Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પોલિટિક્સ આફ્ટર અમ્મા : શશીકલા એનડીએમાં જોડાશે?

જયલલિતાના વારસ તરીકે ઊભરી ગયેલા શશીકલા મોદીની મદદથી પક્ષના આંતરિક પડકારોનો સફાયો કરશે

જયલલિતા પ્રત્યેના લોકોના આદરને જો એક વાર રોકડી કરવામાં શશીકલા સફળ રહેશે તો પછી બાકીની સોગઠાંબાજી ખેલતાં તો તેમને સારી રીતે આવડે છે

'તારી આસપાસના લોકો જ તારી છબી ખરાબ કરી રહ્યા છે' તામિલનાડુના દિવંગત મુખ્યમંત્રી જયલલિતાને એવું બેધડક કહી શકનાર વિખ્યાત તામિલ લેખક, પત્રકાર, વ્યંગકાર અને અભિનેતા ચો રામાસ્વામી પણ યોગાનુયોગે જયલલિતાના દેહાંતના બીજા જ દિવસે દિવંગત થયા છે. આખાબોલા અને ધારદાર વ્યંગ તેમજ વિશિષ્ટ રાજકીય દૃષ્ટિકોણને લીધેલ ચો રામાસ્વામી એક એવી શખ્સિયત હતા જેને તામિલનાડુમાં તો ઠીક, રાષ્ટ્રીય સ્તરે પણ નોંધપાત્ર ગણવામાં આવતા હતા.

જયલલિતા જ્યારે બી અને સી ગ્રેડની ફિલ્મોમાં એક્સ્ટ્રા કલાકારના રોલ માટે સંઘર્ષ કરી રહ્યા હતા ત્યારથી તેમને ઓળખતા ચો રામાસ્વામી એ વખતે પણ ઐતિહાસિક ફિલ્મો, નાટકોના લેખક, અભિનેતા તરીકે પ્રતિષ્ઠિત ગણાતા હતા. તામિલ ફિલ્મોના સુપરસ્ટાર એમ.જી.રામચંદ્રને જ્યારે સક્રિય રાજનીતિમાં ઝુકાવ્યું ત્યારે આરંભિક સ્તરે ચો રામાસ્વામી તેમના રાજકીય સલાહકાર હતા. રામચંદ્રન પ્રત્યે અંગત લાગણી ધરાવતા ચોને જયલલિતા પણ હંમેશ આદર આપતા હતા.

પરસ્પર ઘનિષ્ઠ સંબંધ ધરાવતા તામિલ જાહેરજીવનના બે માંધાતાઓના મૃત્યુના યોગાનુયોગ સાથે બીજો ય એક યોગાનુયોગ ધ્યાનાકર્ષક છે કે ચો રામાસ્વામીએ 'તારી નજીકના લોકો' તરીકે જયલલિતાને જેમનાંથી ચેતવ્યા હતા એ જ હવે અન્ના દ્રમુક પક્ષ અને સરકાર પર હાવી થઈ રહ્યા છે. જી હા, જયલલિતાના અંગત સખી તરીકે ઓળખાતા શશીકલા પ્રત્યે ભારોભાર અણગમો ધરાવતા ચો રામાસ્વામીએ જયલલિતાની નારાજગી સહીને પણ અનેક વખત તેમને ચેતવ્યા હતા.

મંગળવારે થયેલ જયલલિતાની અંત્યેષ્ટિ અને એ પૂર્વે પાશ્વર દેહને જાહેર દર્શનાર્થે રખાયો ત્યારે પણ માત્ર અને માત્ર શશીકલા જ અત્ર, તત્ર, સર્વત્ર શક્તિમાન હોવાનું ફલિત થતું હતું. જયલલિતા અપરિણિત હતા. તેમના માતા-પિતા હયાત નથી. પરંતુ ભાઈ-ભાભી અને ભત્રીજા સાથે તેમનો થોડોઘણો સંપર્ક હતો. અગાઉ તેમના ભાઈના અવસાન પ્રસંગે જયલલિતા તેમના ઘરે પણ ગયા હતા. ભત્રીજો દીપક અને ભત્રીજી દીપા જયલલિતાને વ્હાલાં પણ હતાં.

પરંતુ છેલ્લાં કેટલાંક સમયથી કોઈક અકળ કારણોસર એકમેકને મળવાના સંબંધોમાં અંતર વધતું ગયું. જયલલિતાએ ભાઈના પરિવાર સાથે સદંતર અબોલા લઈ લીધા. ગત સપ્ટેમ્બરમાં તેઓ ગંભીર રીતે બિમાર પડયા અને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા ત્યારે તેમના ભત્રીજીએ મળવાનો પ્રયાસ કર્યો તો પણ તેમને અંદર જવા દેવાયા ન હતા.

