Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નેટવર્ક

ચે(દોસ્ત) ગેવારાઃ સત્તાવિરોધનો સર્વકાલીન અને વિશ્વવ્યાપી ચહેરો

ફિદેલ કાસ્ત્રોએ ન તો ક્યારેય ચેની ઇર્ષા કરી હતી ન હત્યા

ગાંધી અને ચે વચ્ચે શું સામ્ય છે? શું વિરોધાભાસ ?

એક હાસ્યકારે સરસ જોક કરી હતીઃ 'ભારતને પ્રથમ વખત બહુરાષ્ટ્રીય પ્રધાન મંત્રી મળ્યા છે.' ક્રાંતિની વાત આવે ત્યારે ચે ગેવારા વિશે એવું જ કહેવું પડે. અલબત્ત થોડા ગાંભીર્ય સાથે. કારણ કે ચે સાચા અર્થમાં બહુરાષ્ટ્રીય ક્રાંતિકારી હતા.

એક એવો બંદો કે જે નાનપણથી અસ્થમાનો દર્દી હતો અને વર્ષો સુધી અમેરિકાને હંફાવતો રહ્યો. એક એવો પ્રવર્તક જે આખી દુનિયા બદલવા માગતો હતો. એક એવો યુગદ્રષ્ટા જેના સપનાં કેમે કરીને આંખોમાં સમાતા નહોતા. તેની કહાની એ કોઈ દંતકથા નથી, પણ હંમેશા દાંત અને જીભ વચ્ચે રમાડતા રહેવાનું મન થાય એવી મજેદાર છે.

બહુ ઓછા એવા નેતા હોય છે જેનો પ્રભાવ પોતાના દેશની બહાર પણ ફેલાતો હોય છે. ગાંધીજી તેમાના એક હતા. અર્નેસ્ટો ગેવારા પણ. ૧૪મી જૂન ૧૯૨૮ના રોજ આર્જેન્ટિનામાં તેનો જન્મ થયો હતો. તેમના જીવનનો ટર્નિંગ પોઇન્ટ ૨૩ વર્ષની ઉંમરે આવે છે અને પછી જીવન પૂરું થાય ત્યાં સુધી સતત અવનવા વળાંકો આવતા રહે છે. દક્ષિણ અમેરિકાને જાણવા માટે તે દોસ્ત અલ્બર્ટો ગ્રેનાડો સાથે પ્રવાસ આરંભે છે. મોટર સાઇકલ પર ૧૦,૦૦૦ કિ.મી.ની યાત્રા કરે છે.

આ સાહસિક યાત્રા દરમિયાન દક્ષિણ અમેરિકાના લોકોને રોજિંદી જિંદગી સાથે સંઘર્ષ કરતા જોયા. જોન કેઇન્સનો મૂડીવાદ ત્યારે આવ્યો નહોતો. એડમ સ્મિથના મૂડીવાદે તબાહી મચાવી હતી. લોકો ખુંવાર થઈ ગયા હતા. ટી.બી.ના દર્દીઓને સમાજથી અલગ કરી દેવાતા હતા. ખાણમાં કામ કરતા મજૂરોનું શોષણ કરવામાં આવતું હતું. પંદરમી સદીની ઇન્કા સભ્યતાની પ્રજાને મુખ્યધારામાંથી બહાર ફેંકવામાં આવી રહી હતી.

સમાજવાદીઓને વીણી-વીણીને ખતમ કરવામાં આવી રહ્યા હતા. ચેએ આંખો દેખ્યો અહેવાલ 'મોટરસાઇકલ ડાયરી' સ્વરૃપે જગત સમક્ષ મૂક્યો. લેટિન અમેરિકાનો મોટર સાઇકલ પ્રવાસ કરીને પરત ફરીલે નવયુવાને આખી જિંદગી ગરીબ અને એકનોરા ધકેલાઈ ગયેલા વર્ગના ઉત્કર્ષ માટે ખર્ચી નાખી.

૧૯૫૩માં ગેવારા આર્જેન્ટીનાની રાજધાની બ્યુનસ આયર્સ પાછા ફર્યા.  થોડા સમયમાં તબીબી અભ્યાસ પૂરો કર્યો. જોકે ક્યારેય ડોક્ટરી કરી નહીં. આખી જિંદગી બીમાર સમાજની સારવારમાં લગાડી દીધી. ગેવારા મૂડીવાદ સામે લડવા થનગની રહ્યા હતા.

