Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વીથિકા : પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિના અનન્ય ભક્તો- દસ પ્રચેતાઓ

'તજ્જન્મ તાનિ કર્માણિ તદાયુસ્તન્મનો વચ :।
નૃણાં  યેનેહ વિશ્વાત્મા સેવ્યતે હરિરીશ્વર : ।।

એ જન્મ સફળ જન્મ છે, એ કર્મ યોગ્ય કર્મ છે, એ આયુષ્ય જ આયુષ્ય છે, એ મન જ મન છે અને એજ વાણી વાણી છે. જેના થકી મનુષ્ય સર્વશક્તિમાન વિશ્વાત્મા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી હરિની સેવા કરે છે.'

શ્રીમદ્ ભાગવત મહાપુરાણ (સ્કંધ-૪, અધ્યાય-૩૧, શ્લોક-૯)
આદિ કાળના પૃથુ રાજાના વંશમાં બર્હિષદ નામના એક પુણ્યાત્મા રાજા થઈ ગયા. એમણે એટલા બધા યજ્ઞાો કર્યા હતા કે યજ્ઞાના દર્ભથી ધરતીનો મોટોભાગ આચ્છાદિત થઈ ગયો હતો. એમની પત્નીનું નામ શતદ્રુતિ હતું. એના થકી એમને દસ પુત્રો જન્મ્યા હતા જે 'પ્રચેતાઓ' તરીકે ઓળખાય છે.

એ બધા ભગવાન વિષ્ણુના ભક્ત હતા. એમની અંદર પરસ્પર અદ્ભુત ઐક્ય હતું. ધર્મ, ચારિત્ર્ય, સદાચાર અને સર્વ વ્યવહારમાં પણ એકરૃપતા રહેતી. એમનામાં સ્વપ્ને પણ મતભેદ, મનભેદ કે વૈમનસ્ય પેદા થતું નહોતું. સ્નેહના અનુશાસનથી તે એવા સંયુક્ત હતા કે એમને 'પ્રચેતાગણ' તરીકે જ બોલાવતા.ળ

રાજા બર્હિષદે એમના પુત્રો પ્રચેતાઓને લગ્ન કરી ઉત્તમ સંતતિ પ્રાપ્ત કરવા આદેશ કર્યો. ઉત્તમ પત્ની અને સંતતિ ભગવાનની કૃપા વિના પ્રાપ્ત ન થાય. તપ વિના ભગવાનની કૃપા પ્રાપ્ત ન થાય. એટલે એમણે તપ કરવાનો નિશ્ચય કર્યો. તેઓ પશ્ચિમ સમુદ્રના કિનારે એક સરોવર પાસે આવ્યા ત્યાં ગંધર્વોગાન કરી રહ્યા હતા, મૃદંગ વગાડી રહ્યા હતા. એ વખતે એ સરોવરમાંથી વૃષભારુઢ ભગવાન શંકર પ્રકટ થયા. તેમણે એ રાજપુત્રોને કહ્યું - ' હે પ્રચેતાઓ ! ભગવાન વિષ્ણુના શરણમાં રહેનારા મને જેટલા પ્રિય છે એટલા બીજા કોઈ નથી.

મને જેટલા પ્રિય શ્રીહરિ છે એટલા જ પ્રિય એમના ભક્તો પણ છે. એ ભગવાન નારાયણના ભક્તોને હું પણ પ્રિય છું. તમે ભગવાન શ્રીહરિના અનન્ય ભક્તો છો એટલે હું તમારા પર કૃપા કરવા પ્રકટ થયો છું. હું તમને એક દિવ્ય સ્ત્રોત આપું છું. ઉન્દ્રિયોને વશમાં રાખીને, મનને એકાગ્ર કરીને ભગવાનનું સ્મરણ કરતા આ સ્તોત્ર પાઠ કરી ભગવાન શ્રી હરિની આરાધના કરજો. એનાથી ભગવાન પ્રસન્ન થશે.' ભગવાન શિવજીએ એમને એ દિવ્ય સ્તોત્ર આપ્યું અને ત્યાંથી અંતર્ધાન થઈ ગયા.

