Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ઇંટ અને ઇમારત - કુમારપાળ દેસાઇ

જ્યાં મૃત્યુની રમણીયતા હોય, ત્યાં સત્કર્મનાં વૃક્ષો ખીલે છે!

અમર બનવું છે શહેનશાહ સિકંદરને!

શહેનશાહ સિકંદરના ઘોડાના દાબલાં જ્યાં પડયાં, ત્યાં એની આણ વર્તી રહી. એ સિકંદરને અનેક દેશો જીત્યા પછી વિચાર આવ્યો ઃ જો મોત ન હોય તો જ આ બધી જીત કામની, નહિ તો બધી મહેનત ધૂળ પર લિંપણ જેવી! મળી ન મળી સરખી! મારી સાગર સમી આટલી વિશાળ સેના જો મોતના કાસદને આવતો રોકી ન શકે તો શા ખપની?

બાદશાહ તો ખૂબ ઊંડા મનોમંથનમાં ઊતરતો ગયો અને જેમ મનોમંથન કરતો ગયો એમ મોત એને મૂંઝવતું ગયું. ખાવામાંથી રસ ઊડી ગયો, પીવામાંથી રસ ગયો. આખરે એણે પોતાના વજીર, મંત્રી, સેનાપતિઓને બીજા બાહોશ માણસોને એકઠાં કર્યાં ને તાકીદનો હુકમ કર્યો કે - 'જાઓ! પૃથ્વીના ખૂણેખૂણો ફેંદી વળો અને હું અમર થાઉં એવો કીમિયો શોધી લાવો. પહાડ ફેંદો, પર્વત ફેંદો, ખીણ ઢંઢોળો, જંગલ વીંધો, દરિયામાં ડૂબકી મારો, પણ અમર થઈ શકાય એવી કોઈ જડીબુટ્ટી, કોઈ ઔષધિ, કોઈ મંત્રતંત્ર, કોઈ રસાયન શોધી લાવો. તમને ત્રણ માસની મુદત આપું છું.'

શહેનશાહનો હુકમ એટલે પછી પૂછવાનું શું? વજીર, અમીર, મંત્રી, સંત્રી, સેનાપતિ - સહુ કોઈ શોધમાં નીકળ્યા. પીર-ઑલિયા, સાધુ-સંન્યાસી, જોગી-ગતિ, વૈદ-હકીમોને ઢૂંઢી વળ્યા. એક સંન્યાસી વર્ષોથી તપ કરતા હતા. અનેક સિદ્ધિઓ તેમણે મેળવી હતી. વજીર તેમની પાસે પહોંચ્યા ને કહ્યું, 'આપે તો અનેક સિદ્ધિઓ મેળવી છે. એટલે આપને અમર કરનારી સિદ્ધિ સાંપડી જ હશે, બાદશાહ સિકંદરને એ સિદ્ધિનો ખપ પડયો છે.'
સંન્યાસી હસીને બોલ્યા, 'વજીરેઆલમ! પાણીનું દૂધ કરવાની અને વિષને પચાવી જવાની સિદ્ધિ મને મળી છે, પણ અમર થવાની સિદ્ધિ મને મળી નથી.'

સેનાપતિઓને કોઈ ગેબની ગુફામાં રહેલા સાંઈ મળ્યા. અલ્લાતાલાની યાદમાં એ   બધું ભૂલી ગયા હતા, માત્ર પવન પર જ જીવતા હતા. સેનાપતિઓએ તેમને આજીજી કરી, કે બાદશાહ સિકંદરને માટે અમર થવાનો કોઈ કીમિયો બતાવો. સાંઈ હસીને બોલ્યા, 'બહાદુરો! હું વાઘ અને બકરીને એક આરે પાણી પાઈ શકું. બિમારને એક નજર માત્રથી સાજા કરી શકું, પણ મોતથી બચવાનો કોઈ કીમિયો હું કરી શકું તેમ નથી.'

અચ્છા અચ્છા વૈદ હકીમોને શોધી કાઢ્યા. તેઓ બિચારા નિરાશ થઈને કહે, બુઢ્ઢાને યુવાન બનવાની જડીબુટ્ટી અને માણસને દેવતાઈ રૃપ આપે એવાં રસાયનો ઘણાં છે. પણ મોતથી બચાવે તેવું કોઈ ઔષધ અમારી પાસે નથી. આમ ક્યાંય પણ અમર થવાનો કીમિયો બતાવનાર કોઈ જોગી-જતિ ન મળ્યો. બાદશાહ સિકંદરે આપેલો સમય પૂરો થવા આવ્યો. બધાને બીક હતી કે બાદશાહ ક્યાંય તો અવળી ઘાણીએ ઘાલી તેલ કાઢશે, ક્યાંય ગરદન મારશે.

