Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મેરા ભારત મહાન અક્ષય અંતાણી

માથેરાનમાં માટીના ઢોકળા

માથેરાનમાં માટીના ઢોકળા

મરાઠી ભાષા પણ મજેદાર છે. મરાઠી છાપામાં વાંચ્યા કે માથેરાનના રસ્તે માટીના ઢોકળા ગોઠવાશે. મેં ખમણ ઢોકળા, રસિયા ઢોકળા, તિરંગી ઢોકળા, સુરતી ઢોકળા અને રાજકોટના લાઈવ ઢોકળા ખાધા છે. પણ માટીના ઢોકળા એ વળી કઈ નવી વરાઈટી હશે? મરાઠી ભાષાના જાણકારને પૂછતા ખબર પડી કે મરાઠીમાં ઢોકળા એટલે (માટીના) ચોસલા. આ ભાષાની મજા છે. જુવાનિયો જુવાનડીને કહે તું મને લવ કર એટલે પ્રેમ કર. પણ મરાઠીમાં લવ-કર એટલે જલ્દી. આમેય પ્રેમ ઉતાવળે જ થતો હોય છે ને? આંખને કહે ડોળા અને માથાને કહે ડોકા.

ગુજરાતીમાં કોઈ વાંઢો એમ નેમ વગર કામે બેઠો હોય તો કોઈ મહેણું મારે છે કે આમ નવરો શું બેઠો છે? કામે લાગને? પણ મરાઠીમાં નવરો કોને કહે છે ખબર છે ને? વરને કહે છે નવરો, વહુને કહે છે નવરી. જરા વિચાર કરો કોઈ માણસ પરણીને વર બને પછી એની નવરી એને ઘડીકવાર પણ નવરો બેસવા દે છે? મરાઠીમાં મને છૂટાછેડા માટે વપરાતો શબ્દ 'ઘટસ્ફોટ' બહુ જ બંધબેસતો લાગે છે. શું કામ જાણો છો? વર- વહુ વચ્ચેના પ્રેમમાં ઘઠ થાય પછી જ સ્ફોટ થાયને? આને કહેવાય ઘટ-સ્ફોટ.

કાશીમાં પ્રાણીઓ હોસ્ટેલવાસી

ગર્લ્સ હોસ્ટેલ હોય બોયઝ હોસ્ટેલ હોય અને આદિવાસી વિસ્તારોમાં આદિવાસી વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ હોય છે. પણ વાંદરા, કૂતરા, ગાય, ભેંસની હોસ્ટેલ હોય એવું તો માન્યામાં જ ન આવે. પણ આ હકિકત છે વારાણસીની એનિમલ હોસ્ટેલની. આશ્રય ફોર સિક એન્ડ હેલ્પલેસ એનિમલ્સ સેન્ટર નામના આ પશુ- પ્રાણીના આશ્રય સ્થાનમાં જખમી જાનવરોના ઈલાજ માટે નાનકડી હોસ્પિટલ છે.

શહેરના કોઈપણ વિસ્તારમાંથી ફોન આવે કે કૂતરા, બિલાડી કે વાંદરા ઈજાગ્રસ્ત હાલતમાં છે કે તરત જ એનિમલ એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જાય છે અને ઘાયલને હોસ્પિટલમાં લાવીને ઈલાજ કરવામાં આવે છે. કોઈએ ધારો કે કૂતરા પાળ્યા હોય અને વેકેશનમાં બહારગામ જવાનું થાય તો તેઓ પોતાના પાળેલા પ્રાણીને આ એનિમલ હોસ્ટેલમાં મૂકીને જાય છે. આ હોસ્ટેલના  પાયામાં લશ્કરના એક ઉચ્ચ અફસરની અનુકંપા કામ કરી ગઈ છે. ભારતીય સેનામાંથી નિવૃત્ત થયેલા કર્નલ પી.કે. સિંહની પત્ની આભાસિંહે એક દિવસ વાહનની અડફેટે આવેલા કૂતરાને તરફડતો જોયો. તેનું હૈયું હચમચી ગયું. એજ દિવસે નિર્ધાર કર્યો કે જખમી અને નિરાધાર પ્રાણીઓ માટે કંઈક કરવું જોઈએ.

જીવદયાપ્રેમીઓ અને અહિંસાપ્રેમીઓની સહાયથી વારાણસીથી બાબતપુર એરપોર્ટ જવાના માર્ગ પર એક મોટો પ્લોટ ખરીદી ઝડપથી હોસ્ટેલ અને હોસ્પિટલ ઊભી કરી દીધી. આજે સંખ્યાબંધ પ્રાણીઓ હોસ્ટેલમાં રહે છે અને હોસ્પિટલમાંથી સારવાર મેળવે છે. વીજળીના તારથી કરન્ટ લાગવાને લીધે દાઝી જતા વાંદરાઓને સતત આ હોસ્પિટલમાં લાવવામાં આવે છે.

અત્યારે ઈલાજ બાદ સાજા થયેલા એક ડઝન વાંદરા શાંતિથી રહે છે. આમ તો વાંદરાની જાત શાંતિથી રહે એવું કોઈ કહે તો પણ માન્યતામાં ન આવે. પણ આ હકિકત છે. બીજી તરફ વિદ્યાર્થીઓ માટેની હોસ્ટેલ હોય તો ત્યાંના કર્તાહર્તા ડારો દેખાડતા હોય છે કે 'છોકરાવ જરાય વાનરવેડા ન કરતા.' પણ એનિમલ હોસ્ટેલમાં તો વાનરો માણસવેડા કરી ડાહ્યા ડમરા થઈ બેઠા હોય છે.

