Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમિત શાહ નારાજ નીતીશ કુમારને મનાવવામાં સફળ નીવડશે ખરાં?

ભાજપ અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી વચ્ચે રાજ્યમાં એનડીએમાં બેઠકોની ફાળવણીના મુદ્દે મુલાકાત યોજાઇ
 

ભાજપનું લક્ષ્યાંક છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં વધારેમાં વધારે બેઠકો મેળવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હાથમાં ફરી પાંચ વર્ષ માટે દેશની કમાન સોંપવી અને નીતીશ કુમાર જાણે છે કે પોતાની રાજકીય ગણતરી પાર પાડવા માટે ભાજપ અને અમિત શાહ તેમને બિહાર અને કેન્દ્ર બંને જગ્યાએથી રસ્તામાંથી હટાવવામાં જરા પણ નહીં ખચકાય

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂ નેતા નીતીશ કુમારની મુલાકાત લીધા બાદ ભાજપ અને જેડીયૂ વચ્ચેના જોડાણમાં તિરાડ પડવાની સંભાવના ફગાવી દેતા જાહેર કર્યું છે કે બંને પક્ષો વચ્ચેનું જોડાણ આગામી સમયમાં પણ ચાલુ રહેશે અને બંને પક્ષો સાથે મળીને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડશે. એવું જાણવા મળી રહ્યું છે કે બંને નેતાઓ વચ્ચે આગામી લોકસભાની ચૂંટણીમાં બેઠકોની ફાળવણી સહિતના તમામ મુદ્દે વાતચીત થઇ છે.

અમિત શાહ અને નીતીશ કુમાર વચ્ચેની આ મુલાકાત એટલા માટે મહત્ત્વની મનાઇ રહી છે કે હજુ ગયા રવિવારે જ જેડીયૂએ જાહેરાત કરી છે કે તે રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિઝોરમની આગામી વિધાનસભાની ચૂંટણીઓ એકલા હાથે લડશે.

આ મુદ્દે નીતીશ કુમારનું કહેવું છે કે ભાજપ સાથે તેમનું જોડાણ બિહાર પૂરતું જ સીમિત છે. જેડીયૂના આ વલણને જોતા રાજકીય પંડિતો એવી અટકળો લગાવી રહ્યાં છે કે બંને પક્ષો વચ્ચેના જોેડાણમાં તિરાડ પડી રહી છે. જોકે ગયા મહિને નીતીશ કુમારે ભાજપ અને જેડીયૂ વચ્ચે મનદુઃખ હોવાની વાતનો ઇન્કાર કરતા કહ્યું હતું કે તેમનું ગઠબંધન ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી સાથે મળીને જ લડશે.

છેલ્લા થોડા સમયથી નીતીશ કુમારનો મિજાજ જોતા કેટલાક સવાલો ઊભા થઇ રહ્યાં છે. પહેલો તો એ કે બિહારમાં બેઠકોની ફાળવણીને લઇને જેડીયૂની માંગ ભાજપ સંતોષશે ખરો? બિહારમાં એનડીએના ઘટક પક્ષો જેવાં કે ભાજપ, જેડીયૂ, રામવિલાસ પાસવાનના રાષ્ટ્રીય લોકદળ અને ઉપેન્દ્ર કુશવાહની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટી વચ્ચે બેઠકોના મામલે જે ઘમાસાણ ચાલી રહ્યું છે એનો અંત આવશે?

શું અમિત શાહ નારાજ નીતીશ કુમારને મનાવવામાં સફળ થશે ખરાં? શું બિહારના રાજકારણમાં નીતીશ કુમાર એનડીએનો ચહેરો હશે? કે પછી નીતીશ કુમાર ભાજપ અને એનડીએથી અલગ થઇને ચૂંટણી લડશે? આ તમામ સવાલો રાજકીય પંડિતોના મનમાં થઇ રહ્યાં છે.

બિહારમાં જેડીયૂ અધ્યક્ષ નીતીશ કુમાર મોટી ભૂમિકા ભજવવા ધારે છે અને એટલા માટે જ આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ રાજ્યની ૪૦ બેઠકોમાંથી ઓછામાં ઓછી ૨૫ બેઠકો ઉપર પોતાના ઉમેદવાર ઊભા રાખવા ઇચ્છે છે. જોકે ગત લોકસભા ચૂંટણીમાં ભાજપની લહેરમાં જેડીયૂએ માત્ર બે જ બેઠકો મેળવી હતી.

હાલ બિહારની લોકસભાની ૪૦ બેઠકોમાંથી ૩૧ ઉપર ભાજપ અને તેના જૂના સહયોગી દળો એલજેપી અને આરએલએસપી કબજો ધરાવે છે.  રામવિલાસ પાસવાનના એલજેપી અને ઉપેન્દ્ર કુશવાહના આરએલએસપીને પણ જેડીયૂ કરતા વધારે બેઠકો મળી હતી.એટલે આ પક્ષો પણ નીતીશ કુમારના વધારે બેઠકો ફાળવવાના દાવાને સ્વીકારે એ શક્ય નથી.