સહુ રાજધાની પાસે આવી પહોંચ્યા હતા આ વખતે અચાનક એક દરવેશ મળ્યો. કોઈનું એના તરફ ધ્યાન નહોતું. કારણ કે ભલભલા દીનદરવેશને તેઓ મળી આવ્યા હતા. પણ તેઓ વચ્ચે ચાલતી ચર્ચા સાંભળીને એ દરવેશ ઊભો રહ્યો ને એણે કહ્યું, 'અરે, આટલી નાની વાત માટે તમે આખી દુનિયા ખૂંદી વળ્યાં? જાઓ, બોલાવો તમારા બાદશાહને, હું એને અમર થવાનો કીમિયો બતાવું.'

પેલાઓને તો પહેલાં શ્રદ્ધા ન બેઠી, પણ દરવેશનું મમતાભર્યું મુખ જોઈ બાદશાહને બોલાવવા ગયા. આમે ય વાગ્યું તો તીર, નહિ તો તુક્કો. તેઓએ દરબારમાં હાજર થઈ નિવેદન કર્યું. 'હજૂર! આપના હુકમ મુજબ અમે આખી દુનિયા ખૂંદી વળ્યા. પીર-ઓલિયા, જોગી-જતિ, સંત-સાધુ, વૈદ, જોશી, ને હકીમ એકેયને બાકી ન મૂક્યા. પણ સહુ આ વાત માટે લાચારી બતાવે છે. એ કહે છે કે જો અમારામાં એટલી શક્તિ હોત તો અમારાં મા-બાપને શું કામ કરવા દેત ને અમારા ગુરુને શું કામ જવા દેત? આખરે નિરાશ થઈને અમે આપના કદમમાં અમારાં મસ્તક મૂકવા આવતા હતા. ત્યાં શહેરના દરવાજે એક દરવેશ મળ્યા. એ કહે છે કે લાવો તમારા રાજાને, હું અમર થવાનો કીમિયો બતાવીશ.'

આ સાંભળીને દોડી ગયેલા સિકંદરને દરવેેેશે કહ્યું, 'તને અમર બનાવીશ. બાદશાહ, અહીંથી થોડે દૂર આબેહયાત નામનું તળાવ આવેલું છે. ત્યાં જજે ને એનું પાણી પીજે. તું અમર થઈ જઈશ.' 'એ અમર તળાવડી કઈ દિશામાં આવી?' 'જો આમ, ઓતરાદી દિશામાં.' દરવેશે ઊભા થઈ સિકંદરના મસ્તકને તે દિશામાં ફેરવ્યું, સિકંદરને આ સાંઈના હાથનો સ્પર્શ શીતલ, મધુર લાગ્યો. એના ઉધામાં કરતા મનને જાણે સુખદ નિદ્રા લાધી ગઈ. સિકંદર આંખો મીંચી ગયો. જીવનમાં ન અનુભવેલી શાંતિ એ અનુભવી રહ્યો.

* * *
ન હાથી, ન ઘોડા, ન લાવ, ન લશ્કર! બાદશાહ સિકંદર પગપાળો દોડયો જાય છે. એ ઓતરાદી દિશામાં દોડતો જ રહ્યો છે. ખાડાટેકરા, પહાડપર્વત, નદીખીણ ઓળંગતો એક સાંકડી નેળમાં એ પ્રવેશ્યો. એ સાંકડી નેળની પેલે પાર આબેહયાત-અમર તલાવડી આવી હતી. સરોવરનું પાણી કાચ જેવું ચમકતું હતું. પણ રે! આ અમર તળાવડીનું વાતાવરણ આટલું ગંભીર અને ભારે ભારે કેમ? આના કરતાં તો કબ્રસ્તાનનું વાતાવરણ ઓછું ગંભીર હોય છે.

અહીં તો અમરત્વના ઉલ્લાસ અને ઉત્સાહ થનગનતા હોવા જોઈએ, એને બદલે આ મન મૂંઝવનારી પરિસ્થિતિ કેમ? પણ બાદશાહને લાંબો વિચાર કરવાનો વખત નહોતો. એને તો અમર થવું હતું. આબેહયાત-અમર તળાવડીનું પાણી પીવા એ જોરથી ધસ્યો. જેવો વાંકો વળી પાણી પીવા જાય છે, ત્યાં કંઈક અવાજ આવ્યો, કોઈ ગંભીર રીતે કહેતું સંભાળાયું, 'હે ભલા આદમી, આ પાણી પીને નાહક દુઃખી થઈશ મા!'

