Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આજથી ૨૨૦ વર્ષ પૂર્વે જગન્નાથપુરીની ભવ્ય રથયાત્રામાં શ્રી સ્વામિનારાયણ ભગવાન પધાર્યા હતા...

અષાઢ સુદ બીજ એટલે અનેક ભક્તોનો ધાર્મિક આસ્થાનો દિવસ. આ બીજના દિવસે ભક્તોને દર્શન આપવા ભગવાન પધારે છે અને દિવ્ય દ્રષ્ટિથી અનેકને પાવન કરે છે. અષાઢ સુદ બીજના દિવસે અમદાવાદમાં પણ રથયાત્રા પ્રસંગે અનેક ભક્તો જોડાય છે. ભક્તિ, સમર્પણ, સેવા અને એવા અનેક સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખતો, હૃદય, મન અને શરીરની સાથે બુધ્ધિને પણ ભગવાનની સેવામાં માધ્યમ બનાવાનો મર્મ સમજાવતો આ રથયાત્રાનો ઉત્સવ જગન્નાથપુરીમાં પણ લાખો ભક્તો ઉજવે છે. આ જગન્નાથપુરીમાં નીકળતી રથયાત્રા સાથે સ્વામિનારાયણ સંપ્રદાયનો ઇતિહાસ પણ જોડાયેલો છે.

સ્વામિનારાયણ સંપ્રદાયના સંસ્થાપક શ્રી સ્વામિનારાયણ ભગવાને ૧૧ વર્ષની નાની વયે ગૃહસંસારનો ત્યાગ કરીને  અનેક ને મોક્ષની વાટ બતાવવા માટે વનવિચરણ કર્યું. આ વનવિચરણનો પ્રારંભ તેમણે સંવત્ ૧૮૪૯ના અષાઢ સુદ દશમ- તા.૨૯-૬-૧૭૯૨ ને શુક્રવારના રોજથી કર્યો હતો. તેમણે ભારતના અનેક તીર્થોમાં વિચરણ કર્યું છે. આ વિચરણ દરમ્યાન તેઓનું નામ નિલકંઠવર્ણિ હતું. શ્રીપુર, બદરિનાથ, માનસરોવર, પુલહાશ્રમ, બુટોલપુર, સિરપુર, કપિલાશ્રમ, જગન્નાથપુરી, કોપુરપુર, પુના, બુરાનપુર, આદિ તીર્થોમાં અને જંગલોમાં વિચરણ કરી અનેક મુમુક્ષુઓને મોક્ષની વાટ બતાવી. વનમાં ૭ વર્ષ, ૧ માસ, ૧૧ દિવસ સુધી સારાય ભારતનાં તીર્થમાં આશરે ૧૩૦૦૦ કિ.મી.નું પગપાળા વિચરણ કરી સંવત્ ૧૮૫૬ના શ્રાવણ વદ આઠમ તા.૨૧-૮-૧૭૯૯ રોજ સૌરાષ્ટ્રની ધરતી પર લોજ મુકામે પધાર્યા હતા.

આ સમયગાળા દરમ્યાન તેઓ સંવત્ ૧૮૫૪ મા એટલે કે, આજથી ૨૨૦ વર્ષ પૂર્વે જગન્નાથપુરી પધાર્યા હતા. આ જગન્નાથપુરીમાં ઇન્દ્રદ્યુમન સરોવર પાસે નિલકંઠવર્ણિએ મુકામ કર્યો હતો. તેઓ ત્યાંથી જગન્નાથપુરીના મંદિરમાં આવ્યા હતા ત્યાં તેઓ છ માસ અને છ દિવસ સુધી રોકાયા હતા.

આ જગન્નાથ મંદિરમાં કુલ ત્રણ મૂર્તિઓ છે. જગન્નાથજી (શ્રીકૃષ્ણ) બળદેવજી, અને તેમના બહેન સુભદ્રાજી. આ ત્રણેય મૂર્તિ કાષ્ટની છે. જેને વિશ્વકર્માજીએ ઘડી છે તેમ માનવામાં આવે છે. આ મંદિરમાં નિત્ય અખંડ ભજન કીર્તન અને શ્રીમદ્ભાગવત્ની કથા ચાલતી હતી. નિલકંઠવર્ણિ ત્યાં બેસીને કથાનું શ્રવણ કરતાં અને ભાવિકો ને શાસ્ત્રોનો અર્થ સમજાવતા. આ જગન્નાથ મંદિરના પુજારી નિલકંઠવર્ણિને દિવ્ય તેજોમય મૂર્તિ જોઈને તેમના તરફ આકર્ષાતા હતા. અને તેમને નિત્ય એક વખત થાળ જમાડતા હતા.

