં પણ વડાપ્રધાન સ્ટાર કેમ્પેઇનર રહ્યાં.

વડાપ્રધાન મોદીના પ્રચારમાં ઉતર્યા અગાઉ ભાજપના આંતરિક સર્વેમાં પક્ષને ૮૫ની આસપાસ બેઠકો મળવાનો અંદાજ હતો પરંતુ વડાપ્રધાન મોદીના પ્રચાર બાદ આ આંકડો ક્યાંય ઊંચે જતો રહ્યો. તેમના ઉપર ઐતિહાસિક તથ્યો સાથે છેડછાડ કરવાના અને ધમકીભરી ભાષા વાપરવાના આરોપ પણ મૂકાયા. પરંતુ કર્ણાટકની પ્રજાએ આ તમામ આરોપો વણદેખ્યા કરી દીધાં.

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યમંત્રી બી.એસ. યેદિયુરપ્પામાં ભાજપે જે ભરોસો મૂક્યો એ લેખે લાગ્યો છે. કર્ણાટકના રાજકારણમાં યેદિયુરપ્પાનું મોટું નામ છે. ૨૦૦૮માં ભાજપે યેદિયુરપ્પાના નેતૃત્ત્વમાં જ દક્ષિણ ભારતની રાજનીતિમાં પહેલી વખત સફળતાનો સ્વાદ ચાખ્યો હતો. યેદિયુરપ્પા કર્ણાટકના મુખ્યમંત્રી પણ બન્યા પરંતુ ભ્રષ્ટાચારના આરોપોના કારણે તેમણે પદ છોડવું પડયું.

એ પછી ૨૦૧૨માં તેમણે ભાજપથી અલગ થઇને કર્ણાટક જનતા પાર્ટી બનાવી જેના કારણે ૨૦૧૩ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સારી એવી ખોટ ગઇ. ૨૦૧૩ની એ વિધાનસભા ચૂંટણીમાં યેદિયુરપ્પાના પક્ષને ૨૩ ટકા વોટ મળ્યા તો ભાજપને માત્ર ૨૦ ટકા વોટ મળ્યાં. પરિણામે કર્ણાટક ભાજપના હાથમાંથી સરી ગયું. હવે યેદિયુરપ્પા ભાજપમાં પાછા ફર્યાં છે તો ભાજપને મળેલા મતોની ટકાવારીમાં પણ મોટો ઉછાળો આવ્યો છે.

કર્ણાટક ચૂંટણીમાં મળેલી કારમી હાર કોંગ્રેસ માટે મોટા આઘાત સમાન છે. ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીનું સ્ટીમ રોલર ફરી વળ્યા બાદ દેશના જુદા જુદા ભાગોમાં થયેલી ચૂંટણીઓમાં કોંગ્રેસને સતત હારનો સામનો કરવો પડયો છે. ભાજપનો કોંગ્રેસ મુક્ત ભારતનો નારો કામ કરી રહ્યો હોય એવું પ્રતીત થઇ રહ્યું છે. કર્ણાટકના રૃપમાં કોંગ્રેસે દક્ષિણ ભારતનો તેનો સૌથી મોટો ગઢ ગુમાવ્યો છે.

ખાસ કરીને રાહુલ ગાંધીની કોંગ્રેસના અધ્યક્ષપદે વરણી થયા બાદ પોતાને સાબિત કરવા માટે કર્ણાટકની વિધાનસભા ચૂંટણી સૌથી મોટો અવસર હતો. રાહુલ ગાંધીએ પોતાની તમામ તાકાત કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં લગાવી દીધી પરંતુ ફરી એક વખત વડાપ્રધાન મોદીના જુવાળ સામે કોંગ્રેસ ફીકી પડી ગઇ. રાહુલ ગાંધીએ ચૂંટણી પ્રચાર દરમિયાન ૨૦ જેટલી રેલીઓ યોજી અને ૪૦ રોડ શો પણ યોજ્યાં. પોતાના ચૂંટણી પ્રચાર દરમિયાન તેમણે લગભગ ૭૪ બેઠકો કવર કરી પરંતુ આ બેઠકોમાંની ઘણી ખરી ભાજપના ખાતામાં ગઇ છે.