જેડીયૂની માંગ છે કે બેઠકોની ફાળવણી માટે ૨૦૦૯ની લોકસભાની ચૂંટણીની ફોર્મ્યૂલા અપનાવવામાં આવે. ૨૦૦૯માં જેડીયૂને ૨૦ અને ભાજપને ૧૨ બેઠકો મળી હતી. હવે જો ભાજપ જેડીયૂની આ માંગ સ્વીકારે તો પછી તેણે અન્ય સહયોગીની બેઠકોમાં કાપ મૂકવો પડે. જેડીયૂની દલીલ છે કે તેમનું જોડાણ માત્ર ભાજપ સાથે છે એ સંજોગોમાં તેમણે અન્ય સહયોગીઓ સાથેની વ્યવસ્થા પોતાની રીતે કરવી પડશે.

હવે જો આરએલએસપી અને એલજેપી બેઠકોની ફાળવણીના મામલે સમાધાન ન કરે તો ભાજપના ભાગે માત્ર ચાર બેઠકો આવે. ગત લોકસભાની ચૂંટણીમાં બાવીસ બેઠકો હાંસલ કરનાર ભાજપ ચાર બેઠકો ઉપર ચૂંટણી લડે એ વાત જ હાસ્યાસ્પદ લાગે છે.

એ સંજોગોમાં અમિત શાહ માટે બેઠકોની ફાળવણી ભારે પડકારભર્યો પ્રશ્ન બની રહ્યો છે. બિહાર યાત્રા દરમિયાન અમિત શાહ નીતીશ કુમાર ઉપરાંત એનડીએના અન્ય ઘટક પક્ષોના નેતાઓ સાથે પણ મુલાકાત યોજશે અને એવું દર્શાવવાનો પ્રયાસ કરશે કે બિહાર એનડીએમાં બધું બરાબર ચાલી રહ્યું છે. નીતીશ કુમારને પણ કદાચ આનો ખ્યાલ આવી ગયો છે અને એટલા માટે તેઓ છેલ્લા થોડા સમયથી ભાજપવિરોધી સૂર કાઢી રહ્યાં છે.

ખાસ કરીને બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો ન મળવાના કારણે તેઓ ખાસા નારાજ છે. એ જ રીતે કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ તેમની પાર્ટીને સ્થાન ન મળતા તેઓ નારાજ હોવાનું મનાઇ રહ્યું છે. બેઠકોની ફાળવણીના મુદ્દે ભાજપ તરફથી નરમીના કોઇ સંકેત ન મળતા હાલમાં નીતીશ કુમારે ૧૭ બેઠકો ઉપર જેડીયૂના ઉમેદવાર ઊભા રાખવાનો સંકેત પણ આપ્યો હતો.

ગયા વર્ષે લાલુપ્રસાદ એન્ડ ફેમિલી ઉપરના ભ્રષ્ટાચારના આરોપોના પગલે નીતીશ કુમાર આરજેડી અને કોંગ્રેસ સાથેના મહાગઠબંધનથી છેડો ફાડીને ભાજપના સહયોગથી રાજ્યમાં ફરી વખત મુખ્યમંત્રીપદે બિરાજ્યાં ત્યારે ઘણાં લોકોએ તેમના આ પગલાને બિરદાવ્યું હતું. જોકે એ પછીના સમયમાં નીતીશ કુમાર ભાજપની કેન્દ્રીય નેતાગીરી દ્વારા સતત હાંસિયામાં ધકેલાઇ રહ્યાં હોવાનું અનુભવી રહ્યાં છે.

તાજેતરમાં જ બિહારની બે પેટાચૂંટણીઓમાં મળેલી હારના કારણે નીતીશ કુમાર હવે સભાન બની ગયા છે કે ક્યાંક તો કશીક ચૂક થઇ રહી છે. એટલા માટે જ હવે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની તેમની માંગને તેજ કરીને તેમણે રાજ્યમાં ફરી વખત પોતાનો જનાધાર ઊભો કરવાના પ્રયાસો આદર્યાં છે.

નીતીશ કુમાર હાલ દેશના ગણ્યાંગાંઠયા એવા નેતાઓમાં સામેલ છે જેમની છબી સાફ છે. જોકે બિહારમાં છેલ્લા બાર વર્ષથી શાસનમાં હોવા છતાં રાજ્યનો એ હદે વિકાસ થઇ શક્યો નથી જે ગતિએ થવો જોઇતો હતો. એ સંજોગોમાં હવે નીતીશ કુમાર માટે પોતાના પક્ષનું મહત્ત્વ જાળવી રાખવાની સાથે સાથે પોતાનું કદ જાળવી રાખવાનો પડકાર પણ ઊભો થયો છે. એટલા માટે જ હવે જેડીયૂએ જાહેર કર્યું છે કે બિહારમાં એનડીએનો ચહેરો નીતીશ કુમાર રહેશે.