મુસ્લિમની કંકોતરીમાં રામ- સીતાની તસવીર

રામને નામે પથ્થર તરે... એવું કહેવાય છે. પણ જ્યારથી રામ મંદિરની નામે રાજકારણ ખેલાવા માંડયું છે ત્યારે રામને નામે કેટલાય નેતાઓ તરવાનો પ્રયાસ કરે છે. આજે જ્યારે મઝહબ અને કોમને મુદ્દે ઘર્ષણ થાય છે અને અવારનવાર હિંસાચાર ફેલાય છે ત્યારે બાગસરાય ગામના લોકો હિન્દુ- મુસ્લિમ એકતા અને ભાઈચારાની મિસાલ બની ગયા છે. ગામવાસીઓ એકબીજાના તહેવારમાં સામેલ થાય છે, સમય આવ્યે એકમેકની મદદે દોડી જાય છે.

તાજેતરમાં એક મુસ્લિમ પરિવારમાં દિકરાના લગ્ન લેવાયા ત્યારે હિન્દુ ગામવાસીઓને ભાવભર્યું આમંત્રણ આપવા માટે જે કંકોતરી છપાવી તેની ઉપર પ્રભુ રામ અને સીતાની સુંદર તસવીર મૂકી હતી. આ જોઈને થાય છે કે જ્યાં રાજકારણ આવે ત્યાં એકતા મરી પરવારે છે અને જ્યાં રામ- કારણ આવે ત્યાં પરસ્પર ભાઈચારાની ભાવના પાંગરે છે.

પૂતળાનું પોલિટિક્સ

સત્તા- પરિવર્તનની સાથે પૂતળા- પરિવર્તનનો પણ પવન ફૂંકાય છે. જૂની સરકારે જે પૂતળા ઉભા કર્યા હોય એ નવી સરકાર ગાદી પર આવતા હટાવતી હોય છે. ત્રિપુરામાં લાલ વાવટા સરકાર ગઈ અને ભગવી સરકાર આવી ત્યારે લેનિનના પૂતળાને તોડી પાડવામાં આવ્યું હતું. હવે એ જગ્યાએ ત્રિપુરાના ભૂતપૂર્વ રાજવી બીક્રમ કિશોર માણિકયની ભવ્ય પ્રતિમા બેલોનિયામાં ઊભી કરવાનું ભાજપના નેતાએ સૂચન કર્યું છે.

આમ તો કમળ પક્ષે ત્રિપુરાના રાજવી ખાનદાનના જીશ્નૂ દેબ- બર્મનને નાયબ મુખ્ય પ્રધાન પદ આપ્યું છે. જોકે જીશ્નૂ દેબ- બર્મનના ભાઈ ભરત દેબ- બર્મન ત્રિણમૂલ કોંગ્રેસના સાંસદ અને અભિનેત્રી મૂનમૂનસેનને પરણ્યા છે. રાજાશાહી  ગઈ અને લોકશાહી આવી પછી પણ ગણતરીપૂર્વક રાજાશાહીને ગોરાવાન્વિત કરવામાં આવે છે. રાજા ગયા છતાં એનાં વાજા વગાડવામાં આવે છે. આપણે જોઈએ છીએ કે લોક-શાહીમાં જેના હાથમાં સત્તા આવે એ શાહી-લોક બની જાય છે.

કૂલી કી કિસ્મત ખૂલી

રેલવે સ્ટેશનો ઉપર મુસાફરોનો સામાન ઉપાડતા કૂલીઓ ક્યારેક તો મનોમન કિસ્મતને કોસતા કોસતા વિચારતા હશે કે જો ભણ્યા હોત તો આમ સામાન ઉપાડવાની મજૂરી કરવાનો વારો ન આવત પણ બીજા કૂલીઓની જેમ જ કેરળના એર્નાકુલમ સ્ટેશન ઉપર પેસેન્જરોનો સામાન ઉપાડતા કૂૂલી શ્રીનાથે પરિશ્રમ કરવાની સાથે જ ભણવાનું ચાલુ રાખ્યું. એમાં વળી ૨૦૧૬માં એર્નાકુલમ સ્ટેશન પર મફત વાઈ- ફાઈની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી. બસ ત્યાર પછી આ કૂલીની કિસ્મત ખૂલી એમ સમજો. ખીસ્સામાં મોબાઈલ રાખી અને કાનમાં ઈયર ફોન ભરાવી શ્રીનાથ શિક્ષણની જુદી જુદી ઓનલાઈન સેવાનો લાભ લઈ ભણવા માંડયો.

આજે સુખી ઘરના મોબાઈલ ધારકો વોટ્સએપ કે ફેસબુક જોવામાં આંખો ચોંટાડીને ફરતા હોય છે. પણ આ કૂલી તો ટ્રેન આવે અને મુસાફરોનો સામાન ઊપાડીને ટેક્સી કે રિક્ષા સુધી મૂકવા જાય ત્યારે  પણ ઈયર ફોનમાં શિક્ષણના લેકચર સાંભળતો જ હોય. બસ વાઈ- ફાઈની મદદથી શ્રીનાથે ભણવામાં એવી તો મહેનત કરી કે કેરળ લોકસેવા આયોગની પરીક્ષા પાસ કરી લીધી. હવે બાકીની ટેસ્ટ પસાર કરશે પછી સરકારી નોકરી મેળવીને એક અધિકારી બની જશે. બોલો હમાલની કેવી કમાલ?

પંચ- વાણી

જ્યાં લોકશાહીની મોટી મોટી

વાતો થાય છે

ત્યાં લોકના પૈસે સત્તા માટે

ખરીદ- વેચાણ થાય છે

આવાં ખોટા અને મોટા ખેલ જોઈ

લોકશાહીને મોઢે શાહી

ઢોળાઈ જાય છે.
 

Keywords ,mera,bharat,mahan,1,june,2018,

Post Comments