Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

દેશમાં વધી રહેલા હિંસાના બનાવોના કારણે અર્થવ્યવસ્થાને મોટો ફટકો

દેશમાં હિંસા અને હુલ્લડોના કારણે ૨૦૧૭ના માત્ર એક જ વર્ષમાં ૮૦ લાખ કરોડ રૃપિયાનં  નુકસાન થયું

છાશવારે થઇ જતી હિંસક ઘટનાઓ અને હુલ્લડો પાછળ દેશની અર્થવ્યવસ્થાનો એક મોટો હિસ્સો ખર્ચ થઇ જાય છે તો રોકાણકારોને પણ શાંતિપૂર્ણ માહોલ પસંદ છે પરંતુ દેશમાં જે રીતે હિંસાના બનાવો વધી રહ્યાં છે તેના કારણે રોકાણકારો પણ પૈસા લગાવતા ખચકાય છે

દેશના જુદાં જુદાં સ્થળોએ છાશવારે થઇ જતા હિંસાના બનાવોના કારણે પરચેઝિંગ પાવર પેરિટી એટલે કે ખરીદ ક્ષમતાને ધ્યાનમાં રાખીને ગણતરી કરવામાં આવે તો ભારતને ૨૦૧૭ના માત્ર એક જ વર્ષમાં ૮૦ લાખ કરોડ રૃપિયાનું નુકસાન થયું છે. ઇન્સ્ટીટયૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ નામની આંતરરાષ્ટ્રીય સંસ્થાએ વિશ્વના ૧૬૩ દેશો અને ક્ષેત્રોનું રિસર્ચ કરીને જાહેર કરેલા આ રિપોર્ટ અનુસાર વિશ્વના ૫૦ સૌથી ઓછા શાંતિપૂર્ણ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. આ યાદીમાં ભારતને ૧૩૬મું સ્થાન મળ્યું છે.

પરચેઝિંગ પાવર પેરિટી (PPP) એટલે કે ખરીદશક્તિ સમતા એક આર્થિક સિદ્ધાંત છે જેમાં જુદાં જુદાં દેશોના ચલણોની સરખામણી એ દેશોમાં વેચાતી ચીજવસ્તુઓના દામ વચ્ચેના તફાવતના આધારે કરવામાં આવે છે. આ રીતે જોતાં પરચેઝિંગ પાવર પેરિટીના કારણે એ ખ્યાલ આવે છે કે કોઇ એક વસ્તુ કે સેવાની કીંમત વચ્ચે બે જુદાં જુદાં દેશોમાં કેટલો તફાવત છે. ત્યારબાદ પીપીપી એક્સેચેન્જ રેટ કાઢવામાં આવે છે જેના આધારે કોઇ દેશની કુલ રાષ્ટ્રીય આવકને ડોલરમાં ફેરવવામાં આવે છે.
તાજ્જુબની વાત એ છે કે હિંસાના બનાવોના કારણે દેશની અર્થવ્યવસ્થાને થયેલા નુકસાનનો આ આંકડો દેશની કુલ જીડીપીના ૯ ટકા જેટલો ઊંચો છે.

બીજા શબ્દોમાં કહીએ તો હિંસાના કારણે દેશના પ્રત્યેક વ્યક્તિને એક વર્ષમાં ૪૦ હજાર રૃપિયાનું નુકસાન થયું છે. ૨૦૧૬-૧૭ના નાણાકીય વર્ષમાં માથાદીઠ વાર્ષિક આવક ૧,૦૩,૨૧૯ રૃપિયા જેટલી રહી હતી. જે જોતાં દેશમાં અશાંતિનો માહોલ કેટલું મોટું નુકસાન પહોંચાડી શકે છે એ ખ્યાલમાં આવે છે. જો દેશમાં  હિંસાના બનાવો ન બન્યા હોત તો આટલી મોટી રકમ અનેક વિકાસકાર્યોમાં ખર્ચાઇ શકી હોત. એ સંજોગોમાં એ વિચારવાની જરૃર ઊભી થઇ છે કે છાશવારે થઇ જતી હિંસક ઘટનાઓ અને હુલ્લડોને કેવી રીતે નાથવા કારણ કે ભારતની અર્થવ્યવસ્થાનો એક મોટો હિસ્સો હિંસાના કારણે જ ખર્ચ થઇ જાય છે.

