Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

ગરબામાં રાષ્ટ્રીય ગીતો ગવાતા હતા, તેનું સુકાન પ્રખ્યાત ગાંધીવાદી સંગીતકાર નારાયણ મોરેશ્વર ખરે સંભાળત

અમદાવાદમાં જેમ જેમ શિક્ષણ વધતું ગયું તેમ તેમ તેની અસર ગરબા પર પડતી ગઈ. દલપતરામે આધુનિક શિક્ષણનો ફેલાવો કરવા રચેલી બે ગરબી નીચે મુજબ છે તે કન્યા શાળાઓમાં ગવાતી હતી અને પ્રસંગોપાત તે ગોળગોળ ફરીને તાળીઓના સથવારે ભજવાતી પણ હતી. પ્રખ્યાત બ્રિટીશ કેળવણીકાર મીસ મેરી કાર્પેન્ટર, હરકુંવર શેઠાણી, કવિ દલપતરામ, મહીપતરામ રૃપરામના પત્ની પાર્વતીકુંવર, આલીબહેન ખરશેદજી, મીસીસ સત્યેન્દ્રનાથ ટાગોર, મીસીસ એન્સ ન્યુનામ અને મીસીસ એલીફન્ટ જેવા આગેવાનોએ જ્યારે અમદાવાદની કન્યાશાળાઓની ૧૮૬૬માં મુલાકાત લીધી ત્યારે પરીક્ષા લીધા બાદ છોકરીઓ ગરબે ઘૂમી હતી. 'છોડીઓને' ઉત્તેજન આપવા હરકુંવર શેઠાણીએ એમને સ્લેટ- પેન અને પતાસાની લ્હાણી વહેંચી હતી. નવરાત્રિના ગરબાનું આ રીતે નવું રૃપાંતર થયું હતું.
'અમે આજ ગયાતા, રે નિરખવા નિશાળે
બાળકી બેઠી રે, ગણિત તો ભણતી રે,
કોઈ બીજગણીતમાં રે, ગણિત તો ગણતી રે
કોઈ નિર્મળ નીતિ રે, વિવેક વાંચે છે
કોઈ લેખણ લઈને રે, લખવા બેઠી છે.'
'આવો આવો રે, શીખીએ આજ, ભરત ભરવાને
લાવો લાવો રે સઘળો, સાજ ચિત્ર ચિતરવાને'
ઉઠો બહની સાહેલડી રે, સહુ સાથે ગરબા રમીએ રે,
હોં હા રે, સહુ સાથે ફરીને ગોળ ફરીએ રે.''
ત્યારપછી મહાલક્ષ્મી ફીમેલ ટ્રેનિંગ કોલેજ (૧૮૭૪), ગુજરાત ક્લબ (૧૮૮૮), લેડીઝ ક્લબ (૧૮૯૨) અને ભોળાનાથ સારાભાઈ લીટરરી ઇન્સ્ટીટયૂટ ફોર વિમેન (૧૮૬૯), સ્થપાતા હિંદુ, જૈન, પારસી અને ખ્રિસ્તી, છોકરીઓ, શિક્ષિકાઓ અને અન્ય સ્ત્રીઓ નવી ઢબનાં ગરબા ગાવા લાગી.
'ઝીણા ઝરમર વરસે મેહ, ભીંજે મોરી ચુંદલડી;
લાગ્યો નંદકુંવરશું નેહ, ભીંજે મોરી ચુંદલડી
લાખ ટકાની મ્હારી, ચૂંદડી, માંહિ ટપકામણી અમૂલ રે,
પાંચ પટાનો ઘાઘરો ને ફરતા મેલ્યા ફૂલ... ભીંજે મારી ચુંદલડી.'
'કાઠા તે ઘઉંની રોટલી, ને ગળગળિયો કંસાર
ભેગા બેસી આરોગિયે, જો પૂજ્યા હોય મોરાર.'
'ઘોઘાનો ઘાઘરો, બુરાનપુરી ચીર,
અતલસનું કાપડું, તે રચ્યું ઠીક ઠીક
ઝીણા મારુજા હો રાજ.'
