Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

શ્રીપાળકુમાર, હવે ધવલ શેઠની જાળમાંથી બચી શકે તેમ નથી ?

હૃદયમાં સતત સળગતી દ્વેષની આગને કારણે દ્વેષી પોતે અંતરમાં સળગતો રહે છે અને બીજાનું અહિત કરવા સદા તત્પર હોય છે. એ નવા નવા કુટિલ દાવ અજમાવે છે અને પોતાના દુષ્ટ

હેતુને સિદ્ધ કરવા માટે રાતોની રાતોના ઉજાગરા વેઠે છે. જે સમયે ધવલશેઠને જાણ થઈ કે રાજા વસુપાળે નાતજાતની કશીય ખાતરી કર્યા વિના શ્રીપાળ સાથે પોતાની કન્યાનો વિવાહ

કર્યો છે, ત્યારે દુષ્ટ ધવલશેઠને થયું કે  ભલે આજે શ્રીપાળનો રાજકુમારી સાથે વિવાહ થયો હોય, પરંતુ હવે એ શ્રીપાળની જાત વિશેની વાતનો એવો વંટોળ જગાડશે કે જેથી રાજાનો કોપ

એના પર વરસવા માંડે. દુષ્ટ માનવીના મનને ક્યારેય નિરાંત હોતી નથી. ધવલશેઠન જુદા જુદા પેંતરા વિચારવા લાગ્યો કે કઈ રીતે આ શ્રીપાળને સહુના ધિક્કારપાત્ર ઠેરવું અને રાજા

એને દેશનિકાલ ફરમાવે એવું કરું.
વળી વિચાર્યું કે અત્યાર સુધી તો શ્રીપાળ કોઈને કોઈ કારણે ઉગરી ગયો છે. એને ભરદરિયે ધકેલ્યો ત્યારે એમ હતું કે એમાં એની જલસમાધિ અચૂક થશે, પરંતુ એનો તો વાળ વાંકો થયો

નહીં, પણ હવે તો એવો દાવ અજમાવવો છે કે શ્રીપાળને છઠ્ઠીના ધાવણની યાદ આવી જાય. પોતાના તંબુમાં બેસીને ધવલશેઠ વિચાર કરવા લાગ્યા. એમણે જોયું કે રાજા વસુપાળના

દરબારમાં સ્વાગતરૃપે પાનનાં બીડાં આપનાર માનવંતા રાજવીનું કામ શ્રીપાળ સંભાળતો હતો. હવે એ શ્રીપાળને માથે એવું કલંક લગાડું કે જેથી થાણા નરેશના થગીધર બનેલા શ્રીપાળ

ખુદ રાજા અને પ્રજાની નજરમાંથી ઊતરી જાય.
વળી ધવલશેઠના મનમાં એક બીજો વિચાર એ જાગ્યો કે હવે તો શ્રીપાળ એ રાજા વસુપાળનો જમાઈ બનીને બેઠો છે. એના પ્રાણ હરવા માટે મેં ઘણી કોશિશ કરી છે, એટલે હવે એ કંઈ

મને છોડશે નહીં. શત્રુ અને રોગને વહેલી તકે ડામી દેવો જોઈએ, એ ન્યાયે શ્રીપાળકુમારની એવી દુર્દશા કરવી જોઈએ કે જેથી એ જીવનભર માથે કલંક લગાડીને હડધૂત થતો જીવે.
આવા કુટિલ વિચારોમાં ડૂબેલા ધવલશેઠને કાને એકાએક બજાણિયા કિન્નર પરિવારોનાં ગાનનો અવાજ સંભળાયો. એ બધા ગાતા- નાચતા ધવલશેઠના વિશાળ તંબૂની બહાર આવ્યા અને

દીનતાભરી યાચના કરવા લાગ્યા. આ બજાણિયા કિન્નરોને જોઈને શેઠના મનમાં એકાએક વિચાર જાગી ઉઠયો. સજ્જનોનું ચિત્ત સત્કર્મની બાબતમાં ફળદ્રૂપ હોય છે, એ જ રીતે દુર્જનનું

ચિત્ત દુષ્કર્મનની બાબતમાં સતત ફળદ્રૂપ હોય છે. એમાં નવા નવા ખ્યાલો અને વિચારો આવતા રહે છે અને એ જ રીતે આ બજાણિયાઓને જોઈને શેઠને એક અનોખો વિચાર આવ્યો.

