Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

વિચાર વીથિકા

ઇશ્વરના અસ્તિત્વ વિશે ભગવાન બુદ્ધે અલગ અલગ ઉત્તર કેમ આપ્યા ?

બિહારના શ્રાવસ્તી નગરમાં ભગવાન બુદ્ધ બિરાજમાન હતા. એ દિવસોમાં ત્યાં એમનો ઉપદેશ અપાતો હતો. ઉપદેશ પૂરો થયા બાદ કોઈના મનમાં કોઈ શંકા હોય તો તેનું સમાધાન કરતાં. કોઈને ધર્મના વિષયમાં કોઈ માર્ગદર્શન જોઈતું હોય તો બુદ્ધ તે પણ આપતા. અનેક લોકો દૂર-દૂરથી એમનો ઉપદેશ સાંભળવા કે શંકાનું સમાધાન કરવા આવતા. સભામંડપ ખીચોખીચ ભરાયેલો રહેતો.

આ દિવસો દરમિયના એક દિવસ એક શ્રદ્ધાળુ જેવો દેખાતો એક માણસ ત્યાં આવી પહોંચ્યો. તેણે પોતાની થોડીક વાત કરી અને ભગવાન બુદ્ધને પ્રશ્ન પૂછયો- શું ઇશ્વર છે ?' એની સામે અપલક નેત્રે જોતા ભગવાન બુદ્ધે જવાબ આપ્યો- ' ના, નથી.'  થોડીવાર પછી બીજો એક માણસ ત્યાં આવી પહોંચ્યો.

તેની વાતો પરથી લાગતું હતું કે ઇશ્વરમાં શ્રદ્ધા ધરાવતો નહોતો. એણે પણ ભગવાન બુદ્ધને એજ પ્રશ્ન પૂછયો-' શું ઇશ્વર છે ?' ભગવાન બુદ્ધે એને જવાબ આપ્યો- ' હા, છે.' એ પછી એક ભલો-ભોળો દેખાતો દેહાતી ત્યાં આવી પહોંચ્યો. તેની વાતો પરથી જ તેની. અજ્ઞાાન અવસ્થા પ્રકટ થઈ જતી હતી. તેણે પણ ભગવાન બુદ્ધને એજ પ્રશ્ન પૂછયો- ' શું ઇશ્વર છે ?' ભગવાન બુદ્ધ તેની સામે જોતા રહ્યા પણ તેને કોઈ જવાબ આપ્યો નહીં. લાંબા સમય સુધી ભગવાન બુદ્ધને મૌન જોઈને તે ત્યાંથી ઊભો થઈને ચાલી નીકળ્યો.

ભગવાન બુદ્ધનો શિષ્ય આનંદ એ દિવસે એમની સાથે હતો. તેણે ભગવાન બુદ્ધને ત્રણેય વ્યકિતઓએ ભગવાન બુદ્ધને ઇશ્વરના અસ્તિત્વ વિશે પૂછેલા પ્રશ્ન અને ભગવાન બુદ્ધ દ્વારા અપાયેલા જુદા જુદા જવાબ સાંભળ્યા હતા. એના મનમાં ભારે વિસ્મય ઉત્પન્ન થયું હતું.

ભગવાન બુદ્ધ જેવા મહાજ્ઞાાની આવા વિરોધાભાસી જવાબ આપે એવું મનાતું નહોતું. આ તો 'વદતોવ્યાઘાત' કહેવાય. પોતે જ ેબોલ્યા હોય તેમાંથી તરત ફરી જવું એવું ગણાય. એક વ્યકિતને કહે છે કે ઇશ્વર નથી, બીજાને કહે છે કે છે અને ત્રીજાને કહે છે કે નહીં એનો જવાબ જ આપતા નથી ! તેને બુદ્ધ વિશે પૂર્ણ શ્રદ્ધા તો હતી જ પણ મનમાં કોઈ શંકા-કુશંકા કરવી એના કરતાં આ વિશે પૂછી લેવું જ યોગ્ય ગણાય એમ વિચારી તેણે આ વિશે બુદ્ધને પૃચ્છા કરી.

