Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વીથિકા

ભગવાન શ્રીરઙગનાથને પોતાના પ્રિયતમ બનાવી એમની પ્રેમભક્તિ કરનારી આણ્ડાળ

એક દિવસ એના ભગવાન શ્રીરઙગનાથ સાથે લગ્ન થાય છે એવું એને સ્વપ્ન આવ્યું, બીજે દિવસે ભગવાનની આજ્ઞાાથી મંદિરમાંથી પાલખી અને પાનેતર આવ્યા. ઢોલ અને શંખનાદ થવા લાગ્યા.

પ્રાચીન કાળમાં દક્ષિણ ભારતમાં કાવેરી નદીના તટ પર આવેલા એક ગામમાં વિષ્ણુચિત્ત નામના એક ઉત્તમ બ્રાહ્મણ રહેતા હતા. તે નિરંતર ભગવદ્ ભજન-કીર્તન અને નામસ્મરણમાં નિમજ્જ રહેતા. એમણે એમના ઘર પાસે એક નાનું સરખું તુલસીનું ઉપવન બનાવ્યું હતું. તે દરરોજ સવારે ત્યાં જતા. તુલસીદળની માળા બનાવી એ ધારણ કરતા અને ભગવાન વિષ્ણુનો શૃંગાર કરી પૂજા કરતા.

એક દિવસ સવારે વિષ્ણુચિત્ત ઘડો લઈને તુલસીના છોડનું સીંચન કરવા ગયા તો પરમ વિસ્મય સાથે જોયું કે તુલસીના એક છોડ નીચે દિવ્ય તેજથી ઝળહળતી એક સુંદર નવજાત કન્યા હસી રહી છે. એમણે અત્યંત સ્નેહથી એને ત્યાંથી લઈ લીધી અને પોતાના ઘેર લાવી ભગવાન વિષ્ણુની મૂર્તિના ચરણ પાસે મૂકી દીધી અને કહેવા લાગ્યા- હે પ્રભુ ! આ તમારી કૃપાથી પ્રાપ્ત થઈ છે. તે ધરતીમાતા અને તુલસીએ જ આપી છે. તે તમારી સેવા માટે જ પ્રગટ થઈ છે.' એ વખતે મૂર્તિના માધ્યમથી ભગવાને પણ કહ્યું - ' એનું નામ 'કોદઈ' રાખજો. એનું

તમારી દીકરીની જેમ લાલન-પાલન કરજો. કોદઇનો અર્થ થાય છે- ' ફૂલોના હાર જેવી સુંદર. એ કન્યામાં જ્યારે આગળ જતાં ભગવત્ પ્રીતિ અને કૃપા ઉતરી ત્યારે લોકો એને 'આણ્ડાળ' કહેવા લાગ્યા. ભગવાન રઙગનાથની પ્રિયતમા બનવાથી એને 'રઙગનાયકી' પણ કહેવાય છે.

જે દિવસે સવારે વિષ્ણુચિત્તને તુલસીના છોડ નીચેથી ' કોદઇ' પ્રાપ્ત થઈ એ રાત્રે એમને સ્વપ્નમાં આવી ભગવાન શ્રીવિષ્ણુએ કહ્યું હતું- ' વરાહ અવતારમાં મે પૃથ્વીનો ઉદ્ધાર કર્યો ત્યારે પૃથ્વીએ મને પૂછયું હતું- ' પ્રભુ, તમને ક્યા પ્રકારની પૂજા ગમે છે ?' ત્યારે મેં એને કહ્યું હતું- મને નામસંકીર્તન અને પત્ર-પુષ્પ- ફળ- જળથી કરાતી પૂજા સર્વાધિક પ્રિય છે એટલે

પ્રેમભક્તિ યુક્ત એવી મારી પત્ર-પુષ્પ આદિ થકી પૂજા કરજો.' મારી આ વાત સિધ્ધ કરવા પૃથ્વી પોતે આ કન્યાના રૃપમાં પ્રકટ થઈ છે. તમે આ કન્યા થકી પરમ પદને પ્રાપ્ત થશો.' એ પછી વિષ્ણુચિત્ત અને એમની પત્ની કોદઈનો પ્રેમપૂર્વક ઉછેર કરવા લાગ્યા.

બાળપણથી જ તે ભગવાન વિષ્ણુની સેવા-પૂજામાં સંલગ્ન થઈ ગઈ. પિતા મંદિરે જતા ત્યારે તે તુલસીના વનની રખેવાળી કરતી અને ભગવાનની પૂજા માટે સુંદર પુષ્પો એકઠા કરી એનો હાર ગૂંથતી. કોદઈ ઊર્ફે અણ્ડાળે કલાત્મક રીતે ગૂંથેલી સુંદર પુષ્પમાળા લઈને વિષ્ણુચિત્ત શ્રીરંગનાથજીના મંદિરે જતા અને તે ભગવાનને પહેરાવવામાં આવતી. આણ્ડાળ યુવાન વયની થઈ ત્યારે મીરાબાઈની જેમ ભગવાન રઙગનાથને પોતાના પતિના રૃપમાં ભજવા લાગી.