એમણે એના નાયકને બોલાવીને કહ્યું, ' આમ તમારે સહુને બારણે બારણે જઈને માગતા ફરવું તે સારું ન કહેવાય. આવી રીતે માગી- માગીને તમે જે કંઈ થોડું મેળવશો, એનાથી તમારી

દરિદ્રતા ક્યાંથી દૂર થવાની ? તમે તો યાચકના યાચક જ રહેવાના.'
બજાણિયાની ટોળીના નાયકે કહ્યું, ' વાત તો આપની સાવ સાચી છે. અમે બીજું કરીએ પણ શું ? અમે ગાઈએ, બજાવીએ અને પછી યાચના કરીએ.'
ધવલશેઠે દબાતા અવાજે કહ્યું, ' આવી અવદશામાંથી ઊગરી શકે એવો એક માર્ગ છે. તું જો મારું એક કામ કરીશ તો માલામાલ થઈ જશે. ક્યારેય માગવું નહીં પડે. વળી કામ સાવ નાનકડું

છે, પણ એ કામને માટે હું તમારા પર વિપુલ ધન ન્યોછાવર કરી દઈશ.'
નાયકે કહ્યું, ' પહેલાં તમે ફોડ પાડીને વાત કરો કે અમારે શું કામ કરવાનું છે ? જો કામ થાય એવું હશે તો જરૃર કરીશું. પણ કામ જાણ્યા વિના હા કઈ રીતે પડાય ?
ધવલશેઠે કહ્યું,' કામ ખાસ કંઈ મોટું નથી. આ થાણા નરેશ વસુપાળના થગીધર(શ્રીપાળ)ને રાજા અને પ્રજાની નજરમાં ઉતારી પાડવાનો છે. વળી તારે આને માટે કશું કરવાનું નથી. એ

થગીધર ડૂંબ છે એમ જ સિદ્ધ કરવાનું. તમારા આખા કુટુંબે દોડીને એ થગીધરને વળગી પડવાનું. તમારો સાવ નજીકનો સગો છે એમ જાહેર કરવાનું. બસ આ ખેલ તમે ભજવશો,તો તમને

લાખ સોનામહોર આપીશ.'
કિન્નરોની ટોળીના નાયકે કહ્યું,' આ કામમાં તો પ્રાણની બાજી લગાવવી પડશે, કારણકે થગીધર ક્ષત્રિય છે અને એને કિન્નર બજાણિયો સાબિત કરવો એ જેવું તેવું કામ નથી.
'એને માટે તો એક લાખ સોનામહોર આપું છું ને !' ધવલશેઠે કહ્યું.
નટ પરિવારના નાયકે કહ્યું, ' શેઠ, આપનું કામ હું કરીશ, પરંતુ એ સાથે મારો મુજરો માન્ય કરજો. અમે તમામ ખોટા દાવ અજમાવીશું અને જૂઠી કળા બતાવીશું, પરંતુ એ પછી નક્કી કરેલા

દામ ઉપરાંત શાબાશી સંબંધી શિરપાવ ખુશી થઈને દેજો.'
ધવલશેઠે બજાણિયાઓની આ વાત સ્વીકારી. બધા બજાણિયાઓ ચાલ્યા ગયા. શેઠ જરા તકીયે અઢેલીને આરામ કરવા લાગ્યા અને સાથોસાથ મૂંછ પર હાથ ફેરવીને બોલ્યા,
' કુમાર શ્રીપાળ, આજ સુધી ભલે મારા પેંતરામાં હું ફાવ્યો નહીં, પણ હવે તું આ ધવલશેઠની જાળમાંથી બચી શકે એમ નથી. રાજાને જેવી જાણ થશે કે તું બજાણિયો છે, કિન્નર છે, એટલે એ

તારા પર કોપાયમાન થશે અને તને તોપના નાળચે ઉડાવી દેશે. હવે તારી ચોટલી બરાબર મારા હાથમાં આવી છે. તારો ઘડો લાડવો થઈ ગયો જ સમજ્જે.' અને બીજી બાજુ

બજાણિયાઓનું ટોળું રાજસભામાં પહોંચ્યું. (ક્રમશ)
ગોચરી
આ જગતમાં વિષ, અગ્નિ, સર્પ અને શસ્ત્ર ભયપ્રદ ગણાય છે. પણ એનાથીય વધુ ભયજનક કુટિલ માનવીનું મન હોય છે. દુષ્ટ માનવી આખા સંસારને દુષ્ટ માને છે અને પોતાની દુષ્ટતાનું

હંમેશાં બીજા પર આરોપણ કરે છે. ખલનાયકને આખી દુનિયાનો નાયક' ખલ' (દુષ્ટ) હોય એમ જ લાગે છે.
- આચાર્ય ઉદયકીર્તિસાગરસૂરિ

Post Comments