Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેટવર્ક

સાહિત્યનો નોબેલ પ્રાઇઝ: વૈશ્વિક નામના, શેરી-ગલીની રાજનીતિ

પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બે અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ચાર મળીને કુલ સાત વરસ સાહિત્યનો નોબેલ નહોતો આપી શકાયો

અકાદમીની જે સદસ્યના પતિ પર છેડતીનો આરોપ મુકાયો છે તેની સામે ફોજદારી ચલાવી શકાય એવા કોઈ પુરાવા નથી

સ્વીડીશ સાહિત્ય અકાદમીનું બંધારણ મધ્યકાલીન યુગનું હોવાથી મુશ્કેલી વધી

રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે નામના ધરાવતા સાહિત્યકારો નોબેલથી પોખાવાનું સપનું જોતા હોય છે. રાજ્ય સ્તરે કે કોઈ પ્રદેશમાં કાઠુ કાઢનારા સાહિત્યકારો તો તે પામવા માટેનો વિચાર સુદ્ધા કરી શકતા નથી. એટલી ઊંચાઈ છે આ સન્માનની. પરંતુ આ સાહિત્ય સંસ્થામાં હાલ શેરી લેવલની રાજનીતિ ચાલી રહી છે. તમે તેને સાહિત્યકારના લેવલનું રાજકારણ પણ કહી શકો. તેના કારણે ૨૦૧૮નો સાહિત્યનો નોબેલ પ્રાઇઝ અટકી પડયો છે. સાહિત્યનો નોબેલ આપતી સંસ્થાને અને તેના વાદ-વિવાદને સમજવાની કોશિશ કરીએ.

સ્વીડનમાં આવેલી, સાહિત્યિક નોબેલ પ્રાઇઝ આપતી અકાદમીમાં ૧૮ સદસ્યો છે. તે ૧૯૦૧થી દર વર્ષે ઓક્ટોબરમાં એક અથવા અનેક સાહિત્યકારોની વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત પારિતોષિક માટે પસંદગી કરે છે. સમિતિના દરેક સભ્યને તેના નામથી નહીં પણ ખુરશી નંબરથી ઓળખવામાં આવે છે.

સંસ્થાની સ્થાપના ૧૭૮૬થી થયેલી છે.  નોબેલ શરૃ થયો એના કરરતા ૧૦૫ વર્ષ પહેલાની. દરેક સભ્ય આજીવન હોય છે. ન તો કોઈ સભ્યપદનો ત્યાગ કરી શકે છે. (ઇચ્છે તોય નહીં) ન કોઈની સદસ્યતા ઝટી શકાય છે. અકાદમીથી નારાજ સદસ્ય બહુ બહુ તો બેઠકમાં ભાગ લેવાનું બંધ કરી શકે છે. એથી વધુ કશું નહીં.   તે હયાત હોય ત્યાં સુધી તેની ખુરશી બીજા કોઈને આપી શકાતી નથી. (છેને વિચિત્ર પ્રકારના નિયમો!) કોઈપણ મહત્ત્વનો નિર્ણય લેવા માટે ૧૮માંથી કમસેકમ ૧૨ સભ્યની ઉપસ્થિતિ જરૃરી છે.

અત્યારે જે ધમાસાણ છેડાયું છે તેના પ્રત્યાઘાત રૃપે ૧૮માંથી આઠ સભ્યએ સાહિત્ય અકાદમીની કીટ્ટા કરીને જતા રહ્યા છે. તેમાં અધ્યક્ષ સારા દાનિયુસ પણ આવી જાય છે. જે ૧૦ સભ્યો બચ્યા છે તેઓ પણ અંદરો-અંદર બાખડી રહ્યા છે. ૧૦ સભ્યો સાહિત્યનું નોબેલ આપવાનો નિર્ણય કઈરીતે લઈ શકે? (ઉપર ન વાંચ્યું? મિનિમમ ૧૨ જોઈએ.) એટલે આ વખતે મુલતવી રહ્યું.

ડાયનામાઇટના આવિષ્કારક આલ્ફ્રેડ નોબેલનું ૧૮૯૬માં મૃત્યુ થયું હતું. મૃત્યુ પછીની તેની પહેલી ઈચ્છા રૃપે  ૧૯૦૧થી નોબેલ પ્રાઇઝ આપવાનો આરંભ થયો. (ખી... ખી... ખી...) ત્યારથી લઈને ૨૦૧૭ લગીમાં સાહિત્ય અકાદમી ૧૧૪ સાહિત્યકારોને સન્માનિત કરી ચૂકી છે. છેલ્લે બીજુ વિશ્વયુદ્ધ ચાલુ હતું ત્યારે ૧૯૪૦થી ૧૯૪૩ દરમિયાન સાહિત્યના નોબેલ આપી શકાયા નહોતા.