ક્યાંકથી આ લડત આરંભવા માગતા હતા. તેઓ જે વ્યવસ્થાના સમર્થક હતા તે ગ્વાટેમાલામાં તૈયાર થઈ રહી હતી. માદરે વતન આર્જેન્ટીનામાં ક્રાંતિ લાવતા પહેલા ગ્વાટેમાલાની વ્યવસ્થાનો બારીકિથી અભ્યાસ કરવાનો નિર્ધાર કર્યો. જમીનદારી પ્રથાનો અંત લાવવા માટે ગ્વાટેમાલામાં તત્કાલીન પ્રમુખ જેકબ અર્બેઝ ગુઝમાન જમીન સુધારા(લેન્ડ રીફોર્મ્સ) લાગુ કરી રહ્યા હતા.

અમેરિકાની યુનાઇટેડ ફ્રુટ કંપનીની લાખો એકર જમીન જપ્ત થઈ જતા અમેરિકા ધુઆપુઆ થઈ ગયું. અમેરિકી સરકાર સીઆઇએની મદદથી ગ્વાટેમાલામા તખ્તાપલટ કરાવી નાખી. ગુઝમાનનું સમર્થન કરી રહેલા ગેવારા એ વેળાએ ગ્વાટેમાલામાં જ હતા. તેમને સીઆઇએના હાથે મરાઈ જવાનો ભય લાગતા તેઓ ગોળીની ગતિએ ભાગી છૂટયા.

વિશ્વના શક્ય હો એ તમામ દેશોમાં પોતાની કઠપૂતળી સરકારો રાખવી અને જેવી અણમાનીતી સરકાર આવે એટલે તરત જ સત્તાપલટો કરાવવો એવી અમેરિકાની હરહંમેશની નીતિ રહી છે. અત્યારે ડોનલ્ડ ટ્રમ્પ પ્યુર્ટો રીકો અને વેનેઝુએલામાં એ ગૌરવશાળી પરંપરાને આગળ વધારી રહ્યા છે. લિબિયા, ઇરાક, અફઘાનિસ્તાન, સીરિયામાં અમેરિકાએ ચલાવેલી રેઝીમ ચેન્જ પોલિસીએ જ ૨૧મી સદીના અશાંત વિશ્વનું સર્જન કર્યું છે.

ક્રાંતિની ઝંખનામાં સળગી રહેલા ગેવારાએ થોડો સમય મેક્સિકોની એક હૉસ્પિટલમાં નોકરી કરી. ત્યાં તેમની મુલાકાત ફિદેલ કાસ્ત્રો અને રાઉલ કાસ્ત્રો સાથે થઈ. એક નવી દિશાનો આગળિયો ખૂલ્યો. જીવનની સૌથી મતત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે ભેટો થયો.

તેમણે ક્યુબાની અમેરિકા સમર્થિત સરમુખત્યારશાહીને જમીનદોસ્ત કરવાનો ધ્યેય નિશ્ચિત કર્યો. આર્જેન્ટિનામાં જન્મેલા અર્નેસ્ટો ક્યુબન ક્રાંતિના અગ્રણી બની ગયા. ક્યુબન ક્રાંતિ દરમિયાન તેમને આંતરરાષ્ટ્રીય ઓળખ મળી. અત્યાર સુધી તેઓ અર્નેસ્ટો ગેવેરા હતા તેમાંથી ચે ગેવારા બન્યા.

ક્રાંતિ પ્રેમી તરુણો અને યુવાનોના હીરો. સ્પેનિશ ભાષામાં ચેનો અર્થ થાય છે- દોસ્ત ગેવારા. અમેરિકાના પત્રકાર જૉન લી એન્ડરસને 'ગેવારાઃ એ રીવોલ્યુશનરી લાઇફ' પુસ્તકમાં લખ્યું છે કે 'જાતને ફના કરી ક્રાંતિને જીવંત રાખવાની જીદે વિદ્રોહીઓ વચ્ચે તેમને સૌથી ઊંચું સ્થાન અપાવ્યું હતું.'

