Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેરા ભારત મહાન - અક્ષય અંતાણી

'વાઈફ'નું શોપિંગ

જે હસબન્ડની વાઈફને શોપિંગનો વળગાડ હોય એનો પતિદેવ બીચ્ચારો પૈસા ચૂકવી ચૂકવીને ખરેખર 'દેવ' થઈ જાય. ઘણી સ્ત્રીઓને ખરીદી કર્યા કરવાની માનસિક બીમારી હોય છે કે જરૃર હોય કે ન હોય પણ ખરીદી કર્યા વિના રહે નહિ. આવી શોપિંગ મેનિયાક સ્ત્રીઓ ફક્ત આપણાં દેશમાં હોય છે એવ ું નથી, દુનિયાભરમાં ભટકાય છે. વાઈફ શોપિંગ કરતી રહે એ આપણે જોઈએ છીએ, પરંતુ વાઈફનું જ શોપિંગ થાય એ સાંભળીને ચોંકી જવાય.

ભાજપ શાસિત હરિયાણામાં વાઈફ વેચનારા એજન્ટો ફરે છે એવો  ચોંકાવનારો ખુલાસો થોડા વર્ષ પહેલાં થયો હતો. જ્યાં પરણવાલાયક કન્યા ન મળતી હોય એવાં ગામના પૈણું પૈણું થતા જુવાનિયાઓને કે આધેડ પુરુષોને સુધ્ધા આ વચેટિયા દલાલો પરપ્રાંતમાંથી ગરીબ કન્યાઓ લાવીને પાંચ, દસ કે પંદર હજારમાં વેંચી દે છે.

હરિયાણાના એક શખસે જ એકરાર કર્યો હતો કે થોડા વર્ષ પહેલાં તેણે માત્ર સાડા ત્રણ હજારમાં કન્યા ખરીદીને તેની સાથે લગ્ન કર્યા હતા. એક હિન્દી દૈનિકના અહેવાલ મુજબ અબળાને સબળા બનાવવાના અને સ્ત્રી સશક્તીકરણના ઢોલ પીટનારાઓ શું આ જાતના ખરીદ- વેચાણથી વાકેફ નહીં હોય! આ કેવી કરૃણતા કહેવાય? હરિયાણામાં કન્યાઓ વેંચાય જાણે કરિયાણામાં?

લાડી અને ગાડી
લાડી શબ્દનો ગાડી સાથે કેવો પ્રાસ જામે છે? વાંઢાના જીવનમાં લાડી આવે ત્યાર પછી સંસારની ગાડી સડસડાટ ચાલે. પણ દહેજ વિરોધી કાનૂન અમલમાં હોવા છતાં આજે પણ કેટલાય લાડા લાડીને સ્વીકારતા પહેલાં ગાડીની માગણી કરે છે. ગાડી ચલાવવા પહેલાં લર્નિંગ લાયસન્સ જોઈએ અને સંસારની ગાડી ચલાવવા માટે લાડી આવે એ પહેલાં વર કમાય છે એવું અર્નિંગ લાયસન્સ જોઈએ. ગાડી ચાલે આડી તો ભટકાય અને લાડી ચાલે આડી તો સંસારની ગાડી ખોટકાય.

દરેક પરણવાલાયક બેટાની માતાની ઈચ્છા હોય છે કે પોતાનો દીકરો એક ચાંદ જેવાં ચહેરાવાળી લાડી લાવે. પણ અમેરિકાના અવકાશી વિજ્ઞાાનીઓએ તો લગભગ ત્રણેક વર્ષ પહેલાં ચાંદ પાસે લાડી મોકલી હતી. લાડી એટલે શું ખબર છે? અમેરિકાની ખગોળ વિજ્ઞાાન સંસ્થાએ ચંદ્રની આસપાસના વાતાવરણનો અભ્યાસ કરવા જે અવકાશયાન મોકલ્યું હતું તેને ટૂંકમાં લાડી નામ આપ્યું હતું. લાડી એટલે લ્યુનર એટમોસ્ફિયર એન્ડ ડસ્ટ એન્વાર્યમેન્ટ એક્સપ્લોરર. લાડીને જ ચાંદ પાસે મોકલે એ ખગોળ જગતના કેવાં કમાલના ખે-લાડી?

