Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિમર્શ - ચંદ્રહાસ ત્રિવેદી

માણસ ધારે તો અહીં જ પોતાનું સ્વર્ગ ઊભું કરી શકે છે અને ભટકી જાય તો અહીં જ નર્કનું સર્જન કરી શકે છે

આષાઢાચાર્ય ઘણા શિષ્યોવાળા આચાર્ય હતા, પણ તેમના મનમાં એક શંકા રહ્યા કરતી કે સ્વર્ગ કે નર્ક જેવું કંઈક હશે કે તે બધી વાતો જ હશે. અત્યારે તો હું જપ-તપ કરીને સંયમમાં વર્તું છું પણ જો દેવલોક હોય જ નહિ તો તે બધું છેવટે નકામું જ જવાનું ને ! આષાઢાચાર્ય આગવોના જાણકાર હતા પણ આ શંકાને કારણે તેઓ સમુદાયમાંથી કોઈ સાધુ મૃત્યુ પામવાની તૈયારીમાં હોય ત્યારે તેને કહેતા કે જો તમે સ્વર્ગે જાઓ કે અન્ય કોઈ ગતિમાં જાઓ તો એકવાર મને કહી જજો કે પરલોકનું અસ્તિત્વ છે. સમુદાયમાંથી આમ કેટલાય સાધુઓને તેમણે મરતી વખતે કહેલું પણ કોઈ તેમને કહેવા આવેલું નહિ, તેથી તેમને થઈ ગયું કે સ્વર્ગ- નર્કની બધી વાતો ખોટી લાગે છે. એટલે હવે મારે સ્વર્ગ માટે સંયમમાં રહી જપ- તપ વગેરે કરવાની જરૃર નથી.

એવામાં એક બાળમુનિ માંદા પડયા. આચાર્યે પોતે તેની નિજામણા કરી અને તેને આ વાત કહી. આચાર્યને ખાતરી હતી કે આ બાળમુનિએ ઉત્તમ રીતે સંયમ પાળ્યો છે. એટલે તેઓ તો અવશ્ય સ્વર્ગે જવાના અને તેઓ મને કહેવા માટે આવવાના. આ બાળમુનિને કાળ કરે સમય થઈ ગયો.

દરમિયાન કોઈ દેવ તેમને કહેવા માટે આવ્યા નહિ, તેથી તેમને લાગ્યું કે ચોક્કસ સ્વર્ગ જેવું કંઈ હશે નહિ પછી કોણ મને કહેવા આવે ? અને જો સ્વર્ગ હોય જ નહિ તો મારે આ દુષ્ટદાયક દીક્ષા પર્યાયમાં શા માટે વધારે રહેવું ? અને આમ વિચારીને તેમણે એક દિવસ સાધુજીવનનો ત્યાગ કર્યો અને ચૂપચાપ ઉપાશ્રય છોડીને નીકળી ગયા.

સવાર પછી નીકળેલા આચાર્ય બપોર પહેલાં તો એક ગામને પાદર આવી પહોંચ્યા. ત્યાં તેમણે એક સુંદર બાળકને ઊભો રહેલો જોયો. છોકરાના શરીર ઉપર ઘરેણાં હતાં. આચાર્યને થયું કે હવે મારે ગૃહસ્થાશ્રમ માંડવાનો છે તો ધનની જરૃર પડશે. તેથી તેમણે છોકરાને પ્રેમથી પાસે બોલાવ્યો અને નામ પૂછયું.

છોકરાએ કહ્યું,' પૃથ્વી' છોકરો આગળ કંઈ કહે તે પહેલાં તેમણે તેનું ગળુ દબાવીને તેને મારી નાખ્યો. તેણે પહેરેલાં ઘરેણાં કાઢીને પોતાની પાસેનાં ગોચરીનાં પાતરાંમાં ભરી લીધા. આચાર્ય થોડેક આગળ ગયા હશે ત્યાં તેમને બીજો એક સુંદર છોકરો મળ્યો. તેણે પણ કિંમતી ઘરેણાં પહેરેલાં હતાં. આચાર્યે તેને નામ પૂછયું તો તેણે કહ્યું' અપકાય'. આચાર્યે તેની સાથે મીઠાશથી વાત કરતાં કરતાં તેને મારી નાખ્યો. અને તેણાં ઘરેણાં કાઢી લઈને ગોચરીનાં પાતરાંમાં ભરી દીધાં.

આમ આચાર્યને માર્ગમાં એક પછી એક ' અગ્નિકાય' 'વાયુકાય' ' વનસ્પતિકાય, અને 'ત્રસકાય' નામના છોકરાઓ મળ્યા. આચાર્યે એજ રીતે તેમનાં ઘરેણાં કાઢી લઈને પોતાની પાસેનાં ગોચરીનાં પાતરામાં ભરી દીધાં. આચાર્યને સંતોષ થયો કે હવે મારી પાસે ગૃહસ્થાશ્રમ માંડવા માટે પૂરતું ધન થઈ ગયું છે. ત્યાં તો તેમને રાજાનો પરિવાર સામે મળ્યો. આચાર્ય રાજ પરિવારને જોઈને ગભરાયા. રાજ પરિવારના સભ્યોએ આચાર્યને કહ્યું,' અમારાં ભાગ્ય કે આજે અમને સાધુ સામેથી મળી ગયા. આપ ગોચરી વ્હોરીને અમને ધર્મનો લાભ આપો.'