એક દિવસ જગન્નાથપુરી રાજા પણ મંદિરમાં દર્શન કરવા માટે આવ્યા. નિલકંઠવર્ણિના દર્શન કરતાં ની સાથે જ મધકટોરે જેમ માખીઓ ડૂબી જાય તેમ તે દર્શનમાં ડૂબી ગયા. અને અહિંયા જ કાયમને માટે વાસ કરીને રહેવા માટે પ્રાર્થના કરી. નિલકંઠવર્ણિ કહે કે, અમો આવ્યા તેને આજે ૬ માસ અને ૬ દિવસ થઈ ચૂક્યા છીએ. અમો હવે અહીંથી જઇશું. ત્યારે રાજાએ વિનંતી કરી કે, આજે અષાઢ સુદ એકમ છે અને બીજ છે તેથી અહીંયા મોટો ઉત્સવ થનારો છે. કાલની રથયાત્રામાં આપશ્રી રોકાઈ જાવ તો અસંખ્ય માણસોને આપના દર્શનનો લાભ મળે. રાજાએ નિલકંઠવર્ણિ પાસે મંત્ર દિક્ષા ગ્રહણ કરી. આ રાજાના આગ્રહથી નિલકંઠવર્ણિ ત્યાં રથયાત્રા માટે રોકાયા.

સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી આધારાનંદ સ્વામીકૃત શ્રી હરિચરિત્રામૃત સાગર ગ્રંથમાં ૪૧માં તરંગમાં જગન્નાથપુરીમાં જે રથયાત્રા નીકળી હતી. તેનું આબેહુબ વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં વર્ણન આવે છે કે, અષાઢ વદ બીજ હોવાથી જગન્નાથપુરીમાં રથયાત્રાનો મહા ઉત્સવ હોવાથી ત્રણ રથ સુશોભિત કરવામાં આવ્યા હતા. એક રથમાં શ્રી જગન્નાથજી, બીજા રથમાં શ્રી બળદેવજી અને ત્રીજા રથમાં દેવી સુભદ્રાની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવ્યું.

રાજા પધાર્યા અને શ્રી નિલકંઠવર્ણિને પ્રથમ શ્રી જગન્નાથજીનો રથ હતો તેમાં બિરાજમાન કર્યા અને પૂજન અર્ચન કરીને આરતી ઉતારી. રાજાએ સ્વયં તે રથ ખેંચવાની સેવા કરી હતી. ભક્તો નાચતાં કૂદતાં- ઉત્સવ ગાન કરવા લાગ્યા. સાથે આ રથયાત્રામાં અનેક હાથી, ઘોડા, રથ, મ્યાના અને રાજાની સેના પણ જોડાઈ હતી. પ્રણાલિકા અનુસાર આ ત્રણેય રથો જનકપુર ગોંડિયા મંદિરમાં લઈ જવામાં આવ્યા. ભગવાન જગન્નાથે ત્રણ દિવસ સુધી જનકપુરીમાં આવીને નિવાસ કર્યો. આ જનકપુરના મંદિરમાં સભાભવનમાં લક્ષ્મીજીની મૂર્તિ હોય છે. ત્યાં આ ત્રણેય મૂર્તિને રાખવામાં આવી હતી. આ રથયાત્રામાં અનેક ભક્તો આ નિલકંઠવર્ણિના દર્શન કરીને ધન્યભાગી બન્યા હતા.

આમ, નિલકંઠવર્ણિ જગન્નાથપુરીમાં નીકળતી રથયાત્રામાં બિરાજમાન થયા હોવાથી ઘણા સ્વામિનારાયણ મંદિરોમાં રથયાત્રાના પ્રસંગે ભગવાનની સ્મૃતિ માટે તેની ઉજવણી કરવામાં આવે છે.
- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Post Comments