બાદશાહને આશ્ચર્ય થયું. અરે! કોણ મને આ સલાહ આપે છે? નક્કી, માણસના મનમાં બેઠેલો શેતાન આવે વખતે એને ભરમાવે છે! એ પ્રચંડ શબ્દોના તળાવડીના કાંઠા પર પડઘા ઊઠયા. તળાવનાં પાણી વર્તુળમાં ઘૂમવા લાગ્યાં. થોડીવારે એ વચ્ચેથી એક મગર મહામહેનતે શરીર ઢસડતો આગળ આવ્યો. એનાં અંગો ખવાઈ ગયાં હતાં. આંખો સાવ ઝાંખી પડી ગઈ હતી. પગ પણ કામ આપતા નહોતા. ચામડી બધી ઓશિકાના ઢીલા ગલેફ જેવી લબડી રહી હતી. ઉંમર આશરે પાંચેક હજાર વર્ષની હશે.

મગર મહામહેનતે કિનારાની રેતીમાં આવ્યો. ને હાંફતો હાંફતો બોલ્યો, 'સુખી માણસ! મેં જ તને ચેતવ્યો હતો. આ તળાવનું પાણી નહીં પીવાની મેં જ તને સલાહ આપી હતી. ભૂલથી પણ આ તળાવનું પાણી પીશ મા!'
બાદશાહે કારણ પૂછતાં મગર બોલ્યો, 'એ સ્વાર્થાંધ પુરુષ! જરા તારી ચારે તરફ તો નિહાળ!'

ખરેખર બાદશાહે હજી સુધી ચારે તરફ નજર સરખી પણ નાખી નહોતી. એનું ધ્યાન તો પાણી તરફ હતું. એણે ચારે તરફ નજર ફેરવી જોયું, તો કિનારા પર મોટા મોટા મગરમચ્છ સુસ્ત, નિરાશ ને નિષ્ક્રિય પડયા પડયા લોચતા હતા. મરવાની આળસે બધા જીવતા હતા.

બાદશાહ કહે, 'અરે! આ બધા અમર તળાવડીનું પાણી પીને આમ સુસ્ત કેમ પડયાં છે?' મગર કહે, 'ન પડયા રહે તો શું કરે? જે ભૂલ કરતાં અમે તને વાર્યો એ ભૂલ અમે કરી બેઠા છીએ. આ પાણી અમે પીધું છે, ને મોત અમારાથી આઘું જઈ બેઠું છે. જીવનની તાજગી અમે સાવ ખોઈ બેઠા છીએ અને જીવનનો અંત અમારી સામે નથી. માણસને જળો વળગે એમ અમને જીવન વળગ્યું છે. શરીર ક્ષીણ થઈ ગયું હોય, અંગ ચાલતાં ન હોય, ત્યાં જીવન જીવવું કેમ ગમે? અહા, કેવું મીઠું મોત? જાણે પ્રભાતનો દરવાજો!'

'સાચું છે. આવા દુઃખી જીવન કરતાં તો મોત હજાર દરજ્જે સારું.' બાદશાહે કહ્યું. બાદશાહ અમર તળાવડીને તીરેથી તરસ્યો પાછો ફર્યો. એ ચતુર બાદશાહ આવેલો લાભ હાથમાંથી જવા દે તેવો ન હતો. માર્ગમાં એને વિચાર આવ્યો. અરે જો યોગી અમર જુવાની આપે, તો અમર જીવન કામનું! જુવાની વગર જીવન જીવ્યાનો આનંદ શો?

એણે દરવેશને ચરણે પડી કહ્યું, 'મહાયોગી, આબેહયાતનું પાણી તો ત્યારે જ પીવાય જ્યારે મારી જુવાની અમર રહે તેવો કીમિયો બતાવો.' યોગીએ હસીને કહ્યું, 'ભલે, આબેહયાતને પેલે પાર એક વન આવેલું છે એ યૌવનવન છે. ત્યાંના વૃક્ષનું ફળ ખાજે. અમર થઈશ ને યુવાન રહીશ.'

* * *
યૌવનવન તો યૌવનવન હતું એને કિનારે સુંદર અમર વૃક્ષનાં ઝુંડ હતા. વૃક્ષ પર અમરફળ લંબે ને લૂંબે લટકતાં હતાં. બાદશાહે ફળ તોડવાની ઇચ્છાથી હાથ લંબાવ્યો. ત્યાં એક ભયંકર કોલાહલ સંભળાયો. બાદશાહે ચારે તરફ નજર દોડાવી, તો ભયંકર લડાઈઓ ચાલી રહેલી જોઈ. અલમસ્ત કેટલાય યુવાનો ભયંકર ઝનૂનથી પરસ્પર મારામારી ને કાપાકાપી ચલાવી રહ્યા હતા. ઘાયલ થયેલા ઠેરઠેર ચીસો નાખતા પડયા હતા. લોહીનાં તો ખાબોચિયાં ભરાયેલાં હતાં.

