Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Go Social with Facebook Close

Our Social Reader lets you keep track of your favorite Gujarat Samachar content (text, photos & videos) on your Facebook Timeline, and discover new content with friends.

Gujarat Samachar

Facebook

Enable Social Reading
No, Thanks

આંખ છીપ, અંતર મોતી- આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી

જેના ઘરમાં સાચની કમાણી તેના ઘરમાં લક્ષ્મીનો વાસ !

ન્યાયથી આવેલું ધન સુખ આપે, શાંતિ આપે. ખોટારસ્તે આવેલું ધન ન આપે સુખ, કે ન આપે શાંતિ, માંદગી લાવે. ઉપાધિઓ લાવે, દુ:ખ લાવે તેવું ધન શા કામનું ?

ખુશીનગરીમાં હેલાક શેઠ રહે. કરિયાણાની દુકાન ચલાવે. હેલાક શેઠની દુકાનમાં લેવાના ને દેવાના ત્રાજવાં નોખાં. સવાશેર કહે ને પોણો શેર આપે, પોણો શેર કહે ને સવા શેર લે ! ગામના લોકો શેઠની આ તરકીબ જાણે.

ગરીબને મજબૂર માણસો, જરૃર હોય એટલે ખરીદી માટે આવે ખરા, પણ ખરીદીને જાય ત્યારે શેઠને પૈસા ચૂકવતા જાય ને શ્રાપ દેતા જાય !
ખુશીનગરના લોકો હેલાક શેઠથી નારાજ રહે. સૌ હેલાક શેઠને 'વંચક શેઠ' કહે ! વંચક એટલે જુઠું તોળનાર !

હેલાક શેઠનો પુત્ર પરણ્યો. સંસ્કારી અને સુશીલ પુત્રવધુ ઘરમાં આવી. પુત્રવધુએ પહેલે દિવસે જ સસરાને લોકો વંચક શેઠ કહે છે તેમ જાણ્યું ત્યારે તેને ન ગમ્યું.
પુત્રવધુનું નામ લક્ષ્મીદેવી. તેણે પોતાના સસરાને લોકો શાથી વંચક શેઠ કહે છે તેનું કારણ જાણ્યું ત્યારે તેની નાખુશી બેવડાઈ.

તેણે ઘરનો વહીવટ હાથમાં લીધો ને સૌપ્રથમ વાર ઘર અને પતિના કામકાજ વ્યવસ્થિત કર્યા. પછી તેને થયું કે મારા ઘરની આબરુ મારે વધારવી જોઈએ. મારા પરિવારનું નામ ન્યાય અને નીતિ માટે જાણીતું બને તેવું મારે કરવું ઘટે.
મધ્યાહ્નનો સમય છે.

હેલાક શેઠ જમી-પરવારીને હાથમાં સોપારીનો ચૂરો કરીને ખાતા હતા ત્યારે શાણી લક્ષ્મીદેવી નજીક આવી અને બોલી :

'પિતાજી, આપનું નામ લોકો હેલાક શેઠને બદલે વંચક શેઠ બોલે છે તે બરાબર નથી : આપ અનીતિથી ધંધો કરો છો માટે આ સૌ આમ બોલે તેમ કહેવાય છે !'

હેલાક શેઠ ચમકયા. તેમણે કહ્યું :
'બેટા, લોકની સામે ન જોવાય. એ તો ગમે તેમ બોલે. ન્યાય અને નીતિથી ધંધો કરનાર ભૂખે મરે છે. સત્યનો આગ્રહ રાખીએ તો કંઈ જ કમાણી નહિ થાય ને ઘર પણ નહિ ચાલે. તારે ચિંતા ન કરવી. મારો આખો જન્મારો આમાં ગયો !'
લક્ષ્મીદેવી કહે,'પિતાજી, તમારી વાત સાચી નથી. ન્યાયથી આવેલું ધન સુખ આપો, શાંતિ આપે. ખોટારસ્તે આવેલું ધન ન આપે સુખ, કે ન આપે શાંતિ, માંદગી લાવે.

ઉપાધિઓ લાવે, દુ:ખ લાવે તેવું ધન શા કામનું ? આપણને કમાણી ઓછી થશે તો હું ઘર કરકસરથી ચલાવીશ પણ જો તમે મને પુત્રી માનતા હો તો મારા ખાતર છ મહિના- માત્ર છ મહિના- નીતિથી ધંધો કરી જુઓ : એમાં કમાણી વધશે ને યશ મળશે !'