ત્યાર પછી તો દક્ષિણ આફ્રિકામાં હિંદીઓના નાગરિક અને માનવીય અધિકારોની લડાઈ લડીને ગાંધીજી ૧૯૧૫માં સ્વદેશ પાછા ફર્યા અને અમદાવાદને તેમની કર્મભૂમિ બનાવી. આવા કારણોસર રંગબેરંગી ચૂંદડી, ચાઇનીઝ સિલ્કની સાડી, કમખાચોળી, પગના જાડા કલ્લા, કાનના સોનાના કાંટા, સૌંદર્યવર્ધક હડપચી કે ગાલ પરના છૂંદડાં, નાકમાં જડ, લુગડાના પાલવનો છેડો, વાંકી સેંથી પાડેલો અને સેફ્ટી પિન, બ્રચ રસીક અને ગોઠવેલો અંબોડો વગેરે શૃંગારરસના આભૂષણો અને અંગ- ગોઠવણો અદ્રશ્ય થતા ગયા અને તેનું સ્થાન જાડી ખાદીની સાડીઓ અને કબ્જાએ લીધું. અલબત્ત ઓક્ટોબર ૧૯૧૫માં પ્રખ્યાત મિલમાલિક મંગળદાસ ગીરધરદાસે ગરબા પાર્ટીનાં મેળાવડાને દીપાવવા માટે સુરતની પ્રખ્યાત નિષ્ણાત રાધાબાઈને, અમદાવાદ બોલાવી હતી એ પણ એક હકીકત છે તેનું પ્રમુખપદ સર ચીનુભાઈ બેરોનેટના પત્ની લેડી સુલોચનાબહેને સંભાળ્યું હતું અને જે ગરબામાં જયાગૌરી ઠાકોર, સુશીલા છત્રપતિ, વિજયાલક્ષ્મી કાનુગા, વિદ્યાબહેન નીલકંઠ, શારદાબહેન મહેતા, ધનગૌરી દેસાઈ, મહેદ્રાબા ભચેચ, નંદગૌરી સેતલવાડ, કસુમાવતી ડોક્ટર, ચતુરલક્ષ્મી બાપાલાલ અને મણી નથુભાઈ જેવી યુવતીઓએ ઉત્સાહથી ગરબા ગાઈ- ઘૂમીને આમંત્રિતોને ખુશ કરી દીધા હતા પણ આવા અપવાદોને બાદ કરતા નવરાત્રિના ગરબાઓ ઉપર ગાંઘીછાપ છવાઈ ગઈ હતી. ૧૯૨૦ના અસહકાર આંદોલન પછી તો ગાંધી જયંતિનું પર્વ ૨ ઓક્ટોબરના રોજ વર્ષો વર્ષ અમદાવાદમાં ઉજવાતું હતું. તે વખતે ગરબામાં રાષ્ટ્રીય ગીતો ગવાતા હતા. તેનું સુકાન પ્રખ્યાત ગાંધીવાદી સંગીતકાર નારાયણ મોરેશ્વર ખરે સંભાળતા હતા. ૧૯૨૨ની નવરાત્રિ વખતે અમરેલીના અંધ કવિ હંસરાજને ખાસ આમંત્રણ આપીને બોલાવ્યા હતા અને તેમણે ફીડલને સથવારે 'ટોપીવાળાના ટોળા ઉમટયાં' જેવા શરીરના રૃંવાંટા ખડા ખડા થઈ જાય તેવા રાષ્ટ્રીયતા ધારણ કરી હતી. તે સમયના અહેવાલો મુજબ મોટા ભાગના સ્ત્રી-પુરુષો ખાદીના વસ્ત્રોમાં સજ્જ થયા હતા. મણીલાલ મેન્શનથી સરદાર આગળ વધ્યું હતું અને મસ્કતી મારકીટ, કાળુપુર દરવાજા અને દોશીવાડાની પોળમાં થઈને ભદ્ર, ગુજરાત ક્લબ અને વિક્ટોરિયા ગાર્ડન થઈને સાબરમતી નદીની રેતમાં જમા થયું હતું. તે સાંજે સાત વાગે ફરીથી હંસરાજે 'વંદે મોહનમ્' અને 'આજ રે, આજ, જોગીડાની જ્યંતિ આજ રે' ગાઈને નવરાત્રિના ધાર્મિક પર્વને રાષ્ટ્રીય જાગૃતિમાં પલટાવી નાખ્યું હતું ! સરદાર પટેલ અને આચાર્ય ગીદવાની, સરલાદેવી સારાભાઈ અને અનસૂયાબેન સારાભાઈ, વિદ્યાબહેન અને તેમના પુત્રી વિનોદીનીબેન, ઇન્દુલાલ યાજ્ઞિાક, ડો. સુમન્ત મહેતા અને તેમના પત્ની શારદાબેન, ડો. હરિપ્રસાદ દેસાઈ અને તેમના પત્ની પાંખડીબહેન, પ્રીતમરાય દેસાઈ અને તેમના પત્ની નિર્મળાબેન, 'નદીની રેતમાં રમતા નગર'ના સાક્ષી હતા. એમણે રાષ્ટ્રીય ભાવનાના રૃપમા ઊંડો શ્વાસ ભરી લીઘો હતો આ કોઈ કવિતા નથી. આદિલ મનસુરીના જન્મ પહેલાની આ નક્કર વાત છે !
