Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અખંડ સુખ શાંતિ કેવી રીતે પ્રાપ્ત થાય ?

આપણે વાંચતા હોઈએ અને લાઇટ વારંવારં જાય તો વાંચવાનું સુખ આવે ? ના આવે.

આપણે ભોજન કરવા બેઠા હોઈએ અને આઠ- દશ વખત વચ્ચે ઉભા થવું પડે તો ગમે ? ના ગમે.

આપણે રાત્રે સૂઈ ગયા હોય અને પાંચ- સાત વખત ઉઠવું પડે તો આરામ થાય ? ના થાય.

કેમ ? કે, આપણે ઉપરોક્ત જે જે ક્રિયાઓ કરીએ છીએ. તે સર્વે સળંગ ચાલે તો જ સુખ- શાંતિનો અનુભવ થાય. બાકી આનંદ પ્રાપ્ત થતો નથી. હૃદયમાં ખુશાલી છવાતી નથી. તેમ આપણે સત્સંગ કરીએ છીએ, ભજન કરીએ છીએ. પરંતુ આપણને જોઈએ તેવો યથાર્થ આનંદ નથી આવતો. તેથી સુખ શાંતિ પ્રાપ્ત થતા નથી. પરંતુ તેનું કારણ શું છે ? કેમ એમ બને છે ? તે આપણે આજે જાણીએ. અને તે જાણવા માટે અત્રે આપણે શ્રીસ્વામિનારાયણ ભગવાનના જીવન દરમ્યાનના વિચરણના એક પ્રસંગનું આચમન કરીએ.

એક વખત શ્રી સ્વામિનારાયણ ભગવાન સરસવણી ગામે પધાર્યા હતા. ગામમાં સમાચાર મળતા અનેક હરિભક્તો ભેગા થઈ ગયા. શ્રી હરિ અને સંતો હરિભક્તો માટે ઉતારાની સગવડ કરી દીધી. સાંજ પડતા સત્સંગસભા યોજાઈ. શ્રીજીમહારાજ સરસવણી પધાર્યા છે તેવા સમાચાર આસપાસના ગામમાં પણ પહોંચી ગયા તેથી પારીખા ગામથી અનેક ભક્તો દર્શન સમાગમ માટે આવી ગયા.

શ્રી હરિ સૌને જીવનમાં સુખ શાંતિ પ્રાપ્ત થાય તેની વાત કરતા હતા. થોડાક સમયમાંજ અષ્ટાંગ યોગથી પણ સિધ્ધ ન થઈ શકે તેવી સૌને નિર્વિકલ્પ સ્થિતિની સિદ્ધિ કરાવી દીધી. સૌનંમ અંતકરણ ટાઢું થઈ ગયું. જગતના સંકલ્પો બંધ થઈ ગયા. શ્રી હરિની જ્ઞાાનવાર્તાથી અજ્ઞાાન હઠવા લાગ્યું. પછી શ્રી હરિએ સભામાં જ કહ્યું કે, અમારી અત્યારે તમે વાતો સાંભળો છો તો બધાને શાંતિ- શાંતિ વર્તે છે ને ? સભામાં એકસાથે બધાએ હા પાડી.

પછી શ્રી હરિએ કહ્યું કે, જો આવી શાંતિ સદાય માટે જોઈતી હોય તો, નિરંતર જે કથાવાર્તા- સત્સંગ કર્યો તેનું મનન અને નિદિધ્યાસ કરવો પડશે. જો તે નહી કરો તો ' પાણીમાં લીલ બાઝી ગઈ હોય અને એક પથ્થર નાખીએ એટલે લીલ ખસી જાય અને થોડીવારે પાછી ભેગી જાય, તેમ તમારી શાંતિ પણ ચાલી જશે. અખંડ શાંતિ પ્રાપ્ત નહી થાય.''

આપણે આ શ્રી સ્વામિનારાયણ ભગવાનના પ્રસંગથી સમજવાનું કે, જો આપણે અખંડ શાંતિ જોઈતી હોય તો ધ્યાન, ભજન, કીર્તન, કથાર્વાતા , શાસ્ત્ર- અધ્યયન, સંતોનો સમાગમ કરવો પડશે અને તે કર્યા પછી તેનું મનન અને નિદિધ્યાસ પણ કરવો પડશે.

પરંતુ આ મનને અને નિદિધ્યાસ કોને કહેવાય ? એજ આપણને ખબર નહી હોય તો કરીશું કેવી રીતે ? એ મોટો પ્રશ્ન થઈ પડશે. તેથી આજથી આશરે બસો વર્ષ પહેલા સદ્. શ્રી નિર્વિકારાનંદ સ્વામીએ શ્રી સ્વામિનારાયણ ભગવાનને સારંગપુરના ત્રીજા વચનમૃતમાં પ્રશ્ન પૂછયો હતો કે, હે શ્રીજીમહારાજ ! શ્રવણ, મનન, નિદિધ્યાસ ને સાક્ષાત્કાર તે કોને કહેવાય ? ત્યારે શ્રીજીમહારાજ તેનો અજોડ ઉત્તર કર્યો હતો. તે આપણે અક્ષરે અક્ષર વાંચીએ.

