Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

અમૃતની અંજલિ-આચાર્ય વિજયરાજરત્નસૂરિ

વધુ પડતી અપેક્ષાઓ દુ:ખી દુ:ખી બનાવી દેશે... વધુ પડતા આગ્રહ અળખામણા બનાવી દેશે...

 

વ્યકિતની જેમ જ વસ્તુ પ્રત્યેની તીવ્ર અપેક્ષાઓ પણ કલેશનું- આર્તધ્યાનનું કારણ બની શકે છે.' પ્રવાસ કરવાનો હોય તો કાર તો મારી પોતાની જ જોઈએ. ટેક્સી- ટ્રેન કે બસ મને ચાલે જ નહિ... મોબાઈલ હોય કે મોટર, મોડેલ તો મારે અદ્યતન- લેટેસ્ટ જ જોઈએ. નબળી વસ્તુમાં તો મારું સ્ટેટસ લાજે..

વર્ષાઋુતુમાં ધરતીમાં બીજનું વાવેતર કરી મબલખ પાક મેળવતા ખેડૂતની ખેતી અંગેની પદ્ધતિ આપણને બહુ મહત્ત્વનો સંદેશ આપી જાય તેમ છે.

એ ધરતી ખેડે, બીજનું વાવેતર કરે, પાકનું રખોપું કરે અને લણણી કરીને ધાન્યથી કોઠાર છલકાવી દે : આ બધું પછી બને છે. સર્વપ્રથમ તો એ જ ધરતીમાં વાવણી કરવા ઇચ્છે એ ધરતીનું નિંદામણ કરે.

નિંદામણ એટલે ? એ ધરતી પર જ્યાં- ત્યાં ઊગેલ નાનાં-મોટાં નડે તેવા નકામાં છોડ- ઝાંખરાને મૂળમાંથી ઊખેડી નાંખવાની પ્રવૃત્તિ. ખેડૂત નિંદામણ દ્વારા ધરતીને સાફ કરશે. પછી જ આગળની પ્રક્રિયા શરૃ કરશે.

અંતરની ધરતી પર ધર્મબીજનું વાવેતર કરી આત્મકલ્યાણનો મબલખ પાક મેળવવાની ભાવના ધરાવતાં આત્માર્થી આરાધકે પણ ખેડૂતની આ નિંદામણપ્રવૃત્તિનું અનુસરણ કરી પાંચ એવા દોષોનું - અવગુણોનું ઉન્મૂલન કરવું જોઇએ કે જે આત્મકલ્યાણનાં ફળની પ્રાપ્તિમાં અવરોધક બને. હા, એ પાંચ અવગુણો- દૂષણો એવા ખતરનાક છે કે જે આત્મકલ્યાણમાં તો બાધક બને, ઉપરાંત વર્તમાન જીવનની સુખ- શાંતિ- સ્વસ્થતામાં પણ બાધક બને. આપણે ક્રમશ : બે લેખ દ્વારા એ અંગે વિશ્લેષણ- ચિંતન કરી અંતરની ધરતીમાંથી એના ઉન્મૂલન કાજે પ્રયાસશીલ બનીએ :

(૧) અપેક્ષા : 'જ્ઞાાનસાર' નામે જૈન ગ્રન્થમાં સુખ અને દુ:ખની એકદમ નાનકડી છતાં સચોટ વ્યાખ્યા કરતાં આ પંક્તિ લખાઈ છે કે :-
'પરસ્પૃહા મહાદુ:ખ, નિ:સ્પૃહત્વં મહાસુખમ્ ''

મતલબ કે અન્યો પ્રત્યે ઇચ્છા- અપેક્ષા- ઝંખનાઓ રાખવી, એ સૌથી મોટું દુ:ખ છે અને નિ:સ્પૃહ બનીજવું  અપેક્ષામુક્ત બની જવું એ સૌથી મોટું સુખ છે. વ્યકિત અન્યો પ્રત્યે અપેક્ષા- આશા રાખતી થઈ જાય અને સામી વ્યકિત તરફથી એ આશા- અપેક્ષા પૂર્ણ ન થાય ત્યારે અપેક્ષા જેટલી તીવ્ર હોય એટલાં તીવ્ર દુ:ખની અનુભૂતિ એને થશે. અલબત્ત, આ જ તર્જ પર કોઈ એ તર્ક પણ કરી શકે કે અપેક્ષા પૂર્ણ થાય ત્યારે એ જેટલી તીવ્ર હોય એટલી તીવ્ર સુખાનું ભૂતિ પણ થઈ શકે ને ? એનો વાસ્તવિક ઉત્તર ખાસ સમજવા જેવો છે.