આ રિપોર્ટમાં એક વાત સ્પષ્ટ કહેવામાં આવી છે કે રોકાણકારોને શાંતિપૂર્ણ માહોલ પસંદ છે. મતલબ કે જે દેશમાં હિંસા કે હુલ્લડોનું પ્રમાણ વધારે હોય છે ત્યાં રોકાણકારો પૈસા લગાવતા ખચકાય છે. ભારત એક મોટું બજાર હોવાના કારણે દુનિયાભરના રોકાણકારો અહીંયા રોકાણ કરવા આકર્ષાય એ સ્વાભાવિક છે. નહીંતર તો જે પ્રમાણમાં દેશમાં હિંસાના બનાવો બની રહ્યાં છે એ જોતાં વૈશ્વિક રોકાણકારો ભારતમાં રોકાણ કરતા જ ન હોત. જો હિંસાના બનાવો ઉપર કાબુ મેળવી લેવામાં આવે તો દુનિયાભરના રોકાણકારો ભારતમાં હજુ પણ વધારે રોકાણ માટે આવે એમ છે.

ગૃહ મંત્રાલયના આંકડા જોઇએ તો વર્ષ ૨૦૧૭માં દેશમાં સાંપ્રદાયિક હિંસાના ૮૨૨ બનાવો બન્યાં જેમાં ૧૧૧ લોકો માર્યા ગયા અને ૨,૩૮૪ જણાં ઇજાગ્રસ્ત થયા. હિંસાના સૌથી વધારે ૧૯૫ બનાવો ઉત્તરપ્રદેશમાં નોંધાયા જેમાં ૪૪ જણાં માર્યા ગયા અને ૫૪૨ જણાં ઇજાગ્રસ્ત થયા. ઉત્તરપ્રદેશ બાદ સૌથી અશાંત રાજ્યોમાં કર્ણાટકનું નામ આવે છે. આનો અર્થ એ કે હિંસાના મામલે દેશના ઉત્તરથી લઇને દક્ષિણ સુધી એક જ પરિસ્થિતિ છે.

ભારતીય સમાજ જુદાં જુદાં ધર્મો, જાતિઓ, સંપ્રદાયો અને ક્ષેત્રોમાં વહેંચાયેલો છે અને થોડા થોડા સમયે વિભિન્ન જાતિઓ, ધર્મો કે સંપ્રદાયોના લોકો વચ્ચે સંઘર્ષ થતો રહે છે. થોડા દિવસ પહેલાં જ પૂર્વોત્તરના આસામ રાજ્યના અંગલોંગ જિલ્લામાં ઉશ્કેરાયેલી ભીડે બે વ્યક્તિઓની માર મારીને હત્યા કરી નાખી. કારણ હતું કે સોશિયલ મીડિયા ઉપર એવી વાતો ફેલાઇ રહી હતી કે અજાણ્યા લોકો બાળકોનું અપહરણ કરી જાય છે.

ઉશ્કેરાયેલા ટોળાએ વ્યવસાયે સંગીતકાર અને એન્જિનિયર આ બંને યુવકોને પણ અપહરણકારો સમજી લીધા અને તેમની આજીજીઓ સાંભળ્યા વગર જ માર મારીને મોતને હવાલે કરી દીધાં. થોડા સમય પહેલાં જ તામિલનાડુના તૂતીકોરિન ખાતે સ્ટરલાઇટ કોપર પ્લાન્ટના વિરોધ કરી રહેલાં લોકો હિંસા ઉપર ઉતરી આવ્યાં અને પોલીસ ગોળીબારમાં ૧૪ જણાં મૃત્યુને શરણ થઇ ગયાં.
હકીકતમાં છેલ્લા થોડા સમયથી દેશાં બની રહેલી હિંસાની ઘટનાઓ એ વાત દર્શાવે છે કે દેશમાં અસહિષ્ણુતાનો માહોલ વધી રહ્યો છે. દેશમાં લોકશાહી અને મુક્ત સંવાદનું સ્થાન સંકોચાઇ રહ્યું છે.