એ પછી પ્રથમ વખત એવું બન્યું છે.
સ્વીડનના રાજા કાર્લ ૧૬મા ગુસ્તાફ સાહિત્ય અકાદમીના સંરક્ષક છે. તેમણે તાાજેતરમાં ભારે સ્વરમાં કહ્યું કે અકાદમીમાં હાલમાં બની રહેલી ઘટનાઓને હું ભારે હૈયે નીરખી રહ્યો છું. પોતાની સૌથી મહત્ત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવવાની આ સંસ્થાની ક્ષમતા ખતરામાં પડી ગઈ છે.

તેમનું કહેવું છે કે અકાદમીના બંધારણમાં ફેરફાર થવો જોઈએ. સભ્યોને રાજીનામા આપવાની મંજૂરી આપવી જોઈએ. જેથી તેમના સ્થાને બીજા આવી શકે અને કામ ચાલતું રહે.

સાહિત્ય જગતને સંસ્કારિત કરવાનું નવી સભ્યતાનું સર્જન કરવાનું કામ કરે છે, પરંતુ સાહિત્યનો નોબેલ પ્રાઇઝ આપનારા લોકો તેમાં જળકમળવત્ છે. વિશ્વના ઉત્તમ સાહિત્યએ તેમના પર સદ્પ્રભાવ પાડયો નથી. હાલ અકાદમી જે શરમજનક સ્થિતિમાં મુકાઈ છે તેનું કારણ છે વ્યભિચાર અને ભ્રષ્ટાચાર. વિશ્વના તમામ ક્ષેત્રો અત્યારે વત્તે ઓછે અંશે ભ્રષ્ટાચાર તથા વ્યભિચારનો શિકાર છે.

તેનું પ્રતિબિંબ સાહિત્યના પાનાં પર ઝિલાવાને બદલે કેટલીક સાહિત્યિક સંસ્થાઓના આચરણમાં ઝીલાઈ રહ્યું છે. તે જાણે કે સમાજના કર્તુત્વનો અરીસો બની છે અને નોબેલ પ્રાઇઝ આપતી સંસ્થા તે અરીસાઓનો અરીસો બની છે.
સ્વીડનની રાજધાની સ્ટોકહોમના સાંસ્કૃતિક જીવન સાથે જે કોઈપણ સંકળાયેલું  હશે તે એક નામથી ખાસ પરિચિત હશે જ. જો ક્લૂદ-અર્નૌ. ૭૧ વર્ષના આ સાહિત્ય પ્રેમી અર્નૌ ફ્રેન્ચ મૂળના છે અને તેમની પહોંચ દૂર-દૂર લગી છે. તેમની કલ્ચરલ ફોરમ સાહિત્યિક સંધ્યાઓ અને મહોત્સવોનું આયોજન કરતી રહે છે. નોબેલ પ્રાઇઝ એકેડમી પાસેથી તેને ફંડ મળતું રહે છે.

નોબેલ પ્રાઇઝ કમિટિની ખુરશી નંબર ૧૮ પર બેસતી સદસ્યા તેની પત્ની છે. જબ સજની ભયી કોતવાલ, તો ફિર ડર કાહે કા. તે પોતે પણ કવયિત્રી છે. તેનું નામ છે કતરીના ફ્રોસ્તેન્સોન. નવેમ્બર ૨૦૧૭માં સ્વીડનની ૧૮ મહિલાઓએ તેના અર્નૌ પર યૌન શોષણનો આક્ષેપ મૂક્યો. પહેલી વખત આરોપ નથી લાગ્યો. અગાઉ પણ લાગ્યા છે. તેની લીલાઓ છેક ૧૯૯૬થી ચાલી રહી છે. પીડિત મહિલાઓનું કહેવું છ ે કે નોબેલ પ્રાઇઝ આપતી અકાદમીએ અર્નોને આપેલા ફ્લેટમાં જ મારું યૌન શોષણ થયું. એક પીડિતાએ સ્વીડીશ દૈનિક સાથેની વાતચીતમાં કહ્યું કે સ્ટોક હોમના પોશ એરિયામાં મારા પર દૂષ્કર્મ થયું. બધા જાણે છે કે એ માણસ યુવાન સ્ત્રીઓનું મારણ કરે છે.