એ પછી પ્રચેતાઓએ સમુદ્રના જળમાં ઊભા લાંબા સમય સુધી તપશ્ચર્યા કરી એમના તપથી પ્રસન્ન થઈ ભગવાન શ્રી વિષ્ણુ એમની સન્મુખ પ્રકટ થયા અને એમને જગપ્રસિદ્ધ પુત્ર પ્રાપ્ત થવાના આશીર્વાદ આપ્યા. પ્રચેતાઓએ ભગવાનને કહ્યું- આપ અમને ભક્તિની દૃઢતાના પણ આશીર્વાદ આપો. જ્યાં સુધી આપની માયાથી દોરવાયેલા અમે સંસારમાં પરિભ્રમણ કરીએ ત્યાં સુધી અમને આપના ભક્તોનો સંગ થતો રહે. સાંસારિક ભોગોની તો વાત જ કયાં કરાય ? સ્વર્ગ અને મોક્ષ પણ સંતસમાગમ આગળ તુચ્છ છે. અમને તમારી સેવા- સ્મરણ અને સત્સંગનું વરદાન આપો ? ભક્ત વત્સલ ભગવાને એમના ઇચ્છિત વરદાન આપીને એમને કહ્યું-

'હા રાજપુત્રો ! તમારા પરસ્પરના અખંડ પ્રેમને લીધે તમે એક પ્રેમધર્મવાળા છો. તમારા પ્રેમથી હું પ્રસન્ન છું. તમને ગુણોમાં બ્રહ્મા સમો એક વિખ્યાત પુત્ર પ્રાપ્ત થશે અને તે સ્વપરાક્રમથી ત્રણે લોકમાં યશ ફેલાવશે. મહર્ષિ કણ્ડૂને પ્રમ્લોચા નામની અપ્સરાથી જે સુંદર કન્યા ઉત્પન્ન થઈ તેને દુ:ખી જોઈ વૃક્ષોએ ઉછેરી છે. હે રાજપુત્રો ! મારિષા નામની એ દિવ્ય કન્યા સાથે તમે લગ્ન કરો. એનાથી તમને એ પરાક્રમી પુત્ર પ્રાપ્ત થશે.' એ પછી ભગવાન શ્રી હરિ અંતર્ધાન થઈ ગયા.

રાજા બર્હિષદ( પ્રાચીનબર્હિ)ના દસ પુત્રો પ્રચેતાઓએ બ્રહ્માની આજ્ઞાાથી મારિષા (વાર્ક્ષી) સાથે લગ્ન કર્યું. પૂર્વજન્મમાં બ્રહ્માનો પુત્ર હોવા છતાં ભગવાન શિવનું જેણે અપમાન કર્યું હતું અને જેને લીધે શિવજીના પત્ની સતીને દેહત્યાગ કરવો પડયો હતો, જે શિવના ગણ વીરભદ્રના હાથે મરણ પામ્યો હતો તે દક્ષ પ્રચેતાઓ અને મારિષા થકી પુનર્જન્મ પામ્યો.

એ જન્મમાં પણ એનું નામ દક્ષ જ રાખવામાં આવ્યું. બ્રહ્માજીએ દક્ષને પ્રજાપતિ બનાવ્યો એ પછી પ્રચેતાઓ પોતાની પત્ની મારિષા ઊર્ફે વાર્ક્ષી એમના પુત્ર દક્ષને સોંપી રાજ્ય અને ગૃહનો ત્યાગ કરી વનમાં જઇ ભગવાનનું ધ્યાન કરવા લાગ્યા. ભગવાને આપેલા વરદાન પ્રમાણે એમનું મન ભક્તિમાં સંલગ્ન થઈ ગયું.

એ વખતે દેવર્ષિ નારદ તેમની પાસે આવ્યા અને એમને સુંદર ઉપદેશ આપ્યો- ' તપશ્ચર્યા, ધ્યાન, યોગ, જ્ઞાાન, સંન્યાસ, સ્વાધ્યાય તથા અન્ય કલ્યાણકારી સાધનો પણ આત્મ દાતા શ્રીહરિની પ્રાપ્તિ ન કરાવી શક્તા હોય તો નિષ્ફળ છે. વાસ્તવિક  રીતે આત્મદર્શન એ જ અંતિમ કલ્યાણકારક સાધન છે. દરેક પ્રાણીમાં રહેલો આત્મા એ જ શ્રી હરિ છે. જેમ વૃક્ષના મૂળમાં જળસિંચન કરવાથી તેની ડાળીઓ, પાંદડા, પુષ્પ, અંકુર વગેરે પુષ્ટ થાય છે તેમ સર્વ પ્રાણીઓના આત્માઓનું પૂજન કરવાથી ભગવત્પૂજન થઈ જાય છે, નારદજીનો ઉપદેશ સાંભળી પ્રચેતાઓ ભગવાનના ચરણનું ધ્યાન ધરી ભગવદ્ગતિને પ્રાપ્ત થયા.
- દેવેશ મહેતા

Post Comments