છાશવારે થઇ જતાં હિંસાના બનાવોનું મૂળ વર્ષોથી ચાલ્યાં આવતા તણાવ અને સંઘર્ષોમાં રહેલું છે. એ સાથે જ છેલ્લા થોડા વર્ષોમાં દેશમાં જે માહોલ સર્જાયો છે એ પણ દેશની અશાંત પરિસ્થિતિ માટે જવાબદાર છે. છેલ્લા થોડા જ વર્ષોમાં લઘુમતિઓ, દલિતો, મહિલાઓ અને બાળકો ઉપર થતા અત્યાચાર અને હિંસાના બનાવોમાં મોટો વધારો જોવા મળ્યો છે. કાયદો અને વ્યવસ્થા જાળવતું તંત્ર ઉતાવળે હરકતમાં આવતું નથી અને આવે છે તો પણ મોટે ભાગે જુલમ કરનારના પક્ષમાં રહીને જ કામ કરે છે. ક્યારેક કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ હાથમાં પણ લે છે તો એટલી સુસ્તીથી કરે છે કે પીડિતોને ન્યાય મળવાની કોઇ આશા જ રહેતી નથી.

પોલીસનું કામ તંત્ર વતી કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. લોકશાહીમાં જનતા તંત્ર અને પ્રશાસન ચૂંટવામાં ભાગ લે છે. એટલા માટે પોલિસ જનતાની સેવક છે. જનતાને સુરક્ષા પૂરી પાડવી એ પોલીસનું કર્તવ્ય અને જવાબદારી છે. પરંતુ સામાન્ય રીતે જોવામાં આવે છે કે પોલીસ સામાન્ય જનતાને ગણકારતી જ નથી. આજે સત્તામાં જે તાકાતો રહેલી છે એ વિરોધ માટેનું ઉદાર વાતાવરણ જ સર્જી શકી નથી. ઉલટું ક્યાંયથી પણ જરા અમથો પણ વિરોઘનો અવાજ ઊઠે તો તેને તાબેડતોડ દબાવી દેવાનો પ્રયાસ થાય છે. કોઇ વિરોધ તો દૂર, સત્તાધીશોની નીતિની જરા અમથી ટીકા પણ કરે તો કહેવાતા દેશભક્તોની ટોળી તેના ઉપર તૂટી પડે છે. આજે પરિસ્થિતિ એ છે કે સરકારની સત્તા નિરંકુશ બની ગઇ છે. એ તાકાતનું પ્રદર્શન કરીને લોકોને કાબુમાં લેવા ધારે છે.

આજે દેશમાં કેટલાયે કારણો એવા છે જેના કારણે લોકોનો રોષ અને આક્રમકતા વધી રહ્યાં છે. ખરેખર તો સત્તાધારીઓએ પ્રજાજનોના રોષ અને આક્રોશના કારણો ઉપર ધ્યાન આપવાની જરૃર છે. એ સાથે જ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરતા પોલીસ તંત્રએ પણ હંમેશા બળપ્રયોગ કરવાના બદલે તણાવ ઘટાડવાની નીતિ ઉપર કામ કરવાની જરૃર છે. બળપ્રયોગ કરવો આસાન છે પરંતુ શાંતિપૂર્વક હલ કાઢવો એટલો જ મુશ્કેલ છે. હંમેશા બળપ્રયોગ કરવાના બદલે નાગરિકોને એવી તાલિમ આપવાની જરૃર છે કે તેઓ સ્વયં કાયદો અને વ્યવસ્થા પાળવા માટે જવાબદાર બને.