ભગવાન બુદ્ધે એમની પ્રશાંત મુખમુદ્રા સાથે ઘીર- ગંભીર સાદે એને ઉત્તર આપતાં કહ્યું -' આનંદ ! અહીં મહત્વ પ્રશ્નનું નથી. સત્યનો સંબંધ શબ્દોની અભિવ્યકિત પર નિર્ભર નથી. મારી પાસે ત્રણ વ્યકિતઓ આવી એમની મન :  સ્થિતિ અલગ અલગ હતી. એમની મન : સ્થિતિ પ્રમાણે એમના માટે જે જરૃરી હતું તે પ્રમાણે મેં એમને ઉત્તર આપ્યો. પ્રાત : કાળે સૌથી પહેલા જે વ્યકિત આવ્યો હતો તે આસ્તિક તો હતો પણ એની નિષ્ઠા નબળી હતી. એની આસ્તિકતા કેવળ શબ્દો પર સીમિત હતી. એ એના આચરણમાં ઊતરી નહોતી.

તે એની નબળી શ્રદ્ધાનું સમર્થન હું કરું એમ ઇચ્છતો હતો. આત્માનુભૂતિના ઊંડાણમાં ઉતરી એનો સાક્ષાત્કાર કરવાનું એનામાં સાહસ નહોતું. હું એની મૂર્છિત અવસ્થાને દૂર કરવા માંગતો હતો. એના સૂતેલા અસ્તિત્વને ઝકઝોરવા માંગતો હતો એટલે એને મેં કહ્યું કે ' ઇશ્વર નથી'. જેથી  એ એને સ્વયં જાણવા અને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે.

એના પછી જે બીજી વ્યકિત આવી તે નાસ્તિક હતો. તેને એની માન્યતા પર ગર્વ હતો. એના અહંકારને તોડવો જરૃરી હતો. એટલે મેં એને કહ્યું કે ' ઇશ્વર છે' જેથી એ સત્યની શોધ કરવા પ્રેરિત થાય. મારા જવાબથી એનામાં આસ્તિકતાનું જાગરણ કરાવવા મેં એને એવો જવાબ આપ્યો હતો. જ્યાં સુધી એ સ્વયં અનુભવ ન કરે કે ઇશ્વર છે કે નહીં ત્યાં સુધી ' ઇશ્વર નથી જ. એવું લોકોના કહેવાથી માની લેવું તે યોગ્ય નહીં એટલે મેં એને એવો જવાબ આપ્યો હતો.

સૌથી છેલ્લે જે ત્રીજી વ્યકિત આવી તે ભલો-ભોળો માનવી હતો. એના નિર્મળ મન પર આસ્તિક કે નાસ્તિક વિચાર થોપવા એ યોગ્ય નથી એમ સમજીને મેં મૌન રાખ્યું હતું. મારે એને શબ્દને બદલે અનુભૂતિના ક્ષેત્રમાં ઉતારવો હતો. મારા નિ : શબ્દ સાંનિધ્યમાં રહી, મારા શાંત અને પ્રસન્ન આચારણથી એ કંઈ શીખે અને એને સ્વયં અનુભવવા પ્રેરિત થાય એ વિચારથી મેં એને કોઈ ઉત્તર આપ્યો નહોતો અને લાંબો સમય મૌન ધારણ કરી રાખ્યું હતું.

આ સાંભળી આનંદના મનનો સંશય દૂર થઈ ગયો હતો. તેને એ સમજાયું હતું કે મહાપુરુષોના વિચાર અને આચાર કેટલા ગહન હોય છે ! એક જ પ્રશ્નનો ઉત્તર અલગ અલગ વ્યકિતઓ માટે અલગ અલગ કેમ હોય છે !! એ સાથે એ બોધ પણ મળ્યો કે સત્યને શબ્દોની સીમામાં કદી બાંધી શકાતું નથી ! એ કેવળ નિર્મળ, શાંત મનની સ્થિરતા આવ્યા બાદ 'અમન'ની સ્થિતિમાં જ અનુભૂતિગમ્ય બને છે !
- દેવેશ મહેતા

Post Comments