શેઠ વિચારમાં પડયા. થોડીવાર પછી કહે,'સારું તેં કહ્યું છે તેમ કરીશ.'
શેઠની કામકાજની રીત બદલાઈ. લોકો પણ શેઠની પ્રશંસા કરવા માંડયા. શેઠ સાચું તોળતા હતા. સાચું આપતા હતા. હેલાક શેઠનો ધંધો વધ્યો ને નફો પણ વધ્યા !
લોકો માનથી હેલાક શેઠને બોલાવવા માંડયા.!
છ મહિને શેઠે દુકાનનો હિસાબ કર્યો તો પાંચ શેર સોના જેટલો નફો થયો !
શેઠે પુત્રવધૂને બધી વાત કરી. લક્ષ્મીદેવી કહે,

'પિતાજી, જો તમારી કમાણી ન્યાયી હસે તો ક્યાંય નહિ જાય : એ પાંચ શેર સોના પર ચામડું મઢાવી ઉપર તમારું નામ લખીને ગામમાં ફેરવો : લોકો પાંચ શેરનું વજન કરવા લઈ જશે પણ એ ધન હકનું છે માટે ક્યાંય નહિ જાય.'

એમ જ થયું. હેલાક શેઠે પાંચશેરી ફરતી કરી. લોકો તોળવા લઈ જાય. બે દિવસે પાછા પણ આપી જાય.
શેઠનો નીતિનો ધંધો હવે વ્યાપક થયો. શેઠની પ્રશંસા ખૂબ વધી.
છ મહિના વીત્યા.

શેઠની પ્રસન્નતાનો પાર નહિ. શેઠે ફરી પુત્રવધૂને પૂછયું,
'બોલ બેટા, તેં જેમ કહ્યું તેમ કર્યું ને તેં જેમ કહ્યું તેમ થયું. હવે શી આજ્ઞાા છે આ તારા પિતાને ?'શાણી લક્ષ્મીદેવી હસી પડી.
તેણે કહ્યું,' પિતાજી, હું તો આપની પુત્રી છું : આપને આજ્ઞાા નહિ, વિનંતી હોય : એક ઇચ્છા છે કે..'

'હા, બેટા બોલ, તું કહીશ તેમ થશે.'

'પિતાજી, એક ઇચ્છા એવી છે કે આપણા નગરની બહાર મોટું તળાવ છે. આ પાંચશેરી તેમાં નાખી દો. જો આપણા નસીબમાં હશે, આપણી સાચી મહેનતની કમાઈ હશે તો તે પાંચશેરી અચૂક પાછી આવશે અને જો આપણા નસીબમાં નહિ હોય તો પાછી નહિ આવે : હવે તમને જેમ ઠીક લાગે તેમ કરો.'
હેલાક શેઠ કહે,'બેટા, આવી રીતે તળાવમાં સોનાની પાંચશેરી નંખાય પણ ખરી અને પાછી આવે પણ ખરી ?'

'હા, પિતાજી, જો આપણું તે સાચું ધન છે. આપણું જ છે ને ખરી કમાઈનું છે તો જરૃર પાછું આવશે જ ! પ્રભુએ કહ્યું છે કે જેનું છે તે તેને મળે જ છે- એ વાત ઉપર વિશ્વાસ રાખો !'
એમ જ થયું.
શેઠને પુત્રવધૂ લક્ષ્મીદેવીના શાણપણ પર અખંડ શ્રદ્ધા હતી. શેઠ પાંચશેરી રાત્રે તળાવમાં નાંખી આવ્યા !

થોડાક દિવસ પછીની વાત છે :
સાંજની વેળા છે. બે માછીમાર શેઠ પાસે આવ્યા. કહે, ' શેઠ ! આજે તળાવમાં જાળ નાખી તો આ પાંચશેરી પણ આવી. અમારે પાંચશેરીના વજનનું શું કરવું છે ? તે તમે રાખો અને અમને અનાજ આપો તો સારું !'
શેઠે પાંચશેરી ઓળખી, તેમની આંખ સજળ બની. પુત્રવધૂ લક્ષ્મીદેવીએ પ્રભુનો પાડ માન્યો.

હેલાક શેઠની ન્યાય અને નીતિની શાખ વખણાઈ. હેલાંક શેઠનું નામ લઈને દરિયામાં માછીમારો વહાણ ચલાવતા અને ચલાવતી વખતે 'હેલાસા' 'હેલાસા' બોલતા ! આજે પણ એમ બોલાય છે !
ન્યાય અને નીતિથી મળેલું ધન શ્રીમંત બનાવે છે અને સંતુષ્ટ બનાવે છે ! ન્યાય અને નીતિ જીવનનો ઉત્તમ પંથ છે!

પ્રભાવના : સમાજમાં જે ઘણી બધી સમસ્યાઓ ખડી થઈ છે. તેમાં એક સમસ્યા સમર્પિત સેવકોની પણ છે. સમર્પણ, વફાદારી, નિષ્ઠા આજે દુર્લભ બની રહ્યાં છે ! સમાજચિંતકોએ આ સમસ્યા સુલઝાવવા સત્વરે જાગવું જોઈએ. સાધના અને સિદ્ધિ જેમ સમર્પણ માંગે છે તેમ સફળતા માંગે છે, સમર્પિત સેવક.

 

Post Comments