Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ભાજપ ફરી સત્તામાં આવશે તો ભારત 'હિંદુ પાકિસ્તાન' બની જશે : થરૃર

- કેરળના થિરુવનંતપુરમમાં કોંગી નેતા શશી થરૃરના નિવેદનથી હોબાળો

- હોબાળા પછી પણ થરૃર નિવેદનને વળગી રહ્યા, ફેસબુક પર લખ્યું 'ભાજપ અને સંઘનો હિંદુ રાષ્ટ્રનો વિચાર પાક.ની મિરર ઈમેજ'

- થરૃરે કહ્યું 'હિંદુ ધર્મમાં બધી જ શ્રદ્ધાઓને સ્થાન, જ્યારે પાક.માં બધા પર એક જ શ્રદ્ધા ઠોકવાનો પ્રયાસ

- હિંદુ હોવાનું મને ગૌરવ છે કારણ કે, તેમાં બધાને સ્થાન, જ્યારે પાક.માં બધા પર એક જ શ્રદ્ધા ઠોકી બેસાડવાનો માહોલ

થિરુવનંતપુરમ, તા.૧૨ જુલાઈ 2018, ગુરુવાર

કોંગ્રેસના નેતા શશી થરૃરે થિરુવનંતપુરમમાં એક રાજકીય કાર્યક્રમમાં કહ્યું હતું કે, ભાજપને ફરી મત આપીને સત્તા આપવામાં આવશે તો તેઓ નવેસરથી બંધારણ લખીને ભારતને 'હિંદુ પાકિસ્તાન' બનાવી દેશે. હું નિખાલસપૂર્વક કહું છું કે, જો તેઓ લોકસભામાં ફરી મજબૂત રીતે ચૂંટાશે તો આપણું લોકતાંત્રિક માળખું ખતમ થઇ જશે. તેઓ બંધારણ ફાડી નાંખશે અને નવું લખશે.

થરૃરે આઝાદીના લડવૈયાને યાદ કર્યા
થરૃર આટલેથી અટક્યા ન હતા. થરૃરે કહ્યું હતું કે, ભાજપ સત્તામાં આવશે તો હિંદુ રાષ્ટ્રનો ખ્યાલ અમલમાં મૂકશે, જેમાં લઘુમતીના હકો છીનવાઈ જશે. આ સ્થિતિમાં ભારત 'હિંદુ પાકિસ્તાન' બની જશે અને મહાત્મા ગાંધી, સરદાર પટેલ, નહેરુ, મૌલાના આઝાદ જેવા સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન લડવૈયાઓ આવું નહોતા ઈચ્છતા.

પાક.માં લઘુમતીઓ સાથે ભારે અન્યાય
આ નિવેદનના કારણે ભારે વિવાદ થયા પછી પણ થરૃર પોતે કહેલી વાતને વળગી રહ્યા હતા. થરૃરે એક ફેસબૂક પોસ્ટ લખીને કહ્યું હતું કે, અમે ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ 'હિંદુ રાષ્ટ્ર'ના વિચાર પર ભાર મૂકે છે, જે પાકિસ્તાનની જ 'મિરર ઈમેજ' છે.

હું પહેલાં પણ આ વાત કહી ચૂક્યો છું અને હવે ફરી કહી રહ્યો છું. પાકિસ્તાનની રચના ધર્મના આધારે થઇ છે, જેના કારણે ત્યાં લઘુમતીઓ સાથે ભારે અન્યાય થયો અને તેમને સમાન ન્યાય પણ ના મળ્યો. ભારતની રચના ધાર્મિક તર્કના આધારે ના થઈ શકે. જો એવું થશે તો ભારતમાં પણ લઘુમતીઓ હાંસિયામાં ધકેલાઈ જશે.

પાકિસ્તાનમાં અસહિષ્ણુતાનો માહોલ છે
થરૃરે કહ્યું હતું કે, આપણે આવા દેશનું સર્જન કરવા આઝાદીની લડાઈ નહોતી લડી. હિંદુ હોવાનું મને ગૌરવ છે કારણ કે, તેમાં બધા જ પ્રકારની શ્રદ્ધાઓને સ્થાન છે. પાકિસ્તાનમાં એવું નથી, ત્યાં બધા પર એક જ શ્રદ્ધા ઠોકવાનો પ્રયાસ થાય છે. પાકિસ્તાનમાં અસહિષ્ણુતાનો માહોલ છે. એટલે જ અમે ભારતને આવું બચાવી રાખવા માંગીએ છીએ. હું મારા વ્હાલા દેશને પાકિસ્તાનનું હિંદુ વર્ઝન બનાવવા નથી માંગતો.

