Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

નોટબંધીના કારણે સમગ્ર ચરોતરમાં પતંગ-દોરીના ધંધામાં મંદી

- શાળાઓમાં પરીક્ષા ચાલતી હોવાથી પણ ઘરાકી ઘટી

- ઉત્તરાયણનું લોકપ્રિય પર્વ નજીક આવી ગયું અને પતંગના ભાવ ૨૦ ટકા ઘટી ગયા છતાં બજારોમાં ગ્રાહકોની ભીડ દેખાતી નથી

નડિયાદ, તા.૧૧ બુધવાર, જાન્યુઆરી 2017
નોટબંધી અને મંદીના માહોલમાં પતંગ બજારમાં હજુ ઘરાકીનો પતંગ બરાબર ચગતો નથી. નડિયાદએ પતંગોનું હબ સેન્ટર છે. અત્યારે ઉતરાયણના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે નડિયાદ સહિત જિલ્લાના પતંગ  અને દોરીના બજારમાં જોઈએ તેવી ધરાકીનો અભાવ હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે. મંદીનું મહત્વનું કારણ નોટબંધી છે. આના કારણે અત્યારે તો ચીલ સહિત મોટાભાગની પતંગના ભાવમાં ર૦ ટકા જેટલો ઘટાડો થયો છે.

ચરોતરમાં નડિયાદ અને ખંભાત એ પતંગોનું હબ ગણાય છે. નડિયાદમાં પતંગના કારીગરો દ્ધારા આખું વર્ષ મહેનત કરીને બનાવવામાં આવેલ વિવિધ પ્રકારની પતંગો બજારમાં વેચાણ અર્થે મૂકવામાં આવી છે. ઉતરાયણ નજીક આવતા નડિયાદ શહેરમાં અત્યારે ઠેરઠેર પતંગોની હાટડીઓ ધમધમવા લાગી છે. દુકાનોથી લઈ લારી, કેબિનો તો ક્યાંક જમીન ઉપર પાથરણાં પાથરીને પણ પતંગોની હાટડીઓ શરૃ થઈ ગઈ છે. ફક્ત  શહેરમાં નાની મોટી મળી અંદાજે રપ૦ ઉપરાંત પતંગોની હાટડીઓ ધમધમે છે. પણ આ દરેક જગ્યાએ જોઈએ તેવી ધરાકી નથી.

વેપારીઓના જણાવ્યા મુજબ દર વર્ષની જેમ આ વર્ષે પણ નાનાથી માંડી મોટા સુધીના પતંગોના શોખીનોને પસંદ પડે તેવી પતંગો બજારમાં મૂકવામાં આવી છે. જેમાં ચીલ, પટ્ટાચીલ, અમદાવાદી ચીલ, ખંભાતી પતંગ, મોદીના ફોટાવાળી પતંગો, નોટબંધીને અનુરૃપ રૃા. પ૦૦ અને ૧૦૦૦ની નોટોવાળી પતંગો, છોકરાઓને ગમે તેવી કાર્ટૂન તેમજ છોટાભીમ તથા પિક્ચર પ્રિન્ટવાળી  અને ખંભાતી એમ દરેક વેરાયટીમાં પતંગો મૂકવામાં આવી છે. તાજેતરમાં તા. ૮ જાન્યુઆરીના રોજ ઉતરાયણ પહેલાનો છેલ્લો રવિવાર હતો, છતાં આ દિવસે પણ બજારમાં ધરાકી નહોતી. નડિયાદ શહેરની વાત કરીએ તો સલુણ બજાર, અમદાવાદી બજાર તથા ડભાણ ભાગોળ જેવા વિસ્તારો પતંગ અને દોરીના વેચાણનું મુખ્ય બજાર છે.

આ ઉપરાંત  સ્ટેશન અને સંતરામ રોડ પરથી લઈ ડુમરાલ બજાર, કપડવંજ રોડ, મિલરોડ, જવાહર નગર  તથા  પશ્ચિમ વિસ્તાર સહિત ઠેરઠેર પતંગ, દોરી, ટોપી, ચશ્મા, પિપૂડા, ટોટીઓ તથા કાગળ સાધવાની પટ્ટી વેચાવા લાગ્યા છે.

વેપારીઓએ જણાવ્યું હતું કે નોટબંધીના કારણે બેંકોમાંથી લોકોને માંડ બે કે ચાર હજાર જેવી રકમ મળે છે. આમાં તેઓ ઘરના અને સામાજિક કામકાજ ચલાવે કે પતંગ દોરીની ખરીદી કરે. બેંકોમાંથી કેશનો પૂરતો ઉપાડ મળતો ન હોવાથી  તેની વિપરીત અસર પતંગ અને દોરીની ખરીદી પર થઈ રહી છે. ઉતરાયણનું પર્વ સાવ નજીકમાં હોવા છતાં માર્કેટમાં પતંગ કે દોરીની નહિવત્ ધરાકીથી વેપારીઓ ચિંતાતુર બન્યા છે. જોકે, પતંગબાજો ઉતરાયણનો તહેવાર ધામધૂમથી ઉજવતા હોય છે. તેથી છેલ્લી ઘડીએ ધરાકી નીકળે તેવી આશા પણ છે.


શાળાઓમાં પરીક્ષા ચાલતી હોવાથી પણ ઘરાકી ઘટી
નડિયાદ, તા. ૧૧
ઉતરાયણના આડે હવે ગણતરીના દિવસો બાકી છે, છતાં પતંગ અને દોરીની નહિવત્ ઘરાકીનું કારણ નોટબંધી ઉપરાંત શાળાઓમાં ચાલતી પરીક્ષા છે.

નડિયાદ સહિત જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળઓ ઉપરાંત અન્ય ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં પરીક્ષા ચાલી રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓ હાલમાં પરીક્ષામાં ગળાડૂબ હોવાથી ઘરાકીમાં મંદીનો માહોલ વર્તાય છે. છેલ્લી ઘડીએ પતંગ-દોરીની ખરીદીમાં ઉછાળો આવે તેવી  શક્યતાને નકારી શકાય એમ નથી.

Post Comments