તે પોતાના પ્રિયતમ ભગવાન રઙગનાથના પ્રેમમાં એવી ખોવાઈ જતી કે ભગવાન માટે ગૂંથેલો હાર પોતે જ પહેરી લેતી અને દર્પણ સામે ઉભી રહી પોતાના સૌંદર્યને નીરખતી અને બોલતી- 'મારી સુંદરતા મારા પ્રિયતમને આકર્ષિત તો કરશે ને ?

એક દિવસ મંદિરના પૂજારીએ વિષ્ણુચિત્તને ફૂલની માળા પાછી આપતા કહ્યું - આ ભગવાનને ચઢાવી નહીં શકાય. આમાં તો કોઈ સ્ત્રીના માથાનો વાળ લાગેલો છે. બીજે દિવસે પણ પૂજારીએ માળા પાછી આપી અને કહ્યું- ' આ માળા કરમાયેલી છે. કોઇએ પહેરેલી લાગે છે.' વિષ્ણુચિત્તને લાગ્યું કે જરૃર આમાં કંઈ રહસ્ય છે. તેણે એ જાણવાનો પ્રયત્ન કર્યો. તેમણે પડદાની પાછળથી છુપાઈને જોયું તો ભગવાનની માળા આણ્ડાળે પહેરી છે.

અને તે દર્પણ સામે ઉભી રહીને પોતાને નીરખી રહી છે. તે દોડીને તેની પાસે ગયા અને તેને ઠપકો આપવા લાગ્યા. એ પછી જાતે પુષ્યો તોડી લાવી એની માળા બનાવી ભગવાનના મંદિરે આપી આવ્યા. એ દિવસે રાત્રે ભગવાને પૂજારી અને વિષ્ણુચિત્તના સ્વપ્નમાં જઈને કહ્યું - ' મને આણ્ડાળનો પહેરેલો પુષ્પહાર જ વધારે સુખદ લાગે છે. મને એણે પહેરેલો હાર જ પહેરાવો ! ત્યારથી ફરી પાછો પહેલાના જેવો ક્રમ ચાલવા લાગ્યો.

દિનપ્રતિદિન આણ્ડાળની પ્રેમભક્તિ તીવ્રતમ બનવા લાગી. પ્રતિપાળ પ્રિયતમ પ્રભુની સેવા અને સ્મરણમાં ગળાબૂડ ડૂબેલી રહેતી. વિરહ વ્યથાથી વ્યાકુળ થઈ પોકારી ઉઠતી. ' હે મારા પ્રિયતમ ! તું મારી આંખોમાં, હૃદયમાં, પ્રાણોમાં અને શરીરના રોમરોમમાં વસેલો છે. સ્વપ્નમાં તો રોજ આવીને મળે છે. વાસ્તવમાં ક્યારે આવીને મળશે ? તું ન આવે તો મને તારી પાસે બોલાવ.

હે મારા પ્રાણ વલ્લભ, હૃદયેશ્વર, જીવનસર્વસ્વ, અસ્તિતત્વના એકમાત્ર આધાર, તમને છોડીને કોના શરણમાં જઉં ? જે રીતે ચકોર પક્ષી ચંદ્રમાના દર્શન કરે છે અને ચાતક પક્ષી શ્યામધનને ચાહે છે એ જ રીતે મારું હૃદય તમારા દર્શન કરવા અને તમને પ્રત્યક્ષ મળવા વ્યાકુળ છે.' આણ્ડાળ રાધા- કૃષ્ણની લીલાનું ચિત્તાનુસંધાન કરતી. પોતાને વૃંદાવનમાં વિહાર કરતી અનુભવતી. તે લોકોને પૂછતી- ' તમે મારા પ્રાણવલ્લભને કયાંય જોયા છે ?' પછી જાતે જ ઉત્તર આપતી- ' હા જી, કેમ નહીં ? જોયા છે ને ! તે વૃંદાવનમાં વેણુ  વગાડતા ગોપીઓ સાથે વિહાર કરી રહ્યા છે !' વસંત ઋતુમાં તે કોયલને કહેતી ' અરે ! કોયલ, મારા પ્રાણ વલ્લભ મારી સામે કેમ આવતા નથી ?

મારા હૃદયમાં વસીને મારાથી દૂર કેમ રહે છે ?' એક દિવસ એના ભગવાન શ્રીરઙગનાથ સાથે લગ્ન થાય છે એવું એને સ્વપ્ન આવ્યું, બીજે દિવસે ભગવાનની આજ્ઞાાથી મંદિરમાંથી પાલખી અને પાનેતર આવ્યા. ઢોલ અને શંખનાદ થવા લાગ્યા. વેદમંત્રી સાથે મંદિરમાં ભગવાન સાથે આણ્ડાલના  ધામધૂમથી લગ્ન કરાવવાની વિધિ શરૃ થઈ. આણ્ડાલ ભગવાનની શેષશય્યા પર ચઢી ગઈ. ભગવાનની મૂર્તિમાંથી દિવ્ય પ્રકાશ પ્રકટ થયો. આણ્ડાલ એ પ્રકાશમાં વીજળીની જેમ ચમકીને વિલિન થઈ ગઈ ! ત્યારથી ઇલણના મંદિરોમાં દર વર્ષે આણ્ડાલનો વિવાહોત્સવ થાય છે.

- દેવેશ મહેતા

Post Comments