Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વીથિકા: પુરુષોત્તમ ભગવાનની ભલી-ભોળી-અબુધ ભક્ત મુગ્ધાની કથા

અનન્ય- આશ્રયી ભક્તજનો મને પરમેશ્વરને સતત ચિંતન કરતાં નિષ્કામભાવે ભજે છે એ નિત્ય સેવા- સ્મરણમાં જોડાઈ રહેનારા ભક્તોના યોગક્ષેમનું હું વહન કરું છું.''
- શ્રીમદ્ ભગવદ્ ગીતા, અધ્યાય-૯, શ્લોક-૨૨

ભગવાન શ્રીકૃષ્ણે આપેલા આ વચનને યથાર્થ પુરવાર કરનારા અનેક પ્રસંગો બને છે. આવો જ એક પ્રસંગ પુરુષોત્તમ માહાત્મ્યની કથામાં નિરુપિત થયો છે.

એક સમયે નૈનિષારણ્ય તીર્થમાં શૌનકાદિ મુનિઓ આત્મતત્વ વિચાર અને મોક્ષ પ્રાપ્તિના ઉપાય જાણવાના હેતુથી એકત્રિત થયા હતા. એ વખતે સુત પુરાણી ત્યાં આવી પહોંચ્યા. તેમણે સુત પુરાણીને આ અંગે પ્રશ્નો પૂછયા. એના જવાબમાં તેમણે પુરુષોત્તમ માસની ઉત્પતિ કેવી રીતે થઈ ત્યાંથી એના વ્રત મહિમાની સુંદર માહિતી એમને આપી.

એ વખતે ઋષિઓએ એમને પૂછયું- 'હે સુતજી, અમારી એક શંકાનું સમાધાન કરો. પુરુષોત્તમ માસનું તપ કરનાર નિર્ધન હોય અને એનુ ઉદ્યાપન કરવા અશક્ત હોય તો પણ તેને મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે થાય તેનો સરળ ઉપાય બતાવો આ સાંભવી સુત પુરાણીએ ઋષિઓને કહ્યું -' પૂર્વે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન વિષ્ણુએ લક્ષ્મીજીને જે કથા- પ્રસંગ કહ્યો હતો તે હું તમને કહું છું.'

અવંતી નગરીમાં વિષ્ણુપ્રિય નામનો એક વિદ્વાન ધર્મનિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો. તેને દેવલ અને માધવ નામના બે પુત્રો હતા. કાળક્રમે વિષ્ણુપ્રિયનું મરણ થયું. બન્ને પુત્રોના માથે ઘરની જવાબદારી આવી. એટલે એ બન્ને પરદેશ કમાવા ગયા.દેવલની પત્ની રૃપવતી એના નામ પ્રમાણે રૃપાળી હતી. એને એના રૃપ, આવડત અને ચાતુર્યનું અભિમાન હતું.

માધવની પત્ની મુગ્ધા એનાં નામ પ્રમાણે સ્વભાવે અત્યંત ભલી-ભોળી- અબુધ હતી. એકવાર એની અણઆવડતથી કંટાળીને રૃપવતીએ એની સાથે મોટો ઝગડો કર્યો અને એનું અપમાન કરી એને ઘરમાંથી કાઢી મૂકી. એની પડોસમાં રહેતી સ્ત્રીએ એને આશરો આપ્યો અને એને રહેવા માટે એક નાનો ઓરડો ફાળવી આપ્યો. એના ભોજનની પણ વ્યવસ્થા કરી.

એટલામાં પુરુષોત્તમ માસ આવ્યો. આ માસમાં બધા જપ-તપ-વ્રત કરવા પ્રવૃત્ત થયેલા જોઈ એને પણ એવો વિચાર આવ્યો. એણે રૃપવતીને આ વિશે પૂછયું. પણ તેણે એની દેરાણીને હડધૂત કરી ત્યાંથી કાઢી મૂકી. રસ્તામાં તેને  રૃપવતીની સખી ભામિની મળી. મુગ્ધાએ પણ એ વ્રત વિશે પૂછયું.

ભામિનીએ તેને વ્રતનો મહિમા સમજાવ્યો અને એ કેવી રીતે કરવું એની રીત પણ જણાવીને કહ્યું- આ વ્રતના બે પ્રકાર છે. એક ગુહ્યવ્રત અને બીજું પ્રસિધ્ધ વ્રત. ગુહયવ્રત કરવાથી હરિ તત્કાળ પ્રસન્ન થાય છે અને પ્રસિધ્ધ વ્રત કરવાથી બીજા જન્મમાં તેનું ફળ મળે છે. ગુહ્યવ્રતમાં અધિક માસમાં ગુપ્ત રીતે સ્નાન કરવું.