અમુક મીડિયા રીપોર્ટ્સ તો એવું કહે છે કે આ લંપટે સ્વીડનની યુવરાણી વિક્ટોરિયની પણ છેડતી કરેલી. સાહિત્યનો પુરસ્કાર જાહેર થાય એ પહેલા જ તે લીક કરી દેતો હતો. તેમ છતાં તેને કોઈ કશું કહેતું નહોતું. વિદ્વદ્જનોની બનેલી અકાદમી તેની ખ્યાતિના નશામાં પોતાના જ દીવા તળે રહેલું અંધારું કાં તો જોઈ શકતી નહોતી. અથવા જાણી જોઈને જોવા માગતી નહોતી.

છેવટે મીડિયામાં ગાજવીજ થતા નોબેલ પ્રાઇઝ અકાદમીએ ૨૩ નવેમ્બર ૨૦૧૭ના રોજ એક બેઠક બોલાવી. બેઠક બાદ ઘોષણા કરવામાં આવી કે જો-ક્લૂદ અર્નો સાથેના તમામ સંબંધ તોડી નાખવામાં આવ્યા છે. તેના દ્વારા અપાતા પારિતોષિકો, ડોનેશન અને શિષ્યવૃત્તિ પર આ માણસ કોઈ પ્રત્યક્ષ કે પરોક્ષ પ્રભાવ તો નથી ધરાવતોને તેની જાણકારી મેળવવા માટે આંતરિક તપાસ બેસાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સાહિત્યનો નોબેલ પ્રાઇઝ આપતી એકેડમી દર વર્ષે પ૦ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ પણ આપે છે.

અકાદમીએ જે નિર્ણય લીધો તેનાથી જૂથબંધી થઈ ગઈ. એક જૂથ કતરીના ફ્રોસ્તેન્સોનનું અને બીજું જુથ અકાદમીની અધ્યક્ષ સારા દાનિયુસના પક્ષમાં. દાનિયુસ અકાદમીમાં સાવરણી ફેરવીને કચરો બહાર કાઢવા માગતી હતી. તેમણે વકીલોની એક પેઢીને બેય માણા સામે તપાસ કરવાનું કામ સોંપ્યું. ૧૮ નંબરની ખુરશી પર બેસતા ૬૫ વર્ષીય કતરીના ૧૯૮૨થી સભ્યપદ ધરાવે છે.

વકીલોએ રીપોર્ટ આપી દીધો છે અને તેને લઈને અકાદમીના સભ્યોની બે બેઠક પણ યોજાઈ ચૂકી છે, કિન્તુ હજુ રીપોર્ટ સાર્વજનિક કરવામાં આવ્યો નથી. વકીલોએ આ રીપોર્ટની એક નકલ પોલીસને સોંપવાની પણ સલાહ આપી છે. કિન્તુ અકાદમી હજુ એક્શન મોડમાં આવી નથી.

કોઈ નિર્ણય પર આવવાને બદલે સભ્યોએ સત્યથી ભાગવાનું શરૃ કરી દીધું છે. બે સભ્યો તો આ સમગ્ર બખેડા પહેલા જ અકાદમીનો સાથ છોડી ચૂક્યા છે. ખુરશી નંબર ૧૫ ૮૪ વર્ષની કર્સ્ટીન એકમાનની છે. તેણે ૧૯૮૯માં એવું કહીને આવવાનું બંધ કરી દીધું કે સલમાન રશ્દી સામે ઈરાને બહાર પાડેલા ફતવા બાબતે અકાદમીનું ઢીલું વલણ મને સ્વીકાર્ય નથી.

૫૪ વર્ષની લોત્તા લોતાસ અંગત કારણોસર સપ્ટેમ્બર ૨૦૧૬થી આવતા બંધ થઈ ગયા છે. એપ્રિલ અને મેની શરૃઆતમાં એકેડમીના વધુ છ સભ્યોએ આવવાનું બંધ કરી દીધું. સ્વીડીશ દૈનિક એક્સપ્રેશનમાં જણાવાયું છે કે તેમાંથી ચાર સભ્યો કતરીનાને અકાદમીમાંથી કાઢી મૂકવા માગતા હતા. આ મુદ્દે મતદાન કરતા ૮ : ૬નો ચૂકાદો આવ્યો. આઠ સભ્યો તેને સંસ્થામાં રાખવાના હિમાયતી હતા.  તરફેણમાં મત આપનારા લોકોનું કહેવું છે કે કતરિનાએ માહિતી લીક કરી હોવાનો પુરાવો સાંપડયો નથી.