જેવી રીતે ગ્વાટેમાલામાં અમેરિકાના હિતો હતા એવી જ રીતે ક્યુબામાં હતા. ત્યાંનું તેલક્ષેત્ર અને અન્ય વ્યવસાયો યુએસના હાથમાં હતા. કાસ્ત્રો પ્રમુખ બને તો રજવાડું જાય. આથી સાઆઇએ ક્યુબાની બાતિસ્તા સરકારના સૈનિકોને શસ્ત્રો અને તાલીમ બંને આપી રહી હતી. ઇતિહાસને પુનરાવર્તિત થવું મંજૂર નહોતું. કારણ કે કાસ્ત્રોને સ્થાનિક લોકાનો ટેકો હતો અને ચેની પ્રેરણા હતી. ધીમે-ધીમે દાવાનળ ફેલાતો ગયો. ૧૯૫૯માં કેવળ ૫૦૦ બળવાખોરોએ બાતિસ્તા સરકારને ઉથલાવી દીધી. કાસ્ત્રો તખ્તનશીન થયા અને આવતાવેંત માર્ક્સવાદી વ્યવસ્થાનો અમલ કર્યો.

આર્જેન્ટેનિયન ગેવારા હવે ક્યુબાના નાગરિક બન્યા. મિત્ર કાસ્ત્રોની સરકારમાં ઉદ્યોગ મંત્રાલય સંભાળ્યું. બેન્ક ઑફ ક્યુબાના અધ્યક્ષ બન્યા. ક્રાંતિકારી હતા ત્યારના ચે અને મંત્રી બન્યા ત્યારના ચેમાં તત્ત્વતઃ કોઈ ફર્ક પડયો નહોતો. પ્રધાન બન્યા પછી પણ તેઓ બસમાં મુસાફરી કરતા હતા અને કાર્લ માર્ક્સના વિચાર પ્રવાહ મુજબ અઠવાડિયામાં એક વખત શ્રમ દાન કરતા હતા.

ક્યુબન ક્રાંતિ સફળ થયા પછી તેમના મનની આગ ઠરી નહોતી. તેઓ આખું દક્ષિણ એશિયા બદલવા માગતા હતા. બીજી તરફ તેમની અને કાસ્ત્રોની દોસ્તીને પણ કોઈની નજર લાગી હતી.   અમેરિકા અને ક્યુબા શત્રુ હતા. રશિયા અને અમેરિકા શત્રુ હતા. દુશ્મનનો દુશ્મન મિત્ર એ ગણિત પ્રમાણે ચે રશિયા અને ક્યુબાને નિકટ લાવ્યા. સોવિયેત યુનિયને ૧૯૬૧માં ક્યુબામાં મિસાઇલ ગોઠવતા વિશ્વખ્યાત ક્યુબન મિસાઇલ કટોકટી સર્જાઈ. કોલ્ડવોર ઉકળી રહ્યું હતું.

ગમે ત્યારે યુદ્ધ થઈ જાત. રશિયા અને અમેરિકા વચ્ચે સમાધાન થઈ જતા ચે ઊકળી ઊઠયા. તેઓ ઇચ્છતા હતા કે બે મહારથીઓ લડે. કદાચ તેઓ વિશ્વ પર અમેરિકાનો પ્રભાવ ઘટાડવા અધીરા બન્યા હતા એટલે. તેમને માઠું લાગ્યું. રશિયાથી તેઓ દૂર જવા લાગ્યા અને ચીનની નજીક સરકવા માંડયા. ચેને આખું જગત અમેરિકા બદલવું હતું અને કાસ્ત્રોને ક્યુબાના હિતોમાં જ રસ હતો. અહીંથી બંને દોસ્તારોના મનમાં ફાટા પડયા. ચીન તરફ ઝૂકવા લાગેલા ચે કોન્ગો પહોંચી ગયા.

ત્યાંથી મિત્ર ફિદેલને પત્ર લખીને જાણ કરી, 'હું ક્યુબાની નાગરિકતા અને મંત્રીપદ બંને છોડી રહ્યો છું. હવે કોન્ગોમાં ક્રાંતિ કરવા માગંય છું.' અહીં પણ ઇતિહાસનું પુનરાવર્તન ન થયું. કોન્ગોમાં નિષ્ફળતા સાંપડી. ક્યુબાની સરકાર અને કાસ્ત્રોના દિલ બંને જગ્યાએ ચે માટે જગ્યા યથાતથ હતી. કાસ્ત્રોએ તેમને પાછા આવી જવા કહેણ મોકલ્યું, કિન્તુ ક્રાંતિકારી મિજાજના ચે પાછીપાની કરવામાં માનતા નહોતા.