થોડા સમય પહેલાં જ એનડીએના મહત્ત્વના સહયોગી રહેલા ટીડીપીના નેતા અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડૂએ ભાજપ સાથે છેડો ફાડીને ભાજપવિરોધી મોરચાની સાથે આવવાના સંકેત આપ્યાં છે. એ સંજોગોમાં હવે ભાજપને નીતીશ કુમાર જેવા મોટા ગજાના નેતા ગુમાવવા પોષાય એમ નથી. જોકે લોકસભાની ચૂંટણી પહેલાં નીતીશ કુમારનો મિજાજ કેવો રહે છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે.

એક સમય હતો જ્યારે નીતીશ કુમાર ભાજપ અને મોદી વિરોધી જૂથના ટોેચના નેતાઓમાં ગણાતા હતાં. ઘણાં લોકો તો તેમને ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં વિપક્ષના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે પણ જોતા હતાં. સાફસૂથરી છબી હોવાના કારણે તેઓ વડાપ્રધાન મોદી સામે બરોબરીની ટક્કર આપી શકે એમ લાગતું પણ હતું. પરંતુ હવે ભાજપ સાથે જોડાણ કર્યા બાદ ચિત્ર સાવ બદલાઇ ચૂક્યું છે.

આજે વડાપ્રધાન મોદીની છબી સામે નીતીશ કુમારની છબી સાવ વામણી બની ચૂકી છે. જાણે હવે તેઓ રાષ્ટ્રીય કક્ષાના નહીં પરંતુ સ્થાનિક કક્ષાના કોઇ નેતા હોય એવું લાગી રહ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ વખતે એવું લાગતું હતું કે જેડી(યૂ)ને સ્થાન આપવામાં આવશે પરંતુ એવું ન બન્યું. એવું પણ સાંભળવા મળે છે કે નીતીશ કુમારને વડાપ્રધાન મોદીને મળવા માટે પસંદગીનો સમય પણ આપવામાં નથી આવતો. બીજી બાજુ ભાજપથી છૂટા પડીને કોંગ્રેસ અને આરજેડી સાથેના ગઠબંધનમાં જવાના માર્ગો પણ નીતીશ કુમાર માટે બંધ થઇ ચૂક્યાં છે.

બિહારનો રાજકીય માહોલ જોતા હાલ તો અમિત શાહ અને નીતીશ કુમાર વચ્ચેની મુલાકાત ઉપર બિહારની વિપક્ષી પાર્ટીઓની નજર પણ છે. કારણ કે આ મુલાકાતમાં અનેક મુદ્દે ચર્ચા વિચારણા થશે અને એ પ્રમાણે વિપક્ષી દળો પોતાની ભાવિ રણનીતિ તૈયાર કરશે. દાખલા તરીકે નીતીશ કુમાર એનડીએમાં જોડાયેલા રહે તો તેમના વચ્ચે બેઠકોની ફાળવણી અંગેની ફોર્મ્યૂલા પણ નક્કી થશે. મતલબ કે આ અમિત શાહ અને નીતીશ કુમાર વચ્ચેની મુલાકાત બાદ કોંગ્રેસ, લાલુપ્રસાદ યાદવના આરજેડી અને જીતનરામ માંઝીના હિન્દુસ્તાની અવામ મોરચા વચ્ચે બેઠકોની ફાળવણી નક્કી થશે.

એક સમય હતો કે જ્યારે એનડીએમાં નીતીશ કુમારનો ડંકો વાગતો હતો. આ એ જ નીતીશ કુમાર છે જેમણે લગભગ ૧૫ વર્ષ સુધી બિહારમાં પોતાની શરતો ઉપર એનડીએ સાથેના ગઠબંધનનું નેતૃત્ત્વ કર્યું હતું. આ એ જ નીતીશ કુમાર છે જેમણે બિહારમાં ભાજપને આજ્ઞાાંકિત પાર્ટીની જેમ પોતાની આગેવાની હેઠળ કામ કરવા મજબૂર કરી હતી. આજે ફરી વખત નીતીશ કુમાર બિહારના મુખ્યમંત્રી છે અને ભાજપ રાજ્ય સરકારમાં જુનિયર પાર્ટનર છે. તેમ છતાં પરિસ્થિતિ સાવ અલગ છે. નીતીશ કુમાર સુપેરે જાણે છે કે અડવાણી-વાજપેયીના ભાજપ કરતા મોદી-શાહના ભાજપમાં જમીન આસમાનનું અંતર છે.

ભાજપનું ગણિત છે કે આગામી લોકસભાની ચૂંટણીમાં તેઓ વધારેમાં વધારે બેઠકો મેળવે કે જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા પાંચ વર્ષ સુધી ફરી વખત દેશના વડાપ્રધાન બની રહે. નીતીશ કુમાર જાણે છે કે ભાજપ અને અમિત શાહ પોતાનું રાજકીય ગણિત જાળવી રાખવા તેમને બિહાર અને કેન્દ્ર બંને જગ્યાએથી રસ્તામાંથી હટાવવામાં જરા પણ પાછી પાની નહીં કરે.એ સંજોગોમાં નીતીશ કુમાર માટે ભાજપની શરતોને આધીન થવા સિવાય કોઇ આરો નથી.

Post Comments