Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

કુલભુષણ જાધવ કેસ : હેગનો ચૂકાદો પાકિસ્તાન સ્વિકારશે?

- પાકિસ્તાનની દરેક દલીલો મોળી સાબિત થઈ છે અને ખાસ તો મુખ્ય પૂરાવો ગણાતો વીડિયો પણ અદાલતે નકાર્યો છે

- બંને દેશોએ વિયેના ચાર્ટર તરીકે ઓળખાતી સંધિ સ્વિકારી છે, જે અંતર્ગત ન્યાયિક મુદ્દે વિખવાદ સર્જાય ત્યારે આંતરરાષ્ટ્રિય અદાલતનો આદેશને સ્વિકારવાની બાંહેધારી આપેલી છે


કુલભુષણ જાધવને પાકિસ્તાને ભારતીય જાસુસ ગણાવીને જાહેર કરેલ ફાંસીની સજા સામે આખરે હેગની આંતરરાષ્ટ્રીય અદાલતમાં બંને પક્ષની સુનાવણી પૂરી થઈ છે. હવે ગુરુવારે બપોરે ભારતીય સમય મુજબ બપોરે ત્રણ વાગે ચૂકાદો જાહેર થાય તેવી શક્યતા છે. અલબત્ત, એ પછી પણ જાધવના ભાવિ સામેનો પ્રશ્નાર્થ એટલી આસાનીથી હટે તેવું લાગતું નથી.

આંતરરાષ્ટ્રીય અદાલત યાને ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ભારતે કુલભુષણ જાધવને ફાંસી આપવાના પાકિસ્તાનના હુકમ સામે અપીલ કરી એ પછી અદાલતી કાર્યવાહીમાં પણ સતત ઉતાર-ચડાવ જોવા મળ્યા છે. આંતરરાષ્ટ્રિય અદાલતમાં આ કેસ લઈ જવાના નિર્ણયની યોગ્યાયોગ્યતા વિશે પણ દેશભરના કાનૂનવિદ્માં મતભેદ જોવા મળ્યા છે. સાથોસાથ એ પણ પ્રશ્ન છે કે ધારો કે આંતરરાષ્ટ્રીય અદાલતનો ચૂકાદો ભારતની તરફેણમાં આવ્યો તો પણ પાકિસ્તાન એ સ્વિકારવા બંધાયેલું છે ખરું?

બીજા વિશ્વયુદ્ધની રણભેરી ઓસરવાની તૈયારી હતી ત્યારે જ એ મહાયુદ્ધે સમગ્ર દુનિયાને એવી થથરાવી દીધી હતી કે ભવિષ્યમાં આવી સ્થિતિ કદી નિર્માણ ન થવી જોઈએ એવી લાગણી સમગ્ર વિશ્વમાં ઊભી થવા લાગી હતી. દ્વિતિય વિશ્વયુદ્ધ પહેલાં જ આમ તો રાષ્ટ્રસંઘ નામે આંતરરાષ્ટ્રીય મંચ અસ્તિત્વમાં હતો જ, પરંતુ એ મંચ હાથ, દાંત, ન્હોર વગરનો હતો. ખુદ અમેરિકાએ રાષ્ટ્રસંઘમાં જોડાવાનું ટાળ્યું હતું. જર્મની ઉપરાંત જાપાન અને ઈટાલી પણ અનેક વખત રાષ્ટ્રસંઘના આદેશો ઘોળીને પી ગયા હતા.
આથી અમેરિકાએ રાષ્ટ્રસંઘ જેવા જ પરંતુ એથી વધુ મજબૂત, સક્ષમ અને અસરકારક પ્લેટફોર્મની રચનાનું બીડું ઝડપ્યું. અમેરિકન પ્રમુખ ફ્રેન્કલિન ડી. રૃઝવેલ્ટે અન્ય મહત્ત્વના રાષ્ટ્રોની સહમતીથી વોશિંગ્ટન ખાતે નવા રાષ્ટ્રસંઘના ઉદ્દેશો અને હેતુઓ સંબંધિત કેટલીક પ્રાથમિક નોંધ તૈયાર કરી, જે વોશિંગ્ટન ચાર્ટર તરીકે ઓળખાય છે. આ રીતે રાષ્ટ્રસંઘને બદલે સંયુક્ત રાષ્ટ્રસંઘ નામે નવી આંતરરાષ્ટ્રીય સંસ્થા અસ્તિત્વમાં આવી.

અગાઉનો રાષ્ટ્રસંઘ નિષ્ફળ ગયો હતો તેના કેટલાંક મુખ્ય કારણોમાં એક કારણ એ હતું કે તેની પાસે ન તો પોતાનું લશ્કર હતું કે ન તો તેનો આદેશ માનવાની સભ્ય રાષ્ટ્રોને ફરજ પડે એ પ્રકારના અધિકાર હતા. વળી, આંતરરાષ્ટ્રીય વિખવાદો ઉકેલવા માટેના કાનૂની ફોરમનો પણ તેમાં અભાવ હતો. એ નિવારવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘે સૌથી પહેલાં આંતરરાષ્ટ્રીય અદાલતની સ્થાપનાને મહત્ત્વ આપ્યું અને નેધરલેન્ડના હેગ ખાતે તેનું હેડ ક્વાર્ટર રાખવામાં આવ્યું.