રોજ હજારો ભક્તોને પ્રસાદ આપતા અન્નક્ષેત્રોને કરમુક્તિ
આપણામાં કહેવત છે ને કે ભૂખ્યા ભજન ન હોય... એટલે જ મોટાભાગના ધર્મસ્થાનોમાં ભક્તોની ભૂખ ભાંગવા માટે અન્નક્ષેત્ર અને પ્રસાદાલય હોય છે. પરંતુ સરકારે જી.એસ.ટી. (ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ) નાખ્યા પછી દરરોજ અગણિત ભક્તજનોને નિ:શુલ્ક ભોજન- પ્રસાદ આપતા  ધર્મસ્થાનોના અન્નક્ષેત્રો મુશ્કેલીમાં મૂકાઈ ગયા. કારણ કે અન્નક્ષેત્રોમાં અપાતા ભોજનની તમામ કાચી સામગ્રી પર જીએસટી લાગી ગયો. જરા વિચાર કરો કે અમૃતસરના સુવર્ણ મંદિરના લંગરમાં રોજ લગભગ એક લાખ ભક્તોને ભોજન પીરસાય છે.

એને માથે કેવો ગંજાવર આર્થિક બોજો આવ્યો હશે? સુવર્ણ મંદિર સહિત અન્ય ધર્મસ્થાનોના સંચાલકોએ સરકાર સમક્ષ ઘા નાખી કે નિ:શુલ્ક પ્રસાદ અને ભોજન આપતા અન્નક્ષેત્રોને તો જીએસટીમાંથી મુક્તિ આપો? નસીબજોગે સરકારે આ વાત કાને ધરી અને તમામ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા, દરગાહ, મઠ, વિહાર અને આશ્રમો સહિતના ધાર્મિક સ્થાનોને જીએસટીમાંથી મુક્તિનો લાભ આપ્યો. હવે સહુ કર જોડી જમાડે અને કહે કે ના-કર ના-કર.... બસ તું શ્રધ્ધાથી ભક્તિ કર.... આ કરમુક્તિને લીધે દુનિયાના સૌથી મોટા રસોડા તરીકે જાણીતા સુવર્ણ મંદિરને કેટલી રાહત થઈ હશે જરા કલ્પના તો કરો? સુવર્ણ મંદિરના રસોડે દરરોજ એક લાખથી વધુ ભક્તજનો લંગરમાં બેસી ભોજન- પ્રસાદ આરોગે છે.

રસોડામાં લગાડવામાં આવેલા રોટલીના મશીનોમાંથી દર કલાકે લગભગ ૨૫ હજાર રોટલી તૈયાર થઈને નીકળે છે. ભોજન તૈયાર કરવા માટે રોજ ૭૦ ક્વિન્ટલ ઘઉંનો લોટ ૨૦ ક્વિન્ટલ શાક અને દાલ, ૧૨ ક્વિન્ટલ ચોખા, ૫૦૦ કિલો શુધ્ધ ઘી વપરાય છે. રાંધવા માટે રોજ ૧૦૦ ગેેસ સિલિન્ડર અને ૫૦૦ કિલો લાકડાંનો બળતણ તરીકે વપરાશ થાય છે. આમ દુનિયાના સૌથી  મોટા સ્વયંપાક ઘરને જીએસટીમાંથી મુક્તિ મળતા કેટલી રાહત થઈ હશે? ઉપરવાળાનો સાંભળીને સાદ, જે આરોગે પરસાદ એની પર કૃપાનો થાય વરસાદ.

વડાને વચન યાદ અપાવવા પદયાત્રા
ગાંધીજીએ સાબરમતી આશ્રમથી દાંડી સુધી પદયાત્રા કરી મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. એ ખરી પદયાત્રા હતી. બાકી આઝાદી પછી તો પદ મેળવવા માટે દિલ્હીની યાત્રા કરવામાં આવે એને પદ-યાત્રા ન જ કહેવાયને? આ દેશમાં ચૂંટણીમાં ઊભા રહી મત મેળવવા માટે વચનોની લહાણી કરવામાં આવે છે. એક વાર ચૂંટાઈ ગયા પછી પદ મળી જાય એટલે નેતાઓ વચન ભૂલી જતા હોય છે. એટલે જ ઓડિશાના ૩૦ વર્ષના યુવાન મુક્તિકાંતા બિસવાલે પગપાળા દિલ્હી પહોંચી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એમણે આપેલા વચનો યાદ અપાવવાનો નિર્ધાર કર્યો. ૧૬મી એપ્રિલે રાઉરકેલાથી આ યુવાને એકલા પગે પદયાત્રા શરૃ કરી.