ત્યારબાદ ૧૯૩૦માં પાદરાકર નામના એક રાષ્ટ્રવાદી કવિવર્યે 'રાષ્ટ્રીય નવરાત્રિ રાસ' નામની પુસ્તિકા પ્રગટ કરી તેની અસર હેઠળ નવરાત્રીના ગરબામાં આઝાદીના ગીતોની ઝલકનો ઉમેરો થયો હતો. અમદાવાદની પોળોમાં 'માજીને ભારતમાં આમંત્રણ' જેવા ગરબા ગવાવા શરુ થયા હતા.
'અસૂરો વધ્યા દુઃખ દેશમાં વ્યાપ્યા
આવો માડી સંહરવારે, નવરાત્રે પધારો, આરાસુર અંબા
ભારતમાં મા ભારતી રૃપે, દર્શન ઓ અરિ દમવા રે !
શક્તિ તમારી અદ્ભુત અમારી
ભારતી મહિલામાં ભરવા રે...''
'આવો ગોરી ગરબે રમવા આવો જો
મોંઘેરા રસરાસ રમો ને સ્વરાજ્યના
રણ મેદાનેે રાસ રમો લ્યો તાળી રે !
ખાદીના વસ્ત્ર સોહાગણ શોભશે રે !'
સવિનય કાનૂન ભંગની લડત (૧૯૩૦- ૧૯૩૨) બાદ અવિનાશ વ્યાસે નવરાત્રીના ગરબાનો રંગ બદલી નાખ્યો તેઓ ગોટીની શેરીમાં રહેતા હતા. અવિનાશ વ્યાસે 'રંગ જાય ના જુવાન રંગ જાય ના', 'ઘરતી ક્યાં સુધી ધીર ધરતી', 'સાંભળ ઓ સાગરની મહારાણી, તારે સાંભળવું પડશે.' જેવા રાષ્ટ્રીય ભાવનાના ગીતો ઉપરાંત, 'મા તારું કંકુ ખર્યું ને સૂરજ ઊગ્યો' જેવા લોકગીતો રચીને અમદાવાદ અને સમગ્ર ગુજરાતને પ્રેમ- શૌર્ય- તર્પણથી ભરેલી ઉર્મિઓનુ ઘેલું લગાડેલું. 'રાખના રમકડા' અને 'તાલીઓના તાલે' જેવી રચનાઓ ગરબાઓમાંં ગવાતી હતી. સદ્ગત પ્રીતમરામ દેસાઈનાપુત્રી પન્નાબેન ઠાકોર અને તેમના બહેનપણી ભાર્ગવીબેન દેસાઈ (સંગીતકાર ક્ષેમુ દિવેટીયાના મોટાબહેન) આ પ્રક્રિયાના સાક્ષી છે. તેમણે પોળોમાં અને પ્રિતમનગર સોસાયટીના અખાડામાં નવરાત્રિના ગરબા ગાઈને રાષ્ટ્રવાદનો નવો રંગ ઝુસ્સાભેર પ્રગટ કર્યો હતો.
આજે નવરાત્રીના ઉત્સવમાં જે દિલધડક ગરબા અને રાસ ગવાય છે અને મીડીયા દ્વારા સમગ્ર વિશ્વના રસિયાઓ માણે છે તેની ભીતરમાં અમદાવાદ અને ગુજરાતની સદીઓ જુની ગરબા ટ્રેડિશન છૂપાઈ છે !

Post Comments