પહેલી વાત એ છે કે અપેક્ષા પૂર્ણ ન થાય ત્યારે થતો દુ:ખનો- પીડાનો ઘા દીર્ધકાલીન અને વધુ ઘેરો હોય છે. એના મુકાબલે અપેક્ષાપૂર્તિનો આનંદ પ્રમાણમાં અપેક્ષાઓ તૂટવા તરફ દોરી જઈ શકે છે.

બીજી વાત એ છે કે આપણે જે સ્તરની અપેક્ષાઓ સામી વ્યકિત તરફ રાખીએ એ સ્તરે જ તે અપેક્ષાઓ સામી વ્યકિત પૂર્ણ કરે એવું જલ્દી શક્ય ન બને. આપણી અપેક્ષા સો ટકા કાર્યની હોય અને સામી વ્યકિત સાઠ ટકા જેવું કાર્ય કરે. ત્યારે આનંદ કરતા વસવસો વધુ રહે.

ત્રીજી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે સામી વ્યકિત આપણી અપેક્ષા પ્રમાણે પ્રવર્તે એવી શક્યતા સરેરાસ દશમાંથી બે કિસ્સામાં રહે અને એ મુજબ ન પ્રવર્તે તેવી શક્યતા દશમાંથી આઠ કિસ્સામાં રહે. આ સંભાવનાના આધારે તો ગુજરાતીમાં ઉક્તિ પ્રચલિત બની છે કે 'પારકી આશા... સદા નિરાશા.''

આ ત્રણ વાસ્તવિક બાબતો વિચારતા એમ બરાબર સમજી શકાય કે અપેક્ષાઓ રાખવામાં એની પૂર્તિનો આનંદ નહિવત્ છે અને અપૂર્તિનાં દુ:ખો ઝાઝાં છે.

ઉપરોક્ત વિશ્લેષણમાં અમે તો હજુ ઉદાર સંભાવના રાખીને દશમાંથી બે કિસ્સામાં અપેક્ષાપૂર્તિની સરેરાશ દર્શાવી. બાકી પૂર્વોક્ત ગુજરાતી ઉક્તિની જેમ જ્ઞાાનીભગવંતો પણ વિશાલ પરિપ્રેક્ષ્ય લક્ષ્યમાં રાખીને અપેક્ષાઓને માત્ર દુ:ખનું કારણ ગણાવે છે જે વ્યાપક સંદર્ભમાં બિલકુલ યોગ્ય છે. જૈન શાસનના મહાન મનિષી ચૌદસૌ ચુમ્માલીશ ગ્રન્થોના સર્જક

શ્રીમાન હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજે 'પંચસૂત્ર' નામે ગ્રન્થમાં હૃદયસ્પર્શી સૂત્ર આપ્યું છે કે ' અવિક્ખા આણાણંદે.' ભાવાર્થ કે અપેક્ષા અનાનંદનું- દુ:ખનું મૂળ છે.
અપેક્ષા આમ તો અલગ અલગ અનેક પ્રકારની હોઈ શકે.

પરંતુ આપણે એને અહીં મુખ્ય બે પ્રકારમાં વિભક્ત કરીશું : એક, વ્યકિત પરત્વેની અપેક્ષા, અને બે, વસ્તુ પ્રત્યેની અપેક્ષા. વૃદ્ધ વયસ્ક પિતાને યુવાન પુત્ર તરફ અપેક્ષાઓ હોય કે એ મારી તમામ નાનામાં નાની જરૃરિયાતોને ય બરાબર સમજે ને સાચવે, તો તરુણ પુત્રને માતા-પિતા તરફ અપેક્ષાઓ હોય કે માતા- પિતા મારી તમામ 'લકઝરી' ફરમાઈશો પૂર્ણ કરે- મને મારી રીતે સ્વતન્ત્ર જીવવા દે, પત્નીને પતિ પ્રત્યે અપેક્ષાઓ હોય કે એ મારા વધુમાં વધુ સમય ફાળવે ને એનાં જીવનમાં મારી 'પ્રાયોરિટી' હોય, તો પરિવારના વડીલોની અપેક્ષાઓ હોય કે ઘરમાં બધું અમને પૂછી પૂછીને જ થવું જોઈએ-

અમારો માનમરતબો રહેવો જોઈએ. જો કે, પારિવારિક જીવનમાં વ્યવહારુ પણે જ કેટલીક અપેક્ષાઓ રહે. પરંતુ જ્યારે એ અપેક્ષાઓ તીવ્ર બની જાય અને પૂર્ણ ન થાય ત્યારે પરિવારમાં કલેશ- કંકાસ- મનદુ:ખો સર્જાય જે જીવનની શાંતિ- ચેન ખતમ કરે.

