Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

મૂર્ખ સાથેનો સહવાસ સૌથી વધુ દુ:ખદાયી છે !

નગરના ઉદ્યાનમાં પોતાના વિશાળ રસાલા સાથે ઉતરેલા સાર્થવાહે પોતાના જુદા જુદા દેશના વિવિધ અનુભવોની વાત કરવાની સાથે કહ્યું, ' હે કુમાર ! હું કાંતિનગરીથી આવું છું અને કંબુદ્ધીપ (કમ્બોજ) જઈ રહ્યો છું. મારી આ મુસાફરી દરમિયાન એક આશ્ચર્યજનક બાબત મને કુંડલપુર નગરમાં જોવા મળી.'

શ્રીપાળે જિજ્ઞાાસાથી પૂછયું, ' એવી તે કઈ આશ્ચર્યજનક વાત તમે જોઈ. મને કહો તો ખરા ?'

સાર્થવાહે કહ્યું,' અહીંથી આઠસો માઈલ દૂર કુંડલપુર નગરમાં મકરકેતુ રાજા રાજ્ય કરે છે. તેમની પટરાણીનું નામ છે કપૂરતિલકા. બે પુત્ર અને એક પુત્રી ધરાવતી માતા કપૂરતિલકાની પુત્રી ગુણસુંદરી અત્યંત રૃપવાન, ગુણવાન અને સર્વકલાઓમાં નિપુણ છે. જાણે સાક્ષાત્ બ્રાહ્મી અને સરસ્વતી જ જોઈ લો. આવી ગુણસુંદરીને બાળપણથી જ વીણાવાદનનો શોખ છે. તાલ, લય અને સ્વરોને સાધીને એ રાગરાગીણીપૂર્વક વીણા વગાડે છે.

એ કહે છે કે કલાનો આનંદ તો કલાકાર જ માણી શકે, આથી એણે નક્કી કર્યું છે કે કદાચ મારા અશુભકર્મ ઉપાર્જિત કર્મોદયને કારણે ઘણાં દુ:ખો સહીશ પરંતુ મને કલાના કોઈ અજ્ઞાાનીની સાથે લગ્ન કરાવશો નહીં. કલાવિહીન વ્યકિત પાસે ગાયન અને વાદન કરવું, એ તો કલાના ઘોર અપમાન જેવું ગણાય. એને મારી કલાની શી સમજ પડે ? એની આગળ ગમે તેટલી વીણા વગાડીએ, તો પણ પથ્થર પર પાણીની માફક એ કોરા જ રહે.

ગુણસુંદરીએ બાળપણથી જ વીણાનો અભ્યાસ કર્યો હતો. રાગ-રાગીણી, રૃપ,સ્વર, તાલ અને તંતાવતાનને બરાબર જાણતી હતી. સર્વભેદોથી પરિચિત હતી.'

એકવાર ગુણસુંદરીએ પોતાની સખીને કહ્યું પણ ખરું કે જો એને એના જીવનમાં કોઈ કલાકાર મળે, તો એનું જીવન ધન્ય બની જશે. તમામ રસિકતા ધરાવનારના જીવનમાં હંમેશાં આનંદ ફરતો હોય છે. બાકી જો એ કોઈને પણ આંખો મીંચીને પોતાનું જીવનધન સોંપી દે, તો આખી જિંદગી સળગતી આગમાં જીવવું પડે.'

આથી એ કહેતી હતી કે ' હે દૈવ ! જો તું ગુણગાન પર કદી ક્યારેક ગુસ્સે થઈ જાય તો તેના પર દુ:ખની પોઠોની પોઠો ભરી ભરીને મૂકજે પરંતુ એને કોઈ ગમાર સાથે વાત કરાવીશ નહીં કે દોસ્તી કરાવીશ નહીં.

રાજકુમારી માનતી કે, અન્ય દુ:ખો કરતાં મૂર્ખ સાથેનો સહવાસ અત્યંત દુ:ખદાયી હોય છે. જો રસિકજનને કલાના અરસિક સાથે સમાગમ થાય તો તે રસિકજનને માટે એક હાથે તાળી પાડવા જેવો નકામો બની રહે છે. બંને એક સરખા હોય તો જ તાલ જામે છે.

જેમ ઝાડથી તૂટીને જુદી પડેલી ઝાડની ડાળી સૂકાઈને ઝાંખરું થઈ જાય તેમ એ મૂર્ખના સમાગમથી ચતુર અને રસિક પણ રસજ્ઞાના વિયોગને કારણે  ઝૂરી ઝૂરીને ઝાંખરા જેવો થઈ આખરે, નિર્જીવ બની જાય છે. મૂર્ખ કલારસિહ નહીં હોવાથી એ આમ તેમ જંગલીની માફક જોયા કરતો હોય છે અને એમ લાગે કે જાણે જંગલમાંથી પકડેલું રોઝ ન હોય !