સ્વીડીશ સાહિત્ય અકાદમીમાં અત્યાર સુધીમાં એક જ વખત હકાલપટ્ટી થઈ છે. તે સાલ ૧૭૯૪માં. ગુસ્તાફ માઉરિત્સ આર્મફ્લેટ નામના સભ્યને તખ્તાપલટની કોશિશ બદલ મોતની સજા ફરમાવાઈ હતી. આથી તેનું સભ્યપદુ રદ કરવું પડે તે સ્વાભાવિક હતું. જ્યારે કતરીનાની સદસ્યતા રદ ન કરી શકાય. કેમ કે અદાલતમાં તેને દોષિત ઠરાવી શકવા કોઈ આધાર પુરાવા નથી.

અકાદમીને રામ રામ કરનારી અધ્યક્ષ સારા દાનિયુસનું કહેવું છે કે અકાદમી આજ ઈચ્છતી હતી. મેં તેનું પાલન કર્યું છે.  ઉલ્લેખનીય છે કે તે સૌથી ખરાબ પ્રમુખ હોવાના તેના પર માછલા ધોવાયા છે. તે ૨૦૧૫માં પ્રમુખ બની અને આ પદ પર પહોંચનારી પ્રથમ મહિલા હતી. યૌન દુરાચાર અને ભ્રષ્ટાચાર મામલે તે નરમાશપૂર્વક વર્તી હોવાનો તેના પર આક્ષેપ મૂકવામાં આવ્યો હતો. કતરીના પોતે પણ હાલ અકાદમી છોડીને જતી રહી છે.

બે સદસ્યો તો પહેલેથી જ ગેરહાજર રહેવા લાગ્યા હતા. તેમાં બીજા છ ઉમેરાતા સંખ્યા આઠ થઈ. બંધારણ મુજબ ૧૦ સભ્યોના આધારે કોઈ નિર્ણય લઈ શકાય નહીં. જોવો છો? કેવા બાળ બખેડા ચાલે છે અકાદમીમાં? જે દુનિયાના સૌથી શ્રેષ્ઠ સાહિત્યકારોને વધાવતી હોવાનું ગૌરવ લે છે એ સંસ્થામાં પણ લાલિયાવાડી ચાલી રહી છે. આવતા વર્ષ સુધીમાં ખાતું સુધરવાની અપેક્ષા હોવાથી આવતા વર્ષે બે વર્ષના પુરસ્કાર એકસાથે દેવાનું હાલ નક્કી કરાયું છે. પછી જે ઉપરવાળો કરે તે સાચું. ૧૯૧૪,૧૯૧૮, ૧૯૩૫, ૧૯૪૦, ૧૯૪૧, ૧૯૪૨, ૧૯૪૩ અને ૧૯૪૪માં નોબેલ ઈનામ આપી શકાયાં નહોતાં.

હાલ ૧૦ સદસ્ય હાજર છે. ઓલા બે સદસ્ય કે જે આ વિવાદ પહેલા જ જતા રહ્યા હતા તેઓ જો પાછા આવી જાય કે બીજા કોઈપણ બે પાછા આવી જાય તો આખી ગેમ બદલાઈ શકે છે. કતરીના અને તેના પતિએ નોબેલ પ્રાઇઝ વિશેની માહિતી અગાઉથી લીક કરી છે કે કેમ તેની કાયદેસરની તપાસ થવી જોઈએ. તેના પતિ પર યૌન શોષણનો આરોપ હોય તો તેમાં પણ પોલીસ તપાસ જરૃરી છે. વકીલોની પેઢીએ કરેલી તપાસ ન ચાલે. યૌન શોષણનો ભોગ બનેલી મહિલાઓએ જ એ લંપટને કોર્ટમાં ઢસડી જવો જોઈએ.

કોઈપણનું સભ્યપદ આજીવન ન રહેવું જોઈએ. કેમ કે તેની વિવેકબુદ્ધિ, તેનો વ્યવહાર સમગ્ર જીવન દરમિયાન એક જેવો રહેતો નથી. ટર્મ લિમિટ હોવી જોઈએ. વળી, નોબેલ પારિતોષિકનું ગૌરવ વૈશ્વિક રહેતું હોવાથી વિશ્વના વિવિધ દેશોના સાહિત્યકારોને સમયાંતરે તેમાં સમાવવા જોઈેએ. આશા છે કે આવું થશે.

આજની નવી જોક

લીલી (છગનને): હું ઘર છોડીને જઈ રહી છું.

છગન: હું નિર્મલ બાબા પાસે જાવ છું.

લીલી: કેમ? મને પાછી માગવા માટે?

છગન: ના, મારે બાબાને કહેવું છે કે કૃપા વરસવી શરૃ થઈ ગઈ છે!
 

Keywords network,17,may,2018,

Post Comments