કોંગ્રેસના ગઢ મનાતા મૈસુર અને હૈદરાબાદ ક્ષેત્રોમાં કોંગ્રેસે હાર ખમવી પડી છે. આ ક્ષેત્રોમાં કોંગ્રેસને સૌથી મોટો ઝાટકો વાગ્યો છે. ગત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે ૧૨૨ બેઠકોમાંથી ૬૩ બેઠકો ઉપર જીત મેળવી હતી. આ ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ નિરાશાજનક રહ્યો છે. હૈદરાબાદમાં ભાજપને સારી એવી સરસાઇ મળી છે તો જેડી(એસ)ના ગઢ મનાતા ઓલ્ડ મૈસુરમાં પણ ભાજપનો હાથ ઉપર રહ્યો છે.

હૈદરાબાદમાં રેડ્ડી બંધુઓની બોલબાલા હોવાનું મનાય છે. ૨૦૦૮માં આ ક્ષેત્રમાં ભાજપે રેડ્ડી બંધુઓના જોરે જ જીત મેળવી હતી અને હવે દસ વર્ષ પછી જાણે ઇતિહાસનું પુનરાવર્તન થઇ રહ્યું હોય એમ જણાય છે. ઓલ્ડ મૈસુરમાં વોક્કાલિગા સમુદાયનું વર્ચસ્વ મનાય છે જે પરંપરાગત રીતે જેડી(એસ)ના મતદાર રહ્યાં છે. પરંતુ ભાજપે આ ક્ષેત્રમાં પણ સફળતા હાંસલ કરી છે.

ચૂંટણી અગાઉ કોંગ્રેસે લિંગાયત સમુદાયને અલગ ધર્મ આપવાનો ખેલ પણ ખેલ્યો હતો. પરંતુ કોંગ્રેસની આ ચાલ નિષ્ફળ નીવડી છે. લિંગાયત સમુદાય પરંપરાગત રીતે ભાજપની વોટબેંક મનાય છે. કર્ણાટકમાં લગભગ ૧૭ ટકા લિંગાયત વસતી છે અને ૧૦૦ વિધાનસભા બેઠકો ઉપર તેમની અસર છે.

સિદ્ધારમૈયાએ જ્યારે લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો આપવાનું પગલું ભર્યું ત્યારે ભાજપે તેની ભારે ટીકા કરી હતી. ખાસ તો ભાજપને એ ડર હતો કે તેની પરંપરાગત વોટબેંક સરકી ન જાય. પરંતુ ચૂંટણીના પરિણામોએ સિધ્ધ કર્યું છે કે સિદ્ધારમૈયાનું લિંગાયત કાર્ડ ફેલ ગયું છે.

કોંગ્રેસે લિંગાયત માટે અલગ ધર્મની માંગ કરી ત્યારે શરૃઆતમાં તો એવું લાગ્યું કે અણીના સમયે લિંગાયત કાર્ડ અજમાવીને સિદ્ધારમૈયાએ બાજી મારી લીધી છે. પરંતુ સમય જતાં કોંગ્રેસનું આ પગલું જ તેના માટે બૂમરેંગ સાબિત થયું. લિંગાયત સિવાયના સમુદાયો કોંગ્રેસના હાથમાંથી સરકવા લાગ્યાં. અને ખુદ લિંગાયત સમુદાયે જ કોંગ્રેસને સાથ ન આપ્યો.

યેદિયુરપ્પા લિંગાયત સમુદાયમાંથી આવે છે અને તેમના મોટા નેતા મનાય છે. તેમણે ચૂંટણી સભાઓમાં જોરશોરથી પ્રચાર કર્યો કે લિંગાયતને અલગ ધર્મનો દરજ્જો આપવાનું કહીને કોંગ્રેસ ધાર્મિક રીતે વહેંચવાની કોશિશ કરે છે. પરિણામ એ આવ્યું કે લિંગાયત સમુદાયે કોંગ્રેસની ચાલમાં આવવાના બદલે પોતાના પરંપરાગત પક્ષ સાથે રહેવાનું પસંદ કર્યું.

