Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વીથિકા

- અવધૂત, આત્મજ્ઞાાની મહાત્મા જડભરતજીએ રાજા રહૂગણને આપેલો ઉપદેશ

પ્રાચીન કાળમાં એક મહાપ્રતાપી અને ભગવદભક્ત એવા ભરત નામના રાજર્ષિ થઈ ગયા. એમના નામ પરથી જ ' અજનાભ ખંડ' તરીકે ઓળખાતો આપણો દેશ ' ભારત' તરીકે ઓળખાતો થયો. રાજપાટ અને સર્વસ્વનો ત્યાગ કરી એ તપસ્વી જેવું જીવન જીવી ઇશ્વર ઉપાસના કરતા હતા ત્યારે અંત સમયે એમને એક હરણના બચ્ચામાં આસક્તિ થઈ જવાથી મરણ બાદ મૃગયોનિમાં જન્મ લેવો પડયો હતો. મૃગ શરીરનો ત્યાગ કર્યા બાદ તે ઉત્તમ કુળમાં જડભરત રૃપે અવતરિત થયા હતા.

એમના પિતા આંગિરસ ગોત્રના વેદપાઠી બ્રાહ્મણ હતા અને અત્યંત સદાચારી અને આત્મજ્ઞાાની હતા. ભગવાનની કૃપાથી જડભરતજીને એમના પૂર્વજન્મોની સ્મૃતિ હતી એટલે ફરી મોહ- માયા- આસક્તિ એ જન્મ નકામો ન કરી દે એટલે અસંગ રહી બધાથી અલિપ્ત રહેતા.

પરમ આત્મજ્ઞાાની હોવા છતાં તે અજ્ઞાાની અને મૂર્ખ જેવો વર્તાય કરતા. સહજ યોગ યુક્ત અવધૂત જીવન જીવતા હોવાથી નિજાનંદની મસ્તીમાં રહેતા. કોઈ જે કામ બતાવે તે કરી દેતા અને જે જમવા મળે તે આરોગી લેતા. એમને આત્મબોધ થઈ ગયો હોવાથી તે મનના રાગ-દ્વેષ, માન- અપમાન, હર્ષ-શોકના દ્વન્દ્વાત્મક અનુભવોથી પર થઈ ગયા હતા.

એક દિવસ સિંધુ અને સૌવીર દેશનો રાજા રહૂગણ તત્વજ્ઞાાન મેળવવાની ઇચ્છાથી કપિલમુનિના આશ્રમે જતો હતો. ત્યારે ઇક્ષુમતી નદીના કિનારે એમની પાલખી ઊચકીને જનારા ભારવાહક મજુરોને એક માણસની ખોટ પડતા મૂર્ખ જેવા દેખાતા જડભરતને આ યુવાન, પુષ્ટ, સહનશીલ અંગવાળો અને ભારવહન કરવા સમર્થ છે એમ માની પકડી લાવ્યા અને એમની સાથે પાલખી ઊચકવાના કામમાં લગાવી દીધા. એમણે કોઈ વિરોધ ન કર્યો અને એ પાલખી ઉઠાવીને ચાલવા પણ લાગ્યા.

પરંતુ જડભરત હમેશાં એક ધનુષ (ચાર હાથ) જેટલી દૃષ્ટિ પડે એ રીતે ચાલતા પગ નીચે કોઈ જીવજંતુ કચડાઈ ન જાય એનું ધ્યાન રાખીને પગલા ભરતા તેથી પાલખી હાલકડોલક થતી. આવું બે-ત્રણવાર થયું એટલે રહૂગણ રાજાએ જડભરતની મજાક મશ્કરી કરી 'દુઃખની વાત છે કે તું બહુ થાકી ગયો છે. લાંબા સમયથી તું એકલો જ આ લાંબો માર્ગ પાલખી ઊંચકીને કાપી રહ્યો છે. પાછો તું જાડો અને મજબૂત અંગવાળો નથી. વૃધ્ધ પણ ખરો ને ! એટલે તારાથી પાલખી કેવી રીતે ઊંચકાય ! ' આમ રાજા મજાકમાં અવળું બોલ્યો. પણ જડભરતે શાંતિથી તે સાંભળી લીધું. એનો કોઈ જવાબ ન આપ્યો.