થરૃરે ભારતની લોકશાહી અને હિંદુઓ પર હુમલો કર્યો છે : ભાજપ
શશી થરૃરના નિવેદન બદલ ભાજપ દ્વારા રાહુલ ગાંધીની માફીની માંગ

નવી દિલ્હી, તા.૧૨
કોંગ્રેસના નેતા શશી થરૃરે 'હિંદુ પાકિસ્તાન' અંગે નિવેદન કરતા ભાજપે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની માફીની માંગણી કરી હતી. આ મુદ્દ ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું હતું કે, થરૃરનું નિવેદન અસામાન્ય અને આઘાતજનક છે. તેમણે ભારતીય લોકશાહી અને હિંદુઓ પર હુમલો કર્યો છે.

ભાજપ સરકાર પર કોંગી નેતાઓના પ્રહાર મુદ્દે પાત્રાએ કહ્યું હતું કે, ભારતને 'કેટલ ક્લાસ ડેમોક્રેસી' કહેનારા થરૃરે ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપને નફરત કરવામાં કોંગ્રેસે લક્ષ્મણ રેખા વટાવી દીધી છે. તેઓ સતત ભારતીય લોકશાહી પર જઘન્ય હુમલા કરી રહ્યા છે.

સર્જિકલ સ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા પાત્રાએ કહ્યું હતું કે, થરૃર પહેલાં રાહુલ ગાંધીએ ભારતીય સૈન્યના જુસ્સાને પડકારતું 'ખૂન કી દલાલી' જેવું નિવેદન કર્યું હતું. દેશની સેનાનો વિચાર કર્યા વિના આવું નિવેદન કરવું શરમજનક છે.

થરૃરના નિવેદનથી કોંગ્રેસે અંતર રાખ્યું પણ ભાજપને ભાંડયું
પાક.ના ભાગલાવાદી ખ્યાલ સાથે ભારતની સરખામણી ના થઈ શકે: કોંગ્રેસ
થરૃર શિક્ષિત અને ઉત્તમ લેખક છે, તેમણે જે કહ્યું હશે તે યોગ્ય હશે : હમીદ અન્સારી

નવી દિલ્હી, તા.૧૨
કેરળના થિરુવનંતપુરમમાં 'હિંદુ પાકિસ્તાન' અંગે કરેલા નિવેદન પછી કોંગ્રેસે શશી થરૃરથી અંતર રાખ્યું હતું. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ સંખ્યાબંધ ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી હતી કે, ભારતના નૈતિક મૂલ્યો અને સિદ્ધાંતો તમામને સમાન હકોની ગેરંટી આપે છે. પાકિસ્તાનના ભાગલાવાદી ખ્યાલ સાથે આપણી સરખામણી ના થઈ શકે. ભાજપની વાત કરતી વખતે પણ કોંગ્રેસના તમામ નેતાઓએ આપણને અપાયેલી આ ઐતિહાસિક જવાબદારી યાદ રાખવી જોઈએ.

સૂરજેવાલાએ થરૃરના નિવેદનથી કોંગ્રેસને અલગ કરી હતી, પરંતુ તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારને આડે હાથ લેવાનું ભૂલ્યા ન હતા. તેમણે કહ્યું હતું કે, અત્યારે દેશમાં ભાગલાવાદી, નફરત અને અસહિષ્ણુતાનું વાતાવરણ છે. છેલ્લાં ચાર વર્ષથી દેશમાં યોગ્ય વાતાવરણ નથી. કોંગ્રેસ ભારતના વૈવિધ્યસભર સાંસ્કૃતિક મૂલ્યો, સૌહાર્દ અને અનુકંપાનું પ્રતિનિધિત્વ કરે છે.

આ દરમિયાન કોંગ્રેસના નેતા અને પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ હમીદ અન્સારીએ કહ્યું હતું કે, થરૃર શિક્ષિત છે, ઉત્તમ લેખક અને સાંસદ છે એટલે તેમણે જે કહ્યું હશે તે સમજી વિચારીને જ કહ્યું હશે. અત્યારે દેશના હાલ વિશે કોઈ સવાલ કરે કે નિવેદન કરે ત્યારે અયોગ્ય માહોલ સર્જી દેવાય છે. સવાલો પૂછવા પર જાણે પ્રતિબંધ મૂકી દેવાયો છે. લોકસભાની છેલ્લી ચૂંટણી પછી દેશમાં આ સ્થિતિ સર્જાઈ છે. હું એક પ્રોફેસર અને ડિપ્લોમેટ રહી ચૂક્યો હોવાથી સવાલ કરવામાં પીછેહટ ના કરી શકું.

Post Comments