૧૯૪૫થી કાર્યરત આ વૈશ્વિક અદાલતમાં કુલ ૧૫ ન્યાયાધીશ હોય છે અને તેની કાર્યવાહી અંગ્રેજી તેમજ ફ્રેન્ચ ભાષામાં થાય છે. ન્યાયાધીશોની નિયુક્તિ સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતિ સમિતિ દ્વારા કરવામાં આવે છે. અત્યાર સુધી ઘણાં કેસમાં વિશ્વ અદાલતના ચૂકાદાઓ નિર્ણાયક બન્યા છે અને એવા કિસ્સાઓ પણ ઓછા નથી જેમાં વિશ્વ અદાલતના ચૂકાદાઓને સ્વિકારવાનો સભ્ય રાષ્ટ્રોએ ઈનકાર કર્યો હોય. વિટો પાવર ધરાવતા ચીન અને રશિયા જેવા દેશોએ પણ વિશ્વ અદાલતના ચૂકાદાઓનો અનાદર કરેલો છે. એ સંજોગોમાં પાકિસ્તાન પાસેથી આમાન્યાની અપેક્ષા રાખવી વધારે પડતું ગણાશે.

આમ છતાં, કુલભુષણ જાધવનો બચાવ કરવા માટે આંતરરાષ્ટ્રીય અદાલતમાં જવાનો ભારતનો નિર્ણય સ્હેજપણ અસ્થાને ગણાવો જોઈએ નહિ. ભારતે મુખ્ય ચાર કારણોને ધ્યાનમાં લઈને અપીલમાં જવાનું પસંદ કર્યું છે. પહેલું કારણ તો એ છે કે કુલભુષણ જાધવને કાનૂની સહાયતા આપવા માટે ભારતે કરેલી ઓફર પાકિસ્તાને સ્વિકારી નથી. અર્થાત્, તેને પૂર્ણતઃ પાકિસ્તાની મુનસફી પર છોડી મૂકવામાં આવ્યો છે. કુલભુષણ જાધવ એ પાકિસ્તાનનો વ્યક્તિગત ગુનેગાર નથી એવું તો પાકિસ્તાન પણ સ્વિકારે છે. જો પાકિસ્તાનના આરોપ મુજબ એ ભારતનો જાસુસ હોય તો ભારતને પણ પોતાનો પક્ષ મૂકવાનો અધિકાર હોવો જોઈએ. આ કિસ્સામાં પાકિસ્તાને તેનું ઉલ્લંઘન કર્યું છે અને પોતાની રીતે જ જાધવને ભારતનો જાસુસ ગણાવીને ન્યાય તોળી દીધો છે.

આઘાતજનક બાબત તો એ છે કે પાકિસ્તાને કઈ રીતે ન્યાય તોળ્યો અને ક્યા પૂરાવાઓને ધ્યાનમાં લીધા, કુલભુષણે પોતાના બચાવમાં શું દલીલો કરી અને શા માટે પાકિસ્તાની અદાલતે એ દલીલો સ્વિકારી નથી વગેરે તમામ બાબતોને લગતી પૂર્ણ કાનૂની કાર્યવાહીની વિગતો ભારતને સોંપવાનો ઈનકાર કર્યો છે.  ત્રીજું કારણ એ છે કે, પાકિસ્તાને ભારતીય દૂતાવાસના સરકાર નિયુક્ત અધિકારી સાથે પણ જાધવની મુલાકાત કરાવવાનો કે હાલમાં જાધવ ક્યાં છે, કઈ સ્થિતિમાં છે તેની સત્તાવાર માહિતી આપવાનો ય ઈનકાર કર્યો છે. સૌથી છેલ્લું કારણ બિલકુલ માનવિય છે. સમગ્ર દુનિયામાં દેહાંતદંડની સજા પામેલા ગુનેગારને તેના પરિવાર સાથે આખરી મેળાપ કરાવવો એ સર્વસ્વિકૃત ધારો છે. પાકિસ્તાને તેનું ય ઉલ્લંઘન કર્યું છે. જાધવના પરિવારજનોએ જાધવ સાથે મુલાકાતની પરવાનગી માંગી તો પણ પાકિસ્તાને તેમને વિઝા આપવાની પરવા કરી નથી.

આ દરેક કારણો એવા છે જે આંતરરાષ્ટ્રીય કાયદા મુજબ પાકિસ્તાનનો કેસ ઢીલો હોવાનું આસાનીથી સાબિત કરી શકે. વળી, પાકિસ્તાન જે બાબતને જોરશોરથી ચગાવે છે એ બાબત છે કુલભુષણ જાધવનું કબૂલતાનામું. આ કેસમાં પહેલેથી જ પાકિસ્તાન એક વીડિયો રજૂ કરતું રહ્યું છે, જેમાં કુલભુષણ જાધવ પોતે ભારતીય જાસુસ હોવાનું તેમજ રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગની સૂચનાથી પાકિસ્તાનમાં ભાંગફોડના ઈરાદે પ્રવેશ્યો હોવાનું કબૂલ કરે છે.