આ ઉપરાંત હૃદયમાં તીવ્ર સંક્લેશ થાય. આર્તધ્યાન થાય જે આત્મિક પ્રગતિમાં અવરોધ સર્જે. એવું ન બને એટલે વ્યકિત પ્રત્યેની અપેક્ષાઓ અલ્પાતિઅલ્પ રાખવી અને એ અપૂર્ણ રહે ત્યારે નિર્લેપભાવ રાખી પરિસ્થિતિ પચાવી જાણવી જોઈએ. ભગવદ્ગીતાની પરિભાષામાં કહીએ તો નિષ્કામ કર્મયોગ આત્મસાત્ કરવો જોઈએ.

વ્યકિતની જેમ જ વસ્તુ પ્રત્યેની તીવ્ર અપેક્ષાઓ પણ કલેશનું- આર્તધ્યાનનું કારણ બની શકે છે.' પ્રવાસ કરવાનો હોય તો કાર તો મારી પોતાની જ જોઈએ. ટેક્સી- ટ્રેન કે બસ મને ચાલે જ નહિ... મોબાઈલ હોય કે મોટર, મોડેલ તો મારે અદ્યતન- લેટેસ્ટ જ જોઈએ.

નબળી વસ્તુમાં તો મારું સ્ટેટસ લાજે.. ફલેટ હોય કે ઓફિસ, ફર્નીચર તો એમાં લકઝૂરીયસ જ જોઈએ. ઓછું કશું મને ન જ ચાલે.' આ અને આવી આવી માનસિકતા વસ્તુ પ્રત્યેની અપેક્ષાની દ્યૌતક છે.

જ્યારે આ અપેક્ષા પૂર્ણ ન થાય કે એમાં વિક્ષેપ સર્જાય ત્યારે તીવ્ર અપેક્ષાવશ વ્યક્તિ એ સ્થિતિ જીરવી ન શકે. ક્યારેક આના કેવા ખતરનાક પરિણામ આવે એ જાણવું છે ? તો વાંચો થોડા વર્ષો પૂર્વે મુંબઈમાં સર્જાયેલ સત્ય ઘટના :

મુંબઈના પોશવિસ્તાર ગણાતા ઊપનગરમાં એક પરિવાર રહે.  ઘરના સભ્યો ચાર અને ગાડીઓ પણ એ પરિવારની ચાર. દરેક સભ્યની પોતાની એકેક ગાડી. સમૃદ્ધિ ખૂબ હતી એટલે સાધનની સુવિધાની કોઈ કમી ન હતી.

માત્ર સમજદારીની કમી હતી, એથી આટલી સુવિધા પછી ય પરિવારમાં પરસ્પર સુમેળ જોવા ન મળે. પરિવારજનોની સ્થિતિ ૬૩ જેવી નહિ, ૩૬ જેવી હતી. ૬૩માં ૬ અને ૩ પરસ્પર સન્મુખ હોય, જ્યારે ૩૬માં ૩ અને ૬ પરસ્પર વિમુખ હોય.

પરિવારના સભ્યો પણ પરસ્પર આ રીતે વિમુખ હતા. સહુ સહુના સમયે ગાડી લઈને નીકળી જાય. પરત આવવાનો સમય પણ સહુ સહુની રીતનો. ન કોઈ કોઈને પૂછે, ન કોઈ કોઈની સાથે ચર્ચા- વિચારણા માટે બેસે.
 એક દિવસની વાત.

કોઈ મોટા સ્વજન ઘરે આવ્યા હતા. એમનો દરજ્જો ઊંચો હતો. ખબર- અંતર પૂછયા પછી એ જરૃરી કામ માટે બજારમાં જવા ઇચ્છતા હતા અને સાંજે 'બાય ફલાઈટ' પોતાના શહેર પહોંચવાના હતા.  એમને બજાર જવા માટે 'કાર' ની જરૃર હતી. મોટાભાઈ થોડીવાર બાદ ઓફિસે- જવાના હોવાથી એમને ય' કાર' ની જરૃર હતી.