અવારનવાર થઇ જતી હિંસાની ઘટનાઓ માટે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓ પણ મોટો ભાગ ભજવે છે. આમ જોવા જઇએ તો ૨૦૧૪-૧૫ પહેલા કોઇએ ફેક ન્યૂઝ જેવો શબ્દ સાંભળ્યો પણ નહીં હોય. પરંતુ આ સમયગાળા દરમિયાન જ આ શબ્દ ચર્ચામાં આવવા લાગ્યો અને અવારનવાર કાને અથડાવા લાગ્યો. સાથે શરૃ થઇ ગઇ જથ્થાબંધના ભાવે બનાવટી સમાચારોની હારમાળા. આવા ફેક ન્યૂઝનો ખાસ એજેન્ડા હોય છે જેમાં અમુક ખાસ લોકોને નિશાન બનાવવામાં આવે છે અને પછી એની જાળ આગળ ને આગળ ફેલાતી જ જાય છે. થોડા વર્ષો પહેલાની પરિસ્થિતિ યાદ કરો તો સમાચારો બનાવટી હોઇ શકે છે એવું કોઇના મગજમાં પણ આવતું નહોતું.

આજે પરિસ્થિતિ સાવ બદલાઇ ચૂકી છે. કોઇ પણ સમાચાર કે માહિતી વાંચીએ કે જોઇએ કે મનમાં શંકા જન્મે છે કે આ સમાચાર સાચા હશે કે ખોટાં? કદાચ કોઇ અખબારોમાં ખોટી માહિતી છપાય તો લોકો વાંચીને ભૂલી પણ જાય કે નજરઅંદાજ કરી દે, પરંતુ આજે તો આવા ફેક ન્યૂઝને ફેલાવવાનું મુખ્ય માધ્યમ બની ગયું છે સોશિયલ મીડિયા. ખોટા સમાચાર, ખોટી તસવીરો, ખોટા વીડિયો, સ્થળોના નામ ખોટાં, લોકોના નામ ખોટાં. ઘણાં મીડિયા હાઉસ પણ સમાચારોના નામે સનસનાટી ફેલાવે છે. જોકે અનેક વખત જોવામાં આવ્યું છે કે સરકારના વખાણ કરતા ફેક ન્યૂઝ કોઇ ચેનલ ચલાવે તો એની સામે કાર્યવાહી કરવાનું કોઇને સૂઝતું નથી. સરકારને તકલીફ ત્યારે જ થાય છે કે મીડિયામાં સરકારને અસહજ સ્થિતિમાં મૂકતા સમાચારો આવે. સરકારની નિષ્ફળતાને ઉજાગર કરતા સમાચારો મીડિયામાં ચાલે ત્યારે જ મીડિયાને નૈતિકતા શીખવાડવાની વાતો થાય છે.

ભારતીય જનતા પાર્ટી વિકાસના મુદ્દે સત્તામાં આવી હતી. વર્તમાન સરકાર વાત વાતમાં વિકાસ કર્યો હોવાના દાવા તો કરે છે પરંતુ આંકડા જુદી જ વાત કહે છે. ખરેખર તો સરકારે વિચારવાની જરૃર છે કે જો એક જ વર્ષમાં માત્ર હિંસાની વધી રહેલી ઘટનાઓના કારણે દેશની અર્થવ્યવસ્થાને ૮૦ લાખ કરોડ રૃપિયાનું નુકસાન થાય છે તો એ સંજોગોમાં વિકાસ કેવી રીતે શક્ય છે? સમાજમાં શાંતિ અને સાંમજસ્ય વગર વેપાર અને ઉદ્યોગમાં પ્રગતિ થવી અશક્ય છે. એટલા માટે દેશમાં શાંતિ બહાલ કરવી માત્ર રાજનીતિ જ નહીં પરંતુ અર્થતંત્રના હિતમાં પણ છે.

Post Comments