એ જ ઘટનાનું રવિ-સોમ અને મંગળવારે અંત્યેષ્ટિ દરમિયાન પુનરાવર્તન થયું. ત્રણેય દિવસ જયાના ભાઈના બંને સંતાનો હોસ્પિટલમાં આવ્યા, પણ આખો દિવસ સામાન્ય ચાહકો, પ્રશંસકોની જેમ હોસ્પિટલની બહાર જ ઊભા રહેવું પડયું. અંતિમ દર્શન કે અંત્યેષ્ટિમાં પણ તેમને આવવા ન દેવાયા.

જયલલિતાને પોતાના એક માસી સાથે પણ બહુ જ લગાવ હતો. એ માસા-માસી જયલલિતાની મુખ્યમંત્રી તરીકેની ત્રીજ ટર્મ સુધી તેમની સાથે જ રહેતા હતા. પરંતુ ક્રમશ :  તેમને પણ અકળ કારણોસર ઘરમાંથી હાંકી કઢાયા. એ નિ : સંતાન અને વયોવૃદ્ધ માસી અને માસા જયલલિતાએ કાઢી મૂક્યા પછી ઉંમરસહજ માંદગીને લીધે સરકારી હોસ્પિટલમાં સારવાર લેતા હતા અને મૃત્યુ પામ્યા ત્યારે પણ જયલલિતા અંતિમક્રિયામાં ગયા ન હતાં.

જયલલિતાએ દત્તક લીધેલા પુત્ર સુધાકરન પ્રત્યે ય તેમને ખૂબ સ્નેહ હતો અને તેના લગ્નમાં જયલલિતાએ ટીકાની પરવા કર્યા વગર લખલૂટ ખર્ચ કર્યો હતો. આજે એ દત્તક પુત્ર પણ ક્યાંય ચિત્રમાં નથી. અત્યારે ચિત્રમાં ફક્ત ફક્ત શશીકલા જ સઘળે ઠેકાણે અડીખમ જોવા મળ્યા... જયલલિતાના એક માત્ર વારસ, સગાં, વહાલાં, સંબંધી, સખી જે ગણો તે!

શશીકલાની જોહુકમી એટલી હદની કે, રાજ્યના મુખ્યમંત્રી તરીકે વરાયેલા ઓ. પનીરસેલ્વમ પણ મીડિયા સમક્ષ વાત કરતી વખતે શશીકલાની સામે જોઈને બોલતાં જણાયા હતા અને શશીકલાની બાજનજર પણ સતત તેમના પર ફરતી હોવાનું ટીવીના દૃષ્યોમાં સ્પષ્ટ વર્તાતું હતું. વડાપ્રધાન સહિત, જયલલિતાના અંતિમ દર્શને આવેલા સૌ કોઈ પ્રતિષ્ઠિતો શશીકલાને જ મળતાં હતાં અને પનીરસેલ્વમ સહિત ટોચના પ્રધાનો, પક્ષના નેતાઓ ખૂણામાં ઊભા રહીને આંખો પર નેપકિન ફેરવ્યા કરતાં હતાં.

શશીકલા અને જયલલિતાના સંબંધ આટલાં ઘનિષ્ઠ કેમ છે એ તામિલ રાજનીતિનો બહુ જ મોટો અને કદી ન ઉકેલાયેલો કોયડો છે. જયલલિતા પોતે અત્યંત વિચક્ષણ હતાં. સાહિત્યનો ભારે શોખ ધરાવતા જયલલિતાના ફાંકડાં અંગ્રેજીથી પ્રભાવિત થયેલા રામચંદ્રન એટલા માટે જ તેમને રાજનીતિમાં લઈ આવ્યા હતા કારણ કે જયાની કોઠાસૂઝ ખૂબ સારી હતી. આમ છતાં તેઓ શશીકલા પીવડાવે એટલું જ પાણી પીએ એવું કેમ બનવા લાગ્યું?

શશીકલા મુદ્દલ એક સામાન્ય સ્તરના મહિલા હતા. તામિલનાડુ-કર્ણાટકની સરહદ પાસેના ગામમાં જન્મેલા શશીકલાના પતિ નટરાજન તામિલનાડુ સરકારના માહિતી ખાતામાં અધિકારી હતા. નટરાજન જેમનાં હાથ નીચે કામ કરતાં હતા એ માહિતી કમિશનર વી. ચંદ્રલેખા તત્કાલીન મુખ્યમંત્રી એમ.જી.રામચંદ્રનના વિશ્વાસુ ગણાતા હતા. આ એ સમયની વાત છે જ્યારે એમ.જી.આર. જયલલિતાની વાજતેગાજતે રાજકારણમાં એન્ટ્રી કરાવવા વિચારતા હતા.

ફિલ્મોના જબ્બર શોખીન શશીકલા એ વખતે વીડિયો પાર્લર ચલાવતા હતા અને શાદી-બ્યાહ એવા પ્રસંગે વીડિયો શૂટિંગ કરવાનું કામ પણ કરતાં હતા. નટરાજને ચંદ્રલેખાને ભલામણ કરી અને ચંદ્રલેખાએ એમજીઆરને ભલામણ કરી. એમ જયલલિતાના વીડિયો શૂટ કરવા માટે શશીકલાને બોલાવવામાં આવ્યા અને એ બંને વચ્ચે પ્રથમ વખત મેળાપ થયો.