આથી એમણે નાના ભાઈને જાણ કર્યા વિના એની 'કાર' મહેમાનને આપી દીધી. મહેમાન તો 'કાર' લઈને ગયા. કિંતુ એ પછી થોડી જ વારમાં નાના ભાઈને આ ઘટનાક્રમની જાણ થતાં એનો ગુસ્સો આસમાનને આંબી ગયો. એ ધૂઆંપૂઆં થઈ મોટા ભાઈને કહેવા માંડયો :

'' મારી કાર તમે મને પૂછયા સિવાય આપી જ કેમ ? તમારી કાર આપવી હતી ને ?'' મોટા ભાઈએ એને શાંતિથી સમજાવ્યો : '' મારે તુર્ત જ ઓફિસે જવાનું છે એટલે મારી કાર ન આપી. તારી કાર સવારે લગભગ વપરાશમાં નથી હોતી. એથી તારી કાર આપી.

એમાં ક્યું મોટું આભ ફાટી પડયું ?'' નાના ભાઈએ તંત ન છોડયો. એ ચિલ્લાયો : ' પણ મારી ચીજમાં તમે દખલ કેમ કરી ? મારે અત્યારે બહાર જવું જ છે. તો મારે શું કરવું ? '' મોટા ભાઈએ ચિડાઈને જવાબ દીધો : '' અરે ? તો તું ટેક્સીમાં જ્જે. પણ આમ મારું દિમાગ ન ખા.'' એ તરત ત્યાંથી ઓફિસે ચાલ્યા ગયા.

નાનાભાઈની અપેક્ષા તીવ્રપણે ઘવાઈ : ' હું ટેક્સીમાં જઉં જ કઈ રીતે ? મારે મારી ' કાર' જ જોઈએ. એના વિના મારો નાનો પ્રવાસ પણ શક્ય નથી. મોટા ભાઈએ મારી ગાડી આપીને બહુ જ ખોટું કર્યું છે. મારે નથી જીવવું.' અપેક્ષાભંગની પરાકાષ્ઢાએ હતાશામાં એ જ બપોરે નાના ભાઈએ આત્મહત્યા કરી લીધી !!

અપેક્ષાનો ભંગ થતાં સર્જાતી કરુણાંતિકા આ દુર્ઘટનામાં હૂ-બ-હૂ ઝિલાય છે. આપણે એ નિહાળ્યા બાદ યાદ રાખીએ આ વાસ્તવિકતા કે અપેક્ષા અને આંસુ બન્ને જોડિયા ભાઈઓ છે...

(૨) આગ્રહ : ઘણીવાર એવું નિહાળાય છે કે જ્યોતિષમાં માનનાર વ્યકિતઓ ગ્રહોની બાબતે બહુ ભીરુ- વધુ પડતી સાવચેત હોય. 

જરાક સમસ્યા આવી કે ઘરમાં સંબંધો તનાવભર્યા થયા કે એ તરત સાચા- ખોટા લેભાગુ જ્યોતિષીઓ પાસે પહોંચી જશે. ' શનિની સાડાસાતી છે કે મંગળનો દોષ છે' જેવી ભાત- ભાતની વાતો સાંભળીને એ એના જાતજાતના ઉપાયો કરાવશે. ક્યાંક એની ખાસ વિધિ કરાવશે, તો ક્યાંક એનાં નંગોની વીંટીઓ પરિધાન કરશે. હમણાં આ નંગોની વીંટીઓ અંગે રમૂજી કટાક્ષપંક્તિ વાંચી કે :-
રંગ છે રંગ છે, વીંટીઓનો સંગ છે,
નવ ગ્રહોના નંગ છે, તો ય જીવન તંગ છે.

અમે કહીએ છીએ કે વ્યકિત નવગ્રહોના નડતર અંગે જેટલી ખબરદાર રહે છે. એનાથી અનેકગણી વધુ ખબરદારી- જાગૃતિ એણે જીવનમાં પાંગરેલા દોષોરૃપ ગ્રહો અંગે રાખવી જોઈએ.

એ એવા દોષો છે કે જેના નામના અંતે 'ગ્રહ' આવે છે : જેમ કે વિગ્રહ- આગ્રહ વગેરે. આ એવા ખતરનાક દોષો છે કે જેના દ્વારા થતી ખાનાખરાબી સામે નવગ્રહો દ્વારા થતું નુકસાન કોઈ વિસાતમાં ન હોય. આમાંનો એક દોષ છે આગ્રહ.

જીવનમાં જો તનાવથી- અશાંતિથી મુક્ત થવું હોય તો જીવનવ્યવહારની નાની- મોટી બાબતે આગ્રહભાવ નહિ, અનાગ્રહભાવ કેળવવો જોઈએ. રોજિંદા જીવનવ્યવહારમાં એવી અગણિત બાબતો આવશે કે જેમાં આગ્રહ ભેળવવાથી 'તાણ્યે તૂટી જાય' પંક્તિ જેવું થાય.