'આ અમારું, આ અમારી, અમે માલિક, અમારો ભોગવટો!' એવા ચિત્કાર સર્વત્ર ઊઠતા હતા. બાદશાહ આ જોઈ વ્યાકુળ બની ગયો. એનાથી ચીસ પડાઈ ગઈ. 'ભાઈઓ, લડશો મા! ભાઈચારો શીખો! યૌવનને માણી જાણો.'
આ ચીસ સાંભળી કેટલાક લડતાં થોભી ગયા ને બોલ્યા, 'લડાઈ એ જ અમારું જીવન છે. અનંત કાળ સુધી લડવા સિવાય અમારી પાસે કંઈ રહ્યું નથી. ને એમ સમજશો નહિ કે અમે પારકા છીએ. અમારામાંથી કોઈ બાપ છે, કોઈ ભાઈ છે, કોઈ બહેન છે, કોઈ દીકરો છે.

અમે સગાઈસંબંધ ભૂલી ચૂક્યાં છીએ. કદી ન મરતા બાપ માટે છોકરાને સ્નેહ નથી. છાતી ને છાતી પર રહેતી મા માટે દીકરાને પ્યાર નથી. સહુ અમર છે. સહુનું યૌવન અમર છે, એટલે એકની વપરાશની ચીજ કદી નવરી પડવાની નથી. એ ચીજ બીજાને આપવાની કોઈની ઉદારતા નથી. એટલે જેને એ ચીજ જોઈએ તેણે લડવું રહ્યું. જીવન છે, જુવાની છે, વાસના છે, ક્ષુધા છે, માણસો અપાર છે. વસ્તુઓ ઓછી છે, માણસો માણસ ખાય તો પહોંચાય, પણ માણસથી માણસ કેવી રીતે ખવાય? એ અમર છે?'

બાદશાહ કહે, 'તમે સંપીને ન રહી શકો? માનવતા ને સત્કર્મ વિષે કંઈ ન સમજી શકો?' 'બાદશાહ શાણો થઈને કેમ ભૂલે છે? જ્યાં મૃત્યુની સ્મરણીયતા હોય ત્યાં સત્કર્મનાં વૃક્ષો ખીલે, પાપપુણ્યનો વિચાર તો મોત હોય તો જ થાય અને અમરત્વએ શુભાશુભનો વિવેક ભુલાવ્યો છે. એક પાકેલું ફૂલ કરમાય છે, તો એમાં બીજા નવાં ફૂલનો પમરાટ છૂટે છે! કેવી સુખદ પરંપરા!' બાદશાહ અમરફળ સામે ફરીથી જોયા વિના પાછો ફર્યો. એને જલદી આ જગતમાં આવી જવું હતું. આ જગત જેવું વ્યવસ્થિત તંત્ર ને સુંદર જીવન ક્યાંય ન હતું! એ દરવેશને ચરણે પડયો.

* * *
દરવેશે સિકંદરના મસ્તકને અડાડેલો હાથ લઈ લીધો. નિદ્રામાંથી જાગતો હોય તેમ બાદશાહ સિકંદર જાગ્યો ને બોલ્યો, 'દરવેશજી! અહા! જે જગતમાં આપણે જીવીએ છીએ, તે કેટલું મધુર છે! નિરર્થક એની નિંદા કરીએ છીએ. કેટલું વ્યવસ્થિત આ જગતનું તંત્ર છે. કેટલી મીઠાશ અહીં છે! અને મૃત્યુ! અહા! કેવી મીઠી ચીજ આપણને બક્ષિસ મળી છે! એનાથી નકામા ડરીએ છીએ. જુવાની જતી રહેશે એમ આપણે તરફડાટ કર્યા કરીએ છીએ, પણ જીવનની દરેક અવસ્થા કેટલી સુંદર છે!'

દરવેશે ફરીથી બાદશાહને આશીર્વાદ આપતાં કહ્યું, 'માણસ કર્તવ્યથી અમર થાય, ઉત્સાહથી જુવાન રહે, પ્રાર્થનાથી પ્રફુલ્લ રહે ને પરોપકારથી ચિરંજીવ બને એનાથી વધુ સુંદર બીજું કશું નથી, સમજ્યો ને બાદશાહ!'

Keywords Int,ane,Imarat,5,July,2018,

Post Comments