Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આકાશની ઓળખ

- એ સમયે કળિયુગની પહેલી રાતનો પ્રારંભ થયો !

પ્રભાસ તીર્થના મહાસાગરમાં ઊંચે ગયેલા મોજાંઓ ભીષણ અવાજ સાથે જળમાં પ્રપાત પામતાં હતાં. દરિયામાં આવેલી ભરતીને પરિણામે ઉછળતાં પાણી આગળ ધપીને  વધુને વધુ ભૂમિ પર છવાઈ જતા હતા. એ જ પ્રભાસના તટ પર વેરના ઊછળતાં મોજાંઓ આખા યાદવકુળને પોતાનામાં ગરક કરી દેતા હતા.

શ્રીકૃષ્ણની નજર એ ઊંચે  ઊછળતાં મોજાંઓ દરિયાના પાણી પર પડે છે તેના પર હતી. એમનું કવચિત્ એમના ચિત્તમાં એમના કાકા સમુદ્રવિજયના ક્ષત્રિયપુત્ર નેમનું સ્મરણ થતું હતું. દ્વાપર અને કળિયુગના સંઘિકાળે જન્મેલા એ નેમનાથ કર્મયોગી શ્રીકૃષ્ણ અને મહારથી બલરામ કરતાં જુદી માટીના બનેલા હતા. નેમનાથ ક્ષત્રિય પ્રકૃતિથી વિપરીત વ્યકિતત્વ ધરાવતા હતા.

એમના એ શબ્દોનું શ્રીકૃષ્ણને સ્મરણ થતું હતું.
'સર્વ જીવોને તમારા જેવો ગણો
તમને સુખ ગમે તો સર્વ જીવોને એ જ ગમે !'

'જીવમાત્રમાં મન છે મનમાં સુખદુઃખ છે એ મનને સાધો ! મનને સાધશો તો આ યુદ્ધ, આ વેર આ કલહ, શાંત થઈ જશે. સંસાર સ્વર્ગ થશે. પૃથ્વી પ્રેમનું મંદિર બની જશે. પૃથ્વી પર ચાલી રહેલા માનવમનના મહાભારતને ઓળખો. વેરથી વેરની વેલી વધે છે. એને ફળ અને ફૂલ બેસે છે. ક્ષમાથી વેર ઘટે છે અને સ્નેહથી વધે છે. રાગદ્વેષથી પર રહીને નિષ્કામ કર્મ કરો. '

નેમનાથના શબ્દોના પડધા શ્રીકૃષ્ણના ચિત્તમાં પડે છે અને વિચારે છે કે હવે સંસારમાંથી અનિષ્ટ માત્રના સંહાર કાજે અવતરેલા પોતાનું અવતારકૃત્ય પૂર્ણ થયું છે.

શ્રમ અને ખેદ શ્રીકૃષ્ણના દેહ પર ફરી વળ્યા અને સામર્થ્યહીન બનેલા અને નજર સામે સ્વજનોનો અને કુળનો સંહાર જોનારા યાદવપતિ શ્રીકૃષ્ણને ગાંધારીના શાપનું સ્મરણ થાય છે.

કુરુક્ષેત્રના રણાંગણમાં પુત્રોનાં મૃતદેહને જોઈને મૂર્છાગ્રસ્ત બનેલી ગાંધારી શ્રીકૃષ્ણના પ્રયાસથી જાગ્રત થયા, ત્યારે ગાંધારીએ એમને સવાલ કર્યો, ' હે કમલનયન કેશવ, કુરુક્ષેત્રનું હૃદયદ્રાવક દૃશ્ય મારાથી જોવાતું નથી. મારું હૈયું ચિરાઈ જાય છે. મારી ચેતના શૂન્ય બની જાય છે. જુઓ તો ખરા જનાર્દન, મારા સો સો પુત્રોની શું હાલત થઈ છે. ગીઘ, શિયાળ, કૂતરાં, કાગડાં અને અન્ય વ્યંતર એ મારા સુકોમળ બાળકોને ચૂંથે છે.

એમના અવયવોને પોતાના તીક્ષ્ણ દાંતથી ખેંચે છે અસહ્ય છે આ બધું અસહ્ય !'
દુર્યોધનનું શબ જોતાં ગાંધારી પુનઃ બેભાન થઈ જાય છે અને જાગૃત થયા બાદ બહાવરી થઈને બોલી ઉઠે છે, ' શ્રીકૃષ્ણ, આ કૌરવ- પાંડવના યુધ્ધનું મૂળ કારણ તમે છો. તમે જ મારા પુત્રોના વધને માટે જવાબદાર છો. અમારા વંશનું નિકંદન કાઢવા માટે ઉત્તરદાયી છો આખી હું પુત્રવિહોણી થઈ ગઈ. અને તમે આ મહાસંહારના સ્ત્રષ્ટા છો.