ન તો શશીકલા કંઈ વિજય આનંદ જેવા દિગ્દર્શક હતા કે ન તો તેમનામાં અભિનય, સાહિત્ય કે રાજકારણની કોઈ સૂઝ હતી. તેમ છતાં છ મહિના સુધી ચાલેલા વિડીયો શૂટિંગ દરમિયાન કંઈક એવું બન્યું કે શશીકલા ઘણો ખરો સમય જયલલિતાના (એમજીઆરે આપેલા) બંગલે જ રહેવા લાગ્યા અને વીડિયો તૈયાર થઈ ગયા, પાર્ટીએ પ્રચારમાં પણ મૂકી દીધા પરંતુ ઘરમાં પ્રવેશેલા શશીકલા બહાર ન નીકળ્યા.

એ પછી એવું કહેવાય છે કે જયલલિતાના ઈમેજ મેકઓવરમાં શશીકલાનું બહુ મોટું યોગદાન હતું. એમજીઆરની હયાતિમાં જયલલિતા પ્રચાર મંત્રી હતા ત્યારે તેમનાં ભાષણોના મુસદ્દા તૈયાર કરવા, જયલલિતાની બોડી લેંગ્વેજથી માંડીને પહેરવેશ પર ધ્યાન આપવું સહિતની તમામ જવાબદારી શશીકલા સંભાળતા હતા.

એમજીઆરના નિધન પછી તેમના પત્ની જાનકી અને જયલલિતા વચ્ચે ઘર્ષણ થયું ત્યારે જાનકીના સમર્થકો ગમે તેટલો સિતમ ગુજારે તો પણ જાહેર સ્થળ ન છોડવા માટે જયલલિતાને શશીકલાએ જ મક્કમ કર્યા હતા. સમર્થકોએ જયલલિતાનો ટપલીદાવ કર્યો.

અડફેટે ચડાવ્યા. એમજીઆરના પાર્શ્વદેહને લઈ જતા વાહનમાંથી ધક્કા મારીને ઉતારી દીધા. આ સઘળો અત્યાચાર જયલલિતાએ સપાટ ચહેરે અને મૂંગા મોંએ સહી લીધો.  પરંતુ ટીવી પર દેખાયેલા અને તસવીરકારોના કેમેરાની આંખે ચઢેલા એ દૃષ્યોએ જનતામાં જયલલિતા માટે અભૂતપૂર્વ સહાનુભૂતિનો જુવાળ સર્જી દીધો હતો. એ માસ્ટરમાઈન્ડ શશીકલાનું હતું.

એ જ રીતે ડીએમકેના ધારાસભ્યોએ ધરણા પર બેઠેલા જયલલિતા સાથે અડપલા કર્યા, તેમની સાડી ખેંચી એ વખતે પણ જયલલિતાની પીડિત અબળાની છબી માધ્યમો સમક્ષ ચિતરવામાં શશીકલાની જ ભૂમિકા હતી. શશીકલા સાથે જયલલિતાને બે વખત અણબનાવ બન્યો હતો અને બંને વખત ઘરમાંથી હાંકી કઢાયેલા શશીકલા બહુ ટૂંકા સમયમાં જ પરત ફરીને પુન :  શક્તિશાળી બની ગયા હતા.

પોતાના વિશે માધ્યમો સમક્ષ કદી એક હરફ ન ઉચ્ચારનાર શશીકલા લાઈમલાઈટમાં આવ્યા વગર સત્તાના અસલી સૂત્રો પોતાના હાથમાં રાખવામાં માહેર છે. તેમનો જનાધાર શૂન્ય છે પરંતુ સંગઠન પરની પકડ અત્યંત મજબૂત છે. અલબત્ત, જનાધાર વગર ક્યાં સુધી તેઓ કોઈ હોદ્દા વિનાની આ ધાક જાળવી શકે છે એ એક સવાલ છે.

એક શક્યતા એવી પણ મૂકાઈ રહી છે કે આગામી સમયમાં શશીકલા કેન્દ્રની એનડીએ સરકાર સાથે જોડાણ કરીને બદલામાં તામિલનાડુની રાજનીતિ માટે અભયવચન માંગી શકે છે. ડીએમકેના કરુણાનિધિ હવે પાનખરમાં છે. તેમના પરિવારમાં પણ અંટસ ઓછી નથી.

એ સંજોગોમાં જયલલિતા પ્રત્યેના લોકોના આદરને જો એક વાર રોકડી કરવામાં શશીકલા સફળ રહેશે તો પછી બાકીની સોગઠાંબાજી તો તેમને આવડે છે.  આગામી દિવસોમાં તામિલનાડુ ઘણાં પ્રકારે સમાચારો સર્જવામાં નિમિત્તરૃપ બનશે એ હવે નિશ્ચિત ગણવું રહ્યું.

Keywords news,focus,08,december,2016,

Post Comments