મુગ્ધા સાથે રૃપવતીને સારો સંબંધ નહોતો એટલે ભામિનીએ તેને હેરાન કરવા ખોટી ખોટી વાતો પણ કરી અને કહ્યું- અધિક માસને મળમાસ પણ કહેવાય છે એટલે મળવાળા ગંદા જળમાં સ્નાન કરવું. ભોજનમાં કડવા અને તીખા પદાર્થો ખાવા અને પીપળાની પૂજા કરવી. વ્રતને અંતે પીપળાની આજ્ઞાા લઈને ઉદ્યાપનની પૂર્ણાહુતિ કરવી અને એકસો આઠ બ્રાહ્મણોને જમાડવા.'

ભલી- ભોળી મુગ્ધાએ તો આ રીતે પુરુષોત્તમ માસ કર્યો. એની નિષ્કામ ભક્તિથી પ્રસન્ન થઈ. પીપળા રૃપે ભગવાને ઉદ્યાપનની પૂર્ણાહુતિની આજ્ઞાા પણ આપી તેને કહ્યું- હું તારો ભાઈ બનીને આવીશ અને બ્રહ્મભોજન અને ઉદ્યાપન પૂજાની વ્યવસ્થા કરીશ. મુગ્ધાએ તો એકસો આઠ બ્રાહ્મણોને ભોજન માટે નિમંત્રણ પણ આપી દીધું. બીજી તરફ રૃપવતીએ પણ એના વ્રતની સફળતા માટે અન્ય એકસો આઠ બ્રાહ્મણોને નિમંત્રણ આપ્યું અને સરસ બે- ચાર મિષ્ટાન્નવાળા ભોજનનો પ્રબંધ કરાવ્યો.

બધાને એમ હતુ કે મુગ્ધા તો સાવ કંગાળ છે, એના ઘરમાં હાલ્લાં કુસ્તી કરે છે. એકસો આઠ બ્રાહ્મણો પણ આવીને બેસી ગયા છે. હવે એની બરાબરની ફજેતી થશે. પણ ત્યાં જ ભક્તોના યોગક્ષેમનું વહન કરનારા ભગવાન જેમ નરસિંહ મહેતાના શામળશાના વિવાહ અને કુંવરબાઈના મામેરાના પ્રસંગે વહારે દોડી આવ્યા હતા એમ મુગ્ધાના ઘેર દોડી આવ્યા. મુગ્ધા જે ઘરમાં રહેતી હતી એના આંગણે રથ આવીને ઉભો રહ્યો.

એમાંથી અત્યંત તેજસ્વી રૃપવાળા શ્રીમંત વિપ્ર રૃપે ભગવાન નીચે ઊતર્યા અને બધાને કહ્યું કે હું મુગ્ધાનો ભાઈ છું અને ઉદ્યાપન વિધિ માટે આવ્યો છું. એ પછી હું મુગ્ધાને મારી સાથે લઈ જઈશ અને તેના પતિ આવે નહીં ત્યાં સુધી પાલન- પોષણ કરીશ. પછી ભગવાન મુગ્ધાના ઘરના રસોડામાં ગયા અને પીપળાના પાન પર મૂકેલો એકમાત્ર લાડુ જોયો. ભગવાને એ પાનના એકસો આઠ ટુકડા કર્યા અને પોતાના સંકલ્પથી એની એકસો આઠ સોનાની થાળીઓ બનાવી દીધી.

એ બ્રાહ્મણોને જમવાનું મૂકવા માટે આપવામાં આવી. પછી એ રીતે લાડુના પણ એકસો આઠ ટુકડા કર્યા જે ભગવાનના સંકલ્પથી વિવિધ મિષ્ટાન્ન અને ભોજન સામગ્રી રૃપે બદલાઈ ગયા. બ્રાહ્મણોએ ધરાઈને છપ્પન ભોગ જેવું ભોજન આરોગ્યું. જ્યારે રૃપવતીને ઘેરથી ભગવાને બધું ભોજન અદૃશ્ય કરી દીધું. એનાથી બ્રાહ્મણો ભૂખ્યા જ પાછા ફર્યા. આમ, પુરુષોત્તમ પ્રભુએ મુગ્ધાનું ઉદ્યાપન પૂર્ણ કર્યું. એના ફળ રૃપે મુગ્ધાને જીવનના અંતે ગોલોકધામમાં ગતિ પ્રાપ્ત થઈ.

- દેવેશ મહેતા

Post Comments