આથી રાજકુમારી પોતાના પિતાને પણ કહેતી અને સાહેલીઓને પણ સમજાવતી કે, ' જે ચતુરની સાથે વાત કરવા છતાં પણ વધુ બોલવાનું મન થાય એવા ચતુર પુરુષનો સહવાસ મળે તો સંસાર લેખે લાગે. એ વિનાના મૂર્ખનો સમાગમ થાય, તો આખુંય આયખું નકામું જાય.

આથી કુંડલપુર નગરની કલાપ્રેમી રાજકુમારી ગુણસુંદરીએ પ્રતિજ્ઞાા કરી હતી કે જે નર વીણાવાદનમાં મને જીતશે, તે જ નર મારો સ્વામી થશે.

સાર્થવાહે આ નગરની કુંવરીની વાત કર્યા પછી શ્રીપાળને કહ્યું, ' રાજકુમારીની આવી પ્રતિજ્ઞાાએ તો નગરમાં કેટલાય નવાં ખેલો રચ્યા છે. કુંડલપુરના ઘેરઘેર એ વાત ફેલાઈ ગઈ કે ગમે તે નાતજાતનો યુવાન હશે, તો પણ એ તો વીણાવાદનમાં રાજકુમારીને જીતશે તો એ એનો પતિ બનશે.'

એક સમયે નગરમાં વસતા વૃદ્ધ કલાકારો મનમાં ઊંડા ઊંડા નિ:સાસા નાખતા હતા. એમને ભય હતો કે અમારી આ વીણાવાદન કલાનો ક્યાંય અંત ન આવી જાય. પરંતુ હકીકત સાવ જુદી બની. ગુણસુંદરીની પ્રતિજ્ઞાાને કારણે આ કલાનો પુષ્કળ વિકાસ થયો. પાર વગરના રાજકુમારો અહીં આવીને વીણાવાદન શીખવા માંડયા. વીણામાં આદિ, મધ્યને અંત એમ ત્રણ ગ્રામ છે. સા-રી-ગ-મ-પ-દ-ની-એ સાત સ્વર છે. એકવીશ (પીતળની તરબોરૃપ) મૂર્ચ્છનાઓ છે અને તાન ઓગણપચાશ છે. તથા મીડ-મુરકી- ધ્રૂજરી વગેરેની ખૂબી તો પાર વગરની છે.

આમ, દૂર દૂરથી સેંકડો રાજકુમારો કુંડલપુરના સંગીતાચાર્યો પાસે આવે છે. એમની પાસે વીણાવાદન શીખે છે. ગામલોકો પણ રાજકુમારીને મેળવવાની ઝંખનામાં પાગલ બની ગયાં છે. વાણિયાઓ બજારમાં વીણા બજાવે છે અને રાજકુમારીને પરણવાના ઉત્સાહમાં વેપારધંધો છોડીને વીણાવાદન શીખે છે. ધનવાન હોય કે ગરીબ હોય, કે પછી ગોવાળ હોય કે શૂદ્ર હોય- સહુ કોઈના ઘરમાંથી વીણાના સૂરો મુખરિત થયા કરે છે.

વળી દર મહિને અહીં વીણાવાદનની પરીક્ષા ચાલે છે. આ પરીક્ષામાં સંગીતના આરોહ- અવરોહ, શુદ્ધ- વિકૃત- તીવ્ર, મૂર્ચ્છના જેવા ભેદજ્ઞાાનના પ્રશ્નો પૂછવામાં આવે છે. જેનો ઉત્તર વિદ્યાર્થીઓ આપી શકતા નથી, પરંતુ રાજકુમારી મેળવવાની આશાથી બમણા ઉત્સાહે વધુ અભ્યાસ કરે છે. આખા શહેરમાં જ્યાં જુઓ ત્યાં વીણાવાદન સંભળાય છે. એનો ખરો ખ્યાલ તો એ શહેરને નજરોનજર જોવાથી જ આવે.

આમ સાર્થવાહે શ્રીપાળને એક કુતૂહલની વાત કરી અને શ્રીપાળે એને ઉત્તમ વધામણી આપીને વિદાય કર્યો.
(ક્રમશ)

ગોચરી
દુ:ખ એ આપણા માથે મૂકેલું પોટલું નથી કે આપણે માથેથી એનો ભાર ઊતારીને એને બાજુએ મૂકીએ. દુ:ખ તો ઇશ્વરની દેન છે. દુ:ખ એ માટે આપ્યું છે કે સુખની કિંમત સમજાય. દુ:ખને દુશ્મન માનવાને બદલે દોસ્ત બનાવી દઈએ. દુ:ખનાં રોંદણાં રડવાને બદલે દુ:ખમાં રાજીપો રાખી લઈએ, તો દુ:ખ એ મિત્ર બની જશે.
- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ

Post Comments