તેઓ માર્ક્સવાદી ક્રાંતિ માટે બોલિવિયા પહોંચ્યા. આ વખતે ઇતિહાસનું પુનરાવર્તન થયું અને ન પણ થયું. થયુ એ રીતે કે બોલિવિયામાં પણ ચે નિષ્ફળ ગયા. અભૂતપૂર્વ ઘટના એ બની કે બોલિવિયન આર્મી અને સીઆઇએએ તેમની હત્યા કરી નાખી. તેમને મારવાનું કાવતરું સફળ થઈ ગયું.

એક દૂષ્પ્રચાર એવો ચાલે છે કે ચે ગેવારાની વધતી લોકપ્રિયતા જોઈ ફિદેલ કાસ્ત્રોને તેની ઇર્ષા થવા લાગી હતી. આથી તેમણે તેની હત્યા કરાવી નાખી. ચેના જીવનનો ઊંડાણથી અભ્યાસ કરનારા અમેરિકન લેખક એન્ડરસન આ વાત નકારી કાઢે છે. ચે અમેરિકાના શત્રુ હતા અને ફિદેલ જીવતા શત્રુ. આથી અમેરિકાએ મરેલા શત્રુના નામનો ઉપયોગ કરી જીવતા દુશ્મનને વગોવવા આવી અફવા ચલાવી હોવી જોઈએ!

ચેને અનેક લોકોનો હત્યારો પણ ગણાવવામાં આવે છે. અલબત્ત સશસ્ત્ર ક્રાંતિમાં હત્યાઓ થતી જ હોય છે, પરંતુ તે બંને પક્ષે હોય છે. ચેએ જરૃર હત્યા કરી કરાવી હશે, પણ નિર્દોષોની ક્યારેય નહીં. તેમને વગોવવા માટેનું આ વધુ એક જઠ્ઠાણું છે. જ્યાં પોલ સાર્ત્રએ ચેને તેમના સમયના પૂર્ણ પુરુષ ગણાવ્યા છે.
વૈચારિક દૃષ્ટિએ વિરોધાભાસી ચે ગેવારા અને મહાત્મા ગાંધી વચ્ચે કેટલીક આશ્ચર્યકારક સમાનતા છે.

ગાંધીજી મરણોપરાંત વિશ્વખ્યાત છે અને ચે ગેવારા પણ. ગાંધીજી યુવાનીમાં બ્રિટન, ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકા ફર્યા હતા. યાત્રા દરમિયાન જ તેમને પોતાના જીવનકાર્યનો બોધ થયો હતો, ચેને પણ દક્ષિણ અમેરિકાના પ્રવાસ દરમિયાન જીવનની યથાર્થતાનું દર્શન થયું. ચે અને ગાંધી બેઉ સમાજના તમામ વર્ગનું ઉત્થાન કરવા માગતા હતા.

વિરોધાભાસ હતા તો એ કે ગાંધી અહિંસક અને ચે હિંસક હતા. ગાંધી આધ્યાત્મવાદી હતા અને ચે નાસ્તિક. ગાંધી લાંબુ જીવ્યા અને ચે ટૂંકું. જોકે બંને મરીને પણ અમર છે. ચે ૧૯૫૯માં ભારત આવ્યા હતા. અહીં લાંબો સમય રોકાયા હતા, જવાહરલાલ નહેરુને ઉષ્માભેર મળ્યા હતા. તેમણે ભાવવિભોર થઈને લખ્યું છે કે 'નહેરુ અમને દાદાની જેમ મળ્યા.

અમારા માટે (પેટમાં બળતું હોય એ રીતે) ચિંતા વ્યક્ત કરી અને કેટલીક શીખ પણ આપી.' ભારતની આર્થિક સામાજિક સ્થિતિનો અભ્યાસ કરી એ વિશે રીપોર્ટ તૈયાર કરીને કાસ્ત્રોને સોંપ્યો હતો. આપણે જે વિચારધારામાં માનતા હોઈએ તેના કરતા વિપરીત વિચારધારાને ક્યારેય સરાહી શકતા નથી. ચેમાં ખેલદિલી હતી. અહિંસક આંદોલન દ્વારા આઝાદી મેળવવા બદલ તેમણે ભારતની અને ગાંધીની પ્રશંસા કરી હતી.

