Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

પ્રારબ્ધ અને પુરુષાર્થ એ બે માં ચડિયાતું કોણ ?

પ્રારબ્ધ કરતાં પુરુષાર્થ ચડિયાતો છે. માત્રને માત્ર નસીબથી આગળ આવ્યા હોય એના કરતાં પુરુષાર્થથી આગળ આવ્યા હોય એની આખા જગતમાં બહુમતી છે એનો ઇન્કાર થઈ શકે તેમ નથી.

પ્રા રબ્ધ અને પુરુષાર્થ એ બેમાં ચડિયાતું કોણ એ પ્રશ્ન ઇંડુ પહેલું કે મરધી જેવો પેચીદો છે. નસીબમાં જેમ લખ્યું હશે તેમ થશે એમ માની ઘણા બેસી રહે છે. તો મહેનત કર્યા વગર અહીં કોઈને ય કશું જ મળતું નથી એવું માનનારા પુરુષાર્થ કરી આગળ નીકળી જાય છે. ફરે તે ચરે, બાંધ્યું ભૂખે મરે.

કીડી કયારેય જંપીને બેસતી જ નથી. જે મધ ખાતી જ નથી તે મધમાખી ફૂલોના રસ માટે અવિરત ઉડયા જ કરે છે. જગતભરનાં પક્ષીઓ સૂર્યોદય (નિશાચરને બાદ કરતાં) પહેલાં ઉઠીને ખોરાકની શોધમાં નીકળી પડે છે. માછલી લગભગ કદી સ્થિર રહેતી નથી. કરોળિયો જાળું કરવામાં મસ્ત બની વ્યસ્ત રહે છે. કરતાં જાળ કરોળિયો.. કવિતા પુરુષાર્થનું પ્રસિધ્ધ પ્રતીક છે લગે રહો.

જગતનિયંતાએ આ જગતની રચના જ એવી કરી છે કે સૌને કર્મ તો કરવું જ પડે છે. નહિ કશ્ચિત્ ક્ષણમપિ જાતુ તિષ્કત્ય કર્મ કૃત- કોઈ પણ જીવ એક ક્ષણ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી- એવું ગીતા કહે છે. બધાને પેટ છે. પેટ કરાવે વેઠ. ભૂખ બધાને લાગે છે. મોઢું પહોળું કરીને બેસી રહો અને ક્યાંકથી ભોજન આપોઆપ મુખમાં આવી જાય- એવું તો હજુ ક્યાંય બન્યું હોય તેવું જોયું નથી કે સાંભળ્યું નથી. ભોજનપ્રાપ્તિ માટે પુરુષાર્થનો કોઈ વિકલ્પ જ નથી. મહાભારતમાં એક સુંદર શ્લોક છે
ઉદ્યમેન હિ સિધ્યન્તિ કાર્યાણિ ન મનોરથે ;
નહિ સુપ્તસ્ય સિંહસ્ય, પ્રવિશન્તિ મુખે મૃગા.

ઉદ્યમથી કાર્યો સિધ્ધ થાય છે, નસીબથી નહિ. સૂતેલા સિંહના મુખમાં કંઈ મૃગો આપોઆપ આવી જતાં નથી. મોબાઈલ, કોમ્પ્યુટર, લેપટોપ, ટી.વી, વિમાન, વીજળી, વાહન માટે અસંખ્ય વૈજ્ઞાાનિકોએ પ્રયોગશાળામાં ભૂખ્યા તરસ્યા રહી અથાક, અગાધ, અતાગ, અપાર પુરુષાર્થભર્યા પ્રયોગો કરી આ શોધો કરી છે એ માટે કોઈ ઇન્કાર કરી શકે તેમ નથી. આ બધાએ પુરુષાર્થને જ પારસમણિ ગણ્યો છે.

કોઈ બીજો માણસ શ્વાસ લે અને આપણે જીવી જઈએ એવું ક્યારેય બન્યું નથી. જન્મથી મૃત્યુ સુધી જન્મારો મફતમાં જ ખાવા મળે એવી કોઈ આશા રાખે તો નિરાશા જ મળવાની છે. ભગવાને જે બે હાથપગ આપ્યા છે એ તમને મહેનત કરવા જ પ્રદાન કર્યા છે પણ જે નથી કરતા એમને એ હાથ ભીખ માટે લંબાવવા પડે છે. ધનજીભાઈએ ધંધો કર્યો, ધોતિયું ફાડીને રૃમાલ કર્યા જેવો ઘાટ થાય છે. હાથપગ આપીને ઇશ્વર આજ પણ પસ્તાય છે, માનવીની જાત આખી માગનારી નીકળી.