ભીમ, અર્જુન, સાત્યકિ કે ધ્રૃષ્ટદ્યુમન તો માત્ર યુદ્ધનાં પ્યાદાં હતાં, પણ એ પાસાંનો દાવ ખેલનારી શક્તિ, બુદ્ધિ, પ્રેરણાને વ્યૂરચના તો તમે છો અને તમારે કારણે મારા વંશોને  દીવો ઓલવાઈ ગયો, માટે હું તમને શાપ આપું છું કે આજથી છત્રીસમાં વર્ષે તમારા યાદવકુળના બંધુ-બાંધવાના સંહાર માટે કારણભૂત થયો. તમે સ્વયં વનમાં રઝળશો અને નિરાધાર અને અપરિચિત બનીને તમે મૃત્યુ પામશો. આજે જે રીતે મારા વંશની સ્ત્રીઓ વિલાપ કરે છે, એ જ રીતે યાદવકુળની સ્ત્રીઓ પોતાના પતિઓ, પિતાઓ, ભાઈઓ, સંતાનો અને સંબંધીઓના નાશથી આકુળવ્યાકુળ બનીને વિલાપ કરશે. '

અને એ સમયે શ્રીકૃષ્ણએ કહ્યું હતું કે,' યાદવોના અટલ સંહાર અંગે મને સહેજેય સંશય નથી. તમારા શાપ દ્વારા એ તમે પ્રગટ કર્યો. આ સઘળું વિધિનિર્મિત છે, કાળદેવતાને આ જ ઇષ્ટ છે. '

શ્રીકૃષ્ણ યાદવકુળના સંહારને નિર્લેપ થઈને જોઈ રહ્યા હતા. સમયના ચક્રને સ્વીકારી રહ્યા હતા, પણ બલરામ ઘણા અસ્વસ્થ થઈ ગયા. એમને કલ્પના પણ નહોતી કે આ બધું શું થઈ ગયું ? એકાએક વેરનો વિપાક કેમ ? પણ જ્યારે એમને પ્રતીતિ થઈ કે આ સઘળું વિધિનિર્મિત છે, ત્યારે પ્રભાસ તીર્થને અંતિમ અભિવાદન કરી યોગથી પ્રાણ ત્યજી દીધા.

પાસે આવેલા એક પીપળાના વૃક્ષ નીચે જમણા સાથળ પર બીજા પગને ટેકવીને શ્રીકૃષ્ણ જરા આડા પડયા. કરુણામૂર્તિએ આંખોની પલક સ્હેજ ઢાળી હતી. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુનને આપેલા ગીતાબોધનું સ્મરણ કર્યું. અધર્મીઓને હણવા માટે હું જન્મ્યો છું, આથી જ તો સગા મામા દુષ્ટ કંસ પ્રત્યે પણ ક્યાં મેં કરુણા કરી ? યમ જેવો જોરાવર હતો જરાસંઘ, પણ મેં એ અધર્મીને પણ ક્યાં છોડી દીધો ? એક બાજુ સગા ફોઈનો દીકરા શિશુપાળ અને સામે દેખાય છે સગાં ફોઈના દીકરા પાંચ પાંડવો. શિશુપાળ સત્ય છોડીને સિતમને પંથે વળ્યો, તો એને મેં હણ્યો. પાંડવો સિતમથી નમ્યા વિના સત્યના પંથે રહ્યા, તો તેમની સાથે રહીને લડયો. કોણ મારા સગાં ? કોણ મારા બંધુ ? કોણ મારા સ્નેહી ? કોઈ નથી, મારે તો છે સગપણ સત્ય સાથેનું, બંધુત્વ પ્રેમ સાથે અને સ્નેહ છે ધર્મનો.'