આવા વીડિયો બેરહેમ સિતમ પછી ભાંગી પડેલી કોઈપણ વ્યક્તિ આપી જ શકે. ભારતના સદ્નસીબે, આંતરરાષ્ટ્રીય અદાલતે પણ આ વીડિયોને પૂરાવો ગણવાનો ઈનકાર કરીને તેને સત્તાવાર લિસ્ટમાં સામેલ કરવાનું તો ઠીક, એકવાર નજર નાંખવા જેટલું ય મહત્ત્વ આપ્યું નથી. પાકિસ્તાન માટે આ બાબત બહુ મોટો ફટકો ગણાય છે.

ભારત અને પાકિસ્તાન બંને સંયુક્ત રાષ્ટ્રસંઘના સભ્યો છે. બંને દેશોએ વિયેના ચાર્ટર તરીકે ઓળખાતી સંધિ સ્વિકારી છે, જે અંતર્ગત બંને દેશો વચ્ચે ન્યાયિક મુદ્દે વિખવાદ સર્જાય ત્યારે આંતરરાષ્ટ્રિય અદાલતની કાર્યવાહી તેમજ આદેશને સ્વિકારવાની બંને દેશોએ બાંહેધારી આપેલી છે. એ જોતાં પાકિસ્તાન ચૂકાદો સ્વિકારવા બંધાયેલું તો છે જ. પરંતુ ચીન જેવો સળીબાજ દેશ તેનો સલાહકાર હોય ત્યારે પાકિસ્તાનને અવળચંડાઈ કરવાના તમામ ચાળા સૂઝી શકે છે.
કુલભુષણ જાધવના ભવિષ્ય અંગે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે તેના કુશળક્ષેમ માટે પ્રાર્થના કરીએ.

એક રૃ. ફી લેનાર હરિશ સાલ્વે કોણ છે?
* બુધવારે વિદેશમંત્રી સુષ્મા સ્વરાજે ટ્વિટર પર તેમને પૂછાયેલા એક સવાલના જવાબમાં જાહેર કર્યું એ મુજબ, કુલભુષણ જાધવના બચાવ માટે આંતરરાષ્ટ્રીય અદાલતમાં મથામણ કરી રહેલા ભારતીય વકિલ હરિશ સાલ્વેએ ટોકન તરીકે ફક્ત ૧ રૃ. ફી લીધી છે. અલબત્ત, હાઈ પ્રોફાઈલ કેસમાં આવી ટોકન ફી લેવાનો અને એ રીતે મબલખ પ્રસિદ્ધિ મેળવવાનો રિવાજ છે. અગાઉ રામ જેઠમલાણીએ પણ ઈન્દિરા ગાંધીના હત્યારાઓના બચાવમાં ટોકન ફી લીધી હતી.
* હરિશ સાલ્વેના પિતા નારાયણ કૃષ્ણપ્રસાદ સાલ્વે અગ્રણી ધારાશાસ્ત્રી હોવા ઉપરાંત કોંગ્રેસના ટોચના નેતા તરીકે પણ જાણીતા હતા. એન.કે.પી. સાલ્વે તરીકે ઓળખાતા સિનિયર સાલ્વે ત્યારે ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ તરીકે ઓળખાતા આજના બીસીસીઆઈના સર્વેસર્વા પણ હતા. ૧૯૮૩માં ભારત પ્રુડેન્શિયલ કપ જીત્યું પછી ૧૯૮૭ના વર્લ્ડકપની યજમાની ભારતને અપાવવામાં સિનિયર સાલ્વેની મહેનત કારણભૂત હતી.
* પિતાની માફક હરિશ સાલ્વેને પણ કોંગ્રેસ સાથે વધારે નજદીકી રહી છે. બંધારણિય, કંપની લો, કમર્શિયલ લોના નિષ્ણાત ગણાતા સાલ્વે યુપીએ સરકાર વખતે સોલિસિટર જનરલ પણ રહી ચૂક્યા છે. જોકે, એ વખતે પણ અરુણ જેટલી સાથેના તેમના ઘનિષ્ઠ સંબંધોને લીધે ૨૦૦૨ના રમખાણો સંબંધિત કેસમાં તેઓ તત્કાલિન ગુજરાત સરકાર સામે કુણું વલણ દાખવતા હોવાનો આક્ષેપ થયો હતો.
* ટાટા, અંબાણી જેવા દિગ્ગજો ઉપરાંત વોડાફોન, પેપ્સી જેવી મહાકાય કંપનીઓના વકિલ તરીકે અનેક ચર્ચાસ્પદ કેસ લડી ચૂકેલા સાલ્વેની ગણતરી દેશના સૌથી મોંઘા વકિલોમાં થાય છે. જે કેસમાં સલમાનને ફાસ્ટેસ્ટ જામીન મળ્યા હતા એ કેસમાં પણ સાલ્વે જ સલમાનના વકિલ હતા.

 

Post Comments