ગોચરીની વાતે આચાર્ય મૂંઝાયા. ગોચરીનાં પાતરાંમાં તો ઘરેણાં ભરેલાં હતાં. તેમણે ગોચરી લેવાની ના પાડી. તેમ છતાંય રાજપરિવારે બળજબરીથી તેમનાં પાતરાં ઝૂંટવી લીધાં અને ગોચરી આપવા માટે ખોલ્યાં તો તેમાં તો ઘરેણાં ભરેલાં હતાં.

આ જોઈને પરિવારના મોવડીએ આચાર્યને ધમકાવીને ઘરેણાં વિશે પૂછ- પરછ કરી. આચાર્યે કબૂલ કર્યું કે મેં રાજપુત્રો જેવાં છ બાળકોને મારી તેમનાં ઘરેણાં લઈ લીધાં છે. મેં મહાપાપ કર્યું છે. આ માટે મને જે શિક્ષા કરવી હોય તે કરો. હવે ફરીથી હું આવું કોઈ પાપ નહિ કરું. તમે મને મુક્ત કરશો તો ફરીથી હું સાધુ જીવન સ્વીકારી સંયમમાં વર્તીશ.

પરિવારના મોવડી જેવા દેખાતા માણસે કહ્યું,' ગુરુદેવ ! તમે મને ન ઓળખ્યો ? હું તમારો શિષ્ય. પેલો બાળમુનિ. દેવલોકમાંથી હું તમને કહેવા આવ્યો છું કે સંસારમાં પરલોક છે, સ્વર્ગ છે અને નર્ક પણ છે. તમે જે દ્રષ્યો જોયાં તે તો મેં માયાથી ઊભા કર્યાં હતાં.

તમે છ કાયના જીવોની હત્યા કરી તે જોઈ મને આઘાત લાગ્યો અને થયું કે હવે તમારો ઉદ્ધાર થવાની કોઈ શક્યતા નથી રહી. ત્યાં તો મેં જોયું કે હજુ તમારામાં સારા- ખોટાનો વિવેક રહ્યો છે. તમે પુન :  સંયમ જીવન સ્વીકારવા તત્પર છો તે જાણીને મને આનંદ થયો. મને દેવલોક વિશે કહેવા માટે આવવામાં વિલંબ થયો માટે ક્ષમા માગું છું. મારા વિલંબનું કારણ દેવલોકના અને પૃથ્વીના કાળની સાપેક્ષતા છે.'

અષાઢાચાર્યે દેવ થયેલા બાળમુનિનો આભાર માન્યો અને કહ્યું કે તમે મને કહેવા આવ્યા એટલું જ નહિ પણ તમે મને બચાવી લીધો. તમે મારા ગુરુ થયા. અને આમ કહીને અષાઢાચાર્ય ઉપાશ્રય તરફ જવા નીકળ્યા. ત્યાં જઈને પ્રાયશ્ચિત લઈને તેમણે પુન : ગચ્છમાં પ્રવેશ કર્યો અને સાધુજીવન અંગીકાર કર્યું.

આ રીતે અષાઢાચાર્યને દેવલોક વિશેની માહિતી આપવા દેવ આવ્યા હશે કે નહિ અને તેમણે બતાવેલાં વિવિધ દૃશ્યોની યથાર્થતામાં જવાની આપણે જરૃર નથી. આપણે તો કથાનકના સૂચિતાર્થને પકડવાનો છે. કથાનકનો ઇશારો એ વાત તરફ છે કે માણસ ધારે તો અહીં જ પોતાનું સ્વર્ગ ઊભું કરી શકે છે અને તે ભટકી જાય તો અહીં જ નર્ક જેવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે. વાસ્તવિકતામાં સંયમીત જીવન સ્વર્ગ છે અને સ્વચ્છંદી જીવન એજ નર્ક છે.

સંયમપૂર્વક જીવવામાં જીવનના નિષેધની વાત નથી કે દમનની વાત નથી. સંયમમાં આપણા આહાર વિહારને કેવળ જરૃર જેટલા મર્યાદિત કરવાની વાત છે. જો તટસ્થ રહીને વિચાર કરીએ તો લાગશે કે જીવનમાં આપણે એવી કેટલીય પ્રવૃત્તિઓ કરીએ છીએ જેની આપણે કોઈ આવશ્યક્તા હોતી નથી. આવી અમર્યાદિત પ્રવૃત્તિઓને કારણે જીવનમાં દોડધામ વધી જાય છે. જેને લીધે આપણે સતત તનાવગ્રસ્ત રહીએ છીએ.

આષાઢાચાર્ય સુખે જીવતા હતા પણ અકારણ સ્વર્ગ અને નર્કની વાતોમાં પડયા. જીવનમાં એવી કેટલીય વાતો છે કે જેની સાબિતી કોઈ આપી શકતું નથી. આવી વાતો પાછળ સમય વેડફવા કરતાં માણસ જે સમય મળ્યો હોય તેને ઉત્તમ રીતે જીવી જાણે તો વધારે સુખી રહે.

આવી મળેલ અમૂલ્ય જીવનનો ઉત્તમ રીતે ઉપયોગ કરી લેવા માટે ધર્મમાં ચાર બાબતો બતાવવામાં આવી છે. વિષયનો વિરાગ, કષાયનો ત્યાગ, ગુણનો અનુરાગ અને સમ્યક ક્રિયામાં અપ્રમાદ. આટલી વાતો ઉપર ધ્યાન રાખીને જીવીએ તો આપણો આ ભવ અને આવતો ભવ બંને સુધરી જાય.

Post Comments