મધ્યાહૃનનો સમય થયો હતો. હવા ધીમા તાપે ગરમ થતી. સોનેરી હરણાં ઊછળી ઊછળીને વનરાજિમાં ગેલ કરતાં હતાં. મોર કળા કરતો હતો. ચોતરફ એક સ્મશાનશાંતિ વ્યાપી વળી હતી. આવે સમયે ઘટાદાર વૃક્ષના થડને અઢેલીને બેઠેલા શ્રીકૃષ્ણના પગની પાનીને વીંધીને એક તીર ઊંડુ ઊતરી ગયું.ળ
થોડીક ક્ષણોમાં તો તીરના જેટલા જ વેગથી એ પારધી દોડતો આવ્યો. એણે તો દૂરથી શ્રીકૃષ્ણના રક્તવર્ણા પદામ્ભુજ જોયા હતાં અને તેથી માન્યું હતું કે મૃગ છે, આથી સરસંધાન કરી જરા પારધીએ એ પગને વીંધી નાખ્યો. પણ નજીક આવીને જોયું તો મૃગને બદલે માનવી વીંધાયો હતો. એ પાસે ગયો. વધુ પાસે ગયો અને જોયું તો એ માનવી અને એ પણ કોઈ સામાન્ય માનવી નહીં, પણ ત્રિલોકીવીર ભગવાન શ્રીકૃષ્ણ પોતે હતા. મોરમુકુટ અને પિતાંબરધારી જગતપતિ.

પારધી ચોધાર આંસુએ રડતો માથા કૂટતો શ્રીકૃષ્ણના ચરણમાં આળોટી પડયો અને બોલ્યો,' હું મોટો અપરાધી છું. મેં આપના ચરણારવિંદને વીંધવાનું જધન્ય પાપ કર્યું છે. મેં આપને જોયા નહોતા. આપના રક્તચરણને હું મૃગ સમજ્યો અને મેં તીરથી વીંધી દીધું. આપનો પગ વીંધાઈ ગયો. તેમાંથી લોહીની ધારા વહી રહી છે. પ્રભુ ! હું શું કરું ?'

કરુણામૂર્તિ શ્રીકૃષ્ણએ એને બેઠો કર્યો. એક ક્ષણ એની સામે જોયું અને કહ્યું,' કોણ જરાકુમાર ?'
'હા. હું એ જ અધમાધમ. પ્રભુ, આ હત્યાનું પાપ ક્યારે છૂટશે ?'

' શાંત થા જરાકુમાર. તેં તો મને એકને હણ્યો, પણ મેં કંઈ ઓછા માણસોને હણ્યા છે. આજ તો નવસર્જન માટે સંહારયજ્ઞા યોજ્યો છે. અનિષ્ટ માત્રનો સંહાર. એમાં તારું- મારું નહીં જોવાનું. મહાભારતમાં અર્જુનનો સારથિ તો હું જ હતો ને ! મહાભારતમાં મેં કોઈને માર્યા નથી, માત્ર પાપ, અધર્મ અને અન્યાયને હણ્યા છે. દુષ્કૃત્યમાત્રનો નાશ કર્યો છે.'

જરા કુમારે કહ્યું,' કેવું મોટું પાપ થઈ ગયું મારાથી ! હું શું કરું ?'
શ્રીકૃષ્ણે શાંતિથી કહ્યું, ' જરા, તારો કોઈ દોષ નથી. તું તો માત્ર નિમિત્ર છે. જે થવાનું હતું તે થયું. કાળચક્રની ગતિને કોઈ થંભાવી શકે છે ખરું ? મારા જીવનની આ અંતિમ ક્ષણ છે. મારું અવતારકાર્ય પૂર્ણ થયું છે. હું મનુષ્ય દેહનો ત્યાગ કરું છું. તું રડીશ નહીં, શોક કરીશ નહીં. પશ્ચાત્તાપનાં આંસુ સારીશ નહીં. આમાં તારો સહેજે વાંક નથી.'

'અરે જુઓ, આ સાગરદેવતા પણ મારું પાપ જોઈને ક્રોધે ભરાયો લાગે છે પ્રભુ ! પહાડ જેવાં એનાં મોજાં ઊછળી રહ્યાં છે.'

'ના, આ સાગર મારી પ્રિય દ્વારિકાને ગળવા સજ્જ થઈ રહ્યો છે. એ વાંસળી સાથે વાંસને પણ ઉખેડી નાખવા માગે છે. જા, જલ્દી જઈને દ્વારિકામાં ખબર આપ.'

આટલું કહી શ્રીકૃષ્ણે આંખ મીંચી દીધી. જરાકુમારના પગ ભાંગી ગયા હતા. એની તાકાત તૂટી ગઈ હતી. એની પાછળ ખળભળેલા દરિયાએ દોટ મૂકી હતી. આખરે એ દરિયાએ દ્વારિકાને પોતાના અનંત જળસાગરમાં ડૂબાડી દીધી.

ભગવાન શ્રીકૃષ્ણે પોતાનું વિશ્વલોચન બીડયું. કળિયુગની પહેલી રાતનો એ સમયે પ્રારંભ થયો.
 - કુમારપાળ દેસાઈ

Post Comments