ઘણાની વળી એવી દલીલ છે કે આખી જિંદગી મહેનત કરી કરી થાક્યા પણ બે પાંદડે થવાતું નથી અને ઘણા ઓછી મહેનતેય માલદાર થયાના કિસ્સા પણ છે. પણ એમાં ખાટલે મોટી ખોડ એ હોય છે કે એ મહેનત આડેધડ હોય છે. કોઈ આખો દિવસ ઘણ લઈ પથરા તોડે ને કોઈ ટાંકણું લઇ શિલ્પીમૂર્તિ ઘડે તો બન્નેમાં સાડીને પટોળા જેટલો ફેર હોય છે. ઘણીવાર તો વાણીવર્તનથી પણ હાલત કફોડી બની જાય છે.  અમે હાથ હલાવ્યા તો કોઠીઓ ભરાઈ ગઈ, અને જીભ હલાવી તો કોઠીઓ ખાલી થઈ ગઈ. પુરુષાર્થ પણ બુધ્ધિ ગીરવે મૂકીને કરવાનો નથી. આળસ ગરીબીને પકડી પાડે છે, ગરીબી પથી દુઃખનો હાથ પકડી લે છે, આગલે બારણે દુઃખ પ્રવેશ કરે પછી સુખ પાછલે બારણેથી નાસી છૂટે છે.

શરીર સ્વાસ્થ્ય માટે વ્યાયામ નિતાંત આવશ્યક છે. કસરત એ તો આરોગ્ય વીમાનું પ્રીમિયમ છે. વેદોમાં પણ પુરુષાર્થનો મહિમા અપરંપાર છે. ઊઠો, એવું મનુસ્મૃતિ કહે છે. તરૃણ સાગરજી (કડવાં પ્રવચન) કહે છે કે જો તમે બેસી રહેશો તો તમારું ભાગ્ય- નસીબ પણ બેસી જ રહે છે. પુરુષાર્થ જ ધનસંપતિ વધારે છે. પુરુષાર્થ કરનારને જ પ્રારબ્ધ સાથ આપે છે તેવું વિદુરનીતિ કહે છે. આંબાનું ફળ જેમ કેરી છે તેમ પુરુર્ષાથનું ફળ જ પ્રારબ્ધ છે.

કોઈ રણને ઠોકર તો મારી જુએ છે સંભવ કે મીઠું ઝરણ નીકળે. પરસેવાને પરફયુમ (અત્તર) ગણનારાને જ પૈસા ગણવાની ફુરસદ પણ નથી હોતી. પુરુષાર્થનો પરસેવો જે પાડતા નથી તેમને બ્લડપ્રેશરના પરસેવાની કમાણી ઘેર બેઠાં જ થઈ જાય છે. નસીબ.. નસીબ કરી જે બેસી રહે છે એમાં ય નસીબનું અપમાન છે, આ અપમાનનો બદલો પછી રોગ બની વાળે છે. નસીબને ય પોતાનું કંઈક સ્ટેટસ્ હોય કે ના હોય !
વર્ષોના અનુભવ પછી નસીબની એક વાત જડી છે. ખેતર સાફ કરો, ખેડો, બિયારણ તૈયાર રાખો - અને વરસાદ ન આવે તો ! આનું નામ નસીબ. રસ્તે ચાલતા જતા હોવ અને ઉપરથી અચાનક વીજળી પડે તો ! વિમાનમાં મુસાફરી કરતા હો અને વિમાન ક્રેશ થઈ જાય ! તમામે તમામ પ્રયત્નો કર્યા પછી જયાં કોઈનું કંઈ નિયંત્રણ જ નથી એવી ઘટના બને એ નસીબ. ધરતીકંપ, અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ. આવા સંજોગોમાંય પુરુષાર્થ રંગ લાવે છે તેનું ઉદાહરણ છે: કચ્છનો ધરતીકંપ. હિંમતે મર્દા તો મદદે ખુદા
.
કૌન કહતા હૈ કિ આસમાનમેં સુરાખ નહીં હોતા ;
એક પથ્થર તો તબિયતસે ઉછાલો યારો !
આ બધાનો ટૂંક સાર એ છે કે પ્રારબ્ધ કરતાં પુરુષાર્થ ચડિયાતો છે. માત્રને માત્ર નસીબથી આગળ આવ્યા હોય એના કરતાં પુરુષાર્થથી આગળ આવ્યા હોય એની આખા જગતમાં બહુમતી છે એનો ઇન્કાર થઈ શકે તેમ નથી. કહ્યું છે ને કે;

ખુદી કો કર બુલંદ ઇતના કિ હર તકદીર સે પહલે,
ખુદા ખુદ બંદેસે પૂછે, બતા તેરી રજા કયા હૈ ?
ભીખમાં મળેલા રોટલા કરતાં મહેનતના રોટલાની મીઠાશ કંઈક જુદી જ હોય છે. એકમાં લાચારી હોય છે અને બીજામાં આબાદી હોય છે. બરબાદી બારણે ટકોરા મારે એ પહેલાં ચેતી જાવ. આજથી જ પુરુષાર્થ શરૃ.
સત્સંગ

જર્હા સુમતિ વર્હા સંપત્તિ નાના ;
જર્હા કુમતિ વર્હા વિપત્તિ નિદાના.
- પી.એમ.પરમાર

Post Comments