Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઈસરોએ સિંગલ ફ્લાઈટમાં એક સાથે ૩૧ ઉપગ્રહ લોન્ચ કર્યા : ભારતના ઉપગ્રહની સદી

- સવારે ૯:૨૯ કલાકે લોન્ચ થયેલા પીએસએલવી રોકેટની ૪૨મી સફળ ઉડાન

- અવકાશી ભંગાર સાથે અથડામણ ટાળવા મિશન એક મિનિટ મોડું કરાયું હતું: ૩૧માં ભારત ઉપરાંત બ્રિટન, અમેરિકા,

શ્રીહરિકોટા, તા. 12 જાન્યુઆરી, 2018, શુક્રવાર

ઈસરોએ આજે સવારે 'પીએસએલવી-સી-૪૦' મિશન દ્વારા એક સાથે ૩૧ ઉપગ્રહ લોન્ચ કર્યા હતા. સવારે ૯:૨૯ કલાકે ભારતના સૌથી સફળ 'રોકેટ પોલાર સેટેલાઈટ લોન્ચ વ્હિકલ (પીએસએલવી)'એ શ્રીહરિકોટા લોન્ચિંગ મથક ખાતેથી ઉડાન ભરી હતી. લોન્ચિંગ અગાઉ નિર્ધારિત સમય કરતાં એક મિનિટ મોડું કરવામાં આવ્યું હતું. કેમ કે આકાશમાં ઘૂમતો ભંગાર (સ્પેસ ડેબરી) સાથે રોકેટની અથડામણ થવાની શક્યતા હતી. માટે સલામતી ખાતર લોન્ચિંગ મોડું કરાયુ હતું. પીએસએલવી રોકેટની આ ૪૨મી ફ્લાઈટ હતી.

ભારતના આજના મિશનમાં સૌથી મહત્ત્વનો ઉપગ્રહ 'કાર્ટોસેટ-૨' હતો. આ ઉપગ્રહનું કામ અર્થ ઓબ્ઝર્વેશન એટલે કે પૃથ્વીની તસવીરો લેવાનું છે. રિમોટ સેન્સિંગ પ્રકારના આ ઉપગ્રહનું વજન ૭૧૦ કિલોગ્રામ છે. ભૂમિ પરના વિવિધ આયોજનો જેમ કે રોડ નેટવર્ક, કેનાલ બાંધકામ, જળવ્યવસ્થાપન વગેરેના આયોજનમાં આ ઉપગ્રહની તસવીરો કામ લાગશે. કાર્ટોસેટ સિરિઝનો પહેલો ઉપગ્રહ દસ વર્ષ પહેલા ૨૦૦૭માં લોન્ચ કર્યો હતો, જ્યારે છેલ્લો જુલાઈ ૨૦૧૬માં લોન્ચ થયો હતો. કાર્ટોસેટ-૨ પાંચ વર્ષ સુધી કામ કરતો રહેશે.

૩૧ પૈકીના ૨૮ ઉપગ્રહ પરદેશના જ્યારે ૩ ભારતના હતા. ભારતમાંથી કાર્ટોસેટ ઉપરાંત ૧ માઈક્રો અને એક નેનોસેટેલાઈટ હતા. અન્ય ૨૮ ઉપગ્રહો કેનેડા, ફિનલેન્ડ, ફ્રાન્સ, કોરિયા, યુ.કે. અને અમેરિકાના હતા. આ તમામ ૩૧ ઉપગ્રહોનું મળીને કુલ વજન ૧૩૨૩ કિલોગ્રામ હતુ. લોન્ચિંગ પછીની ૨ કલાક અને ૨૧ મિનિટમાં તમામ ૩૧ ઉપગ્રહોને કક્ષામાં ગોઠવી દેવાયા હતા. ઉપગ્રહ ગોઠવણીની દૃષ્ટિએ આ ભારતનું અત્યાર સુધીનું સૌથી લાંબુ મિશન હતું. ૩૧ પૈકીના ૩૦ ઉપગ્રહો એક સરખી ઊંચાઈએ એટલે કે ૫૦૫ કિલોમીટર ઊંચે આવેલી સન સિન્ક્રોનસ ઓરબિટમાં ગોઠવાયા હતા. જ્યારે ૧ માઈક્રો સેટેલાઈટ ૩૬૯ કિલોમીટરની થોડી નીચી કક્ષામાં ગોઠવાયો હતો.