દીકરાએ હું કહું એ જ લાઈન લેવી જોઈએ. પત્નીએ હું કહું એ જ 'હેરસ્ટાઈલ' રાખવી જોઈએ. પતિએ પોતે ક્યાં છે એની દિવસમાં દશ વાર માહિતી આપવી જ જોઈએ' આ કે આવા આવા આગ્રહો ઘણીવાર નાના હોવા છતાં પારિવારિક જીવનમાં વિસ્ફોટ સર્જી શકે છે.

હા, વ્યાવહારિક જીવનમાં આગ્રહ ત્યાં જ હોય જ્યાં મોટાં નુકસાનોની સ્પષ્ટ સંભાવના જણાતી હોય. વસ્તુત : એ આગ્રહ નહિ, દૃઢતા કહેવાય. એ સિવાયની બાબતમાં આપણો અહં પંપાળવા ખાતર જતું ન કરીએ  તો તે આગ્રહ અને આગળ વધતા હઠાગ્રહ- જીદ કહેવાય.

ધર્મક્ષેત્રે- સાધનાક્ષેત્રે 'મારું એ જ સાચું' આવું વલણ, આગ્રહ અને આગળ વધીને કદાગ્રહ કહેવાય.

આવો કદાગ્રહ દીર્ઘકાલીન સંક્લેશો- મતમતાંતરો સર્જવા ઉપરાંત તે  કદાગ્રહી વ્યકિતની આત્મિક અધોગતિનું કારણ પણ બને. એથી જ શ્રીમાન હરિભદ્રસૂરીશ્વરજી મહારાજે ' યોગદૃષ્ટિસમુચ્ચય' ગ્રન્થમાં જણાવ્યું છે કે ''ગ્રહ : સર્વત્ર તત્ત્વેન મુમુક્ષૂણામસઙ્ગત :'' ભાવાર્થ કે ઉપરોક્ત આગ્રહ મોક્ષાર્થી આત્મા માટે અસંગત છે- વજર્ય છે. મોક્ષાર્થી આત્માનો અભિગમ 'મારું એ સાચું ' નો હોવો જોઈએ.

આગ્રહ-હઠ-જીદ જ્યારે વ્યકિતના દિલ- દિમાગમાં સવાર થઈ જાય ત્યારે અંજામ કેવો આવે એ જાણવું હોય તો વાંચો આ રામાયણપ્રસંગ : સીતાજીનાં અપહરણ બાદ રાવણના માથે યુદ્ધનાં વાદળો ઘેરાયા ત્યારે વિભીષણથી લઈ મંદોદરી સુધીના ઘણા સ્વજનો ઇચ્છતા હતા કે રાવણ સીતાને પત્ની બનાવવાનો હઠાગ્રહ છોડી સીતાજીને સુપરત કરી દે. વિભીષણં આ સમજાવટમાં ઝઘડો થતાં રામનાં પક્ષે ચાલ્યા ગયા.

અંતે મંદોદરીએ રાવણની પ્રેમથી સમજાવટ આદરી : '' નાથ, મારાં રૃપ- શીલમાં તમને કાંઈ ખામી લાગી ?''''ના.'' તો પછી સીતાનો હઠાગ્રહ કેમ નથી છોડતા ?'' રાવણે પ્રત્યુત્તરમાં પ્રશ્ન કર્યો : '' મારી શક્તિ સમૃદ્ધિમાં  તને કાંઈ ખામી લાગી ?'' ''ના. પણ એને મારા પ્રશ્ન સાથે શું સંબંધ ?'' એમાં જ મારો જવાબ છે કે શક્તિશાલી- મોટા બની જાય છે એ જલ્દીથી આગ્રહ- તંત છોડી શક્તા નથી.મને ખબર છે કે આ યુદ્ધમાં ધર્મ મારા પક્ષે નથી. માટે મારો નાશ થવાન છે. પરંતુ હું જગતને બે સંદેશ આપી જઈશ કે (૧) મોટાઓ જલ્દી હઠાગ્રહ છોડતા નથી. અને

(૨) હઠાગ્રહ ન છોડે તો મોટાઓનો ય અંજામ બૂરો આવશે..''
છેલ્લે એક વાત : વધુ પડતી અપેક્ષાઓ તમને દુ:ખી દુ:ખી બનાવી દેશે, તો વધુ પડતા આગ્રહો તમને અળખામણા બનાવી દેશે.


For more update please like on Facebook and follow us on twitter

http://bit.ly/Gujaratsamachar

https://twitter.com/gujratsamachar

 


 

Post Comments