જરા વિચાર તો કરો ક્યાં ઓડિશા અને ક્યાં દિલ્હી? છતાંય હિંમત હાર્યા વિના આ એકલવીર બસ ચાલતો જ રહ્યો ચાલતો જ રહ્યો. જૂનના બીજા સપ્તાહમાં આગ્રા પહોંચ્યો. અસહ્ય થાકને લીધે બેભાન થઈને પડી ગયો. સારવાર બાદ હોશમાં આવતા તેણે કહ્યું કે 'મોદીજીએ વચન આપ્યું હતું કે રાઉરકેલાની હોસ્પિટલને સુપરસ્પેશિયાલીટી હોસ્પિટલ બનાવવામાં આવશે અને નદી પર પુલ બનાવી દેશે. પણ આજ સુધી વચનો પાળવામાં ન આવતા મારે પગપાળા દિલ્હી જઈ આ વચન યાદ આપવાની નોબત આવી.' આ પદ-યાત્રીની વાત સાંભળી હિન્દી ફિલ્મનું ગાણું યાદ આવી ગયું.

'જો વાદા કિયા વો નિભાના પડેગા... નિભાના પડેગા...' પણ આ દેશના ચુનાવી રાજકારણમાં કયા કયા નેતા ચૂંટણી આપેલા વાયદા પૂરા કરે છે? રાજકારણ પણ વાયદા બજાર બની ગયું હોય એવો તાલ જોવા મળે છે. વાયદે- આઝમો અને ફાયદે- આઝમો જ જ્યાં ભટકાતા હોય ત્યારે જનતા તો હાથ લાંબા કરી કાંઈ-દે કાંઈ-દે એવી વિનવણી કરીને કાંઈ- દે- આઝમ જેવી સ્થિતિમાં જ મૂકાઈ જાયને?

ગોર મહારાજ દેશમાં વિવાહ વિદેશમાં
આપણાં દેશમાં લગ્નની મૌસમ પૂરબહારમાં હોય ત્યારે સૌથી વધુ ડિમાન્ડ ગોરમહારાજોની હોય છે. ગોરમહારાજો એક એક દિવસમાં ચાર- ચાર પાંચ- પાંચ લગ્નો પતાવવા માટે આ માંડવેથી પેલા માંડવે દોડધામ કરતા રહે છે. આવી પરિસ્થિતિમાં વિદેશમાં વસતા કોઈ ભારતીય પરિવારને શાસ્ત્રોકત પધ્ધતિથી સંતાનોના લગ્ન કરાવવાની અદમ્ય ઈચ્છા હોય ત્યારે પારકે પરદેશ ગોર મહારાજ કયાં ગોતવા એ મોટો પ્રશ્ન થાય.

કેનેડામાં વસતા મૂળ ઉત્તર ભારતના યુવક અને યુવતીની સગાઈ થઈ અને પછી લગ્નની તૈયારી થવા માંડી. ભારતીય સંસ્કૃતિ અને સભ્યતા તરફ અગાધ પ્રેમ ધરાવતા આ પરિવારોએ શાસ્ત્રોક્ત વિધિથી કેનેડામાં લગ્ન ગોઠવ્યા. હવે કેનેડામાં ગોરજીને ક્યા ગોતવા? એટલે એક નુસ્ખો અજમાવ્યો કે વિડિયો કોલીંગથી ગોર મહારાજ ઉત્તર પ્રદેશમાં મંત્રોચ્ચાર કરતા જાય અને કેનેડાના ટોરન્ટો શહેરમાં લગ્નવિધિ આગળ વધતી જાય.

બસ પછી તો નિર્ધારિત તિથિએ માંડવે ધામધૂમથી લગ્ન લેવાયા. વિડિયો કોલીંગમાં ખલેલ ન પડે માટે હાઈ-સ્પીડ વાઈ- ફાઈનો બંદોબસ્ત કરવામાં આવ્યો. આમ વિડિયો કોલીંગથી વિધિવત લગ્ન પાર પડયા. કેવી અનોખી લગ્નવિધિ કહેવાય? ગોર મહારાજને દક્ષિણા ઓન- લાઈન ચૂકવાઈ હશે કે નહીં એ ખબર નથી પડી.

પંચ- વાણી
પ્રજા જેના પર વારી છે
એ નેતાગીરી વચનો દઈ પર-વારી છે.

Post Comments