એ સિવાય દલિત વોટ મામલે પણ કોંગ્રેસનું સોશિયલ એન્જિનિયરિંગ નિષ્ફળ નીવડયું. છેલ્લા થોડા સમયથી દેશના દલિતોમાં ભાજપ વિરોધી માહોલ બની રહ્યો છે પરંતુ કોંગ્રેસ એ માહોલનો લાભ ઉઠાવવામાં પણ નિષ્ફળ નીવડી. વડાપ્રધાન મોદીએ પોતાની સભાઓમાં દલિતો અને આદિવાસીઓના મુદ્દા જોરદાર રીતે ઉઠાવ્યા.

તો માયાવતીની બહુજન સમાજ પાર્ટીનું જેડી(એસ) સાથેનું જોડાણ પણ કોંગ્રેસ માટે ઘાતક નીવડયું. સામાન્ય રીતે કર્ણાટકના દલિતો પરંપરાગત રીતે કોંગ્રેસની વોટબેંક મનાય છે પરંતું બહુજન સમાજ પાર્ટીએ જેડી(એસ) સાથે હાથ મિલાવતા દલિત વોટ તેમની તરફ સરી ગયાં. બંને પક્ષો સાથે આવવાથી કોંગ્રેસની દલિત વોટબેંકમાં મોટું ગાબડું પડયું.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામોએ એક વાત તો સાબિત કરી દીધી છે કે વર્તમાન સમયમાં દેશના લોકો માટે ભ્રષ્ટાચાર કોઇ મુદ્દો જ નથી. સમગ્ર ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેના મુખ્યમંત્રીપદના ઉમેદવાર સિદ્ધારમૈયા ભાજપ ઉપર ભ્રષ્ટાચારના મામલે હુમલા કરતા રહ્યાં. ભાજપના મુખ્યમંત્રીપદના ઉમેદવાર યેદિયુરપ્પાના ભ્રષ્ટાચાર અને રેડ્ડી બંધુઓના ભ્રષ્ટાચારના મામલાને કોંગ્રેસે બરાબર ચગાવ્યાં.

રાહુલ ગાંધી પોતાની ચૂંટણી સભાઓમાં કહેતા હતાં કે વડાપ્રધાન મોદી મંચ ઉપર ઊભા હોય છે ત્યારે તેમની એક તરફ જેલ જઇ ચૂકેલા યેદિયુરપ્પા અને બીજી તરફ જેલમાંથી છૂટેલા રેડ્ડી બંધુઓ ઊભા હોય છે. પરંતુ કર્ણાટકના લોકોએ ભ્રષ્ટાચારના મુદ્દાને સાવ નજરઅંદાજ કરી દીધો. ભાજપે બે રેડ્ડી બંધુઓ ઉપરાંત તેમના છ નિકટના સહયોગીઓને પણ ઉમેદવાર બનાવ્યા હતાં.

કર્ણાટકની આ વિધાનસભા ચૂંટણીને કોંગ્રેસ ૨૦૧૯ની લોકસભા ચૂંટણીની સેમીફાઇનલ માની રહી હતી પરંતુ હાલ તો તેને કારમા પરાજયનો સામનો કરવાનો થયો છે. રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપની બેઠકોમાં જે ગાબડું પાડયું હતું એ ભાજપે કર્ણાટકમાં સરભર કરી લીધું છે. હવે આગામી સમયમાં કોંગ્રેસ ફરી વખત બેઠી થઇને ભાજપ સામે ટક્કર આપે શકે છે કે કેમ એ જોવું રસપ્રદ રહેશે.

Keywords News,focus,15,may,2018,

Post Comments