લોન્ચ થનારા રોકેટના સૌથી ઉપરના તબક્કામાં બધા ઉપગ્રહો ગોઠવાયેલા હોય છે. રોકેટનો એ ભાગ કક્ષા સુધી પહોંચે પછી તેના દરવાજા ખૂલે અને તેમાંથી એક પછી એક ઉપગ્રહ નિશ્ચિત સમયે બહાર નીકળતા જાય. એક જ કક્ષામાં એકથી વધુ ઉપગ્રહો ગોઠવવા એ મોટો પડકાર છે. બીજો પડકાર એ છે કે રોકેટને એક જ ઊંચાઈએ લઈ ગયા પછી બીજી ઊંચાઈએ (કે નીચાઈએ) બીજો ઉપગ્રહ લોન્ચ કરવા લઈ આવવું. ઈસરોએ આજે એક સાથે એ બન્ને પડકારો પાર પાડી બતાવ્યા હતા. આ કામગીરી 'મલ્ટિપલ બર્ન ટેકનોલોજી' કહેવાય છે. એટલે કે રોકેટ એન્જીન ચોક્કસ ઊંચાઈએ બંધ કરી, ફરીથી ચાલુ કરવામાં આવે છે. ભારતે ૨૦૧૬માં જ પ્રથમવાર આ ટેકનોલોજીનો ઉપયોગ કરી એક સાથે ૮ ઉપગ્રહ ભ્રમણકક્ષામાં સેટ કર્યા હતા.

ભારતનો આ ૧૦૦મો  ઉપગ્રહ હતો. એટલે કે ભારત માટે કામ કરતા હોય એવા ૯૯ ઉપગ્રહો અત્યાર સુધીમાં લોન્ચ થઈ ચૂક્યા છે. ૨૦૧૮ના વર્ષનું આ પહેલું મિશન હતું તો વળી ઈસરોના વર્તમાન ચેરમેન એ.એસ.કિરણકુમારનું આ છેલ્લુ મિશન હતું. કેમ કે ૧૪ તારીખે તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે. સફળતા પછી રાષ્ટ્રપતિ, વડાપ્રધાન સહિતના અગ્રણીઓએ ઈસરોને અભિનંદન આપ્યા હતા. કિરણકુમારે પોતાના અંતિમ મિશન વખતે કહ્યું હતું કે આ નવા વર્ષની અમારા તરફથી દેશવાસીઓને ભેટ છે.

ભારતના ઉપગ્રહની સંખ્યા ૧૦૨
ભારતના ઉપગ્રહોની સંખ્યા આજના લોન્ચિંગ સાથે ૧૦૨ થઈ છે. કાર્ટોસેટ ઉપરાંત ભારતના બીજા બે ઉપગ્રહ પણ હતા. એટલે અગાઉના ૯૯ સેટેલાઈટની સંખ્યામાં ૩નો ઉમેરો થયો છે. જોકે ૧૦૨ પૈકી બધા કાર્યરત નથી. અગાઉના ઉપગ્રહો નિવૃત્ત થઈ ચૂક્યા છે. આ શતાબ્દી સંખ્યામાં પ્રથમ ઉપગ્રહ આર્યભટ્ટથી ગણતરી કરવામાં આવી છે. જોકે લોન્ચિંગ વખતે જ નિષ્ફળ ગયેલા ઉપગ્રહોની ગણતરી નથી થઈ. બાકી ભારતના ઉપગ્રહોની સંખ્યા ૧૦૪ થાય. ભારતના સોથી વધુ ઉપગ્રહો પૈકી હાલ કાર્યરત હોય એવા ઉપગ્રહોની સંખ્યા ૪૨ છે.

અવકાશી ભંગાર શું છે?
અવકાશમાં ઘણા ઉપગ્રહો ગોઠવાયા છે અને તેમાંથી ઘણાની મુદત પૂરી થઈ ગઈ છે. પરંતુ તેને પરત લાવી શકાતા નથી. આવા ઘૂમતા ઉપગ્રહો, આકાશમાં વિવિધ રોકેટ લોન્ચિંગ વખતે વેરાયેલો કચરો, અવકાશયાત્રીઓએ ફેંકેલો કચરો, અગાઉના અકસ્માતો વખતે થયેલા સ્પેસક્રાફ્ટના ટૂકડા.. વગેરે બધું સ્પેસ ડેબરી એટલે કે અવકાશી ભંગાર ગણાય છે. આ ભંગાર કલાકના હજારો કિલોમીટરની ઝડપે પૃથ્વી ફરતે ઘૂમતો હોય છે. એ ભંગારનો સાવ નાનો ટૂકડો પણ કોઈ ઉપગ્રહ કે યાન સાથે અથડાય તો મિશન નિષ્ફળ જાય, અવકાશમાં વિસ્ફોટ પણ થઈ શકે.

ભારતના લોન્ચિંગ સામે પાકિસ્તાનને વાંધો
દરમિયાન આજે પાકિસ્તાને ભારતના કાર્ટોસેટ-૨ લોન્ચિંગ સામે વાંધો રજૂ કર્યો હતો. પાકિસ્તાને દાવો કર્યો હતો કે ભારતનો આ ઉપગ્રહ માત્ર અર્થ ઓબ્ઝર્વેશન પ્રકારનો નથી. તેનો ઉપયોગ લશ્કરી હેતુ માટે પણ કરવાનો છે. એટલે કે પાકિસ્તાનને એવો ડર છે કે કાર્ટોસેટ દ્વારા ભારત પાકિસ્તાનની જાસૂસી કરશે. ભારતના સફળ લોન્ચિંગ પછી પાકિસ્તાનના સંરક્ષણ મંત્રાલયે પત્રકાર પરિષદમાં ભારત પર જાસૂસીનો આક્ષેપ લગાવ્યો હતો.

Post Comments