શ્રોત્રે કરીને વાર્તા સાંભળવી તેને શ્રવણ કહીએ, અને જે વાર્તા શ્રવણ કરી હોય તે વાર્તાનો મને કરીને વિચાર કરીને જેટલી વાર્તા ત્યાગ કર્યા યોગ્ય હોય તેટલીનો ત્યાગ કરે ને જેટલી વાર્તા ગ્રહણ કર્યા યોગ્ય હોય તેટલીનું ગ્રહણ કરે તેને મનન કહીએ, અને જે વાર્તા નિશ્ચય કરીને મનને વિષે ગ્રહણ કરી હોય તેને રાત દિવસ સંભારવાનો જે અધ્યાસ રાખવો તેને નિદિધ્યાસ કહીએ, અને જે વાર્તા જેવી હોય તેવી ને તેવી જ ચિંતવન કર્યા વિના પણ સર્વે મૂર્તિમાનની પેઠે ઇદં સાંભરી આવે તેને સાક્ષાત્કાર કહીએ.

અને જો એવી રીતે આત્માના સ્વરૃપનું શ્રવણાદિક કર્યું હોય તો આત્મસ્વરૃપનો એવી રીતે સાક્ષાત્કાર થાય અને જો ભગવાનનો એવી રીતે શ્રવણ મનન નિદિધ્યાસ કર્યો હોય તો ભગવાનનો એવી રીતે સાક્ષાત્કાર થાય છે. પણ મનન ને નિદિધ્યાસ એ બે કર્યા વિના કેવળ શ્રવણે કરીને સાક્ષાત્કાર થાતો નથી અને જો ભગવાનના સ્વરૃપનું દર્શન કરીને તેનું મનન ને નિદિધ્યાસ તે ન કર્યો હોય તો લાખ વર્ષ સુધી દર્શન કરે તોપણ તે સ્વરૃપનો સાક્ષાત્કાર ન થાય તે દર્શન તો કેવળ શ્રવણ માત્ર સરખું કહેવાય અને જેણે ભગવાનના અંગ અંગનું દર્શન કરીને પછી તે અંગ અંગનુ મનન ને નિદિધ્યાસ તે કર્યો હશે તો તે અંગ આજ સહેજે સાંભરી આવતું હશે ને જે અંગનું દર્શન માત્ર જ થયું હશે તો તે અંગને સંભારતો હશે તોપણ નહિ સાંભરતું હોય અને કેટલાક હરિભક્ત કહે છે જે, અમે તો મહારાજની મૂર્તિને ધ્યાનમાં બેસીને ઘણાય સંભારીએ છીએ તો પણ એકે અંગ ધાર્યામાં નથી આવતું તો સમગ્ર મૂર્તિ તો ક્યાંથી આવે ? તેનું પણ એજ કારણ છે જે,એ ભગવાનની મૂર્તિનાં દર્શન માત્ર જ કરે છે પણ મનન ને નિદિધ્યાસ નથી કરતો માટે કેમ ધાર્યામાં આવે, કાં જે જે માયિક પદાર્થ છે તે પણ કેવળ દૃષ્ટિ માત્રે દેખ્યું હોય ને કેવળ શ્રવણ માત્રે સાંભળ્યું હોય ને તેને જો મનમાં સંભારી ન રાખ્યું હોય તો તે વીસરી જાય છે તો જે અમાયિક ને દિવ્ય એવું જે ભગવાનનું સ્વરૃપ તે તો મનન ને નિદિધ્યાસ કર્યા વિના ક્યાંથી સાંભરે ? માટે ભગવાનનું દર્શન કરીને તથા વાર્તા સાંભળીને જો તેનું મનન ને નિદિધ્યાસ નિરંતર કર્યા કરે તો તેનો સાક્ષાત્કાર થાય, નહિ તો આખી ઉંમર દર્શન શ્રવણ કરે તો પણ સાક્ષાત્કાર થાય નહિ.

આ ઉત્તરથી આપણને શ્રવણ, મનન, નિદિધ્યાસ અને સાક્ષાત્કાર કોને કહેવાય તેનો સ્પષ્ટ ખ્યાલ આવી ગયો છે. તો આપણે હવે અખંડ સુખી થવા માટે નિરંતર શ્રી સ્વામીનારાયણ ભગવાનનું ધ્યાન, ભજન, કીર્તન, સંત સમાગમ, શાસ્ત્ર અધ્યયન કરતા રહીએ અને અખંડ શાશ્વત સુખને પામીએ.

- સાધુ પ્રેમવત્સલદાસજી કુમકુમ

Post Comments