થોડીવાર પછી પાલખી ફરી ઊંચી- નીચી થવા લાગી એટલે રાજા ગુસ્સામાં આવીને જડભરતને કહેવા લાગ્યો.' અરે, આ શું ? જીવતો છતાં મરેલો છે ? સાંભળતો નથી ? મારી અવગણના કરી મારી આજ્ઞાાનું ઉલ્લંઘન કરે છે ? હું તને યમરાજની માફક શિક્ષા કરીશ તો જ તું ઠેકાણે આવીશ.' આમ અસંબદ્ધ પ્રલાપ કરતા રાજા તરીકેના અતિમાનવાળા તે રાજા રહૂગણને અવધૂત યોગી, આત્મજ્ઞાાની જડભરતજી સ્મિત પૂર્વક કહેવા લાગ્યા- ' રાજન ! તમે જે કહ્યું તે સત્ય છે.

મારો ઉપહાસ, અપમાન કે દંડ ત્યારે થયેલો ગણાય જ્યારે મને તમારો ભાર હોય, જનારને ધ્યેય અથવા માર્ગ હોય. હું દેહથી આત્મસ્વરૃપે ભિન્ન છું એટલે મને બેમાંથી એકેનો અનુભવ નથી. જાડાપણું કે પાતાળાપણું એ શરીરનો ગુણધર્મ છે, આત્માનો નહીં. આત્માને વળી પુષ્ટ હોય કે દુબળો હોય એની સાથે શું લેવા દેવા ? આધિ-વ્યાધિ- ઉપાધિ, ભૂખ- તરસ, ભય, કલેશ, ઇચ્છા, વૃદ્ધાવસ્થા, વિષયાનંદ, ક્રોધ, અહંકાર, મદ, શોક દેહ સાથે જન્મેલા મને હું આત્મસ્વરૃપ હોવાથી લાગેલા નથી.'

આમ, પોતાની વક્રોકિતનો આવો તાત્વિક જવાબ સાંભળી રહૂગણ રાજા એમના પગમાં પડી ક્ષમા માગવા લાગ્યો. ' આત્મપ્રકાશથી દેહને તુચ્છ ગણનાર હે અવધૂત ! સામાન્ય બ્રાહ્મણના વેશથી આત્માના આનંદને ગુપ્ત રાખનાર હું આપને વારંવાર વંદન કરું છું. જેમ તાવવાળાને ઔષધ, તાપથી તપેલાને ઠંડુ જળ અમૃતરૃપ હોય છે. તેમ દેહાભિમાન રૃપ સર્પ દંશથી મારી દૃષ્ટિ નષ્ટ થઈ હતી તેથી મેં તમારી સાથે દુર્વ્યવહાર કર્યો એને પ્રત્યુત્તર આપતા જડભરતજી કહેવા લાગ્યા- હે રાજન્ ! તમારી પાલખી ઊંચકનારો પૃથ્વી પર ચાલતો આ માણસ પૃથ્વી તત્વથી બનેલો છે.

એના ખભા ઉપર ઉપાડવામાં આવતી લાકડાની પાલખી પણ એ પાર્થિવ તત્વની બનેલી છે. જેનો ઉદ્ભવ પંચમહાભૂતથી થયો છે. એમાં જેને સિંધુ, સૌવીર દેશનો રાજા બેઠેલો છે. એ પણ માટીનું પૂતળું જ છે ! તમે માટીમાંથી બન્યા છો અને અંતે માટીમાં જ મળી જવાનો છો. આ રીતે તમે સર્વ પ્રકારે માટીમય હોવા છતાં આ બિચારા દુઃખી લોકોને પકડી એમના ખભા પર તમારો ભાર ઉપડાવી વેઠ કરાવો છો. ખરેખર તમે દયાહીન છો એમ છતાં તમે ' હું પ્રજારક્ષક છું' એમ જણાવો છો ! સર્વની સાથે સમાન વ્યવહાર રાખો.

સર્વ જીવના કલ્યાણની ભાવના રાખો. તમારા થકી જાણતા- અજાણતા કોઈ જીવની હિંસા ન થાય તેનું ધ્યાન રાખો એટલું જ નહીં. તમે કોઈને દુઃખી ન કરો અને કોઈનાથી દુઃખી ન થાઓ એ જ ખરો ધર્મ છે. આ તત્વ દૃષ્ટિને ધ્યાનમાં રાખી એને જીવનમાં ઉતારો તો જ તમારું જીવન સફળ થશે.'
- દેવેશ મહેતા

Post Comments