૩૯ વર્ષની ઉંમરે તેઓ કાયમ માટે રોમાંચક કથાઓમાં પોઢી ગયા. તેમના ગયા પછી ક્રાંતિ ક્યારેય ઊભી રહી નથી. તેઓ રશિયન સામ્યવાદના કઠોર ટીકાકાર હતા. રશિયન સામ્યવાદ માર્ક્સવાદથી જોજન છેટો હોવાનું તેમણે અનેક વખત કહ્યું હતું અને કદાચ એટલે યુએસએસઆર હિમશીલાની જેમ ધસી પડયું. ચેના સપનાંનો સમાજવાદ સૌના સાથ સૌના વિકાસ સાથે આજે પણ ક્યુબા સહિત અનેક દેશોમાં અડીખમ ઊભો છે.

યુનાઇટેડ સ્ટેટ્સમાં બર્ની સેન્ડર્સ સમાજવાદની હિમાયત કરે છે અને યુવાનોમાં લોકપ્રિય છે. જે અમેરિકા ચેનું સદાય વિરોધી રહ્યું ત્યાં ચેના સેલ્ફ પોટ્રેટવાળા સૌથી વધુ ટીશર્ટ પહેરાય છે. વિખરાયેલા વાળ, મોંમાં સિગારવાળા ચે અનેક દેશોમાં યુથ આઇકન છે. કોણ છે ટીશર્ટમાં દોરેલો એ ચહેરો. એ છે અસત્ય સામે ઊઠતો સત્યનો અવાજ. એ છે સત્તા વિરોધ. જેની ક્યારેય હત્યા થઈ શકવાની નથી.

હોય નહીં!

ઊંઘનો મૂકે ઓટલો, ભૂખ ન મૂકે અજગર!

૨૬ ફુટ લાંબા અજગરને જોઈને ડર લાગવાને બદલે મોંમાં પાણી આવે તો તેને શું કહેવાય? તેમને સુમાત્રાના નાગરિક કહેવાય. બતાલ ગનસાલ જિલ્લામાં કામ કરતા રોબોર્ટ નાબાબન અને તેમના કેટલાક ગામડીયા દોસ્તારોએ મળીને લાં...બા અજગરને નાથવાનું પરાક્રમ કર્યું હતું. અજગર એમ કંઈ કાબૂમાં આવે? જબરો ખેલ ચાલ્યો. રોબર્ટનો હાથ અજગરે દાંત બેસાડી દેતા ગંભીર રીતે ઘવાયો, શરીરના અન્ય ભાગોમાં ઇજા થઈ, કિન્તુ છેવટે અજગરને માર્યે પાર કર્યો.

ત્યાર બાદ પોતાની સફળતાનું શીલ્ડ ગામ લોકોને દેખાડવા માટે થોડા કલાકો સુધી અજગરનું મૃતદેહ ઝાડ પર ટીંગાડી રાખ્યો. પછી શું? તેનું માંસ રાંધ્યું અને પેટ ભરીના ઝાપટયું. રોબર્ટ કંઈ સામેથી અજગરનો અટકચાળો કરવા ગયો નહોતો, પરંતુ આ મહાકાયે રસ્તા પર આડા પડીને ટ્રાફિક જામ કર્યો હતો અને આ એકલવીર તેને ખસેડવા પહોંચી ગયો હતો.

તેમાંથી આ સમગ્ર સાહસલીલા નિર્માણ પામી. ગરમીની સિઝનમાં તેમના ગામમાં ઉંદરડા ખાવા માટે અવાર-નવાર અજગર આવી ચડે છે. જરૃરી નથી ગ્રામવાસીઓ જ અજગરને મારે. ક્યારેક અજગર પણ માણસને ઓહિયા કરી જાય છે. જેવું જેનું ભાગ્ય!

આજની નવી જોક

શિક્ષકઃ વસ્તુ ઉપાડવી અઘરી છે, સરકાવવી સહેલી. ભૌતિક શાસ્ત્રનો આ સિદ્ધાંત ઉદાહરણ સાથે સમજાવો

લલ્લુએ આંગળી ઊંચી કરી જવાબ આપ્યો, 'જવાબદારી ઉપાડવી અઘરી છે સરકાવવી સહેલી!'
 

Keywords network,12,october,2017,

Post Comments