Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આણંદ-પેટલાદ તાલુકામાં દોઢ કલાકમાં બે ઇંચ

- ચરોતરમાં ફરી વરસાદનો રાઉન્ડ

- કેટલાંક સ્થળે પાણી ભરાવાની અને વૃક્ષો પડવાની ઘટનાઓ : હજી પણ વરસાદની આગાહી

આણંદ,તા.૧૩ બુધવાર, સપ્ટેમ્બર 2017
આણંદ શહેર સહિત જિલ્લાભરમાં મંગળવાર બપોરના સુમારે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને જિલ્લામાં ઠેર-ઠેર ગાજવીજ સાથે મેઘમહેર થવા પામી હતી. જિલ્લાના આણંદ અને પેટલાદ તાલુકામાં દોઢ કલાક જેટલા સમયમાં આશરે બે ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા. તેમજ જિલ્લાના વિવિધ સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવ બન્યા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા સ્થાનિકોને અનેક તકલીફોનો સામનો કરવો પડયો હતો. આગામી પાંચ દિવસ દરમ્યાન જિલ્લામાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

છેલ્લા બે દિવસથી સમગ્ર આણંદ જિલ્લામાં બાફ અને ઉકળાટભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ગરમીનું પ્રમાણ વધુ રહેતા જિલ્લાવાસીઓ ત્રાહીમામ પોકારી ગયા હતા. મંગળવાર સવારના સુમારે પણ બાફનું પ્રમાણ જોવા મળ્યું હતું. જો કે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. બપોરના ૧૨:૦૦ કલાકની આસપાસના સુમારે આકાશમાં કાળાડીબાંગ વાદળો છવાઈ ગયા હતા. થોડી જ મિનિટોમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

જિલ્લાના આણંદ તેમજ પેટલાદ તાલુકામાં બે ઈંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા હતા. આણંદ શહેરના ઈન્દિરાગાંધી સ્ટેચ્યુ, સિધ્ધિવિનાયક મંદિર, આણંદ-વિદ્યાનગર રોડ, ઈસ્માઈલનગર, ગામડી, ગોપી સિનેમા રોડ, ગણેશ ચોકડી વિસ્તાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા વાહનચાલકોને અનેક તકલીફોનો સામનો કરવો પડયો હતો. તાલુકા મથક પેટલાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાઈ ગયા હતા.

સમગ્ર આણંદ જિલ્લામાં તોફાની વરસાદ વરસતા કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થવાના બનાવો બન્યા હતા. તેમજ જિલ્લામાં ઠેર-ઠેર વીજળી ડુલ થઈ જવા પામી હતી. આણંદ પાસેના વિદ્યાનગરની યુનિ. સ્ટાફ કોલોની ખાતે બે તોતીંગ વૃક્ષ ધરાશાયી થતા વીજ પોલ તુટી જવાના કારણે વીજ પુરવઠો ખોરવાઈ જવા પામ્યો હતો. મોડી સાંજ સુધી વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા મરામત કાર્ય હાથ ધરી વીજ પુરવઠો ચાલુ કરાયો હતો. બુધવારે સવારે ૮:૦૦ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમ્યાન જિલ્લામાં કુલ ૧૦૭ મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં આણંદ તાલુકામાં ૪૮ મી.મી., ઉમરેઠ તાલુકામાં ૬ મી.મી., બોરસદ તાલુકામાં ૨ મી.મી., આંકલાવ તાલુકામાં ૫ મી.મી., પેટલાદ તાલુકામાં ૪૬ મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે સોજિત્રા, ખંભાત અને તારાપુર તાલુકામાં છુટોછવાયો વરસાદ વરસ્યો હતો.

બાલાસિનોરમાં એક ઈંચ વરસાદ પડયો
બાલાસિનોર, તા. ૧૩
બાલાસિનોરમાં સાંજના ચાર વાગ્યાના સુમારે પવન સાથે વરસાદ પડયો હતો. છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ તાલુકામાં છવાયેલો રહ્યો છે. વરસાદ આજરોજ વીજગર્જના સાથે એક ઈંચ પડયો હતો. તાલુકામાં કુલ વરસાદ ૯૦૦ મી.મી. નોંધાયો છે. વરસાદના કારણે કપાસ, તુવેર, ડાંગર, તમાકુ, મકાઇ, બાજરી વિ. પાકોને ફાયદો થશે. તેમજ કઠોળને પણ ફાયદાકારક રહેશે.

Post Comments